તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરે ય ગરબડ નહીં. તેલનું ટીપું ય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકે ય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ કરે, એટલે આ વિચારપુર ગામ જ એમનો પરિવાર થઈ ગયેલું. મુમતાઝ એમની જમવાની કાળજી કરી લે.
ઘરને આંગણે રોજ રાતે ડાયરો જામે. દેશ-દુનિયાના સમાચાર અને ગામમાં બનતી ઘટનાને આધારે અલકમલકની વાતો થાય. માત્ર નિશાળિયા જ નહિ; વડેરાં ય આવીને સમજુભાની વાતો સાંભળવા બેસે. આ ડાયરો એટલે ગામના સમજણ અને સંપમાં વધારો કરનારો સહજતાથી ચાલતો વર્ગ! વેકેશનમાં સમજુભા પ્રવાસે કે શિબિરમાં જાય તો આખા ય ગામને ખોટ વર્તાય. બધા એમના આવવાની વાટ જુએ. સમજુભા આવીને પ્રવાસના અનુભવોની વાતો કરે. સમજુભા અને મહંમદને લીધે વિચારપુર ગામ પંકાય.
મહંમદની ઘાણી બળદથી ચાલે. કદાવર, સફેદ, કાંકરેજી બળદ. રોજ ઘરનો ખોળ મળે એટલે શરીરે અલમસ્ત. ઉંમરે બાર વર્ષનો. મહંમદે તેને ખરીદ્યો ત્યારે તે નવ માસનો વાછરડો હતો. તેને બીજે જ અઠવાડિયે મુમતાઝે ઈસ્માઈલને જન્મ આપેલો. બે ય સાથે જ મોટા થયા. પતિ-પત્નીને બે ય વહાલા. બળદનું નામ પાડ્યું ‘કામઢો’. નામ એવા ગુણ. કામઢો રોજ આઠ-દસ કલાક ઘાણી ફેરવે એટલે કસાયેલું શરીર. ચામડી ચમકે, માખી બેસે તો ય ચામડી થથરાવે તેવો સ્ફૂર્તિલો. તેને કોઈ દિવસ કામની આળસ નહીં. ઘરનાં બારણાંનાં મીજાગરાં સવારે ખૂલે ત્યારે કિચૂડ કિચૂડ બોલે તે કામઢાનું એલાર્મ.

ઊઠતાંવેંત કામે ચઢવા તૈયાર. ગામ આખામાં કામઢો સૌથી પહેલો કામે ચઢે. થાકે એટલે ઘડીક ઊભો રહે. સરખી જ ઉંમરનો ઈસ્માઈલ સમજી જાય. પાણીની ડોલ મોઢા આગળ મૂકે. ડોલ ખસવાનો અવાજ આવે એટલે વળી પાછો વગર ડચકારે કામઢે ચાલવા માંડે. ચાલવામાં તેજ, બીજા બળદ કરતાં તેની ચાલ સવાઈ. આગળના પગની છાપની આગળ પાછલો પગ પડે. કેટલાક ઘરાક ખાસ ચાલ જોવા ઊભા રહે. કોઈ વળી જતાં જતાં કામઢા માટે એકાદ બે કિલો ખોળ મૂકતાં ય જાય.
સૌ કામઢાના કામનાં વખાણ કરે, ‘આપણો બળદ જો કામઢા જેવો હોય તો કેટલું સારું!’ મુમતાઝ એ સાંભળી જાય તો રોકડું જ પરખાવે, ‘દીકરાની જેમ સાચવો તો તમારા બળદ પણ કામઢા જેવું કામ કરે.’ આવે વખતે પરગજુ મહંમદ મુમતાઝને વારે; પછી વખાણ કરનાર તરફ હાથ જોડીને કહે, ‘પરવરદિગારની કૃપા કે અમારી પર ગામ આખાનો દયાભાવ છે. બધાને ઘાણીકઢું તેલ ખવરાવવાનું અમને જ નહિ; આ કામઢાને ય ગમે છે!’ આ સંવાદ સાંભળી કામઢો તો ભારે પોરસાય.
