આગલા લેખમાં કહ્યું હતું એમ અવિભાજિત ભારતના ઉચ્ચ શિક્ષિત મુસલમાનોને ભય હતો કે વહેલોમોડો દેશ આઝાદ થવાનો છે અને આધુનિક યુગમાં શાસનપદ્ધતિ તો લોકતાંત્રિક જ હોવાની એટલે લઘુમતી ધરાવતા મુસલમાનોએ બહુમતી હિંદુઓ સામે ઓશિયાળા થઈને રહેવું પડશે. કૉન્ગ્રેસના નેતાઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે ભારત લોકતાંત્રિક દેશ જરૂર હશે, પણ તે સાથે સેક્યુલર દેશ પણ હશે, જેમાં ધર્મનું સ્થાન અંગત જીવન પૂરતું જ હશે માટે મુસલમાનોએ ડરવાની જરૂર નથી. મુસલમાનનું અને હિંદુનું અને બીજા કોઈ પણ ધર્માનુયાયીનું સ્થાન ભારતના એક નાગરિક તરીકે સમાનતાનું હશે. દેશમાં એક માત્ર નિર્ણાયક ઓળખ નાગરિક હોવાની રહેશે.
ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને બીજા નખશિખ માણસાઈ ધરાવનારા કૉન્ગ્રેસના નેતાઓએ બાંયધરી આપી હોવા છતાં મુસ્લિમ નેતાઓને ભરોસો બેસતો નહોતો, કારણ કે હિન્દુત્વવાદીઓ પડસાળમાં ઊભા રહીને ભારતમેં રહેના હો તો …ની શરતો માંડતા હતા. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે અવિભાજિત ભારતના મુસલમાનોએ લોકતાંત્રિક સેક્યુલર ભારતમાં નાગરિક બનીને જીવવાનો એક મોકો અજમાવવો જોઈતો હતો. જો એમ બન્યું હોત તો એ ઇસ્લામના ઇતિહાસમાં મુસલમાનો માટે એવો પહેલો અનુભવ હોત. ૨૫ ટકાની વસ્તી હોય, ભારતના છ પ્રાંતોમાં બહુમતી હોય અને છતાં સેક્યુલર ભારતમાં નાગરિક તરીકે રહેવાનો મુસલમાનોનો એક પ્રયોગ જગતને જોવા મળત. આજે હવે એમ લાગે છે કે મુસલમાનોનો ભય છેક અસ્થાને નહોતો. કોમવાદી હિંદુઓને પણ ક્યાં સેક્યુલર નાગરિક તરીકે જીવવું હતું? તેઓ સતત કહેતા રહેતા હતા કે અમારો વારો આવશે ત્યારે અમે તમને તમારી જગ્યા બતાવી આપીશું. આ અમે અને તમેના ભણકારા આધુનિક અભિગમ ધરાવનારા મુસલમાનોને પણ સતાવતા હતા. એટલે તેઓ ભરોસો કરવા તૈયાર નહોતા.
જો સ્થિતિ આવી હોય તો વિકલ્પ શું? એક વિકલ્પ એવો હતો કે ભારતના સમાન નાગરિક તરીકે નહીં, પણ હિંદુ અને મુસલમાન તરીકે કેન્દ્રમાં અને રાજ્યોમાં સંખ્યાની દૃષ્ટિએ સત્તામાં ભાગીદારી નક્કી કરવામાં આવે. ટૂંકમાં આદર્શ નહીં વ્યવહાર. બીજો વિકલ્પ હતો કે દેશમાં ફેડરેશન રચવામાં આવે જેમાં સંખ્યાના આધારે સત્તામાં સ્વાયત્તતા આપવામાં આવે. ત્રીજો વિકલ્પ વિભાજનનો હતો. વાચકોએ, એક વિનંતી કે, મુસ્લિમ લીગનો ૧૯૪૦ના લાહોરના અધિવેશનનો ઠરાવ જોઈ જવો જોઈએ. એમાં કોઈ જગ્યાએ પાકિસ્તાનનો ઉલ્લેખ નથી. મુસ્લિમ નેતાઓને જાણ હતી કે ભારતનું વિભાજન કરીને સ્વતંત્ર મુસ્લિમ દેશ રચવો એ વ્યવહારુ ઉપાય નથી. તેઓ સત્તામાં વધારે ભાગ મેળવવા વધારે પડતી આકરી ભૂમિકા લેવા માંડ્યા ડાયરેક્ટ એક્શન જેવા માર્ગ અપનાવીને હાર્ડ બાર્ગેનિંગ કરવા ગયા એને કારણે પાકિસ્તાન તેમના ગળામાં આવી ગયું.
