"નિરીક્ષક" અગ્ર લેખ
ભલે રાષ્ટ્રીય સ્તરે રાજીવ ગાંધીનો કે ગાંધીનગર સ્તરે માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ પટેલનો વિક્રમ હજી વણતૂટ્યો હોય, ૨૩ મે ૨૦૧૯નો દિવસ ભા.જ.પ. જે અભૂતપૂર્વ વિજયશ્રી વર્યો એને સારુ લાંબો સમય સંભારાશે. એક નવા જ વિમર્શનો એનો દાવો છે એ રીતે વિચારધારાકીય વહેણ, વમળ, વળાંક હવેના ગાળામાં આપણી જાહેર તપાસલાયક બની રહેશે – બલકે, બની રહેવાં જોઈએ એ પણ નિઃશંક છે. યથાસમય યથાપ્રસંગ એ વિશે આ પૂર્વે કિંચિત્ કહેવાનું બનતું રહ્યું છે, પણ હવે એને પૂરા કદની માવજત આપવી જોઈશે.
ઝળહળતી ફતેહના એક અઠવાડિયે આ લખાય છે ત્યારે, શપથવિધિના કાઉન્ટ ડાઉન કલાકોમાં, જો કે એક સવાલનો જવાબ વણજડ્યો રહે છે – ઇચ્છું કે આમ કહેવું તે કોઈ અંગત આત્મનેપદી લાગણીવશ ન હોય, પણ એક વાસ્તવિક આકલન હોય. આટલી મોટી જીત સામે પ્રજામાં સહજ એવું કોઈ ઉલ્લાસમોજું કેમ વરતાતું નથી. ફતેહને જો સુનામો એવો ‘પું’કાર’ મળ્યો તો ઉજવણી (પક્ષના પ્રાયોજિત મહાઆયોજનોનો અપવાદ બાદ કરતાં) કોઈ પ્રજાપટે છબછબિયાંથી ઝાઝું કાઠું કેમ કાઢી શકતી નથી? વિજય, બિનસરકારી અને બિનપક્ષીય સ્તરે સમુલ્લાસને બદલે જાણે કે સોપો પડી ગયાની કે સન્નાટો છાઈ ગયાની લાગણી કેમ જગવે છે?
આ લખી રહ્યો છું ત્યારે મહારાષ્ટ્રથી ઇ.વી.એમ.વિરોધી નિદર્શનના સમાચાર આવે છે. બીજેથી પણ એવા છુટપુટ હેવાલો મળે છે. જેટલા મત પડ્યા (બટન દબાયાં) એથી વધુ મત પણ કેટલાંક મથકો પરની ગણતરીમાં આવ્યાની વિલક્ષણ ફરિયાદ ઊઠી છે. નહીં કે આ સૌ તપાસના મુદ્દા નથી. નહીં કે પશ્ચિમના દેશોમાં .ઈવી.એમ.ને સ્થાને હાથોહાથ (મેન્યુઅલ) પ્રથા તરફ પાછા ફરવાનું વલણ ઘરઆંગણે પણ પુનર્વિચાર નથી જગવતું. તેમ છતાં, આ ક્ષણે આવી કોઈ તપાસ (બિનભા.જ.પ. પરાજયનો બચાવ) બાદ રાખીને એટલું એક અધોરેખિતપણે કહેવું રહે છે કે ભા.જ.પ.ની સરસાઈ છેલ્લાં અઠવાડિયાઓમાં સાફ જણાઈ રહી હતી.
