જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાને પ્રામાણિક સાબિત કરવાની ઉતાવળમાં તેમના બંધરણીય અજ્ઞાનનું પ્રદર્શન કર્યું છે. આજનો યુગ એવો છે જેમાં વ્યક્તિએ જ્ઞાન કરતાં કરોડરજ્જુ વધારે સાબિત કરવી પડે છે, એટલે રાજ્યપાલે કરોડરજ્જુ બતાવવાના ઉત્સાહમાં એવી વાત કહી છે જેમાં સરવાળે તેઓ વધારે હાસ્યાસ્પદ સાબિત થયા છે. સત્યપાલ મલિક મૂળે સમાજવાદી કૂળના છે, એટલે કરોડરજ્જુનો દેખાવ કરવાની જરૂર તેમને એ કારણે પણ પડી હોય.
મંગળવારે ગ્વાલિયરમાં આઇ.ટી.એમ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલે કહ્યું હતું કે જો હું દિલ્હીના ઈશારે વર્તતો હોત તો મારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં માત્ર બે સભ્યો ધરાવનારા સજ્જાદ લોનને મુખ્ય પ્રધાન બનાવવા પડત. દિલ્હીનો આગ્રહ હતો કે લોનને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે અને લોને મેહબૂબા મુફ્તી સરકાર રચવાનો દાવો કરે એ પહેલાં સરકાર રચવા માટે દાવો પણ કર્યો હતો. રાજ્યપાલના કહેવા મુજબ લોને દાવો કર્યો હતો કે તેમને બી.જે.પી.ના ૨૫ વિધાનસભ્યોનો અને બીજા નાના પક્ષો અને અપક્ષોના મળીને ૧૮ વિધાનસભ્યોનો ટેકો છે. એક બાજુ દિલ્હીનું દબાણ અને બીજી બાજુ મેહબૂબા મુફ્તીનો નેશનલ કોન્ફરન્સ અને કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો દાવો એ બેની વચ્ચે મેં વિધાનસભા વિખેરી નાખવાનો નિર્ણય લીધો હતો.
તેમણે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભ્યોની સોદાબાજીનો પણ ભય વ્યક્ત કર્યો હતો અને વિધાનસભાને વિખેરી નાખવા માટે તેને પણ એક કારણ ગણાવ્યું હતું. તેમના જ શબ્દોમાં : ઔર ફિર એક બાર ક્લીઅર કર દું કી દેલ્હી કી તરફ દેખતા તો લોન કી સરકાર મુઝકો બનાની પડતી. ઔર મેં ઇતિહાસમેં એક બેઈમાન આદમી કે તૌર પે લિયા જાતા. લિહાજા મેંને મામલે કો હી ખતમ કર દિયા. જો ગાલી દેંગે દેંગે, લેકિન મેં કન્વીન્સ્ડ હું મેને ઠીક કામ કિયા.
નો સર! ઠીક કામ નથી કર્યું. ગયા જૂન મહિનામાં બી.જે.પી. જ્યારે મેહબૂબા મુફ્તીની સરકારમાંથી નીકળી ગઈ અને ટેકો પાછો ખેંચી લીધો, ત્યારે જો વિધાનસભાને વિખેરી નાખવામાં આવી હોત તો એ ઠીક કામ કહેવાત. ૮૭ સભ્યોની વિધાનસભામાં સરકાર રચવા માટે ૪૪ સભ્યો જોઈએ. જો પી.ડી.પી.-બી.જે.પી. સાથે ન આવે અથવા પી.ડી.પી.-એન.સી.-કૉન્ગ્રેસ સાથે ન આવે તો જમ્મુ અને કાશ્મીરમાં સરકાર રચાઈ શકે એમ હતી જ નહીં. ઉઘાડા આંકડા રાજ્યપાલની સામે હતા. પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસના નેતાઓએ રાજ્યપાલને મળીને કહ્યું પણ હતું કે અમે ત્રણેય મળીને સરકાર રચવા માંગતા નથી અને માગણી કરી હતી કે ઉપલબ્ધ પરિસ્થિતિમાં જે તે પક્ષોમાં વિભાજનો કરાવ્યા સિવાય અને વિધાનસભ્યોની સોદાબાજી કર્યા સિવાય કોઈ સરકાર રચી શકે એમ નથી એટલે રાજ્યપાલે વિધાનસભાને વિખેરી નાખવી જોઈએ. રાજકીય પરિસ્થિતિ દીવા જેવી સ્પષ્ટ છે.
