આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.
૨૦૨૦માં, મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે ‘આઘાત’ વ્યક્ત કર્યો હતો વિશ્વ આરોગ્ય સંગઠને જે દેશને ‘સૌથી ડિપ્રેસ’ કહ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર માનસિક આરોગ્ય પાછળ પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર ૨૦ પૈસા ખર્ચે છે. બેન્ચે કહ્યું હતું કે આટલા મોટા દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નામની એક જ રિસર્ચ સંસ્થા છે, અને દેશમાં ૧૯૨૫ પછી આવી મહત્ત્વની બીજી સંસ્થા સ્થપાઈ જ નથી.
ભારતમાં આજે પણ માનસિક તંદુરસ્તીને શારીરિક તંદુરસ્તીથી અલગ ગણવામાં આવે છે અને મોટા ભાગે એમાં શરમનો ભાવ હોય છે એટલે તે છુપાવામાં આવે છે. આ કારણથી જ દેશમાં બાવાઓ અને ઊંટવૈદ્યો પાસે જેટલા લોકો જાય છે તેટલા સાઇકોલોજિસ્ટ પાસે નથી જતા. એટલા માટે જ સાઇકોલોજિસ્ટ બનવું એ ફિઝિશ્યનની સરખામણીમાં ‘ખોટનો ધંધો’ છે. જે લોકો સાઇકોલોજિસ્ટ બને છે તે પણ કોઈ જગ્યાએ બાંધ્યા પગારની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. પરિણામે, તમને ગલીના નાકે ડોકટરોનાં ત્રણ પાટિયાં દેખાશે, પણ સાઇકોલોજિસ્ટનું સરનામું શોધતાં દમ નીકળી જશે.
માનસિક આરોગ્યની બાબતમાં ભારત કેટલું ગંભીર છે તેનો પુરાવો એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા છે. ડિપ્રેસનથી પીડાતા આ તેજસ્વી અને આશાસ્પદ બોલીવૂડ એક્ટરે ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ આત્મહત્યા કરી, તે પછી લગાતાર બે મહિના સુધી આ દેશમાં મીડિયામાં એની ચર્ચા ન હતી કે આ એક્ટરની માનસિક તંદુરસ્તીના પ્રશ્નો શું હતા, પણ એની ચર્ચા હતી કે તેની ગર્લફ્રેન્ડે તેની હત્યા કરી છે કે નહીં અને બોલીવૂડના માધાંતાઓએ તેને પરેશાન કર્યો હતો કે નહીં.
ડિપ્રેસનથી પીડાતા દેશના લાખો લોકો મીડિયાનો આ તમાશો જોઈને હબકી ગયા હશે અને સાઇકોલોજિસ્ટોને દેશની દયા આવતી હશે. સુશાંત સિંહની પાછળ જે તમાશો થયો તે પછી કોને તેની બીમારી જાહેર કરવાની હિમ્મત આવે? આ એક જ કિસ્સાથી દેશમાં માનસિક આરોગ્યને લઈને ગંભીર વિચારણા થાય અને સરકારથી લઈને તેના નિષ્ણાતો આવનારા ભવિષ્યની ચિંતા કરતા હોત, તેના બદલે એ કિસ્સાને ‘કૌભાંડ’માં ફેરવી નાખીને આપણે દેશને પાછળ ધકેલી દીધો છે. જે બાબત વધુને વધુ જાહેરમાં આવવી જોઈતી હતી, તે હવે કાર્પેટ હેઠળ ધકેલાઈ ગઈ છે.
એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેના ડિપ્રેસનનો સાર્વજનિક એકરાર કર્યો, તે પછી આમીર ખાનની 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર'થી લાઇમલાઇટમાં આવેલી ૧૭ વર્ષીય ઝાહીરા વાસીમે ટીનએજ ડિપ્રેસન સાથેના તેના દંગલનો એકરાર કર્યો હતો. ઝાહીરાએ તેમાં એ જ વાત લખી હતી જે લાખો પીડિતોની ભાવના હતી. તેણે કહ્યું હતું કે, "હું છેલ્લા ૪ વર્ષથી સખત ઉદ્વેગ (એન્ગઝાઇટી) અને વિષાદ(ડિપ્રેસન)થી પીડાઈ રહી છું એનો એકરાર કરવા આ લખી રહી છું. ડિપ્રેસનની વાત કરવી શરમજનક છે એટલા માટે આ કહેવાની મને બીક લગતી હતી એટલું જ નહીં, ડર એ પણ હતો કે લોકો તો એવા ય ટોણા મારે કે, "તું તો યુવાન છે, તને શેનું ડિપ્રેસન?" અથવા એવું કહીને એને ખારીજ કરી દે કે "આ તો ટાઈમબીઈંગ છે."
