હાલમાં જ લંડનનાં વેસ્ટમિન્સ્ટરનાં સેન્ટ્રલ હોલમાં, યોજાયેલ આશરે અઢી કલાકનાં ‘ભારત કી બાત, સબકે સાથ’ નામનાં કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી શરૂઆતથી અંત સુધી માત્ર પોતાની જ વાતો કરતા જોવા અને સાંભળવા મળ્યા.
વિદેશમાં આયોજિત આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ દેશના જાણીતા ગીતકાર અને વિજ્ઞાપન ક્ષેત્રના નિષ્ણાત એવા લેખક અને કવિ પદ્મશ્રી પ્રસૂન જોષીની સાથે પ્રશ્નોત્તરી કરી હતી. પ્રસૂન જોષી હાલ સી.બી.એફ.સી.(Central Board of Film Certification)નાં ચેયરપર્સનના પદે બિરાજમાન છે.
નરેન્દ્ર મોદી અને પ્રસૂન જોષીનો આ સંવાદ જોતા મનમાં તરત જ પહેલો સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું આ એ જ પ્રસૂન જોષી છે કે જેમણે દેશ, દુનિયામાં એક નવી ચેતનાનો સંચાર કરનાર ફિલ્મ રંગ દે બસંતીનાં ગીતો લખ્યાં હતાં. આ ફિલ્મનાં ‘કુછ કર ગુઝરને કો ખૂન ચલા’ નામનાં એક ગીતની એવી તો અસર થઇ હતી કે તેનાથી પ્રેરાઈને (આ ગીતમાં સરકારના અન્યાય સામે લડત આપનાર લોકોને હાથમાં મીણબત્તી લઈને શાંતિપૂર્વક વિરોધ કરતા દર્શાવવામાં આવ્યા છે) ભ્રષ્ટાચાર વિરોધી અન્ના હઝારેનું આંદોલન અને નિર્ભયાને ન્યાય અપાવવાની વાતને દેશનાં વિવિધ સ્થળોએ આકાર આપવામાં આવ્યો હતો. આ ગીતની એક કડીમાં પ્રસૂન જોષી લખે છે કે ‘સવાલો કી ઉંગલી, જવાબો કો મુઠ્ઠી, સંગ લે કર ખૂન ચલા’ અને આ સિવાય ફિલ્મનાં અન્ય એક ‘રૂબરૂ રોશની’ નામનાં એક ગીતમાં તે ફિલ્મમાં દેશનાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહેલા યુવાનોને ધ્યાનમાં રાખીને લખે છે કે ‘આંધિયો સે ઝગડ રહી હે લોં (મીણબત્તી) મેરી, અબ મશાલો સી બઢ રહી હે લોં મેરી’ આ અને આ પ્રકારનાં અનેક ચેતનવંતા અને સામાજિક ઉદ્દેશ સંબંધિત તેમ જ અર્થપૂર્ણ હિન્દી ગીતો પ્રસૂન જોષી હિન્દી ફિલ્મ્સ માટે લખી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી સાથેનાં આ ઇન્ટરવ્યૂ બાદ પ્રસૂન જોષીને મોદી ભક્તોએ ‘સંવેદનશીલ’ ગણાવ્યા હતા, જ્યારે કેટલાક આલોચકોએ એવી ટીકા કરી હતી કે પ્રસૂન જોષીએ પ્રધાનમંત્રીને કંઇક વધારે પડતા જ ‘નરમ’ પ્રશ્નો પૂછ્યા છે.
પ્રસૂન જોષી અગાઉ પ્રધાનમંત્રીનાં ચૂંટણી અભિયાનનું એક મહત્ત્વનું અંગ રહી ચૂક્યા છે અને તેમના માટે વિવિધ સૂત્રોની રચના પણ કરી ચૂક્યા છે, અને સાથે પ્રસૂન જોષીએ નોટબંધીનાં પગલાંને સમર્થન પણ આપ્યું હતું. લંડન સ્થિત ‘ભારત કી બાત, સબકે સાથ’ નામના કાર્યક્રમમાં પ્રસૂન જોષી દ્વારા પ્રધાનમંત્રીને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના કેટલાક અંશ અહીં ઉપસ્થિત છે.
