= = = = હું ચૉકક્સ માનું છુ કે Humanity needs fiction today more than ever before. આજનો કવિ પોતાના કાવ્યમાં જો અતિશયિત વાક્પટુતા દાખવશે – ઍગ્ઝાજરેશન – તો એ જૂઠ ગણાશે; અને એ જો નાનું શું પણ નૅરેટિવ નહીં ગૂંથે, તો ફાલતુ લાગવાનો છે = = = =
૧ : ગુજરાતી વ્યાકરણમાં ‘ક’ અને ‘જ’ તેમ જ ‘ઢ’ વિચારણીય છે.
‘ક’ છે એકાક્ષરી પૂર્વગ છે, પૂર્વપ્રત્યય. ‘જ’ છે એકાક્ષરી અવ્યય. ‘ઢ’ છે એકાક્ષરી શબ્દ.
કોઈ ભાષામાં એકાક્ષરો આટલા પાવરફુલ હોય એ ભાષાને જરૂર જાણવી જોઈએ.
‘ક’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :
કમૉતે મર્યો. / કસમયે આવીને ઊભો. / શેઠને કજગ્યાએ ફોલ્લી થઈ છે. / કમોસમનો વરસાદ નુક્સાન કરે. / આ તો કજોડું છે. કાગડો દહીંથરું લઈ ગયો ! / કસુવાવડ થઈ ગઈ. શું કરીએ? / એને તો કવૅણની કટેવ છે.
ગુજરાતીમાં, કુકર્મ કુરીતિ કુરિવાજ કુતર્ક કુચાલ કુમાતા કુમતિ કુપોષણ વગેરે શબ્દો છે. એમાંનો 'કુ' પણ આ 'ક' કરે છે એ જ કામ – ફન્કશન – કરે છે. બને કે 'ક' 'કુ' પરથી ઊતરી આવ્યો હોય અથવા વાઇસિ વર્સા …
‘જ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :
રાજાએ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.
રાજાએ જ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.
રાજાએ પ્રધાનને જ કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.
રાજાએ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે જ મૂરતિયો શોધી લાવો.
ટૂંક જ સમયમાં અમારા પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.
ટૂંક સમયમાં જ અમારા પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.
ટૂંક સમયમાં અમારા જ પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.
ટૂંક સમયમાં અમારા પ્રતિનિધિ તમારો જ સમ્પર્ક સાધશે.
‘ઢ’-નું દૃષ્ટાન્ત એક જ છે:
આ તો ઢ છે.
ઢ-નો આકાર પણ ઢ જેવો છે, ખરું કે નહીં?
૨ : ગુજરાતી વ્યાકરણમાં ‘પણ’ અને ‘અણ’ વિચારણીય છે.
'પણ' અવ્યય છે. 'અણ' પૂર્વગ છે, પૂર્વપ્રત્યય.
ગુજરાતી વ્યાકરણમાં ‘પણ’ ઢણકતા ઢોર જેવો છે.
‘પણ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :
રમા સાથે રમેશ પણ વડોદરા જવાનો છે.
રમા સાથે રમેશ વડોદરા પણ જવાનો છે.
રમેશ પણ રમા સાથે વડોદરા જવાનો છે.
રમા પણ રમેશ સાથે વડોદરા જવાની છે.
રમેશ અને રમા વડોદરા જાય પણ ખરાં.
પણ મને 'અણ' બહુ ગમે છે. ‘પણ’ તો ‘પરન્તુ’-માંથી ઊતરી આવ્યો છે, પણ આ 'અણ' એકદમનો દેશી, તળનો છે, દેશ્ય ગણાય છે.
‘અણ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :
અણઆવડત / અણઘડ / અણજાણ / અણબનાવ / અણગમો …
આ દરેકનાં આમ સ્થાનફેર થતાં અર્થસંકેતો બદલાઈ જાય છે. જેમ કે, રમા સાથે રમેશ પણ વડોદરા જાય એ વાત જુદી છે. એથી એમ પણ સૂચવાય છે કે મહેશ સુરેશ કે યજ્ઞેશ પણ રમા સાથે જવાના હતા કે જવાના છે. અને, સમજાય એવું છે કે રમેશ રમા સાથે વડોદરા જાય એ વાત પણ જુદી જ છે.