કામઢાની એક જ મર્યાદા. એને ગોળ-ગોળ ફરતા જ આવડે! મહંમદે તેને ઘાણી માટે જ પલોટેલો તે ! ઘાણીએ જોતરીને પહેલું કામ કાળાં ડાબલાં પહેરાવવાનું. ગામનાં છોકરાંને નવાઈ લાગે, ‘બીજા બળદ ડાબલાં પહેર્યા વિના જ ચાલે છે તો કામઢાને ડાબલાં કેમ?’ સવારથી સાંજ એક જ કામ; ગોળ-ગોળ ફરવાનું. દિવસો વીત્યા, મહિના વીત્યા, દાયકો વીત્યો. કોઈ દિવસ નહિ વેકેશન; નહિ રજા. રજાનો વિચાર કરવાની ફુરસદ ન’તી મહંમદને કે ન’તી કામઢાને. જેમ અર્જુનને માછલીની આંખ સિવાય કાંઈ ન દેખાય તેમ આ બંનેને ઘાણી સિવાય કાંઈ ન દેખાય.
એક વાર ઉનાળાનો સમય. વેકેશનમાં સમજુભા ધ્યાન શિબિરમાં ગયેલા. બરાબર તે જ વખતે અલ્લાનું કરવું ને કામઢાને કાંધ આવી. ધ્યાન ન રહે તો કાંધ પાકે અને લાંબું થાય. મુમતાઝે તો મહંમદનો ઊધડો લીધો, ‘આટલું ય ધ્યાન નથી રાખતા!’ મહંમદે ચાલુ ઘાણ પૂરો કરી કામ કર્યું બંધ. ઘરાક ભલે ધક્કા ખાય. કામઢો પહેલો; ઘરાક પછી. ઈસ્માઈલ દા’ડામાં બે-ત્રણ વાર કાંધ પર ઘરનું તાજું દિવેલ લગાવી આપે. ઈસ્માઈલનો ફોરો હાથ કામઢાને ખાસ શાતા આપે.
મુમતાઝ રોજ ઊઠતાંની સાથે જ તેને પસવારતાં કહે, ‘ઘણું ય કામ કર્યું છે. પૂરતો આરામ કરી લે. આવી તક મળતી નથી’. આટલું સાંભળી મિજાગરાના અવાજ સાથે ઊભો થયેલો કામઢો પાછો બેસી જાય. કામ વિનાના કામઢાને ચેન પડે નહીં. જિંદગીમાં પહેલી વાર કામઢાને ડાબલાં વગર દિવસો કાઢવાના આવ્યા. સવારથી સાંજ સુધી ગામમાં થતી આવન-જાવન પર તેની નજર રહે. એણે જોયું કે રોજ સવારે એનાં બીજાં ભાઈ-ભાંડુઓ અલગ અલગ સાંતી લઈને સીમ તરફ જાય છે. કોઈ ઓરણી, કોઈ કરબ, તો વળી કોઈ હળ લઈને જાય છે. કોઈ વળી ગાડું ખેંચી જાય છે. કોઈને તો કાંઈ જ જોતર્યું નથી. સાંજે પાછો વળતો ક્રમ. કેટલાં બધાં ઘાટનાં સાંતી, જુદા જુદા રંગ-કદના બળદ, બધાની ચાલે ય અલગ!
