મોટા ભાગના નૈતિકતાના રખેવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી
સ્ત્રીઓની સુરક્ષાના ઓઠા હેઠળ પ્રેમ અને હિંસા વચ્ચેનો જમીન-આસમાનનો તફાવત કોઈને ન દેખાય તો શું કહેવું? છેલ્લાં થોડા સમયથી ચારેકોર પવન એવો ફૂંકાયો છે કે પ્રેમ અને હિંસા વચ્ચેનો ફરક પારખવાનું ચૂકાઈ રહ્યું છે અને હિંસાને રોકવાના નામે પ્રેમ ઉપર આક્રમણ થઈ રહ્યું છે. રસ્તે થતી સ્ત્રીની કનડગત ચોક્કસપણે રોકાવી જોઈએ, જેથી સ્ત્રીઓ પણ મુક્તપણે હરીફરી શકે. પણ, સ્ત્રીની સુરક્ષાના બહાના હેઠળ જાહેરમાં મળતાં દરેક પ્રેમી યુગલને અટકાવવા પાછળનો તર્ક નથી સમજાતો. આ ભયમુક્ત નહિ પણ ભયભીત વાતાવરણની નિશાની છે. છોકારા અને છોકરીને પરસ્પર વાત કરવી હોય તો ભય, ભેગાં બહાર જવામાં ભય, પ્રેમ કરવામાં ભય અને પોતાની મરજીથી લગ્ન કરવામાં ભય. શું આ તંદુરસ્ત સમાજની નિશાની છે?
ચર્ચાના એરણે છે ‘એન્ટિ-રોમિયો સ્કવૉડ’. ભાજપે ઉત્તર પ્રદેશના ચૂંટણીઢંઢેરામાં સ્ત્રીઓની સુરક્ષા માટે એન્ટિ-સોમિયો સ્કવૉડની રચના વચન આપ્યું હતું. એમાં કહેવાતી લવજેહાદથી સુરક્ષાનો સૂર વર્તાતો હતો. સત્તા સાંભળતાં જ સૌથી પહેલા લેવાયેલાં પગલાંમાં એન્ટિ-રોમિયો સ્કવૉડને પ્રાધાન્ય મળ્યું. ઉત્તર પ્રદેશની પાછળ મધ્ય પ્રદેશ, ગુજરાતના અમદાવાદ સહિત થોડાં શહેરોમાં અને અન્ય જગ્યાએ અલગ અલગ નામે આ પ્રકારની સ્કવૉડ રચાવાની જાહેરાત થઈ છે. થોડાં વર્ષ પહેલાં પણ દિલ્હી, મેરઠ, જયપુર અને મુંબઈ જેવાં શહેરોમાં ‘ઓપરેશન મજનુ’ ચાલ્યું હતું. જો કે, આવા કોઈ નામ વગર પણ દરેક મોટા શહેરની પોલીસ વત્તાઓછાં અંશે આ ભૂમિકા ભજવી જ લેતી હોય છે – એકાંતમાં બેઠેલાં પ્રેમીયુગલોને ભગાડીને, કે પછી પૈસા પડાવીને! એમના નિશાન પર જાતીય સતામણી કરતાં તત્ત્વો ઓછાં અને જાહેર સ્થળ પર મળતાં પ્રેમીયુગલો વધારે હોય છે.
રોમિયો અને રોડસાઇડ રોમિયોમાં બહુ મોટો ફર્ક છે. રોડસાઇડ રોમિયોની લંપટવૃત્તિની સામે ચોક્કસ જ કડક પગલાં લેવાવાં જોઈએ. કારણ કે તેમની હરકતો સ્ત્રીઓ માટે ખૂબ જ અપમાનકારક અને આત્મવિશ્વાસના ભુક્કા બોલાવનારી હોય છે. તેમના કારણે સ્ત્રીઓની સલામતી જોખમાય છે. એ ચોક્કસ રસ્તે બેસીને આવતી-જતી છોકરીઓને હેરાન કરનારા ‘રોડસાઇડ રોમિયો’ને ગીતો ગાવાં, ટિપ્પણી કરવા કે અન્ય અણછાજતી હરકત કરવા કોઈ પણ છોકરી ચાલે. ‘રોમેન્ટિક’ હરકતો કરવા માટે દિલનું ધડકવું જરૂરી નથી. છોકરી સુંદર હોય અને પોતાના સૌંદર્ય વિશે સભાન હોય તો બહાનું મળે. પરધર્મી હોય કે અન્ય કોમની હોય, ખાસ કરીને સામાજિક દૃષ્ટિએ પછાત વર્ણની હોય તો તો બહાનું શોધવાની પણ જરૂર નથી. એ તો એમને મન ચીજવસ્તુ સમાન જ છે. એટલે એમની છેડતીમાં પુરુષ અહંની સાથે સાથે જ્ઞાતિ, વર્ણ અને ધર્મનો અહં પણ સંતોષી લે છે. અહીં પ્રેમને દૂર દૂર સુધી સ્થાન નથી. લાગણીની ભીનાશ અને નજાકતનો સદંતર અભાવ છે. અહીં માત્ર અને માત્ર પુરુષાતનનો અહંકાર પોષવાવાળો બરછટ ભાવ જ છે.
