છેલ્લાં આઠ વર્ષથી મારી કર્મભૂમિ બની ગયેલા વાગડ પંથકને વધુને વધુ જોવાની, સમજવાની ને એના માટે કંઈક કરી છૂટવાની મથામણ સતત ચાલ્યા કરે છે. ક્યારેક દેખાય એવી તો મોટા ભાગની અંદર અંદર ચૂપચાપ સળવળતી ! રાપરની આપણી કૉલેજમાં ક્યાં ક્યાંથી વિદ્યાર્થીઓ આવે. એમના ચહેરા વાંચતો જાઉં ને મારું ચિત્ત એ ચહેરા પાછળની પરિસ્થિતનો તાગ મેળવવા મથ્યા કરે. કોઈની આંખોના ઉજાગરા મને એમણે ભાગે કરેલા જીરાના ખેતરમાં લઈ જાય ને મને દેખાય રાત જાગીને પાણી વાળતો ને સવારે આંખો ચોળતો બસમાં બેસતો થાકથી લથબથ થતો વિદ્યાર્થી. કોઈ બે ચાર દિવસ ન આવે ને પૂછું તો જવાબ મળે કે, ‘સાહેબ, એ તો મૂલે ગયેલો, મને જીરું વાઢવું બહુ ગમે !' જવાબ આપતા વિદ્યાર્થીની આંખ કહેતી હોય કે ઘરનો ખાડો પૂરવા જવું પડે સાહેબ, તમને નોં સમજાય ! આવા તો કાંઈ કેટલા ય વિદ્યાર્થીઓ મારી આસપાસ હોય ત્યારે એમ થાય કે ગામડે એમના ઘરે જઈ એમના ઘરને જોઉં ને પરિવારને મળું તો જ એમની સાચી સ્થિતિનો અંદાજ આવે. આ વિચાર મને થોડા થોડા દિવસે વિદ્યાર્થીઓના ઘર ભણી લઈ જાય. બે-ચાર ‘દી પહેલાં સપરિવાર આ રીતે જ ઉપડી પડ્યા, વિદ્યાર્થી મિત્રોના ઘરે. સાથે ભળ્યા શૈલેશભાઈ ને શ્રીલેખાબહેન.
આપણી સાથે સોનટેકરી પર રહીને બે વિદ્યાર્થીઓ કાગ રામ અને કુંભાર અબ્દુલ ભણે છે. મુકતાબહેન ભાવસારના અનન્ય સહયોગ થકી આ શક્ય બન્યું છે. અબ્દુલના ગામ ગેડી તો અમે પહેલાં ગયેલા પણ રામના ગામ દેશલપર નહોતું જવાયું. રામ અને અબ્દુલ ઘરના સદસ્યની જેમ રહેતા હોઈ બાળકો ને નિયામત સહિત સૌને એમનું ઘર જોવું હતું. એક દિવસ કૉલેજ પૂરી કરી અમે સૌ ગેડી ભણી રવાના થયાં. અબ્દુલ અમારા સારથી ને ગાડીમાં પણ મુક્તાબહેનની મહેરબાની.

વાગડના સુક્કા પ્રદેશને પસાર કરતા અમે ભોજન સમયે ગેડી પહોંચ્યાં. અમારી સાથે જ વિદ્યાર્થીઓની બસ પણ પહોંચી. ગેડીથી આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓને ત્યાં જવાનું ધારેલું. પોતાની કૉલેજના સાહેબને પોતાના ગામડે જોઈ વિદ્યાર્થીઓ કેવા રાજી થાય એ તો મારો અનુભવનો વિષય જ. મેં પણ એ અનુભવ્યું છે થોડાં વર્ષો પહેલાં ને આજે પણ અનુભવું છું. અબ્દુલના ઘરે અમારા માટે બનાવેલું ભોજન ઓચિંતા આવી ચડેલા દસ બાર મહેમાનોને ખવડાવીને બેઠેલાં અબ્દુલના માતા અને ભાભી આદિ ફરી ચૂલે ગોઠવાઈ ગયેલાં જોયાં. નિયામત ને શ્રીલેખાબહેન પણ કામમાં જોડાઈ ગયાં ને તાબડતોબ અમારું ભાવથી ભર્યું ભર્યું ભોજન તૈયાર થઈ ગયું. બધાંએ ધરાઈને ખાધું. રામ મુસ્કાન અને રુહાનીને ગામડાના ભૂતની વાતો કરે એટલે એમને તો ભૂત જોવામાં જ રસ હતો. અબ્દુલના મોટા બાપાએ એવી અજબ ગજબની વાતોથી અમારો વિસ્મયલોક ખોલી આપ્યો. બાળકો સહિત અમે સૌ એ વાતોનું આકંઠ પાન કરતા રહ્યા. એમાં એમનાં સુખ-દુઃખની વાતો સહજ વણાતી આવી. બાજુમાં જ ઘર હોવા છતાં મોટા બાપાના ઘરે પણ ઠંડુ પીવા સૌ ગયાં.