શરૂઆતના ત્રણ દિવસ તો આ જોવામાં કામઢાને ભારે રસ પડ્યો. ચોથે દિવસે કામઢાને અચાનક ઝબકારો થયો : ‘આ શું? તેના આ ભાઈ-ભાંડુઓમાંથી એકે ય એનાં જેવાં ડાબલાં તો પહેરતા જ નથી ! બધા ખુલ્લી આંખે અને સીધી દિશામાં ચાલે છે. એકે ય એની જેમ એકલા તો છે જ નહિ ! બધા કોઈ ને કોઈ સાથીદારની સાથે જ ચાલે છે!’ હવે એનું મગજ ચકરાવે ચડ્યું, ગડમથલ થવા માંડી કે, ‘રોજ સાંજે પાછું જ આવવાનું હોય તો બધાં એની જેમ ગોળ ફરીને કામ જલદી પતાવતા કેમ નથી? ઝડપ આટલી ધીમી કેમ? બધા જાય છે ક્યાં અને આવે છે ક્યાંથી? ત્યાં શું કામ કરતા હશે? ભાર વગર ચલાતું કેમ હશે? બધાની ઘાણી કેવીક હશે? આટલા બધા ઘાટના સાંતીની અને તેને વળી બદલતાં રહેવાની જરૂર શી?’ વિચારોના ઘમસાણથી એનું માથું દુખવા લાગ્યું અને એ ઝોકે ચડી ગયો. બીજા બે દિવસ ગયા. રોજ આ જ મથામણ ચાલે અને ઝોકાં આવે પછી એનું માથું ઊતરે.
તેવામાં એક દિવસ તેણે સાંભળ્યું, ‘ચાલો ચાલો, આપણે આજે તો ઓરવાનું છે, મોડા પડે નહીં ચાલે. આ કામઢાની જેમ બેસી રહેવું આપણને ના પાલવે.’ પોતાનું નામ સાંભળી કામઢાના કાન સરવા થયા. તેણે જોયું તો એક વાંકાબોલો ખેડૂત તેના બળદોને પરોણો મારતો હતો. કામઢાને વાત સમજાઈ ગઈ. એની તો ઊંઘ ઊડી ગઈ. તેનું મન વ્યાકુળ થઈ ગયું. દસ વરસની એકધારી અને એકચિત્ત મહેનત પછી ગામમાં આવી વાતો થાય કેમ? તેની કામ પ્રત્યેની લગનને કોઈ પડકારી કેમ શકે? તે રાત્રે કામઢો સૂઈ ન શક્યો. આખી રાત તેણે ઊઠબેસ જ કરી. એને એમ થાય કે પોહ ફાટે ક્યારે અને ઘાણીએ વળગું ક્યારે? તેના માંહ્યલાના અવાજ સામે કાંધની પીડા તો ક્યાં ય ભુલાઈ ગઈ.
ઈસ્માઈલ ઘાણીએ બેસીને મોટેથી એક વારતા વાંચતો તે તેને યાદ આવી ગઈ. તેમાં બંને પગ વગરની એક છોકરી ગિરનાર ચડી ગઈ હતી. શારીરિક તકલીફો તો નબળા મનવાળાને નડે. એને તો ધૂન સવાર થઈ કે, ‘મારે કામ કરવું જોઈએ. ધૂંસરું નાંખી ગોળ-ગોળ ફરવું એ મારો સ્વધર્મ છે, એ જ મારી ફરજ છે અને એ જ મારો સેવાધર્મ છે. મને ઈશ્વરે તેને માટે તો મોકલ્યો છે. આવી રીતે કોઈ નવરું બેસે જ નહિ. કામ વિના જીવનનો સંતોષ મળે જ કેમ? કામ ન કરીએ તો જીવતર એળે જાય. હું બેઠો હોઉં ને ગામ ભેળસેળવાળું તેલ ખાય? અને પછી કામ કેટલું ચડી જાય? ઘાણી પડી પડી બગડી તો નહિ જાય ને?’ તેમાં વળી ઘણા વખતથી બાકી રહેલાં કામો પતાવવા મહંમદ બહારગામ જઈ આવ્યાની વાત જાણી. કામઢાને તો એમે ય વિચાર આવી ગયો કે, ‘આ મહંમદ, કોઈ બીજો ધંધો તો શોધી નહિ કાઢે ને! તે તેનો સ્વધર્મ તો ભૂલી નહિ જાય ને!’ તે રાતે કામઢાએ કશીક ગાંઠ વાળી લીધી.