"ટાઈમબીઈંગ હોત તો સારું, પણ હું રોજ ૫ એન્ટીડિપ્રેસન્ટ લેવાની, એન્ગઝાઇટી એટેકમાં અડધી રાતે હોસ્પિટલ ભેગી થવાની, ખાલીપામાં જીવતા રહેવાની, અજાણ્યા અવાજો સાંભળવાની, સતત ઘોર્યા કરવાથી લઇને અઠવાડિયાં સુધી જાગતા રહેવાની, ખૂબ ખાવાથી લઈને ભૂખ્યા મરવાની, નર્વસ બ્રેકડાઉનની, જાત પ્રત્યે તિરસ્કારની અને આત્મહત્યાના વિચારોની સ્થિતિમાં આવી ગઈ છું. આ ટાઈમબીઈંગ નથી. મને આ બીમારીને સ્વીકારતાં ૪ વર્ષ લાગ્યાં છે. મારે બધાથી — મારા સામાજિક જીવનથી, કામથી, સ્કૂલથી અને ખાસ તો સોશ્યલ મીડિયાથી સંપૂર્ણ બ્રેક લેવો છે. હું રમઝાનના મહિનાની રાહ જોઉં છું જ્યાં હું મારી આ સ્થિતિ વિષે સરખું વિચારી શકું.”
ભારતમાં માનસિક આરોગ્યને લઈને તંદુરસ્ત ચર્ચા નહીં થવાનાં ત્રણ કારણો છે. એક ભ્રમ એવો પેદા થયો છે કે જે યુવાન છે, સફળ છે, પૈસાવાળા છે તેમને કોઈ માનસિક બીમારી નથી હોતી. માનસિક પ્રશ્નો બેકાર અને ઘરડા લોકોની સમસ્યા છે. બોલીવૂડના એક્ટરો અને અન્ય સેલિબ્રિટીઓ તેમની સમસ્યાઓની પ્રસંગોપાત વાત કરે તો પણ તેને એવું કહીને ખારીજ કરી નાખવામાં આવે છે કે આ લોકોને ‘નખરાં સૂઝે છે.’ માનસિક આરોગ્ય ગરીબ લોકોની સમસ્યા છે એવી એક વ્યાપક માન્યતા છે.
બીજો ભ્રમ એ છે કે ‘સામાન્ય’ લોકોમાં કોઈ સમસ્યા નથી હોતી. દાખલા તરીકે, આપણા ઘરમાં કામ કરતો નોકર, ડ્રાઈવર કે ઓફીસનો કર્મચારી કોઈ માનસિક બાબતોથી ઘેરાયેલો હોય તેવું આપણે સ્વીકારી જ નથી શકતા. એવા માણસો તો ‘ગાંડા’ હોય અને તેમના વર્તન પરથી જ તેમની ઓળખાણ થઇ જાય એવું આપણે માનીએ છીએ. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ તેની માનસિક સ્થિતિની વાત કરે તો પણ તેની આસપાસના લોકો તેન હસી કાઢે છે અથવા ઉપેક્ષા કરે છે.
ચોથું, મોટા ભાગે પુરુષો તેમના ડિપ્રેસનની વાત કરતા નથી. 'મર્દ' હોવાની તેમની ભાવનાની આડે તે આવે છે. તેમની સરખામણીમાં સેલિબ્રિટી સ્ત્રીઓ, જેમ કે – દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, સમા સિકંદર, અનુષ્કા શર્મા, શાહીન ભટ્ટ, ઈલિના ડિક્રુઝે તેમના ડિપ્રેસનની ખૂલીને વાત કરી છે, કારણ કે તેમને ‘લોકો શું કહેશે’ની ચિંતા એટલી નથી સતાવતી જેટલી દેશની બહુમતી સ્ત્રીઓને સતાવે છે.