ત્યાં અમને ખેંચી રહ્યું હતું જેમલનું ઘર. જેમલ આપણા જૂના વિદ્યાર્થી. અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે એમ.એ. કરે છે ને એકના એક દીકરા તરીકે ઘરની જવાબદારી પણ સંભાળે છે. એમનાં બા, બાપુજી, બહેનો સૌ અમને જોઈ રાજી રાજી ને જેમલની તો ભૂરી ભૂરી આંખોમાં હરખ સમાય નહિ એવડું ! ખેતીવાડીની વાતો ચાલી ને જેમલને આગળ ભણાવવાની અરજ કરી અમે ઉપડ્યા જીગરના ઘરે.
જીગર મુખ્ય ગુજરાતીના વિદ્યાર્થી. એમનાં ઘરમાં પ્રવેશતાં જ અનુભવ્યું કે દરિદ્રતાએ કેવો ભરડો લીધો છે. એક જ આંગણામાં ત્રણ ભાઈઓનો પરિવાર રહે. ત્રણ નાના નાના ખોરડા ને એમાં વ્યાપેલું સુદામાના ઘરનું દારિદ્રય. વૃદ્ધ દાદીના ચહેરા પર વર્તાતો જીવનભરની મથામણનો થાક ને તેમ છતાં સૌના ચહેરે મલકતો મીઠો આવકાર. જીગરના બાપુજી થોડુંક ભણેલા પણ પરિસ્થિતિવશ ભણતર છોડવું પડેલું. ખેતીકામમાં મજૂરી કરીને બહોળા પરિવારનું ગુજરાન ચલાવવાનું. એક જ આશા કે જીગર ભણી ગણીને આગળ વધશે ને સૌ સારા વાના થશે !

હજુ તો મૂળજી રાહ જોઈ રહ્યા હતા. આ પૂર્વે અમે એમણે ભાગે વાવેલ ખેતરે ગયેલા પણ ઘરે જવાનું બાકી હતું. આંખો પાથરીને બેઠેલા મૂળજીના ઘરે પહોંચ્યા, ત્યાં આખો પરિવાર રાહ જોતું બેઠેલું. દોડતાં સૌ સામે આવ્યા ને અમે ભરત ભરેલી ગોદડીઓથી શોભતાં ખાટલા પર ગોઠવાયા. મૂળજીની મૌન સરભરા ચાલુ હતી ને અમારી વાતો. કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને ભણાવતાં આ વાલીઓને હું તો દંડવત્ પ્રણામ કરવા ને એમનો આભાર માનવા જ ગામડે ગયેલો. વૃદ્ધત્વ તરફ ગતિ કરતા મૂળજીના બાપુજી ને અન્ય પરિવારજનો મારી વાતોને ભક્તિભાવપૂર્વક સાંભળી રહ્યા હતા. એમણે મૂળજીની વાર્ષિક પરીક્ષા પહેલાં એમના લગ્ન ગોઠવી દીધેલા ને સંકોચશીલ મૂળજી કશું બોલી નહોતા શક્યા. વાતો વાતોમાં લગ્નને દસ બાર દિવસ પાછળ લઈ જવા વિનંતી કરી ને મારા પરમ આશ્ચર્ય વચ્ચે સાંજ સુધી તો વેવાઈ સાથે વાત પણ થઈ ગઈ ને લગ્નની તારીખ પણ બદલી ગઈ. મૂળજીના ઘરની ચા પીને અમે પાછા જરા અબ્દુલના ઘરે આવ્યાં, સામાન લઈ, ચા પીને નીકળ્યાં દેશલપર ભણી.
મુસ્કાન, રૂહાની ને અક્ષા ત્રણેય કહી રહી હતી કે, ' પપ્પા, રામાભાઈના ઘરે ક્યારે ચાલીશું ? અમે વચ્ચે આવતા હિંગળાજ માતાજીના દર્શન કર્યા ને ત્યાં દિવાનસિંહ આદિ યુવાન મિત્રો દ્વારા થઈ રહેલ વૃક્ષ ઉછેરની કામગીરીને નજીકથી જોઈ રાજી થયાં.
