Covid Protocol
ક્યારે ય નથી વેઠી એવી અસ્થિરતામાં મુકાઈ ગયા છીએ આજકાલ. ક્યારે ય નહોતી એવી ભંગુરતાને કાંઠે આવી ચઢ્યા છીએ આજ. “…આ સંસાર સુખરૂપછે કે દુઃખરૂપ ?” એવા દ્વિધાભાવમાં સપડાયા છીએ આપણે સૌ. કોરોનાવાઇરસનો ચેપ બધાને મોત આપતો નથી. એના સકંજામાંથી ઊગરી જનારાઓ મોટી સંખ્યામાં છે, પરંતુ જેઓને કોરોનાનો મૃત્યુદંડ મળે છે, તેઓની સ્થિતિ જોઈ/સાંભળી અન્યોને જે પીડા થાય છે, તે અભૂતપૂર્વ એવી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિ મોતનો ભોગ બને તે ક્ષણ સુધી જે પીડા ભોગવતી હશે એ જ પીડા તેમનાં સ્વજનો પછીના સમયમાં ક્યાં ય સુધી ભોગવે છે. આજ સુધી આવું મોત ક્યારે ય જોયું/સાંભળ્યું નથી. ગરુડપુરાણમાં વર્ણવાયેલી નરકપીડા જાણે તાદૃશ થાય છે.
કોરોનાવાઇરસના ચેપીપણાનો ડરામણો ચહેરો માત્ર સામે આવે ત્યાં થરથરી જવાય છે. એ નહીં દેખાતો વિષાણુ ક્યારે, ક્યાંથી, કેમ ત્રાટકશે એની ભીતિ જ ફફડતાં રાખે છે. એક દૃશ્ય સામે આવેછે. આખી શેરીમાં સોપો પડી ગયો છે. ક્યાં ય ચકલું ય ફરકતું નથી. એક ઍમ્બ્યુલન્સ ઊભી છે. પાછળના દરવાજા ખુલ્લા. ડ્રાઇવર દૂર ઊભો છે. એક બાર-પંદર વરસનો કિશોર હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈ ચિત્રમાં આવે છે. પાછળ દૂર ઊતરેલા ચહેરે માબાપ. કિશોર ઍમ્બ્યુલન્સમાં બેસે કે એકાએક ક્યાંયથી આવી એક પૂરેપૂરો પ્લાસ્ટિકથી ઢંકાયેલો માણસ દરવાજા વાસે. સૂની શેરીમાં કકલાણ વેરતી વાન રવાના થાય. સન્નાટાની આ છબી કોરોનાએ પાડી છે. પરિવાર, શેરી, ગામ કે શહેરમાં કોરોનાગ્રસ્ત અસ્પૃશ્ય હોય છે. હૉસ્પિટલમાં પણ તેઓ લગભગ અસ્પૃશ્યોસમાજ હોય છે. આ અછૂતપણું આપણને સૌને એક કારમી લપડાક છે, સમજીએ તો. ઘણા સદ્નસીબ કોરોનાગ્રસ્તો ઉત્તમ સેવા મેળવતા હશે તે કબૂલ, પરંતુ મોટા ભાગના જો ઊગરી જતા નથી, તો ભીષણ અસ્પૃશ્યતાનો અનુભવ કરતાં કરતાં પીડાદાયક મોતને વરે છે. દેશની અને દુનિયાની અસંખ્ય હોસ્પિટલોમાં જે ઉમદા સેવાભાવથી કોરોનાગ્રસ્તોની સેવાચાકરી થાય છે, તેના પર કોઈ શંકા નથી, પરંતુ કોરોનાવાઇરસના ચેપીપણાની ધાકથી કોરોનાગ્રસ્તોની જે હાલત થાય છે, તેનો આછો ચિતાર માત્ર આ છે. ટેલિવિઝન પર રઝળતા મૃતદેહો જોયા છે. શેરીઓમાં સળગાવાતા મૃતદેહો. થોકબંધ મૃતકોને લાદીને લઈ જતાં વાહનો. અડધો પલંગ પર ને અડધો હવામાં ઝૂલતો મૃતદેહ. આ બધું નજર સામેથી ખસતું નથી.
