તિબેટે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં એવી મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ સગીર વયના દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા
૧૯૯૨માં કોઈ નબળી ક્ષણે મેં લખ્યું હતું કે ભારતે હવે તિબેટનો બોજો ફગાવી દેવો જોઈએ. એ યુગનો પ્રચલિત જર્મન શબ્દ વાપરીએ તો એ રિયલપૉલિટિકનો જમાનો હતો જેને કારણે બર્લિનની દીવાલ તૂટી હતી અને એ પછી સોવિયેટ સંઘનો અંત આવ્યો હતો. ભારતમાં વડા પ્રધાન પી. વી. નરસિહ રાવે ચીન સાથેના સંબંધોને નવે પાટે ચડાવ્યા હતા જેમાં સરહદી ઝઘડાને આર્થિક અને અન્ય સહયોગમાં વચ્ચે ન લાવવાનો કરાર થયો હતો. બહુ મોટી પહેલ હતી અને એમાં તિબેટ એ જોડાનો ડંખ લાગતો હતો. ભારતે હવે સિદ્ધાંતપરસ્ત બનવાની જગ્યાએ વ્યવહારપરસ્ત બનવું જોઈએ એમ ત્યારે મેં લખ્યું હતું.
દલાઈ લામા વિશે મેં ત્યારે લખ્યું હતું કે દલાઈ લામા ગાંધી અને અહિંસાની વાત તો કરે છે, પરતું તેમનામાં ગાંધીજી જેટલી નિર્ભયતા અને તત્પરતા નથી. તેઓ વિદેશમાં ફરે છે, ભાષણો આપે છે; પરંતુ તિબેટિયન પ્રજા આંદોલિત થઈને અહિંસક સત્યાગ્રહ કરે એ દિશામાં તેમણે કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી. આવી ભાવના કેટલાક તિબેટી યુવકો પણ ધરાવતા હતા અને હજી આજે પણ ધરાવે છે. તેમને એમ લાગે છે કે ભારતમાં રહીને જિંદગી વિતાવવાથી કંઈ હાથમાં આવવાનું નથી એટલે તેઓ જોઈએ તો હિંસાનો માર્ગ પણ અપનાવવા આતુર છે. દલાઈ લામા તેમને રોકે છે. તેઓ કહે છે કે આવા પ્રતિકૂળ સમયખંડોથી વિચલિત થવાની જરૂર નથી, અંતિમ વિજય સત્યનો થવાનો છે.
મેં મારાં લખાણોમાં વ્યક્તિ અને પરિસ્થિતિના આકલનમાં અનેક વાર ભૂલો કરી છે જેમાં આ સૌથી ગંભીર ભૂલ છે. દલાઈ લામા કેટલા નિર્ભય છે, પરિસ્થિતિનું કેટલી હદે વસ્તુિનષ્ઠ આકલન કરી શકે છે, કેટલી હદે બીજાને ચાહી શકે છે અને એકલા પડીને પણ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એની જાણ મને તેમની આત્મકથા ‘ફ્રીડમ ઇન એક્ઝાઇલ’ વાંચીને થઈ. ૧૯૫૦માં ચીને તિબેટ પર આક્રમણ કર્યું અને ૧૭ મુદ્દાની સમજૂતી તિબેટ પર ધરાર લાદી ત્યારે દલાઈ લામાની ઉંમર માત્ર ૧૫ વરસની હતી. દલાઈ લામા સગીર વયના હોવાથી તેમના વતી તિબેટ પર રીજન્ટ શાસન કરતા હતા. તિબેટીઓ નિર્ણય નહોતા લઈ શકતા કે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં અને માથે મારી હોવા છતાં સમજૂતીને એક તક આપવી જોઈએ કે નહીં. ૧૫ વરસના દલાઈ લામા એ સમયે તિબેટ પરના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘સેવન યર્સ ઇન તિબેટ’ના લેખક હેન્રિક હેરર પાસે ફોટોગ્રાફી શીખતા હતા, મોટરકારની ટેક્નૉલૉજી સમજતા હતા અને બાકીનો સમય તિબેટમાં શું બની રહ્યું છે એ જોતા રહેતા હતા.
એ મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા. દલાઈ લામાએ ૧૭ મુદ્દાની સમજૂતીને એક ચાન્સ આપવાનો નિર્ણય લીધો અને વધુ સ્પષ્ટતા કરવા માટે બીજિંગ (ત્યારે પેકિંગ) જવાનો નિર્ણય લીધો હતો. એ જમાનામાં લ્હાસાથી ચીન જવા માટે ખચ્ચર સિવાય બીજું કોઈ સાધન નહોતું. મહિના-બે મહિનાનો લાંબો પ્રવાસ હતો અને ઉપરથી સંદેશવ્યવહાર માટે સંદેશવાહક સિવાય કોઈ સાધનો નહોતાં. તિબેટિયનો દલાઈ લામાના આવા નિર્ણયથી ડઘાઈ ગયા હતા. દલાઈ લામાને મારી નાખશે તો? જેલમાં પૂરી દેશે તો? બીજિંગમાં તેમનું શું થયું એ જાણવા માટે પણ કોઈ માર્ગ નથી. કોઈ સંદેશવાહક બીજિંગથી સંદેશ લઈને આવવાનો નથી.