કોઇ પણ વિકસિત સમાજની સાબિતી એ નથી કે તે તેના મજબૂત લોકોનાં કેવાં આછોવાનાં કરે છે, પણ એ હકીકતમાં છે કે તે તેના કમજોર લોકોને કેવી રીતે જગ્યા આપે છે. ભારતે અસલી વિકાસ કરવો હશે તો આ ભેદભાવ ખતમ કરવો પડશે.
પ્રગટ : બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 ઑક્ટોબર 2021
સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


આપણને ગમે કે ન ગમે આપણી હાલત એક રાષ્ટ્ર તરીકે કોઇક વાર એવી લાગે કે એક સાંધો ત્યાં તેર તૂટશે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે એક રાષ્ટ્ર તરીકે અંધારપટમાં લપેટાઇ જવાની ધારે આવી ગયા હોવાના વાવડ સતત સાંભળ્યા છે. આપણા આખા દેશની બે તૃતિયાંશ જેટલી ઇલેક્ટ્રિસિટી – વીજળી કોલસાથી ચાલતા થર્મલ સ્ટેશન્સમાંથી આવે છે. આપણા દેશનો ઇલેક્ટ્રિક ઉજાસ ૧૩૫ જેટલા થર્મલ સ્ટેશન્સ પર આધાર રાખે છે અને આમાંથી મોટા ભાગનાનો જથ્થો સાવ તળિયા ઝાટક થઇ જવાને આરે છે. આમ તો ત્રીસ દિવસનો એડવાન્સ જથ્થો રખાતો હોય છે પણ આ સંગ્રહ કરેલા પુરવઠામાં એવો ઘટાડો થયો કે ઇંધણ ન હોવાને કારણે અમુક થર્મલ સ્ટેશન્સ તો બંધ જ કરી દેવા પડ્યા. માંડ ચાર દિવસ ઊર્જા પૂરી પાડી શકે એટલો જ કોલસો આ થર્મલ સ્ટેશન્સમાં બચ્યો હોવાની વાત ઊર્જા મંત્રાલયે કરી. જુદાં જુદાં રાજ્યોમાં પાવર-કટના પ્લાનિંગ થવા માંડ્યા જેમ કે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કેટલા કલાક વીજળી બંધ રાખી શકાય તેના પ્લાનિંગ થયા તો દિલ્હીમાં મુખ્ય મંત્રીએ વડા પ્રધાન પાસે મદદ માગી. આર્થિક પાટનગર ગણાતા મુંબઇની હાલત તો દોઢ દિવસમાં તખ્તો સાવ પલટાઇ જાય એવી સ્થિતિમાં આવી કે ત્યાં વીજળી વિભાગે કહ્યું કે ૭૩૦ બિલિયન રૂપિયા નહીં મળે તો આખા રાજ્યમાં અંધારપટમાં આવી જશે. જોવાનું એ છે કે આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર નથી અને કેન્દ્ર સરકારના કોલસા મંત્રીએ તો સાફ કહી દીધું કે વીજળીનાં પુરવઠાને મામલે કોઇ ગરબડ થાય તેવું શક્ય છે જ નહીં, પરિસ્થિતિ કાબૂમાં છે. કોલસાનો સંગ્રહ ખૂટી રહ્યો છે એ જેટલી દૂરની વાત લાગે છે એટલી છે નહીં, કલ્પના કરો કે એશિયામાં ત્રીજા ક્રમાંકે આવતા અધધધ મોટા અર્થતંત્રને અંધારપટ ઘેરી વળે તો શું થાય? એક તરફ ભારત કોલસાના સ્રોત તરીકે વિશ્વમાં પાંચમા સ્થાને છે અને ધારે તો એક સદી સુધી દર વર્ષે પડતી કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ. કોલસાની ઇંધણ તરીકેની માંગ ઑક્ટોબરમાં સૌથી વધુ પડે છે. આટલો બધો સંગ્રહ હોવા છતાં આપણને શું નડ્યું?
કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?