મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી કોઈને લાગતું નહોતું કે વિવાદાસ્પદ ધર્મગુરુ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. એ વિજય નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું અને અમિત શાહના માઇક્રો-મૅનેજમેન્ટનું પરિણામ હતું અને એમાં યોગી આદિત્યનાથનો મોટો ફાળો નહોતો. બીજું, ગોરખપુરની પીઠના ગાદીપતિઓ કટ્ટર હિન્દુત્વવાદી સાવરકરપંથીઓ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં હિન્દુ મહાસભા સાથે તેમનો વધારે સંબંધ રહ્યો છે. યોગી આદિત્યનાથના દાદાગુરુ યોગી દિગ્વિજયનાથ અને ગુરુ યોગી અવૈદ્ય નાથ તો હિન્દુ મહાસભાની ટિકિટ સાથે ચૂંટણી લડતા હતા. અત્યારે હિન્દુ મહાસભાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી એટલે યોગી આદિત્યનાથ હિન્દુ મહાસભા સાથે સીધો સંબંધ ધરાવતા નથી એ જુદી વાત છે, પરંતુ તેમની વિચારધારા તો એ જ સાવરકરવાદી હિન્દુ મહાસભાવાળી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરનો ઋણી છે, પરંતુ એને સાવરકરપંથીઓ પરવડતા નથી અને તેમનાથી અંતર રાખે છે.
આમ યોગી આદિત્યનાથ ઝાલ્યા ન રહે એવા માણસ છે અને સંઘપરિવારને એનો લાંબો અનુભવ છે. સંઘના સ્વયંસેવકો ઓછા હિન્દુત્વવાદીઓ છે એ માટે તો તેમણે સંઘની ઉપરવટ જઈને સમાંતરે હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરી છે. એમ ધારવામાં આવતું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીને વિખેરી નાખશે, પરંતુ ધારણાથી ઊલટું તેઓ હિન્દુ યુવા વાહિનીની ઉત્તર પ્રદેશમાં સર્વત્ર શાખાઓ ખોલી રહ્યા છે અને રોજ સેંકડોની સંખ્યામાં યુવકો એમાં જોડાય છે. આ ઉપરાંત બહુ લાંબા નહીં; નજીકના ભૂતકાળમાં યોગી આદિત્યનાથની સંઘના નેતાઓ સાથે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ખુદ નરેન્દ્ર મોદી સાથે ખટપટ થઈ ચૂકી છે.
તો પછી યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્ત્વના રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની ઘટના બની કેવી રીતે અને કોના કહેવાથી બની એ સવાલ પુછાઈ રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ખાળવા માટે યોગીને આગળ કર્યા છે. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી જેવા જ પ્રભાવકારી વક્તા છે, આકરાં વેણ ઉચ્ચારી શકે છે અને આકરાં પગલાં પણ લઈ શકે છે. ખરું પૂછો તો યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી કરતાં વધુ કૃતનિયી છે. આમ નરેન્દ્ર મોદીનો પ્રભાવ ખાળવા માટે સંઘે યોગીને આગળ કર્યા છે. સંઘ સિધાંત: સંઘશક્તિમાં માને છે અને એમાં વ્યક્તિ ગૌણ છે. આમ નરેન્દ્ર મોદીનું વિરાટ બનતું જતું વ્યક્તિત્વ સંઘને માફક આવતું નથી અને તેમને કદ પ્રમાણે વેતરવા તોફાની યોગી આદિત્યનાથને પસંદ કરવામાં આવ્યા છે.
બીજી થિયરી સાપેક્ષવાદની છે. ઉદારમતવાદી (મૉડરેટ) હોવાની છબિ ઉપસાવવી હોય તો આપણા કરતાં વધારા આકરા અને ઝનૂની માણસને ત્રાજવાના બીજા છાબડામાં બેસાડવો જોઈએ. લાલ કૃષ્ણ અડવાણી હતા એટલે અટલ બિહારી વાજપેયી આપણને ઉદારમતવાદી લાગતા હતા અને આજે નરેન્દ્ર મોદીની તુલનામાં અડવાણી ઉદારમતવાદી લાગે છે. હવે નરેન્દ્ર મોદી ઉદારમતવાદી, ધીરજવાન, સમજદાર નેતા છે એવી છબિ વિકસાવવા માટે બીજા છાબડામાં કોઈ જાડા નરની જરૂર છે અને એ માટે યોગીને પસંદ કરવામાં આવ્યા છે.
ત્રીજી સંભાવના વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છું. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર બન્નેની પસંદ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ ભારતીય હિન્દુઓની ભગવાકરણની ક્ષમતા માપવા માગે છે. લવ-જેહાદ, ગૌરક્ષા, ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ, ગેરકાયદે કતલખાનાંઓ પર પ્રતિબંધ, માંસની નિકાસ પર પ્રતિબંધ વગેરે એક પછી એક હિન્દુત્વવાદી કાર્યક્રમો લાગુ કરીને તેઓ જોવા માગે છે કે એને આમ હિન્દુનું કેટલું અનુમોદન મળે છે. જેમ-જેમ હિન્દુઓનું અનુમોદન મળતું જશે એમ-એમ તેમની હિંમત વધતી જશે અને તેઓ હિન્દુ રાષ્ટ્ર માટેની અનુકૂળ ભૂમિ રચતા જશે. જો તેમની યોજનામાં મોટો ગતિરોધ નહીં આવે તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બધાં કપડાં ફગાવી દઈને હિન્દુ રાષ્ટ્રના નામે ચૂંટણી લડાય તો આશ્ચર્ય નહીં થાય. આમ યોગી આદિત્યનાથ એ પાણી માપવા માટે કરવામાં આવેલી ગણતરીપૂર્વકની પસંદગી છે.
મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે. ઉત્તર પ્રદેશના સીમાંત અને મધ્યમ સ્તરના ૨,૧૫,૦૦૦ ખેડૂતોને દેવામુક્ત કરવાની ઘોષણા આ રસાયણ વિકસાવવાની દિશામાં આગલું કદમ છે. કુલ મળીને ૩૬,૩૫૯ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. હવે પછી અનેક દિવસો સુધી દેવામુક્તિના લાભાલાભ વિશે ચર્ચા થતી રહેશે અને એ દરમ્યાન હિન્દુત્વ માટેની અનુકૂળતાનું પાણી હજી કેટલું ઊંડું છે એ ચકાસવામાં આવશે.
આ મૉડલની તુલના કરવી હોય તો ઇઝરાયલ સાથે થઈ શકે અને હિન્દુત્વવાદીઓને ઇઝરાયલની સ્થાપના સાથે જ એનું આકર્ષણ છે. બાકી દરેક અર્થમાં આધુનિક રાજ્ય, બસ થોડું ઓછું અને પક્ષપાતી સેક્યુલર. આખરે બહુમતી પ્રજાને થોડું તો ઝૂકતું માપ મળવું જોઈએને. તેમનો હક છે. તમને જો આ દલીલ ગળે ઊતરતી હોય તો લખી લો, હિન્દુ રાષ્ટ્ર માટેની ભૂમિ કેળવાઈ રહી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૅપ્રિલ 2017