તેમના મિત્ર હેન્રિક હેરર, તિબેટમાં જે કોઈ બુદ્ધિશાળીઓ હતા એ, તિબેટનો શાસકવર્ગ અને પ્રજાની ચીન ન જવાની ગુહારને અવગણીને દલાઈ લામાએ ચીનનો પક્ષ સાંભળવા અને રસ્તો શોધવા બીજિંગ જવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેમની વય ૧૮ વરસની હતી. દલાઈ લામાના આશ્ચર્ય વચ્ચે ચીનમાં માઓ ઝેદોન્ગે તેમનું ઉમળકા સાથે સ્વાગત કર્યું હતું અને તેમને પુત્રવત પ્રેમ કરતા હતા. દલાઈ લામાને સમજાતું નહોતું કે આટલો કોમળ અને પ્રેમથી છલકાતો માણસ આખેઆખી પ્રજાને અન્યાય કરી કેમ શકે? આ બાજુ ચર્ચામાં માઓ તિબેટને કોઈ રાહત આપતા નહોતા. એક બાજુ જેમના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંત થઈને સૂઈ જવાનું મન થાય એવો બાપ જેવો વર્તાવ અને બીજી બાજુ ચર્ચાના ટેબલ પર દરેક માગણીના પ્રતિસાદમાં એ જ જવાબ; આપણે વિચારીશું, રસ્તો કાઢીશું. જો વિદેશી મહેમાનો આવ્યા હોય તો દલાઈ લામાનું સ્થાન માઓની બાજુમાં હોય. તેમનો પરિચય તિબેટી ધર્મગુરુ તરીકે અને સ્વાયત્ત તિબેટના સ્વતંત્ર શાસક તરીકે કરાવે.
મહિનાઓ સુધી આ રમત ચાલતી રહી. નહોતી માઓના પ્રેમમાં ઓટ આવતી કે નહોતું દલાઈ લામાને કંઈ હાથ લાગતું. દલાઈ લામા તેમની આત્મકથામાં લખે છે કે બીજિંગ છોડીને લ્હાસા પાછા ફર્યા પછી પણ તેઓ નક્કી નહોતા કરી શકતા કે તેમણે માઓ પર ભરોસો રાખીને તેમના ખોળામાં માથું મૂકી દેવું જોઈતું હતું કે નહીં? ૨૦૦૭માં દલાઈ લામાને મળવાની તક મળી ત્યારે મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે હવે આટલાં વર્ષે માઓ વિશેની તમારી વિમાસણનો અંત આવ્યો છે ખરો? તેમણે બાળકની જેમ ખડખડાટ હસીને કહ્યું હતું કે ના, માઓનો અફાટ પ્રેમ હજી પણ કોયડા સમાન છે. એક જ સમયે એક માણસની અંદર બે માણસ કેવી રીતે હોઈ શકે? માઓઝ સ્માઇલ. એ જમાનામાં ભારતના બીજિંગ ખાતેના રાજદૂત સરદાર પણ્ણીકર સહિત અનેક લોકોને માઓના સ્મિતે ભ્રમમાં નાખ્યા હતા.
તેમની મહાનતાની ત્રીજી ઘટના ૧૯૫૬ની સાલની છે. તેઓ ભગવાન બુદ્ધની ૨૫૦૦મી જન્મજયંતીના ઉત્સવમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેમની ઇચ્છા ભારતમાં રહી જવાની હતી, પરંતુ જવાહરલાલ નેહરુએ તેમને વતન પાછા ફરીને વાટાઘાટ દ્વારા રસ્તો શોધવાનો વધુ એક પ્રયાસ કરી જોવાની સલાહ આપી હતી. તિબેટ પાછા ફરવું એટલે મોતના મોઢામાં સામે ચાલીને જવા જેવું લાગતું હતું, પરંતુ દલાઈ લામાએ સાચા ગાંધીજન તરીકે વતન પાછા ફરવાની હિંમત બતાવી હતી. પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને આખરે ૧૯૫૯ની ૩૧ માર્ચે તેઓ નાસીને ભારત આવી ગયા હતા. બરાબર આજની તારીખે તેઓ ૫૮ વરસ પહેલાં અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગના મઠમાં પહોંચ્યા હતા, જ્યાં અત્યારે તેઓ ગયા છે અને ચીન તેમની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે.
માઓથી ઊલટું દલાઈ લામાની અંદર એક જ માણસ છે. નિરુપાધિક સહજાવસ્થા કેવી હોય એ દલાઈ લામામાં જોવા મળે. કોઈ પણ સંજોગોમાં ભારત સરકારે દલાઈ લામા અને તિબેટનો હાથ ન છોડવો જોઈએ, ચીન ગમે એટલાં ઉધામા કરે. એકમાત્ર માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો પવિત્ર અને પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 અૅપ્રિલ 2017