રાજ્યપાલે ત્યારે જો વિધાનસભાને વિખેરી નાખી હોત તો એ ઠીક કામ કર્યું કહેવાત. નીચતાનો માર્ગ અપનાવ્યા વિના સરકાર રચી શકાય એવા કોઈ સંજોગો જ નહોતા તો શા માટે વિધાનસભાને જીવતી રાખી હતી અને કોને ઈશારે? દિલ્હીના ઈશારે સજ્જાદ લોન પી.ડી.પી., કૉન્ગ્રેસ અને એન.સી.ના વિધાનસભ્યોને ફોડવાનું કામ કરતા હતા એવા અખબારી અહેવાલો સતત આવતા રહેતા હતા, એની રાજ્યપાલને જાણ નહોતી? બન્યું એવું કે સજ્જાદ લોન હથોડો મારે એ સાથે કર્ણાટકમાં બન્યું હતું એમ પી.ડી.પી.-એન.સી.-કૉન્ગ્રેસે હથોડો મારી દીધો હતો એટલે રાજ્યપાલ પાસે વિધાનસભાને વિખેરી નાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો. ત્રણ પક્ષોના દેખીતી રીતે પંચાવન સભ્યો થતા હોય, ત્યારે કયા મોઢે લોનને મુખ્ય પ્રધાન બનાવવા? દિલ્હી તરફ મોઢું કરે તો પણ મુશ્કેલ હતું.
કર્ણાટકમાં બન્યું હતું એમ પી.ડી.પી.-એન.સી.-કૉન્ગ્રેસે હથોડો મારી દીધો હતો એટલે રાજ્યપાલ પાસે વિધાનસભાને વિખેરી નાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો એમ મેં લખ્યું છે એ કથન પણ દિલ્હીશ્વરોની દૃષ્ટિએ સાચું છે, બંધારણની દૃષ્ટિએ નહીં. બંધારણ મુજબ રાજ્યપાલે સજ્જાદ લોનને કહેવું જોઈતું હતું કે ૮૭ સભ્યોની વિધાનસભામાં ૪૪ સભ્યોના સમર્થનના પત્રો રજૂ કરો. તેમણે સમર્થન આપનારા રાજકીય પક્ષોના નેતાઓને બોલાવીને તેઓ ખરેખર સમર્થન આપે છે કે કેમ તેની ખાતરી કરવી જોઈતી હતી. તેઓ અપક્ષ વિધાનસભ્યોને બોલાવીને ખાતરી કરી ચુક્યા હોત. બંધારણ મુજબ રાજ્યપાલને જ્યારે ખાતરી થાય કે દાવેદાર સ્થિર શાસન આપી શકે એમ છે, ત્યારે તેને સરકાર રચવા આમંત્રણ આપવામાં આવે. એ પછી બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ મુજબ વિધાનસભાના ફ્લોર પર વિશ્વાસનો મત લઈને બહુમતી સાબિત કરવામાં આવે. વિધાનસભામાં માત્ર બે સભ્યો ધરાવતો કોઈ હરખો આવીને કહે કે હું બહુમતી ધરાવું છું તો એ માની લેવા રાજ્યપાલ બંધાયેલા નથી. રાજ્યપાલે જો બંધારણ વાંચ્યું હોત અથવા કોઈ બંધારણવિદ્દની સલાહ લીધી હોત તો તેમને આની જાણ થઈ હોત.
બીજી બાજુ પી.ડી.પી. (૨૮), એન.સી. (૧૫) અને કૉન્ગ્રેસ (૧૦) મળીને વિધાનસભામાં પંચાવન સભ્યો ધરાવે છે એની રાજ્યપાલને જાણ નહોતી? બહુમતી માટે જોઈતી સભ્યસંખ્યા કરતા ૧૧ વિધાનસભ્યો વધુ હતા એ કોઈ ઓછી સંખ્યા ન કહેવાય. શા માટે તેમને તક આપવામાં ન આવી? તેઓ સજ્જાદ લોનને અને લોનના દિલ્હીના આક્કાઓને કહી શક્યા હોત કે જુઓ મારી પાસે ત્રણ પક્ષોના અધ્યક્ષોના પત્રો છે અને તમે સમર્થનના પત્રો લાવી શક્યા નથી, એટલે મારે મેહબૂબા મુફ્તીના સરકાર રચવાના દાવાને ઉચિત સમજીને તક આપવી રહી. એ પછી વિધાનસભામાં જે ફેંસલો થાય તે. મારું કામ ઉપલબ્ધ પ્રમાણોના આધરે બહુમતી ચકાસીને સરકાર રચવાનું છે, અંતિમ ફેંસલો વિધાનસભામાં થશે.
રાજ્યપાલે મેહબૂબા મુફ્તીને સરકાર રચવા નહીં દઈને ગેર-બંધારણીય કામ કર્યું છે. એ કામ તેમણે દિલ્હીના આક્કાઓના આદેશની અવગણના કરીને કર્યું હોવાનો તેમનો દાવો સ્વીકારી લઈએ તો પણ તેમનો નિર્ણય બંધારણીય નથી ઠરતો. કરોડરજ્જુનું પ્રમાણપત્ર પણ આપી શકાય એમ નથી કારણ કે ગયા જૂન મહિનામાં તેઓ કરોડરજ્જુ બતાવવાનું ચૂકી ગયા હતા. રહી વાત સોદાબાજીની તો શું વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પણ કોઈ પક્ષને કે મોરચાને સ્પષ્ટ બહુમતી ન મળે કે ત્રિશંકુ વિધાનસભા હોય ત્યારે સોદાબાજી રોકવા વિધાનસભાને વિખેરી નાખવાની? આને ભાગેડુવૃત્તિ કહેવાય અને કરોડરજ્જુ ધરાવનારો માણસ ક્યારે બંધારણીય ફરજ નેવે મૂકીને ભાગે નહીં.