સૂર્ય અસ્ત થવા ભણી જઈ રહ્યો હતો ને અમે દેશલપુર ભણી, ને અમે પહેલાં પહોંચી ગયાં. અમે પહોંચીએ એ પહેલાં રામને ફોન પર ફોન આવતા હતા કે ક્યાં પહોંચ્યા ? ક્યારે આવશો ? અમે પહોંચ્યા કે ત્યાં સામે લોકોનું ટોળું ને એથી મોટું બાળકોનું ટોળું અમારી કુતૂહલવશ રાહ જોઈ રહ્યું હતું. રામના મોટાભાઈ ચોરાના ઓટલે બેસી અમારી કથાઓ કરી રહ્યા હતા. ગાડીમાંથી ઊતરતાં વેંત બાળકોનું ટોળું અમને ઘેરી વળ્યું. એમના રામભાઈ આજે ગાડી લઈને ગામડે આવ્યા હતા ને મેં એમને કહ્યું કે રામ મોટા સાહેબ થવાના છે ત્યારે એમનો આનંદ છુટ્ટા હાસ્ય રૂપે બહાર આવ્યો. રામનાં બા, બાપુજી ને આખો પરિવાર અમને તેડવા ધસી આવ્યો. વળી, આરંભાઈ અમારી ખાટલા બેઠક જેમાં નિતનવા જીવતરના વિષયો ચર્ચાતા રહ્યા. ત્યાં આવ્યા રામના ફોઈ. ભરયુવાનીમાં આવેલું વૈધવ્ય ને પછીનાં કપરા ચઢાણ ને એમાં સાથે એક હરિ નામનો આશરો ! એક તરફ મને ફોઈ ખેંચી રહ્યાં હતા ને બીજી તરફ મારું મન પારાવાર મુશ્કેલીઓની વચ્ચે પ્રસન્ન ચહેરે જીવતરના ઝેર કંઠે રાખી હસતા રામના મોટાભાઈ દલાભાઈ ભણી આદરભેર ઝૂકી રહ્યું હતું ! રામને ભણાવવામાં એમનો પ્રમુખ ફાળો છે. વાગડમાં જે ઉંમરે છોકરા કમાઈ દે એ ઉંમરે રામને ભણતો રાખવામાં એમને કેટલી મુશ્કેલી પડતી હશે, એનો અંદાજ તો આવી સ્થિતિમાંથી પસાર થનારને જ આવે. ઘાયલ કી ગત ઘાયલ જાને જેવું ! મારા રામને હારુ ભણાવજો કહી એમના ફોઈ તો દીવાબત્તીનો સમય થતાં ગયાં પણ બાજુમાં બેઠેલાં રામનાં બાએ ધીરેકથી પૂછ્યું કે, 'હેં સાહેબ, આ રામને હજુ કેટલુંક ભણવાનું બાકી છે ? ઈ કમાશે કે'દી ? બાના પ્રશ્નમાં હતી સુદામાપત્નીના વચનની વસમી વેધકતા ! મેં આશાવાદી જવાબ આપી એમને સધિયારો આપ્યો. કાશ હું ભવિષ્ય જોઈ શકતો હોત, તો આ માને નિશ્ચિન્ત કરી શકત !

અંધારું ઊતરતું ગયું, ને રસોડે ચૂલાની મહેકથી રસોઈ રંધાતી રહી. અમે આછે અજવાળે વાતો કરતાં રહ્યાં. રામના વૃદ્ધ પિતાના ચહેરાની કરચલીઓમાં વચ્ચે વચ્ચે સ્મિત પથરાતું રહ્યું ને વિયારુ કરવાનું ટાણું થઈ ગયું. ભાવથી બનાવેલી ખીર, ઘઉંના પાઠેરા, સેવ ટમેટાનું શાક, રોટલા ને દૂધ, દહીં, છાશ વગેરેની સાથે સૌનો પ્રેમ અમે પેટભરીને આરોગ્યો. વળી, ઘરની પછવાડે આવેલા વરંડામાં અમારી બેઠક જામી ને ત્યાં રામના મોટાબાપાના દીકરા બાઉભાઈએ ભજનની રમઝટ બોલાવી. અડોશ-પડોશના કેટલાંક લોકો મળવા આવ્યાં. ઠંડો પવન, સ્વજનોનો સંગ ને ઉપર તારામઢ્યું આકાશ, આ સઘળું અમારી મહેફિલને સભર કરી રહ્યું હતું. વાતો તો ખૂટે તેમ નહોતી પણ અમને ઘર સાદ કરી રહ્યું હતું. એટલે અમે સૌની રજા લીધી. ઝાંપા સુધી વળાવવા આવતા સૌની આંખોમાં વરસી રહ્યો હતો, અપાર સ્નેહ ! રામના બાપુજીએ ધીમેથી કહ્યું, ' સાહેબ, મારો રામ તમને સોંપું છું, એનાં રખોપા તમે કરજો ! એ ધ્રુજતા અવાજની સાથે ભળી ગયો જીગરના બાપુજીનો અવાજ, ‘સાહેબ, મારા જીગરને હરખો ભણાવીને તમારા જેવો સાહેબ બનાવજો ! અબ્દુલના પિતાજીએ વાતવાતમાં કહેલું કે, 'મેં તો રમજાનસાહેબને અબ્દુલ દઈ દીધો, હવે ઈ એને જે બનાવે તે સાચું !' તો મૂળજીના બાપુની આંખોમાં વણકહે વંચાતા ભરોસાને મારે નિભવવાનો છે એવું મારો અંતરરામ બોલી રહ્યો હતો.
આ બધી વાતોથી મન એવું ભરાઈ ગયું કે હું ને રામ ગાડીની છેલ્લી સીટમાં બેઠે બેઠે એકબીજાને તાક્યા સિવાય કંઈ ન કરી શક્યા. હું મનોમન મોટા રામને એટલી જ અરદાસ કરી રહ્યો હતો કે, બાપલા ! આ બધી આંખોની શ્રદ્ધાની લાજ તું રાખજે ! મારા વ્હાલા ….
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.