સત્તાનું સિંહાસન હાંસલ કરવાનો મોકો હાથવેંતમાં છે અને તે માટે ક્રાંતિની હાકલ કરવાની સાહસવાદી નીતિએ નિરર્થક રક્તપાત સર્જ્યાની અને તેમાં અનેક આદર્શવાદી યુવાનોનો ભોગ લેવાયાની અનેક ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં પથરાયેલી છેઃ બટુક દેસાઈનો જયંતી પારેખ વિષયક લેખ (“નિરીક્ષક” – ૧/૬/૨૦૧૯, ૧૬/૬/૨૦૧૯ તેમ જ “ઓપિનિયન” – ૨૮/૫/૨૦૧૯) વાંચતા એની યાદ તાજી થાય છે.
સામજિક, આર્થિક તથા રાજકીય વ્યવસ્થાને કારણે પીડિતો અને વંચિતો દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે. હકીકતમાં આવો સમૂહ ક્રાંતિ માટેનો સહાયકવર્ગ છે. પરિણામે અઢારમી સદીના બાકુનીનથી માંડી વીસમી સદીના ચે ગ્યુવેરા સહિતના અનેક ચિંતકો અને નેતાઓ દરેક પળ અને દેશ ક્રાંતિ માટે પરિપક્વ છે, એમ માનતા રહ્યા છે.
ગઈ સદીમાં જ ચીન, ભારત, લેટિન અમેરિકા, ઇન્ડોનેશિયામાં આ પ્રકારની માન્યતાને કારણે થયેલા સામ્યવાદ પ્રેરિત બળવાઓમાં લાખો વ્યક્તિઓ મોતને ભેટી છે.
ભારતમાં સ્વાધીનતા પછીનાં વર્ષમાં આવો જ એક પ્રયાસ થયો. સ્ટાલીનનો મત હતો કે ભારતની સ્વાધીનતા વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાના હાથમાં જ હસ્તાંતરણ છે અને તેની સામે વિપ્લવ જગાવવો જોઈએ. અગાઉ આવાં જ મંતવ્યના આધારે ૧૯૨૭ દરમિયાન ચીનમાં બળવો કરવાની કોશિશમાં અનેક સામ્યવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભારતમાં તેવી જ સાહસવાદી નીતિ અપનાવવામાં આવી, જે તે સમયના સામ્યવાદી નેતા રણદીવેના નામે જાણીતી છે.
આ પ્રયાસમાં અનેક સામ્યવાદીઓ જેલમાં પુરાયેલા. આપણા ઘરઆંગણે સાબરમતી જેલમાં પણ અનેક યુવાનો હતા. જયંતી પારેખ, જમાનાદાસ અને બીજા અનેક નિષ્ઠાવાન સામ્યવાદીઓએ આ હાકલને માન આપી જેલમાં બળવો કરવાની કોશિશ કરતાં પોલીસના ગોળીબારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. બટુકભાઈ દેસાઈએ (બટુકભાઈ પણ યાદ આવે છે. સાદા, હસમુખા, ખાદીધારી અને પ્રેસનોટ આપવા પણ જાતે આવે.) જયંતી પારેખનો પરિચય આપતા લેખોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જયંતી પારેખ ગાંધી આશ્રમમાં ઉછરેલા. અહિંસામાં માનતા, સાદા, સરળ, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ અને દલીત-પીડિતોના હામી આદર્શવાદી યુવાન અને તેમના જેવા પીડિતોના હામી યુવાનો આવી સાહસવાદી નીતિને કારણે આપણે ગુમાવ્યા, તે અફસોસજનક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 11
![]()


ડૉ. પાયલ તડવી (આત્મ?)હત્યાકાંડમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ડૉ. તડવી ચોક્કસ સંસ્થાકીય રેગિંગનો શિકાર બની છે. પરંતુ તપાસમાં જાતિ-આધારિત ભેદભાવ તથા અત્યાચારનાં કોઈ ’નિર્ણાયક’ પુરાવા મળ્યા નથી. બત્રીસ લોકોની જુબાની પર આધારિત રિપોર્ટ અનુસાર, અધધ ’વર્કલોડ’ અને ’લૉંન્ગ વર્કિંગ અવર્સ’ને કારણે ડૉ. તડવી ભારે માનસિક તણાવ હેઠળ હતી. વિશ્વસનીયતા વધારવા માટે સોળ-પાનાંના ફરફરિયાંમાં ‘એન્ટિ-રેગિંગમિકેનિઝ્મ’, ‘મેન્ટરશિપ’ અને ‘ક્વૉલિટીસર્કલ’ જેવી સરકારી લફાઝી ઠૂંસીઠૂંસીને ભરવામાં આવી છે, પરંતુ ડૉ. તડવીની હત્યા માટે જવાબદાર ત્રણ સવર્ણ ડૉક્ટર અને ગાયનેકોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ પર કોઈ પણ જાતની કાનૂની કે અન્ય કાર્યવાહીની ભલામણ સુધ્ધાં નથી કરાઈ. મેલા રાજકારણ અને નિર્લજ્જતાની પરાકાષ્ઠા એ રિપોર્ટ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસરોને ક્લિનિકલ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટાઇમ-મૅનેજમેન્ટમાં મદદ કરવાની સલાહ આપે છે. દેખીતી રીતે, આખી ઘટનામાંથી જાતિગત ઉત્પીડનનાં તત્ત્વનો ખૂબ સિફતથી છેદ ઉડાડી, આપણાં સામાજિક અને સંસ્થાકીય માળખાંઓમાં નખશિખ ફેલાઈ ગયેલા જાતિ નામના સડાને નકારવામાં આવ્યો છે.