રાજ્યપાલના કથન પછી સજ્જાદ લોને જે પ્રતિક્રિયા આપી છે એ સૂચક છે. એમાં એક ધડો પણ છે અને એમાં એક પીડા પણ છે. તેમણે કહ્યું છે કે રાજ્યપાલે જાહેરમાં મને દિલ્હીના હાથવગા રમકડા તરીકે ઓળખાવીને મને મોતના મોંમાં ધકેલી દીધો છે. ત્રાસવાદીઓએ મારા પિતાનું ખૂન કર્યું હતું અને દિલ્હીના એજન્ટ તરીકે મારું પણ થઈ શકે છે. સજ્જાદનો ભય અને તેની પીડા સમજી શકાય એમ છે, પણ તેમણે સમજી લેવું જોઈએ રમકડું બનવાના લાભ હોય છે તો જોખમ પણ હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 29 નવેમ્બર 2018
cartoon courtesy : "The Indian Express", 29 November 2018
![]()



તમે રે તિલક રાજા રામના.. ગીત વિશે ગતાંકમાં લખેલા લેખ પછી અનેક વાચકોના અભિનંદન માટેના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. પણ દરેકને પ્રશ્ન હતો કે ‘મારી આંખે કંકુના સૂરજ’ ગીત વિશે ક્યારે લખશો? મેં કહ્યું, "હા ભાઈ હા, એના વિશે તો લખવું જ પડે ને! પરંતુ, આંખે કંકુના … ગીત એવું છે કે એ લખ્યા પછી રાવજીનાં બીજાં કોઈ ગીતની વાત ના થઇ શકે. ગળે ડૂમો બાઝ્યો હોય, હૈયું બોઝિલ હોય અને કલમ અટકી ગઈ હોય ત્યારે બીજાં કયાં ગીતની કથા માંડવી? એટલે પહેલાં જ તમે રે તિલક…ની વાત કરી દીધી. આજે હવે આંખે કંકુના સૂરજની વાત લખતાં પહેલાં જ ઉદાસી ઘેરી વળી છે. કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત મેં નથી સાંભળ્યું. આ ગીત જેટલી વાર વાંચ્યું, સાંભળ્યું કે ગાયું છે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપિન્દર સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત સાંભળ્યું છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો, એ જે હોય તે, પણ હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની આરપાર નીકળી જાય એવાં!
આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે! કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતાં જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્યચિહ્ન કંકુનો ચાંદલો. એ ચાંદલો પોતાની ‘આથમતી’ આંખે ભૂંસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત્ દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય, ભુસાંતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે : ‘મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!’ આ ‘વીરા’ શબ્દનું અર્થઘટન નિશીથ ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું હતું એ અહીં યાદ આવે છે. મન્ના ડેનું ગીત લાગા ચુનરી મેં દાગ આપણે સૌ જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ … એટલે કે પરલોક એ તો મારું પિયર છે. ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિએ વીરા શબ્દ છે પ્રયોજ્યો છે એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે! કવિ કહે છે: ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા, મલકાતા રાજ’. પીળો રંગ અહીં પાનખરનો રંગ છે, જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાંઓ જોયાં પહેલાં જ પૂરાં થઈ ગયાં છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ આગળ કહે છે: મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ. આ પડછાયો પત્નીનો છે જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવી એને રોકે છે ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાં ઓરતાં બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાંને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઇ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુ:ખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વ્હાલસોયી કાવ્યનાયિકાના ગળે ડૂમો ભરાઈ ગયો છે, આઘાતને કારણે પગ નથી ઊપડતા. એ રોકી રહી છે પ્રિયજનને …! મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્દભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં! અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે.
આ ગીતના સ્વરાંકન વિશે અજીત શેઠના પુત્ર અભિજિત શેઠ જણાવે છે કે "આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે હું પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ ગીતને રેકોર્ડ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા, કારણ કે ગીતના આરંભમાં શરણાઈનો જે ટુકડો છે એ પપ્પા જે પ્રકારે ઇચ્છતા હતા એવો આવી રહ્યો નહોતો. શરણાઈ વાદક પાસે કેટલી ય વાર રિહર્સલ કરાવ્યું તો ય એમને ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. ગીત ધ્યાનથી સાંભળો તો શરણાઈનો પનો જરાક ટૂંકો જણાઈ આવે છે. છેવટે ત્રીજા દિવસે મોડી રાત્રે ત્રણ વાગે પપ્પાએ ટેક ઓકે કર્યો હતો. બીજા અંતરામાં વાઈબ્રોફોન સ્હેજ મોડું શરૂ થયું હતું. આ બંને ક્ષતિઓ ગીત તમે ધ્યાનથી સાંભળો અને સંગીત જાણતા હો તો ઓળખી શકો. અલબત્ત, ભૂપિજીએ પૂરી તૈયારી કરીને આ ગીતમાં જાન રેડી દીધો હતો. એ પોતે આ ગીતથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પોતે આ ગીતમાં ગિટારના સ્ટ્રોક્સ વગાડયા છે.