દેશમાં અને દુનિયામાં લોકશાહીનું શું થવા બેઠું છે તે સમજ પડતી નથી! અફઘાનિસ્તાનનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. બધા થથરી ઊઠ્યા છે, પણ કોઈની પાસે એનો ઉકેલ હાથવગો તો નથી. એની દિશા પણ કોઈને દેખાતી નથી. લોકશાહીનું સત્ત્વ હણાયું હોય અને માત્ર સ્વરૂપ ટકી રહ્યું હોય એમ લાગ્યા કરે છે.
નાગરિકસમાજનું ઘડતર થયું હોય તેમ જણાતું નથી. ગુજરાતમાં, અમદાવાદમાં રાજપથ ક્લબ નજીકના ગ્રંથાગારમાં બજરંગદળના ડઝનેક સભ્યોએ ૨૯-૮ને શનિવારની રાત્રે સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ ‘કામસૂત્ર’ની નકલો બાળી અને આવાં ગંદાં પુસ્તકોનું વેચાણ થતું જોઈને હિન્દુઓની લાગણી ઘવાય છે, એવું નિવેદન કર્યુ. તેનાથી વ્યથિત થઈને જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ લેખક ગુરુચરણદાસે ૧૯-૯ને રવિવારના ‘ટાઇમ્સ’માં લેખ લખ્યો. હિન્દુ તત્ત્વજ્ઞાનમાં ધર્મ, અર્થ અને મોક્ષ ત્રણની સાથે કામને પણ સામેલ કરવાના શાણપણની વાત કરી. પશ્ચિમી જગત સમજે તે પૂર્વે હિન્દુશાસ્ત્રો ઇન્દ્રિયોના ઉત્સવને સમજ્યા છે. આ વારસો એમ કલંકિત કરવાની જરૂર નથી એ વાત એમણે કરી. ગુજરાતમાં આપણે એ નિમિત્તે કોઈ શાણપણની વાત પણ ન કરી શક્યા! પુસ્તક બાળવા માટે નથી, વાંચવા માટે છે, એવું ન સમજાવી શક્યા, જ્યાં ‘વાંચે ગુજરાત’નું અભિયાન થઈ ગયું હતું!
રાજ્યના મુખ્ય મંત્રીએ દેખીતા કોઈ કારણ વિના એકાએક રાજીનામું આપ્યું. એની સાથે એમનું આખું મંત્રીમંડળ પણ વિદાય થયું. ચોવીસ કલાકમાં હાઈ કમાન્ડે નવા મુખ્ય મંત્રી ગુજરાતની પ્રજાને આપ્યા. એમની સોગંદવિધિ સાથે પૂરા મંત્રીમંડળની સોગંદવિધિ ન થઈ શકી, કારણ ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય અસંતોષને ખાળવા માટે સમય જોઈતો હતો.
રાજકીય પક્ષોમાં લોકશાહી પ્રક્રિયા ચાલતી નથી, એ ખાનગી વાત ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પણ જાણે છે. ‘હાઈકમાન્ડ’ શબ્દ ઇન્દિરા ગાંધીના વખતમાં વપરાયેલો, તે હવે દેશને ‘મજબૂત સરકાર’ મળવાથી ફરીથી ચલણી બન્યો છે. સન્નિષ્ઠ કાર્યકરોનું કશું જ ન ઊપજે અને હાઈ કમાન્ડ શબ્દ શિલાલેખ પરનું લખાણ બની જાય એમ થઈ રહ્યું છે.
લોકશાહીનું પિયરઘર ઍથેન્સ મનાય છે. ઍથેન્સનો નાગરિક પોતાનું ઘર સંભાળવાને બહાને રાજ્ય તરફ બેપરવાહ રહેતો નહોતો. વિવિધ વ્યવસાયોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પણ જાહેર કામો અંગેની આવશ્યક માહિતી તો હોય જ પ્રાચીન ગ્રીસની લોકશાહીમાં જે નાગરિક જાહેર પ્રશ્નમાં રસ લેતો નહીં તે નિરુપદ્રવી નહિ, પણ નકામો ગણાતો. આજે આપણે એવું કંઈ સમજતા નથી અને પોતાનામાં એકાંગી રીતે મગ્ન છીએ.
લોકશાહીની રીતે સમાજમાંથી ઊઠવા જોઈતા પ્રશ્નો એ હોઈ શકે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પોતાનો નેતા નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ? હાઈ કમાન્ડ પોતાની મરજીમાં આવે ત્યારે અને તે રીતે સરકારને બદલી નાખે તો સરકાર બદલવાના લોકોના અધિકારનું શું? રાજકીય પક્ષને એક વાર બહુમતી મળી પછી પાંચ વરસ સુધી પોતાને મન ફાવે તેમ વર્તે અને પ્રજા લોકશાહીનું નાટક જોતી રહે એવું લોકશાહીમાં અભિપ્રેત છે? નવા મંત્રીમંડળનો અને તે નિમિત્તે સોગંદવિધિનો જે કંઈ ખર્ચ થાય છે, તે પ્રજાએ શા માટે વેઠવો જોઈએ? R.T.I.ના જમાનામાં એ ખર્ચનો આંકડે મેળવીને, એ રાજકીય પક્ષ પાસેથી વસૂલ કરીને, સરકારી તિજોરીમાં જમા લેવાની વ્યવસ્થા થઈ શકે ખરી ?