ગમે તેમ પણ, જે પરિણામ આવ્યું છે એ કથિત કરિશ્માગત હોય કે કથિત ચાણક્યવશ, જેમ દેશજનતાએ તેમ વિજયશ્રી વરેલાઓએ હજુ કશુંક ગુણાત્મક અંતર કાપવું રહે છે તેમ જણાય છે. એ દિશામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સબકા સાથ, સબકા વિકાસ સાથે સબકા વિશ્વાસ એવું જે ત્રીજું પદ જોડ્યું એ સૂચક છે. વસ્તુતઃ સાથ, વિકાસ અને વિશ્વાસ એ ત્રણે શબ્દો જે એક વાસ્તવિક ખાધ છે તે અંગેની સભાનતામાંથી ઊંચકાયા ને ઉછાળાયા છે. ૨૦૧૪ના પરિણામ વખતે, કોઈને કદાચ વિવેકની કમી લાગે એ રીતે, ગોપાલકૃષ્ણ ગાંધીની એક જાહેર ટિપ્પણી આવી હતી કે વિજયી પક્ષને (અને વડાપ્રધાનને) હું આવકારી શકતો નથી; કેમ કે એક મોટા પ્રજાવર્ગને બાદ રાખીને બનેલી આ ઘટના છે. ૨૦૧૯ના પરિણામ સાથે વડાપ્રધાને જે ત્રીજું પદ, સબકા વિશ્વાસ, જોડ્યું છે એમાં પ્રકારાન્તરે ગોપાલકૃષ્ણ ગાંધીએ જે એક નિખાલસ પડઘો પાડ્યો હતો એની અનાયાસ સ્વીકૃતિ પણ વાંચવી હોય તો વાંચી શકાય છે.
મુદ્દે, હિંદુત્વ વિચારધારામાં પડેલા અને પાકિસ્તાન માટેની ચળવળે ઉત્તેજેલા દ્વિરાષ્ટ્રવાદની કળ છતે પ્રજાસત્તાક ભારતે (નેહરુપટેલનું એ ભારત, જેટલો વ્યાપ અશોક કે અકબરના સામ્રાજ્યનો પણ નહોતો) જેમને વળી નથી એ આજે સ્વરાજના સાત દાયકે વૈકલ્પિક વિમર્શપુકાર સાથે સત્તાનશીન થયા છે. વરસોવરસ એમના નિંભાડામાં જે રાજકીય ‘હિંદુ’ઓ પાકતા ગયા એમણે ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ને ધોરણે આજે બહુમતી હાંસલ કરી છે જે ૨૦૧૪ના મુકાબલે ખાસી નિર્ણાયક છે. ‘સબકા સાથ’ની એની વ્યાખ્યામાં ‘સબ’ કહેતાં અભીષ્ટ ‘સૌ’ નહીં પણ ચોક્કસ ધર્મકોમગત બહુમતી છે. એટલે ૩૦મી મેની શપથવિધિ સાથે દેશમાં પ્રજાકીય બહુમતીનું નહીં પણ બહુમતી પ્રજાનું – કહો કે ‘મેજોરિટેરિયન’ રાજ અમલમાં આવે છે. દેખીતી રીતે જ, છતી બહુમતીએ આ રાજકારણ અને આ રાજવટ ઝીણાના હિંદુ અડધિયાની હોઈ શકે છે.
હિંદુ મહાસભાથી માંડીને ભા.જ.પ. સહિત સંઘ પરિવાર સમસ્ત પોતાને દ્વિરાષ્ટ્રવાદના વિરોધી લેખે આગળ કરતાં રહ્યાં છે, પણ દેશની વ્યાખ્યા જ્યારે ‘હિંદુ’ને ધોરણે કરીએ ત્યારે ગેરહિંદુ ધોરણે પણ વ્યાખ્યા કરવાનો કેસ અને હવા બને છે એ સાદો તર્ક એમની દિમાગી પહોંચની બહાર રહે છે, એવો અત્યાર સુધીનો અનુભવ છે.
૧૯૪૦માં ફઝલુલ હકે મુસ્લિમ લીગની પરિષદમાં પાકિસ્તાનનો ઠરાવ મૂક્યો પણ હિલચાલ તો એ પહેલાંથી ચાલુ હતી. ૧૯૩૮ આસપાસનું ઝીણાનું એક ભાષણ આ લખતાં સાંભરે છે : ઇંગ્લેંડમાં તો આજે કૉન્ઝર્વેટિવ તો કાલે લેબર એમ સત્તાપક્ષ બદલાઈ શકે તેવી લોકશાહી છે. આપણે ત્યાં તો ગઈકાલે કે આજે કે આવતી કાલે, બધો વખત હિંદુ બહુમતી જ હોવાની છે. મુસ્લિમોનો વારો ક્યાંથી આવી શકે? હકીકતે, ઝીણાએ આ વાસ્તદર્શન દરમ્યાન જે તર્કચૂક કરી તે એ હતી કે કૉન્ઝર્વેટિવ અગર લેબર (કે લિબરલ) એમ કાર્યક્રમગત બહુમતી-લઘુમતીની વાત છે, નહીં કે હિંદુ અગર મુસ્લિમ એમ ધર્મગત બહુમતી-લઘુમતીની.