આ બાજુ ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે એમ અનેક હિંદુ નેતાઓ ૨૦મી સદીના પહેલા દાયકાથી કહેતા હતા. લાલ લજપતરાય અને ઘનશ્યામદાસ બિરલા આનું ઉદાહરણ છે. ભારતના કોમી વિભાજનનો ઠરાવ વિનાયક દામોદર સાવરકરના અધ્યક્ષપદે હિંદુ મહાસભાએ ૧૯૩૭માં મુસ્લિમ લીગના ઠરાવ કરતાં ત્રણ વરસ પહેલાં તેના અમદાવાદના અધિવેશનમાં કર્યો હતો. ભારતના કોમી વિભાજનમાં સેક્યુલર હિંદુ નેતાઓ કરતાં હિંદુવાદી હિંદુ નેતાઓને વધારે રસ હતો એ એક સત્ય છે અને તેના પ્રમાણ હું આપી શકું એમ છે.
શા માટે મુસ્લિમ નેતાઓને પાકિસ્તાન નહોતું જોઈતું? શા માટે મુસ્લિમ નેતાઓને પાકિસ્તાનનો વિકલ્પ વ્યવહારુ (વાયેબલ) નહોતો લાગતો?
એનાં અનેક કારણો હતાં. એક તો એ કે મુસ્લિમ બહુમતીવાળો દેશ સેક્યુલર રહી શકે એ બાબતે તેમને શંકા હતી. અલગ મુસ્લિમ દેશ અસ્તિત્વમાં આવતાની સાથે જ ઇસ્લામવાદીઓ તેને ઇસ્લામિક દેશ બનાવવા હાવી થઈ જશે. બીજું કારણ એ હતું કે મુસલમાનો હજુ આધુનિક રાષ્ટ્રને સ્વીકારવા જેટલા આધુનિક થયા નથી અને એમાં જે જગ્યાએ પાકિસ્તાન રચાઈ શકે એમ હતું ત્યાંની પ્રજા તો આ બાબતે હજુ વધુ પછાત હતી. ત્રીજું કારણ એ કે ઇસ્લામિક રાષ્ટ્રવાદ તો હાથવગો છે, પરંતુ પાકિસ્તાની રાષ્ટ્રવાદ વિકસાવવો કઈ રીતે? જો પાકિસ્તાની રાષ્ટ્રવાદનું રસાયણ હાથ ન લાગે તો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્રવાદનો શિકાર બની જાય. ચોથું કારણ એ કે આર્થિક, વહીવટી અને લશ્કરી દૃષ્ટિએ પાકિસ્તાનને ટકાવવું એ એક પડકાર બનવાનો છે.
આગલા લેખમાં કહ્યું હતું એમ પાકિસ્તાનની રચના ત્રાસવાદીઓને પેદા કરવા માટે નહોતી કરવામાં આવી. તેમને તો અવિભાજિત ભારતમાં દરેક ક્ષેત્રમાં તેમના હકનો ભાગ જોઈતો હતો અને સર સૈયદ અહમદ ખાને કલ્પના કરી હતી એમ તેઓ મુસલમાનોને આધુનિક વિકાસલક્ષી બનાવવા હતા. જો હિન્દુસ્તાનમાં મુસલમાનોએ હિંદુઓની બરાબરી કરવી હોય તો આધુનિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. આમ તેઓ એક બાજુ ધર્મઝનૂની ઇસ્લામવાદીઓથી અને બીજી બાજુ ભવિષ્યમાં સંભવત: દાદાગીરી કરનારા બહુમતી હિંદુઓથી મુસલમાનોને બચાવવા માગતા હતા. તેમને પોતાનું કાર્ડ ઊતરતાં આવડ્યું નહીં અને પાકિસ્તાન ગળામાં આવી ગયું અને હવે નવી સમસ્યા પાકિસ્તાનને કેમ ટકાવવું એની હતી.