સવાર પડી; પણ બારણું ખૂલવાનો અવાજ આજે આવ્યો કેમ નહિ? તાવલા ઈસ્માઈલને પોતાં મૂકવા મા-બાપે મોડી રાત સુધી ઉજાગરો કરેલો. બહારના શોરબકોરથી જાગીને મહંમદ જુએ છે તો આખું ફળિયું કામઢાની ફરતે ભેગું થઈ ગયેલું. ટોળાની વચમાં ખીલા ફરતે કામઢો ગોળ-ગોળ ફરે છે. જેમ ઘાણીની પડાળમાં લાટ ફરે તેમ હાલી ગયેલો ખીલો ય ગોળ-ગોળ ફરે છે. અને લોકો આ નવતર જોવાની મઝા માણે છે. કોઈ બોલ્યું, ‘કામઢો ગાંડો થયો લાગે છે.’ કોઈ કહે, ‘હવે આફરો ચડશે.’ કોઈને થયું, ‘બેઠા-બેઠ ખાધું તેની આળસ ઉતારે છે.’ કોઈ શું બોલે છે તેની કામઢાને પડી નથી. એ તો એના તાનમાં ફર્યે જ જાય છે.
આ તમાશો જોઈને મહંમદને ભારે અચરજ થયું. ઘડીક તો તેને કશી ગતાગમ પડી નહિ. કામઢાનું આવું વર્તન ક્યારે ય જોયું નહોતું. ન તો કોઈ દિ’ આવી બીમારી વિશે સાંભળેલું. આની દવા શી? આનો દાક્તર કોણ? આ તો દરદ જ નવું! આંખ ચોળતી મુમતાઝ બોલી, ‘ખીલો બદલી જુઓ.’ મહંમદ તરત કામઢા પાસે ગયો, પૂચકાર્યો. પણ કામઢો ગાંઠે શેનો? મુમતાઝે પાણી પાયું એટલે ઘડીક શાંત થયો. દરમ્યાન મહંમદે એને ખીલેથી છોડી લીધો. તે જેવો નવા ખીલા તરફ દોરી જાય છે તેવો કામઢો માથું નીચું કરી મહંમદ પાસે ઊભો રહ્યો. કામઢાને એમ કે હવે ધૂંસરી મુકાય એટલે ઘાણી શરૂ. ‘પણ હજી તો કાંધ મટી ક્યાં છે?’ મુમતાઝ ઊંચા અવાજે બોલી. ‘કામઢાને કામે ન ચડાવાય.’ કામઢાને શંકા થઈ કે પેલી ગિરનાર ચડવાવાળી વારતા મુમતાઝે સાંભળી નહિ હોય?
તેણે તો નવા ખીલે ફરી ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું. પડોશમાં સમજુભા સવારથી બધો તાલ જોયા કરે. આગલી રાતે જ શિબિરમાંથી પાછા આવેલા. તે તો જીવનના મર્મજ્ઞ હતા, બધું પામી ગયા. કહે, ‘ખીલો બદલ્યે નહિ ચાલે, કાંધ મટે નહીં ત્યાં સુધી ડાબલાં પહેરાવેલાં રાખો.’ મહંમદે જેમતેમ કરી કામઢાને ડાબલાં ચડાવી દીધાં. અને ઉપાય તો ભારે કારગર નીવડ્યો! ઘડીકમાં કામઢો શાંત થઈ બેસી ગયો. ડાબલાં જ તેને ગોઠ્યાં. હવે તેની નજર બીજે ફરતી બંધ થઈ. તેનું મન ચકરાવે ચડતું નહોતું અને સદ્ભાગ્યે કોઈ વાંકાબોલો નજીક ફરકતો નો’તો.