આપણે જો સ્થળસમય અને વ્યક્તિ વચ્ચેની વાત જેમ જેટલી જેવી હોવી જોઈએ તેમ તેટલી તેવી રાખવા માગતા હોઈએ, તો આ ‘ક’ ‘જ’ ‘ઢ’ ‘પણ’ કે ‘અણ’-ને વાક્યમાં બેસાડતાં કે ગોઠવતાં બહુ વિચાર કરવો જરૂરી છે, નહિતર અર્થનો અનર્થ થઈ શકે છે.
આ, જેમ જેટલી જેવી હોવી જોઈએ તેમ તેટલી તેવી – ભાષિક જરૂરિયાતને ઔચિત્ય કહેવાય છે. ઉચિત એટલે જે-તે સ્થળસમય ને વ્યક્તિના બારામાં જે-તે સાવ જરૂરી હોય તે. આપણા શબ્દોએ એ ઔચિત્યનું વહન કરવું જોઈશે.
'ઔચિત્યવિચારચર્ચા' ગ્રન્થ લખનાર કશ્મીરી પણ્ડિત ક્ષેમેન્દ્ર ૧૧-મી સદીમાં થઈ ગયા. એમણે લગભગ ૨૧-થી પણ વધુ ભાષિક વસ્તુઓ પરત્વે ઔચિત્ય અને અનૌચિત્યનાં દૃષ્ટાન્ત આપ્યાં છે. એમણે કવિ કાલિદાસમાં પણ અનૌચિત્યનાં સ્થાનો શોધી બતાવ્યાં છે. આપણા રામનારાયણ વિ. પાઠકે એ ગ્રન્થ વિશે એક પરિચયાત્મક લેખ પણ કર્યો છે.
જુઓ, દીવાસળીના બાકસને ‘કપાસ’ નામ આપવું ઉચિત લાગે છે કેમ કે એ બન્નેનો સમ્બન્ધ પતિ-પત્ની વચ્ચે હોય એવો હોય છે. પતિ કપાસ હોય તો પત્નીથી સળગી ઊઠે. અથવા પત્ની કપાસ હોય તો … કોણ ક્યારે, તે જાણ્યા વિના ન કહી શકાય. પણ ઘોડાના ડોકાનું ચિત્ર મૂકીને એને દીવાસળીનું ઘોડાછાપ બાકસ કહેવું અનુચિત છે. દીવાસળી પોતાના બાકસમાં નતમસ્તકે દબાઈને પડી રહી હોય છે પણ સળગીને માથું ઊંચકશે તો? તો ઘોડાની જેમ હણહણાટીથી ચોપાસના સઘળાને ગજવી ( = બાળી) મૂકશે. પણ તો તો એને કોણ ખરીદે? જો કે પ્રયોગ કાવ્યાત્મક દીસે છે.
એ જ રીતે, ભમરડા છાપ કે ઍરોપ્લેન છાપ સાબુ-નો વિચાર કરો … કપડાં પર સાબુ ભમરડાની જેમ ભમે તો શું થાય? એની અણીને ઘાતક સમજવી કે નહીં? અને, ભલા માણસ, સાબુને ઍરોપ્લેન સાથે શી લેવાદેવા? શું એથી કપડાં ધોવાઈ-સૂકાઈને આકાશે ઊડી જાય? તો તો એવો સાબુ કોણ ખરીદે?
પણ એવી કલ્પનાઓ કાવ્યાત્મક અને રસપ્રદ ખરી. એ કે એના જેવી બીજી ભાષિક અળવીતરાઈઓ આપણને વાસ્તવથી દૂર ભગાડી જાય છે. સાર્ત્રે સાચું કહેલું કે કાવ્યકલાની રીતભાત ઈર્રીયાલાઇઝેશનની છે – અવાસ્તવીકરણની. કવિઓ અવાસ્તવને કાવ્યત્વ અર્પીને રમ્ય રૂપે રજૂ કરી દે પણ વધારે સંભવિત તો એ છે કે વાસ્તવથી આપણને વિમુખ કરી દે.