આ અહંકારનાં બીજ બાળપણથી જ રોપાઈ જાય છે. બાળક એવું જ જોતાં મોટું થાય છે કે ઘરની સ્ત્રીઓને સાચવવાની અને મર્યાદામાં રાખવાની. આ કામ કુટુંબના પુરુષો કરે, કારણ કે અન્ય કોઈ પુરુષ એને હેરાન કરે તો? એને કોઈની સાથે પ્રેમ થઈ જાય તો? ઘરની આબરૂનું શું? શક્ય છે કે એવા જ કોઈ મુદ્દે ઘરમાં બબાલ થઈ હોય. સાથે, ઘરની સ્ત્રીઓના રક્ષક બનતાં આજ પુરુષોને અન્ય સ્ત્રીની છેડતી કરતાં કે એના વિશે ગમે તેમ બોલતાં સાંભળ્યા હોય, આ વર્તનફેરથી નાની છોકરી સમજી જાય છે કે બચી-બચીને ચાલો અને નાનો છોકરો સમજવા લાગે છે કે કુટુંબની સ્ત્રી પોતાની ખાનગી સંપત્તિ અને અન્ય સ્ત્રી જાહેર સંપત્તિ! મોટા થઈને રસ્તે આવતી-જતી સ્ત્રીને સીટી મારવામાં એમને અજુગતું નહિ લાગે. આમ જ તો ઊભા થાય છે ‘રોડ સાઇડ રોમિયો.’
ભાંજગડ ત્યાં થાય છે કે જેમણે રોમિયોગીરીને રોકવાનું કામ કરવાનું છે તેઓ પણ સમાજનાં આ જ નૈતિક મૂલ્યોમાં માનનારા છે. મોટાભાગના નૈતિકતાના રખવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી. તેમને મન લગ્ન પહેલાં પ્રેમ કરવો એ જઘન્ય નૈતિક અપરાધ છે, ખાસ કરીને સ્ત્રી માટે. હવે, આ જ વર્ગ પાસે સ્ત્રીઓની છેડતી કરનારને રોકવાની જવાબદારી આવી પડી છે, જેમને માટે રોમિયો અને રોડસાઇડ રોમિયો વચ્ચે કોઈ ભેદ જ નથી.
અહીં ગર્ભિત મુદ્દો એ છે કે પોતાના સાથીદાર અંગે સ્ત્રીનો અભિપ્રાય તો કોઈ પૂછતું જ નથી. સ્ત્રી પોતાની મરજીથી, સંપૂર્ણપણે હોશમાં અને સંપૂર્ણ જવાબદારી સાથે પોતાના પુરુષમિત્રને મળતી હોય, તો પણ એની સાથે જાહેરમાં ફરતો દેખાય એ પુરુષ ‘રોમિયો’ જ ગણાય. એમ માનીને ક્યાંક એનું મુંડન કરાયું, ક્યાંક મોઢા પર મેશ લગાવવામાં આવી, તો ક્યાંક જાહેરમાં ઉઠક-બેઠક કરાવવામાં આવી. દેખીતી રીતે લાગે કે શારીરિક સજા પુરુષને થઈ, પણ કાપ સ્ત્રીની સ્વતંત્રતા પર વધુ આવવાનો.
નૈતિકતા એટલે શું એ સ્પષ્ટતા થવી જરૂરી છે. કારણ કે એની કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ ન હોવાના કારણે દરેક અમલદાર પોતાની સમજણ પ્રમાણે કામ કરી રહ્યા છે. વળી, નૈતિકતાના કેટલાક સ્વઘોષિત ઠેકેદારો પણ પ્રવૃત્ત થઈ જવાના એ જુદું. તેઓ એવું જ માને છે કે સમાજમાં ધાક બેસાડી સમાજસેવા કરી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ દાદાગીરી કરી ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. બંધારણે આપેલા મુક્ત રીતે ફરવાના મૂળભૂત અધિકાર પર પોતાની સમજણ પ્રમાણે તરાપ મારી રહ્યા છે. સરવાળે રોડસાઇડ રોમિયો કરતાં સ્વસ્થતાપૂર્વક હળતાંમળતાં સ્ત્રી-પુરુષોમાં ભય વધુ ફેલાવાનો.
પ્રેમ એ સ્વાભાવિક કુદરતી ભાવ છે. પોતાનો સાથી શોધવાનો, એની સાથે હરવા-ફરવાનો, એનો પરિચય કેળવવાનો અને પ્રેમ કરવાનો અધિકાર દરેક વ્યક્તિને હોવો જ જોઈએ. લગ્નના બંધન વગર સ્ત્રી-પુરુષ એકબીજાં સાથે હળીમળી ન શકે એવો સમાજ કોઈ પણ દૃષ્ટિએ સ્વસ્થ ન જ ગણાય. પ્રેમના આવેગને જબરદસ્તી રોકવાથી ધિક્કાર અને હિંસા જ વધવાના.
અલ્હાબાદ હાઇકોર્ટ એક અરજીની સુનાવણીમાં સ્ત્રીઓની સલામતીના પ્રશ્ને એન્ટિ-રોમિયો સ્કવૉડને વાજબી ઠેરવી છે. સાથોસાથ સ્કવૉડની કામગીરી માટે નિયમો બનાવવા માટે તાકીદ પણ કરી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારે સ્ત્રીની મંજૂરી હોય તેવા યુગલોને લક્ષ્ય ન બનાવવાની સૂચના આપી છે. પણ, જ્યારે બહોળો વર્ગ પરંપરા જાળવવાના નામે નૈતિકતાનો ઠેકેદાર બની બેઠો છે, ત્યારે આવી કોઈ પણ સ્કવૉડ ટૂંકાગાળામાં સ્ત્રીની રક્ષા કરવા જતાં લાંબાગાળે એની પર વધુ પાબંદી લાદશે, એવી ચિંતા થવી સ્વાભાવિક છે.
e.mail : nehakabir@gmail.com
સૌજન્ય : ‘બચાવને બહાને’, “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2017
 


 વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’
વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’ તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.
તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.