(1) મોદીજી, તમારા જીવનની સફર એક રેલવે સ્ટેશનથી શરૂ થઇ હતી અને આજે તમે લંડનના રોયલ પેલેસનાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત છો તો તમે તમારી આ સફરને કેવી રીતે જુઓ છો?
(2) અત્યારે જ્યારે તમે લંડનના રોયલ પેલેસમાં બિરાજમાન છો, ત્યારે શું પોતાની એક વ્યક્તિ તરીકેની અને ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રધાનમંત્રી તરીકેની બે અલગ-અલગ ઓળખ ભેગી થઇ જાય છે?
(૩) ચાલો, લોકોની અધીરાઈને એકબાજુએ રાખીએ પણ, સરકાર જે ગતિથી કાર્ય કરે છે તે અંગે તમારી ધીરજ ખૂટતી નથી, અને જ્યારે તમે (મોદીજી) જે ઈચ્છો છો તે ગતિથી સરકાર કાર્ય નહિ કરે તો તમે અધીરા નથી થઇ જતા?
(4) તમે દેશની આર્મી અને શૂરવીરતાની વાત કરી હતી અને આર્મીના આટલા બધા ત્યાગ પછી પણ જ્યારે આપણે જોઈએ છે કે લોકો આ મુદ્દે પણ રાજકારણ કરી રહ્યા છે અને આર્મીના શૌર્ય પર પણ સવાલ ઊઠાવી રહ્યા છે, ત્યારે તમે આ વાતને કેવી રીતે જુઓ છો?
(5) મોદીજી, સરકાર અત્યારે નાના પરંતુ અર્થપૂર્ણ મુદ્દાઓ તરફ ધ્યાન આપી રહી છે અને તમે જ્યારે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું, ત્યારે પ્રથમ વખત તમે શૌચાલયનો ઉલ્લેખ કર્યો હતો, દેશની પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે ત્યારે તમે આ વાતને કેવી રીતે શક્ય બનાવશો? અને આ પ્રકારના મુદ્દાઓ મોખરાનું સ્થાન કેવી રીતે મેળવશે?
(6) દરેક સરકાર નીતિઓની રચના કરે છે અને તમારી નીતિઓ કેવી રીતે અલગ છે? શાસન પરત્વે મોદીજીની નીતિઓ કઈ છે?
(7) મોદીજી, તમે જ્યારે યોજનાઓ અને લોકોની વાત કરો છો ત્યારે એ વાત દેખીતી છે કે તેમાં તમે પણ સંકળાયેલા રહો છો, શું તમે એવું માનો છો કે લોકો એવું અનુભવી રહ્યા છે કે કેટલું કામ થઇ રહ્યું છે અને શું આ વિકાસનાં કાર્યો પણ તેમના સુધી પહોચી રહ્યાં છે?
(8) એ વાતમાં શંકાને કોઈ જ સ્થાન નથી કે લોકોને તમારી પાસેથી ખૂબ જ અપેક્ષા છે. સાથે એ વાત પણ જણાઈ આવે છે કે તમે તમારા પોતાના માટે કશું જ માંગતા નથી. તમે ફકીરના ગુણો ધરાવો છો. તમે આ પ્રકારના ગુણો ક્યાંથી પ્રાપ્ત કર્યા? શું તમે હંમેશાંથી જ આવા છો કે ધીરે-ધીરે તમારામાં આ પ્રકારના બદલાવ આવ્યા છે.
(9) ચાલો, હવે ભવિષ્યની વાત કરીએ. તમે નવા વૈશ્વિક પ્રવાહમાં ભારતની ભૂમિકાને કેવી રીતે જુઓ છો?
(10) તમે એવું કેવી રીતે નક્કી કરો છો કે કોઈ એક ચોક્કસ આલોચના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું અને અન્યની અવગણના કરવી?
(11) અને અંતે, ઇતિહાસમાં તમે પોતાને કેવી રીતે યાદ રાખવા ઈચ્છો છો?
પ્રધાનમંત્રીનો આ ઇન્ટરવ્યૂ કરવા બદલ પ્રસૂન જોષી માટે તેમણે ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે લખેલું ગીત, ‘ઓ રંગરેઝ’ની એક કડી યાદ આવે છે કે જેમાં તેઓ લખે છે કે ‘અપને હી રંગ મેં મુજકો રંગ દે’.
e.mail : nbhavsarsafri@gmail.com