વર્તમાન વર્લ્ડ પોલિટિક્સે અને વર્લ્ડવાઇડ ટૅરરિઝમે તેમ જ કોવિડ-૧૯ અને તેના જનેતા કોરોના વાઇરસે સરજેલી અસ્થિરતાઓએ જીવનને રફેદફે કરી નાખ્યું છે. માનવ્યની એથી દુખદ ભયાનક વારતા જે મંડાઈ છે તેનું કાવ્ય ન કરાય, તેની ઠોસ કશી કથા જ માંડવાની હોય. હું ચૉકક્સ માનું છુ કે Humanity needs fiction today more than ever before. આજનો કવિ પોતાના કાવ્યમાં જો અતિશયિત વાક્પટુતા દાખવશે – ઍગ્ઝાજરેશન – તો એ જૂઠ ગણાશે; અને એ જો નાનું શું પણ નૅરેટિવ નહીં ગૂંથે, તો ફાલતુ લાગવાનો છે.
કોરોના આફ્ટરમાથમાં કેવાં કેવાં ઔચિત્ય જાળવીશું?
કોઈ કમૉતે ન મરે એ માટે આપણા તરફથી તો માનવતા જ દાખવીશું. / સારું કે નરસું કોઈ પણ કામ કસમયે નહીં જ કરીએ. / કોઈને અડે કે નડે એવાં કવૅણ પણ નહીં જ બોલીએ. / પોતાની જ કટેવોને ઓળખવા મથીશું. / વિચાર અને વાણી ઉપરાન્ત આપણાં વર્તનોને પણ પ્રેમ અને વિનમ્રતાથી કૂણાં રાખીશું. / અણઘડ-નો તેમ જ ઢ-નો તિરસ્કાર નહીં કરીએ. એમની પ્રત્યે કરુણાળુ રહીશું / પોતાની અણઆવડતથી થયેલાં કામોની જવાબદારી બીજાંઓ પર નહીં જ ઢોળીએ. / પોતાની પસંદગીઓ માગે તે ચૂકવણાં કરીશું જ. / સામાની સ્વતન્ત્રતા જાળવીને જ પોતાનીને સાચવીશું. / વગેરે.
અરે પણ, આવું બધું તો ધર્મ નીતિ સદાચાર અને માનવતાના પુરસ્કર્તાઓએ કોરોના પૂર્વે હજારવાર કહ્યું છે. એ પુરાણપોથીમાં હું તે શી નવી વાત ઉમેરી રહ્યો છું? એ બધાંનાં પાલનપોષણ ને જાળવણ-સાચવણ ન કર્યાં ને હવે આફ્ટરમાથમાં કરીશું એટલે શું સુખી થઈ જઈશું? ન જાને … ચતુર કરે વિચાર …
= = =
નૉંધ : લેખમાં કોઈ વ્યાકરણી ચીજને મેં જો ખોટી રીતે વર્ણવી હોય તો મિત્રો બાબુ સુથાર અને વજેસિંહ પારગીને વિનન્તી કે દર્શાવે. તો સુધારી શકાશે …
(October 28, 2020: Peoria, IL, U.S.A.)
![]()


બારમી સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે, ૧૯૫૧-૫૨માં, એમના શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ (જે પછી બી.જે.પી.ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતાં. ‘ઝીણાના હિંદુ અડધિયા’ઓ સાથેનો વણિક પરિવારના કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન–સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કોલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો. રાધાકૃષ્ણન્નું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ (લક્ષ્મણરાવ ઈનામદાર, ‘આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી’ એમ જે કહે છે તે ઝબકાર ક્ષણ ઝીલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે. તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !
કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી. દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં, પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.
ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો, શરૂ થયો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના ‘જનસત્તા’ પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને ૧૯૭૮થી ૧૯૯૦ના પૂરા બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું. એ સમયના તેમના તંત્રી લેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતા. ‘જનસત્તા’, અમદાવાદ અને ‘લોકસત્તા’ વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા. ૨૦૦૩થી એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ લેખન લગભગ ૨૦૧૯ના મધ્ય સુધી ચાલ્યું. ‘સમકાલીન’ (૧૯૮૪થી ૨૦૦૩), ‘ગુજરાતમિત્ર’(૧૯૯૨થી ૨૦૦૩)માં પણ કોલમ લેખન કર્યુ હતું. પૂર્વે અને આજે ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. 'વિશ્વ માનવ’ અને ‘અખંડ આનંદ’માં સંપાદન – લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ ૧૯૯૩થી વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.