ધારણા મુજબ ધર્મઝનૂની ઇસ્લામવાદીઓ પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે હાવી થઈ ગયા તે ત્યાં સુધી કે પાકિસ્તાનની બંધારણસભામાં મહમદઅલી ઝીણાનું પાકિસ્તાન કેવું હશે એ વિશેના ઉદ્દેશનો ઠરાવ (ઓબ્જેક્ટીવ રીઝોલ્યુશન) પાસ નહીં થઈ શક્યું. ઝીણાના મંગળ પ્રવચનને ઝીણાના સમગ્ર વાંઙમયમાંથી હટાવી દેવામાં આવ્યું છે. છેવટે પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવું પડ્યું. પાકિસ્તાનના સ્થાપકો જેનાથી ડરતા હતા તે જ બારણે આવીને ઊભુ રહ્યું. આ બાજુ ઇસ્લામિક રાષ્ટ્રવાદને ખાળવા પાકિસ્તાની રાષ્ટ્રવાદ ઉત્પન્ન (જી હા ઉત્પન્ન) કરવામાં આવ્યો પણ તે થઈ શક્યો નહીં. પાકિસ્તાની રાષ્ટ્રવાદ એક તો પંજાબી રાષ્ટ્રવાદ બની ગયો અને તે ભારતવિરોધી બનતો ગયો. પાકિસ્તાનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભારતવિરોધ જરૂરી હતો.
આમાંથી ભારતે કાંઈ ધડો લેવા જેવું ખરું? કોઈ લાંબા વિવેચન વિના દરેક વાચક સમજી શકશે કે ધર્મનો અને કૃત્રિમ રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ વન વે સ્ટ્રીટ જેવો હોય છે. એમાં પ્રવેશી શકાય છે, બહાર નીકળી શકાતું નથી. પાકિસ્તાનના નિર્માતાઓએ અને એ પછી તેના શાસકોએ આ બન્નેનો ઉપયોગ કર્યો અને આજે ઇમરાન ખાન કહે છે એમ પાકિસ્તાનમાં ૪૦ જેટલા ત્રાસવાદી જૂથો અને પચાસેક હજાર જેટલા ત્રાસવાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે હિંદુ છીએ એટલે આવું ન જ બને એમ માનવને કારણ નથી. જે માર્ગ અપનાવો એની મંઝિલ એક જ હોય છે, પછી પ્રવાસી ગમે તે હોય. બીજું, પાકિસ્તાન તો માથે મારવામાં આવ્યું હતું અને એ પછી તેને ટકાવી રાખવાની મજબૂરી હતી. આપણી સામે કઈ મજબૂરી છે?
15 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2019
![]()


હિન્દી કવિ રામધારીસિંહ દિનકરે તેમના વિખ્યાત પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ‘હિન્દુત્વ કી ખરલ’ એમ કહ્યું છે. દિનકરનું હિન્દુત્વ એ હિંદુ કોમવાદીઓનું હિન્દુત્વ નથી જે પૃથકતાવાદી છે, પણ દિનકરનું હિન્દુત્વ સર્વસમાવેશક છે અને એટલે તો તેને ખરલ તરીકે ઓળખાવ્યું છે. દિનકર જો આજે લખતા હોત તો તેમણે હિન્દુત્વની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપર્યો હોત, પણ એ વાત જવા દઈએ.
