શાંતિથી વાંચવા-વિચારવા માટેઃ
 કટ્ટરતાથી કટ્ટરતા જ પોષાય છે. તેનાથી આવતી લાગતી આભાસી શાંતિ સૌહાર્દની નહીં, સ્મશાનની હોય છે. સામસામા કટ્ટરવાદના ટકરાવથી અવિશ્વાસ કાયમી બને છે, વેરઝેર ઊંડાં ઉતરે છે, ફોલ્ટ લાઇનો પેદા થાય છે.
કટ્ટરતાથી કટ્ટરતા જ પોષાય છે. તેનાથી આવતી લાગતી આભાસી શાંતિ સૌહાર્દની નહીં, સ્મશાનની હોય છે. સામસામા કટ્ટરવાદના ટકરાવથી અવિશ્વાસ કાયમી બને છે, વેરઝેર ઊંડાં ઉતરે છે, ફોલ્ટ લાઇનો પેદા થાય છે.
ફોલ્ટ લાઇન કશું ન થાય ત્યાં સુધી સામાન્ય જ હોય છે. પણ ત્યાં ધરતીકંપ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. એ અર્થમાં તે સૌથી જોખમી બની જાય છે.
હિંદુ કટ્ટરવાદીઓને છૂટો દોર મળ્યાનો સૌથી વધારે ફાયદો સામાન્ય હિંદુઓને થયો? ના, તેનો સૌથી વધુ ફાયદો હિંદુ મતબેન્કનું રાજકારણ ઇચ્છનાર-કોમવાદ તળે બધી સમસ્યાઓ સંતાડવા ઇચ્છનાર નેતાઓને થયો અને મુસલમાનોમાં રહેલા કટ્ટરપંથીઓને થયો.
એ સિવાયના કૂદાકડા મારનારાને તો, તેમના મનમાં રહેલા મુસ્લિમદ્વેષનું ઉઘાડું સમર્થન જોઈને કીક આવી ગઈ. તેનાથી દેશનું અને હિંદુ ધર્મનું ભલું થશે, એવું ભ્રમયુક્ત જૂઠાણું તે જોરશોરથી ચલાવે છે. સત્તાપક્ષને તે અનુકૂળ છે, એટલે દોડનારને તે ઢાળ આપે છે ને દોડવા દે છે.
મુસલમાન કટ્ટરવાદીઓથી સૌથી વધારે ફાયદો સામાન્ય મુસલમાનોને થયો? ના, મુસલમાનોને વોટ બેન્ક સમજતા નેતાઓને ઘણા વખત સુધી થયો અને તેમના જોડીદાર એવા હિંદુ કટ્ટરવાદીઓને લાંબા ગાળે થયો.
શાહીનબાગના આંદોલને ઘણી હદે સફળતાપૂર્વક દર્શાવી આપ્યું કે અંતિમવાદ સામે અંતિમવાદથી, કટ્ટરવાદ સામે કટ્ટરવાદથી લડાય નહીં. અહિંસક રીતે, શાંતિથી લડવું પડે. બંધારણીય રીતે લડવું પડે. ધર્મઝનૂનથી કામ ન લેવાય. એવી લડાઈ અઘરી છે. લોકશાહીનાં સ્થાનકો એક પછી એક શરણશીલ થઈ રહ્યાં છે ત્યારે તો ખાસ. છતાં, સાચી રીતે લડવાનો એ એક જ રસ્તો છે.
કટ્ટરવાદને સત્તાવાર રીતે નભાવી લેવામાં આવતો હોય કે તેને છૂપા / પ્રગટ આશીર્વાદ હોય, કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનો કટ્ટરવાદને પોષતાં હોય, ત્યારે કટ્ટરવાદ દેશની એકતા – અખંડિતતાનું રક્ષણ કરતો નથી. હકીકતમાં તે દેશની એકતા – અખંડિતતા સામે સૌથી મોટો પડકાર ઊભો કરે છે. એવો કટ્ટરવાદ રક્ષક નથી, ભક્ષક છે. તેને રક્ષક ગણનારા કાં જાતને છેતરે છે, કાં બીજાથી છેતરાય છે.
કાલે શાહરુખની દુઆ, આજે હિજાબ, કાલે બીજું કંઈક … મુદ્દા ન હોય ત્યાંથી ઊભા કરીને અથવા હોય ત્યાં અનેક ગણા વકરાવીને લોકોને ગોટે ચડાવવાની કટ્ટરવાદીઓને બહુ મઝા આવે છે.
કટ્ટરવાદી ન હોય એવા લોકોની સ્વસ્થતાની રોજ કસોટી થાય છે. કટ્ટરવાદીઓને આશા છે કે આજે નહીં તો કાલે, લોકો સ્વસ્થતા ગુમાવશે અને કટ્ટરવાદીઓની વધતી જમાતમાં ભળીને પોતાની વિચારશક્તિ ખોઈ બેસશે. એટલે કટ્ટરવાદ વધારે મજબૂત – વધારે વ્યાપક સ્વીકૃતિ ધરાવતો થશે.
રોજના એક લેખે ઊભા થતા મુદ્દા વિશે અભિપ્રાય ભલે રાખો, પણ ઝાડવાં ગણવામાં આખું જંગલ ચૂકી ન જવાય અને છેવટે, જાણેઅજાણે કટ્ટરવાદીઓના સાગરીત ન બની જવાય, તેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.
વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.
સૌજન્ય : ઉર્વીશભાઈ કોઠારીની ફેઇસબૂક દિવાલેથી સાદર
 
 મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા 'વિદ્યાવિનાશને માર્ગે'-ના છેડે 'મહાભારત'-ને યાદ કર્યું છે અને લખ્યું  છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.