મુશ્કેલી એ છે કે જનસંઘ-ભાજપની માંડણી આર્થિક-સામાજિક કાર્યક્રમગત નહીં એટલી ધર્મકોમગત છે. તેથી તે ઝીણાને ગયે સાત દાયકા થઈ ગયા પછી પણ એમને સાચા પાડી રહ્યા જણાય છે. તેમ છતાં, નમો જ્યારે ‘સબકા વિશ્વાસ’નું સૂત્ર આપે છે ત્યારે છતી બહુમતીએ પ્રવર્તતી ‘ટ્રસ્ટ ડેફિસીટ’ વિશે તેઓ સભાન છે એમ ઇચ્છવું અને માનવું કોને ના ગમે.
પ્રધાનમંડળના સાથીઓ જોગ, દિલ્હીની વિજયસભામાં કાર્યકરો જોગ અને કર્મભૂમિ અમદાવાદની મુલાકાત વેળાએ એમ જે પ્રવચનો વડાપ્રધાને શપથગ્રહણ પૂર્વે કર્યા એમાં પ્રસંગે દર્પીલી પૃષ્ઠભૂ અછતી ન રહેતી હોય તો પણ એક વિજયનમ્ર ભૂમિકા નથી એવું નથી. આ ભૂમિકાએ જો ‘વિશ્વાસ’ની વાતનું એક વજૂદ છે તો બીજી પણ અપેક્ષા રહે છે. એક પક્ષ તરીકે તેઓ (અને પક્ષપ્રમુખ અમિત શાહ) હવે ભેલાણનું રાજકારણ નહીં ખેડતાં જેઓ એમને ત્યાં ‘ડૂબતું વહાણ’ છોડવાની રીતે (કે ખાસ કિસ્સામાં સૈદ્ધાંતિક ધોરણે) બીજા પક્ષમાંથી આવવા ઈચ્છતા હોય તેઓ વિધાનસભા / લોકસભાની બેઠક છોડી નવેસર ચુંટાઈને આવે એવો આગ્રહ રાખી શકે? નવસંવતના વિજયી રાજકારણ જોડે એ શોભીતું થશે; અને દમદાર ફતેહ પછી ભેલાણની એવી ગરજ પણ શા સારુ હોય, વારુ.
પરાજય પછી કૉંગ્રેસમાં મચેલી અફરાતફરી, નવ્ય રાજકારણની મથામણમાં નાગરિક સમાજ સંસ્થાઓની ભૂમિકા, જેમ ધર્મકોમગત પક્ષોની તેમ નાતજાતગત પક્ષજમાવડાની અનવસ્થા, બંધારણીય રાષ્ટ્રવાદને ધોરણે મુખ્ય પ્રવાહમાં લઘુમતીની નાગરિક સહભાગિતા, જૉબલેસ ગ્રોથનું અનર્થકારણ, કેટલા બધાં વાનાં તળેઉપર તપાસની પ્રજાસૂય કોશિશની રાહ જુએ છે, નહીં? સાવરકરી મહિમા મંડન, ગોડસે રાષ્ટ્રભક્ત હતા (જેમ ગાંધીજી પણ રાષ્ટ્રભક્ત હતા) તરેહની મુખચાલાકી, શું કહીશું આ સૌ વિશે? થોભો અને રાહ જુઓ.
મે ૨૯, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019
![]()


જયંતી પારેખ એટલે દેશના સ્વાતંત્ર્ય માટે 18 વર્ષની ઉંમરે સર્વસ્વનો ત્યાગ કરી ગાંધીજીના દાંડી સત્યાગ્રહ માટે, ચૂંટેલા સત્યાગ્રહી, અને સ્વતંત્ર ભારતમાં સાબરમતી જેલમાં નિ:શસ્ત્ર રાજકીય કેદીઓ પર થયેલા ગોળીબારમાં (13.8.1949) શહીદ થનારો જવાંમર્દ. સંજોગોની બલિહારી તો જુઓ. જે સ્વાતંત્ર્ય માટે સર્વસ્વનો ત્યાગ કર્યો એ જ સ્વતંત્ર ભારતની સરકારે તેને ગોળીએ દીધો. ગાંધીજીના ચુનંદા સત્યાગ્રહીને પોતાને બીજા ગાંધી ગણાવતા મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન મોરારજી દેસાઈની પોલીસે નિ:શસ્ત્ર જયંતીના હૃદયમાં ગોળી ધરબી દીધી.