કોરોનાગ્રસ્તના મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જનારા જાણે કમને તૈયાર થાય છે. જેને છૂટકો જ ન હોય તે સેવક થાય ઉપલબ્ધ તે માટે. પી.પી.ઈ. કિટ પહેરીને ઘૂમતા ઓળાઓ. મૃતદેહ પર ઠલવાતું જીવાણુનાશક રસાયણ. પૉલિથીન બૅગમાં મુશ્કેટાટ વસાતો મૃતદેહ. આખરી ઘડીમાં સામે કોઈ સ્નેહી-સ્વજનના ચહેરા નહીં. પીડાની ભયંકર ક્ષણો વચ્ચે આમતેમ ઘૂમતા અજાણ્યા આકારો. ચારે તરફથી વીંઝાતો નકાર, નકાર, નકાર. શ્વાસનળીમાં ફાટફાટ મૂંઝારો. અધખૂલી રહી ગયેલી આંખો બંધ કરવાની ય કોઈને નહિ હામ કે તમા. સંબંધોમાંથી છટકીને ક્યાં ય ઊપડતાં પગલાં. કોવિડ-સ્પેશિયલ સ્મશાનગૃહ સુધીની આખરી મુસાફરી. શેરીના ચોકનો વિરામ નહીં. ગામનાં પાદરની વિદાય નહીં. ચારરસ્તાનો નહીં પોરો. રસ્તા પરની ભીડને ખસેડતી કર્કશ સાઇરન અને આગળપાછળ ઊડતો સન્નાટો.
નહીં ગંગાજળ, નહીં તુલસીપત્ર. નહીં સ્વજનની પ્રાણપોક. સંબંધોનું સાવ અવાજ વિના ખરી પડવું. કોઈ વિધિવિધાન નહીં. નહીં મુખાગ્નિ. નહીં ઘીનો અભિષેક. નહીં જવતલ. માત્ર સન્નાટો અને ઉતાવળ. પૉલિથીન બેગમાં વીંટળાયેલું ગોટમોટ શબ બનતી ઝડપે ક્યારે કરી દેવાય લપકતી આગને હવાલે એ જ એક માત્ર લક્ષ્ય. કોરોનાવિષાણુઓથી ત્રસ્ત દેહ આગની જ્વાળાઓની ભડભડતી ચુપકીદીમાં ધીરે-ધીરે શમી જાય
નિશબ્દ આકાશ…?
૭, મુક્તાનંદ સોસાયટી, પો. ઓ. નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 16
![]()


કેવડિયા ખાતે, સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન બે દિવસ મહેમાન રહ્યા અને જુદા જુદા સત્તર પ્રોજેક્ટ્સનું એમણે લોકાર્પણ કર્યું. બધી રીતે ભવ્ય આયોજનો થયાં. આમ પણ વડાપ્રધાનને ભવ્યથી ઓછું બહુ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ભવ્ય ઉદાહરણ છે. વડાપ્રધાન પોતે કરકસર કરીને આટલે સુધી આવ્યા છે. સરદાર પોતે બીજી અનેક જિંદગીમાં ન ખર્ચે એટલો ખર્ચ માત્ર એમના સ્ટેચ્યુ માટે થયો છે. એ રીતે એ એક ભવ્ય અંજલિ છે એની ના પાડી શકાશે નહીં.
વડાપ્રધાને કેવડિયાને વૈશ્વિક નકશા પર મૂકી દીધું છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકીને વિશ્વને કેવડિયા તરફ જોવાની બારી ખોલી આપી છે. એનાથી દેશના અને વિદેશના પ્રવાસીઓ કેવડિયા સુધી આવશે અને આ સ્થળ મોટું પ્રવાસન કેન્દ્ર બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. આમ થશે તો સહેલાણીઓ માટે એક નવું સ્થળ હાથવગું થશે અને તેની આસપાસ હોટેલ ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગો વિકસશે, અન્ય રહેવા-જમવાના કેન્દ્રોનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે ને કોરોના કાળમાં એમ થતું હોય તો તે અંતે તો દેશ હિતનાં ખાનામાં જ જશે.
૨૭ : સેક્સવર્કરની વાત સેક્સવર્કરના મુખે (૧) : “મારે દીકરી અને દીકરો એમ બે બાળકો છે. દીકરી મોટી અને દીકરો નાનો. મારી દીકરીને ગાયક બનવું છે. તેને ડાન્સિંગ, સ્વિમિંગ અને સ્કેટિંગનો બહુ શોખ છે. તે મને રોજ કહે છે કે મમ્મી, મને આ કરવું છે, મારે તે કરવું છે, પણ હું ના પાડું છું. હું કહું છું કે સ્કૂલ અને બીજું બધું એક સાથે ન પહોંચી વળાય. વેકેશનમાં જે કરવું હોય એ કરજે. હવે ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ તો કહે, મમ્મી, ચાલ, હવે મારા માટે ક્લાસની તપાસ કર. મારે સંગીત શીખવું છે. મારી દીકરી બહુ ડાહી છે. એને જે શીખવું હશે એ શીખવા દઈશ. એને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવીશ.