એકાદ અઠવાડિયું ગયું. કાંધ સાજી થઈ ગઈ, ઘાણી ચાલુ થઈ ગઈ. હવે બધાં ય રાજી છે, ઘરાક રાજી, મહંમદ રાજી અને કામઢો ય રાજી! પણ રોજ ભરાતા ડાયરામાં ગામનાં વડેરાં પૂછ્યે રાખે છે, ‘હેં સમજુભા, ડાબલાંમાં એવું તો શું છે કે કામઢો શાંત થઈ ગયો?’ સમજુભા મૂછમાં હસે ને એટલું જ બોલે, ‘ડાબલાંમાં જાદુ છે!’ પછી કરુણાભાવથી કામઢા તરફ જોયા કરે.
પણ એટલેથી અટકે તો સમજુભા શેના? આવો મોકો એ જવા દે? એક માર્મિક ગમ્મત કરવાનું તેમને સૂઝ્યું. ઓસરીમાં એક મોટો અરીસો લટકાવ્યો. પછી તેના ઉપરના ભાગે એક આકર્ષક ચબરખી ચોંટાડી, તેમાં કંઈક લખ્યું. ડાયરામાં આવતા લોકોને આજે આ નવું લાગ્યું. અરીસા પર કોઈ ચબરખી થોડી ચોંટાડે? વિચારપુરનાં લોકો આ કૌતુક જોવા જાય છે અને તેમાં પોતાનો ચહેરો દેખાય ત્યારે ચબરખી કપાળે આવે છે. ચબરખી વાંચી સૌ વિચારતાં થઈ જાય છે!
મહંમદે પણ અરીસામાં જોયું ને બોચી ખંજવાળી. કપાળ ઉપર દેખાતી ચબરખીમાં લખ્યું હતું, ‘કામઢો’! તેણે મલકાતાં મલકાતાં સમજુભાને પૂછ્યું, ‘આ અરીસો કામઢાની સામે ધરું?’ મુમતાઝ બોલી, ‘કામઢાને ચાલતાં આવડે છે; વાંચતાં નહિ.’ સમજુભા કહે, ‘અરે, વાંચતાં ન આવડે તો ય ચાલે, અરીસામાં જોતાં આવડે તો ભયો ભયો!’
(સમજુભાના અરીસામાં જોતાં જોતાં સૂઝેલી વાર્તા)
સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2020
 


 આપણી આસાપાસ અત્યારે ઘણો ઘોંઘાટ છે. લૉકડાઉન ખૂલ્યાનો, કેસિઝ વધ્યાનો, મર્ડર કે આત્મહત્યાનો કોયડો ઉકેલવાનો, કંગના રણૌત અને રિયા ચક્રવર્તી સાથે અને સામે જે થઇ રહ્યું છે તેનો પણ! આ બધું ચાલી રહ્યું છે ત્યાં સાથે સાથે ધસમસમતો નીચે જઇ રહેલો આપણા દેશનો જી.ડી.પી. પણ ક્યારેક ચર્ચાઇ જાય છે તો ક્યારેક ખેડૂતો અને મજૂરોની વ્યથા પણ વાતોનો ભાગ બની જાય છે. પણ આ ઘોંઘાટ, બૂમરાણ અને ધીમા સાદની સમાંતર એવી ઘણી ઘટનાઓ છે જેની પર કાં તો આપણું ધ્યાન જતું નથી અને જાય છે તો તરત આપણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માંડીએ છીએ જેમાં ગેજેટ ગૉસિપ કરવાનો વધારે સ્કોપ હોય, જેમ કે ખૂનની થિયરીઓ બનાવવી, રાજકારણનું મોહરું કોણ છે એ બધું ચર્ચવું, શોધવું વગેરે.