માંડવી-કચ્છના ઈમારતી લાકડાના વેપારી નથ્થુભાઈ પારેખને ગાંધીજી સાથે ઘર જેવો નાતો. ગાંધીજી મુંબઈમાં નથ્થુભાઈને ઘરે પણ જતા. એક વખત ગાંધીજીએ નથ્થુભાઈને કહ્યું દેશસેવા માટે મને તારો એક પુત્ર આપ. નથ્થુભાઈએ તરત જ બીજા પુત્ર જયંતીને સોંપી દીધો. જયંતી સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહેવા ગયો. પાછળથી નથ્થુભાઈ પણ ઈમારતી લાકડાંનો વેપાર સંકેલી સપરિવાર આશ્રમવાસી બન્યા.
ઈન્દુલાલ યાજ્ઞિકે તેમની આત્મકથાના પાંચમા ભાગમાં જયંતી અંગે જે નોંધ કરી છે તે જયંતીનો સાચો પરિચય કરાવી દે છે. ઈન્દુભાઈએ નોંધ્યું છે : ‘સને 1939ની આખરથી અમદાવાદમાં મેં થાણું નાંખ્યું અને વૌઠાના મેળાની ભરચક મેદનીમાં અમે પ્રચાર કર્યો. ત્યારથી મારા પત્રવ્યવહારનું, નિરંતર પ્રવાસનું, અને પુસ્તિકાઓના પ્રચારનું કામ વધી ગયું. સદ્ભાગ્યે તે જ સમયે એક સુશિક્ષિત, ચારિત્ર્યવાન, અને કસાયેલો યુવાન જયંતીભાઈ પારેખ મારા પૂરા સમયનો સહાયક બની ગયો. પહેલાં તે દિનકરભાઈ અને તેમના સાથીઓ તરફથી ચાલતા નવી દુનિયા કાર્યાલયમાં રોકાયેલો હતો. તેથી લેખન અને પત્રવ્યવહારના કામથી પૂરેપૂરો ટેવાયેલો હતો. તેના પિતા ગાંધી આશ્રમમાં સહકુટુંબ રહેતા તેથી જયંતીભાઈના ઉપર ગાંધી આશ્રમની સ્વચ્છતા, નિયમિતતા, સાદાઈ જેવા સદ્ગુણની સારી છાપ પડી હતી. સવારે નક્કી કરેલા વખતે હસતો હસતો અમારી નાની કોટડીમાં તે દાખલ થતો, અને જરા પણ આરામ કે છૂટી લીધા સિવાય કલાકો સુધી કાગળ લખતો, પ્રવાસ અને સભાના કાર્યક્રમો ઘડે અને તેની નકલો બધા ભાઈઓને ચોક્કસાઈથી મોકલે. કાર્યાલય પર ખેડૂતો મળવા આવે તેમની સાથે તે પૂરી સમજથી વાત કરતો અને તેમની મુસીબતો ઉકેલવા પ્રયત્ન કરતો. બોરસદના મોહનજી ને સંખેડાના જમનાદાસ જેવા મારા જૂના સંબંધીઓને પૂરી જાણકારીથી બધું સમજાવીને વિગતવાર કાગળ મોતીના દાણા જેવા અક્ષરે તે લખતો તે જોઈને હું બહુ જ ખુશ થતો. લેખન કામમાં તે બાહોશ હતો તેમ પ્રવાસ કરવામાં, સૂચનાઓ પહોંચાડવામાં અને ભાષણ કરવામાં પણ તે ખંતીલો અને કુશળ હતો. કંઈ પૈસો ખરચે તેનો પાઈએ પાઈનો હિસાબ રાખવામાં અને કરકસરથી કામ લેવામાં તે ઘણો જ કાબેલ હતો. આવા બધા અદ્ભુત ગુણોને લીધે તે મારો અણમોલ સાથી બન્યો અને જાણે જિંદગીભરનો કિસાન હોય એવી અદાથી તે કિસાન સભાની બધી જાતની કામગીરી બજાવતો.’