કવિ દિનકર એમ કહે છે કે ભારતની સાંસ્કૃતિક ખરલમાંથી હિંદુ પેદા થયો છે. એ જે હિંદુ પેદા થયો છે એ એક-જીનસ નથી. ભારતની એ વિશેષતા રહી છે કે તે અનેક જાતિઓને ખરલમાં વાટીને એક જાતિ બનાવી દે છે અને અનેક ધર્મોને વાટીને એક ધર્મ બનાવી દે છે. નીગ્રો, ઔષ્ટ્રિક, દ્રવિડ અને આર્યના મિલનમાંથી જે મહાજાતિ પેદા થઈ એ હિંદુ (જેમાં જૈન, બૌદ્ધ, સીખ વગેરેનો સમાવેશ થાય છે) અને વેદ તેમ જ ઉપનિષદો પછી જે વિચારધારાઓની સરવાણીઓ ફૂટી એ ભારતીયદર્શન. આમ કવિ દિનકરનો હિન્દુત્વનો અર્થ સાવરકરના હિન્દુત્વ કરતાં જુદો છે એ સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે. ખરલનો ઉપયોગ જ અનેકમાંથી એક બનાવવા માટે કરવામાં આવે છે અને એ એકને પાછો બીજા સાથે વાટીને અનેક બનાવવા માટે કરવામાં આવે છે. ખરલનો ઉપયોગ કોઈ ચીજ મીટાવવા માટે નથી કરવામાં આવતો, કાંઈક નવું રચવા માટે કરવામાં આવે છે. 
ગુજરાતી સાહિત્યમાં જાહેર રીતે ગાંધીજીના વજૂદની નોંધ તેમની જિંદગીના ૪૬ વર્ષની ઉંમર સુધી લેવાઈ હોય તેવું લાગતું નથી. અલબત્ત બ.ક. ઠાકોરની સાથે તેમને સ્કૂલના દિવસોથી સંબંધ હતો. પણ ગુજરાતી સાહિત્ય જગતને એ વાત અત્યારના સમયમાં નોંધપાત્ર નથી લાગતી. ભારતમાં આફ્રિકાથી આવ્યા તે પહેલાં ગાંધીજી સારા વાચક, અખબારનવીસ તથા ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા. પણ આ બાબતોની ગુજરાતી સાહિત્યકારને ખાસ નિસ્બત નહીં. એમ તો ૧૮૫૭ના બળવા સમયે નર્મદ શબ્દકોષની રચના કરતો હતો. પણ તેની સમાજ સાથે નિસ્બત એટલી હતી કે એક વખત તે સુરતથી મુંબઇ વહાણમાં ગયો તો મુંબઈ બંદરે તેનું સ્વાગત કરવા લગભગ દસેક હજાર માણસ એકઠું થયેલું. તેમ ગાંધીજી પણ ગુજરાતમાં લોકપ્રિય હતા. પરંતુ સમાજ પરના ગાંધીજીના પ્રભાવક વલણનો સાહિત્યજગતે સ્વીકાર પ્રમાણમાં મોડો કર્યો. પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીના નામની દરખાસ્તને બહાલી મળી ન હતી. એ જમાનામાં રમણભાઈ નીલકંઠ અને ગાંધીજીને સંબંધ એટલા સારા હતા કે રમણભાઈનાં મેલાં કપડાં ગાંધીજીને રૂચતાં નહીં. હળવેથી તે પર નુક્તેચીની થતી. પરંતુ ‘ભદ્રંભદ્ર’ના રચનાકાર જેવા પંડિતોને ગાંધીજી કોશ હાંકનાર કોશિયો પણ સમજી શકે તેવી ભાષા યોજવાનું કહી શકતા. એ જમાનાના નવલકથા જેવા સાહિત્ય સ્વરૂપોની સામગ્રીની ગાંધીજીએ ટીકા કરી હતી. તો પણ ગુજરાતના યુગમૂર્તિ વાર્તાકાર ગણાતા ર.વ. દેસાઈએ પોતાની કેટલીક રચનામાં ગાંધીવિચારને પ્રગટ કર્યો. જો કે ગાંધીજી આવ્યા પહેલાં ‘સરસ્વતીચંદ્ર’કાર ગો.મા.ત્રિ.એ ‘કલ્યાણગ્રામ’ની વાત મૂકી હતી. પરંતુ ર.વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’નું અનુસંધાન ‘કલ્યાણગ્રામ’ કરતાં ‘હિંદસ્વરાજ’વાળા ગામડાના મોડેલનું સ્વીકારાયું હોય એવું લાગે છે