આપણી આસાપાસ અત્યારે ઘણો ઘોંઘાટ છે. લૉકડાઉન ખૂલ્યાનો, કેસિઝ વધ્યાનો, મર્ડર કે આત્મહત્યાનો કોયડો ઉકેલવાનો, કંગના રણૌત અને રિયા ચક્રવર્તી સાથે અને સામે જે થઇ રહ્યું છે તેનો પણ! આ બધું ચાલી રહ્યું છે ત્યાં સાથે સાથે ધસમસમતો નીચે જઇ રહેલો આપણા દેશનો જી.ડી.પી. પણ ક્યારેક ચર્ચાઇ જાય છે તો ક્યારેક ખેડૂતો અને મજૂરોની વ્યથા પણ વાતોનો ભાગ બની જાય છે. પણ આ ઘોંઘાટ, બૂમરાણ અને ધીમા સાદની સમાંતર એવી ઘણી ઘટનાઓ છે જેની પર કાં તો આપણું ધ્યાન જતું નથી અને જાય છે તો તરત આપણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માંડીએ છીએ જેમાં ગેજેટ ગૉસિપ કરવાનો વધારે સ્કોપ હોય, જેમ કે ખૂનની થિયરીઓ બનાવવી, રાજકારણનું મોહરું કોણ છે એ બધું ચર્ચવું, શોધવું વગેરે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મુક્યો એ જ દિવસે પ્રમુખ કૃગરે જાહેરાત કરી દીધી હતી કે શ્વેત ખ્રિસ્તી પ્રજા ઈશ્વરની માનીતી પ્રજા છે એટલે બીજા લોકોએ અધિકારો તો ઠીક, આત્મસન્માનની પણ અપેક્ષા રાખવી નહીં. ગાંધીજીને હવે આના અનુભવ થવાના હતા. પહેલો અનુભવ તો બીજા જ દિવસે ૨૬મી મે ૧૮૯૩ના રોજ ડરબનની આદાલતમાં થયો. ગાંધીજી ભારતીય પાઘડી પહેરીને અદાલતમાં ગયા ત્યારે જજે ઈશારો કરીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી નહીં ઉતારી અને અદાલતના ખંડની બહાર નીકળી ગયા. બીજા દિવસે ત્યાંના અખબાર ‘ધ નાતાલ ઍડ્વર્ટાઈઝર’માં એ ઘટનાના સમાચાર ‘એન અનવેલકમ વિઝિટર’ એવા મથાળા હેઠળ આપવામાં આવ્યા હતા. હજુ તો કૃગરે ચેતવણી આપી એને ત્રણ દિવસ પણ નહોતા થયા ત્યાં અખબારે ગાંધીજીને ‘એન અનવેલકમ વિઝિટર’ જાહેર કરી દીધા.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મુક્યો એ જ દિવસે પ્રમુખ કૃગરે જાહેરાત કરી દીધી હતી કે શ્વેત ખ્રિસ્તી પ્રજા ઈશ્વરની માનીતી પ્રજા છે એટલે બીજા લોકોએ અધિકારો તો ઠીક, આત્મસન્માનની પણ અપેક્ષા રાખવી નહીં. ગાંધીજીને હવે આના અનુભવ થવાના હતા. પહેલો અનુભવ તો બીજા જ દિવસે ૨૬મી મે ૧૮૯૩ના રોજ ડરબનની આદાલતમાં થયો. ગાંધીજી ભારતીય પાઘડી પહેરીને અદાલતમાં ગયા ત્યારે જજે ઈશારો કરીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી નહીં ઉતારી અને અદાલતના ખંડની બહાર નીકળી ગયા. બીજા દિવસે ત્યાંના અખબાર ‘ધ નાતાલ ઍડ્વર્ટાઈઝર’માં એ ઘટનાના સમાચાર ‘એન અનવેલકમ વિઝિટર’ એવા મથાળા હેઠળ આપવામાં આવ્યા હતા. હજુ તો કૃગરે ચેતવણી આપી એને ત્રણ દિવસ પણ નહોતા થયા ત્યાં અખબારે ગાંધીજીને ‘એન અનવેલકમ વિઝિટર’ જાહેર કરી દીધા. ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે : મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું એ તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું એ લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’
ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે : મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું એ તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું એ લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’