‘નો રીપિટ થિયરી’ એમ કહીને જૂના મંત્રીઓને સરકારી બંગલા ફાળવાયા. નવા મંત્રીઓને શુભમુહૂર્ત જોઈને કાર્યરત બનાવાયા. તેથી જાહેર વહીવટનું સાતત્ય જળવાયું કે કેમ એ તપાસવાની કોઈને ચિંતા નથી. નવા નિશાળિયા બિનઅનુભવી અને નાની ઉંમરના હોય, ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ શિક્ષણ પામેલા અધિકારીઓ આ અલ્પ શિક્ષિત મંત્રીઓ પ્રત્યે આદર કેમ અનુભવશે તેનો પણ વિચાર કરવો રહ્યો. વહાણનું સુકાન નવાસવાના હાથમાં સોંપીએ તો એ કઈ દિશામાં લઈ જાય અને કેવી દશામાં મુકાવું પડે એની ચિંતા ખરી કે નહિ.
આવા કોઈ પ્રશ્નો જાણે પૂછવાના જ બંધ થઈ ગયા છે. આઝાદ ભારતમાં પહેલી વાર આવો નવતર પ્રયોગ થયો છે, એમ કહીને હાઈકમાન્ડનાં ઓવારણાં લેવાય છે, પણ રાજ્ય અનવસ્થામાં મુકાશે તેનું શું? કોઈકે ‘કામરાજ યોજના’ને યાદ કરી છે. અમુક ઉંમરથી મોટાને માર્ગદર્શકમંડળમાં બઢતી આપવાનું દેશના રાજકીય પક્ષે ૨૦૧૪માં પણ નક્કી કરેલું. હવે લોકશાહીનો તો સિદ્ધાંત છે કે કાયદો ઘડનાર કાયદાથી પર ન હોઈ શકે. આવી યોજના ઘડનારનું શું થશે? એને પણ કાયદો લાગુ પડશે કે પેલા શાશ્વત નિયમનો આધાર લેવાશે, જેમાં કહેવાયું છે કે પ્રત્યેક નિયમને અપવાદ હોય છે. અપવાદ વિનાનો નિયમ સાંભળ્યો નથી.
આજે રાજકારણ અતિશય માત્રામાં વધી ગયું છે. પ્રજામાંનો એક પક્ષ બચાવમાં છે તો બીજો પક્ષ તમાશો જોવામાં વ્યસ્ત છે. લોકશાહી સરકારના હવાલે નથી, તો પ્રજાના હવાલે પણ નથી. આવા સમયને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે એવું છે.
લોકશાહીમાં લોકશક્તિનું નિર્માણ ન થાય, તો લોકોની પ્રતિકારશક્તિ નબળી પડે છે. નાગાલૅન્ડમાં વિરોધપક્ષ વિનાની સરકાર રચાઈ રહી છે. પંજાબમાં ગુજરાત જેવી જ રાજકીય દખલગીરી હાઈ કમાન્ડ દ્વારા થઈ રહી છે. ત્યાં પણ મંત્રીમંડળ અને મુખ્ય મંત્રી બદલાયા છે. મુખ્ય બે રાજકીય પક્ષો દેશની લોકશાહીને બચાવવામાં સક્ષમ પુરવાર થશે ખરા કે?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 09
![]()


એમ લાગે છે કે જેમ જેમ હિંદુત્વની વાતો વધતી આવે છે તેમ તેમ આપણું ઝનૂન ને પછાતપણું જ જાહેર થતું આવે છે. વિધર્મીને આપણે ઝનૂની ને આક્રમક કહીને વખોડતા હોઈએ તો એ જ માર્ગે હિન્દુઓ પણ છે એવું નથી? હિન્દુ ધર્મ અત્યાર સુધી બહુ ખુલ્લો ને સહિષ્ણુ રહ્યો છે. કોઈ ધર્મને નથી એટલા દેવીદેવતાઓ હિંદુ ધર્મમાં છે. કોઈ એકને જ દેવ ગણવાનું સંકુચિત માનસ હિન્દુ ધર્મનું નથી. તેમાં દેવ છે તો દેવી પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. કોઈ ધર્મને આટલી દેવીઓ નથી. દેવના નથી, એટલાં વ્રત દેવીઓનાં છે. પુરાણોમાં પણ ગાર્ગી ને અન્ય વિદુષીઓ શાસ્ત્રાર્થ કરતી હોવાના ઉલ્લેખો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હિન્દુ ધર્મ વધુ ઉદાર અને અન્ય વિચારસરણીને મહત્ત્વ આપનારો ધર્મ છે. આ સહિષ્ણુતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ને આ ધર્મને વધુ સંકોચવાના ને ઝનૂની બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે બરાબર નથી. હિંદુ ધર્મના જે ઉદાર અને ઉદાત્ત ખ્યાલો છે તેનો વિશ્વમાં જોટો જડે એમ નથી. એ જોટો, ખોટો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે તાલિબાનો નથી. જે સંકુચિતતા ત્યાં છે એ અહીં લાવીને આપણે ઘૂંઘટ અને પડદા વિકસાવવા છે? જો બુરખાનો આપણને વિરોધ હોય તો આપણી સંકુચિતતાઓ બુરખાની દિશામાં જ છે તે સમજી લેવું ઘટે.
તામિલનાડુ સરકારે તાજેતરમાં નીટ[The National Eligibility cum Entrance Test]નો વિરોધ કરીને ચર્ચા જગાવી છે. એ માટે એમણે એક સમિતિ રચી હતી અને એ સમિતિના અભ્યાસપૂર્ણ આધાર ઉપર તેમણે નીટની પ્રથામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણમાં નીટનો પ્રવેશ પ્રમાણમાં નજીકનો ભૂતકાળ છે. એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ પૂર્વે જે પ્રથા સમગ્ર દેશમાં ચાલતી હતી એનો ટૂંકમાં પરિચય આપીશું.