અગિયાર વર્ષની મારી દોહિત્રી અનુશ્રીએ એક દિવસ એનું ટેબ્લેટ સ્ક્રીન વેગળું મૂકીને મૌખિક વાર્તા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. જોગાનુજોગ થોડા સમય અગાઉ જી.એલ.એફ.(ગુજરાત લિટરેચર ફૅસ્ટિવલ)માંથી એને માટે બાલવાર્તાનાં ત્રણેક પુસ્તકો વહોરી લાવેલો. તેમાંથી ‘ગિજુભાઈની બાળવાર્તાઓ’ શીર્ષકની નાની પુસ્તિકા કાઢી (પ્રકાશક : નવસર્જન પબ્લિકેશન્સ, અમદાવાદ). ગિજુભાઈની વાર્તાઓ સાંભળી-સાંભળીને તો હું મોટો થયેલો એટલે એના ઉપર પહેલી પસંદગી ઊતરી. આકસ્મિક જ ‘કૂતરો ને ચિત્તો’ મથાળાની વાર્તા કાઢી અને બાળકને રુચે એ ઢબથી એની પાસે એનું વાચન શરુ કર્યું. પણ હજુ પહેલો ફકરો પૂરો કરું ત્યાં તો અનુશ્રીને બકારી આવી. એ કંઈ પણ બોલ્યા વગર મોંએ હાથ દઈને ઊભી થઈ ગઈ અને થોડે દૂર પડેલા મારા કમ્પ્યૂટર પાસે ગઈ, ફટફટફટ ચાંપો દાબીને ગેઇમ રમવા માંડી.
કોઈ કલ્પી શકશે કે ગિજુભાઈની વાર્તા સાંભળતાં-સાંભળતાં એને ઊબકા (બકારી) કેમ આવ્યા ?
તો એ વાર્તાનો આટલો અંશ વાંચો : “કૂતરો અને ચિત્તો બન્ને રાફડે ગયા, ત્યાં તો એમાં કેટલી ય જીવાત થયેલી. બંનેએ ખોબા ભરીભરીને જીવાત ઘેર આણી. ચિત્તાની સ્ત્રીએ તેનું મિષ્ટાન્ન બનાવ્યું અને ધરાઈ ધરાઈને ખાધું. બાકી વધ્યું એની સુકવણી કરી.”
એ પછી તો વાર્તા આગળ વધે છે, બેઉ પ્રાણી એ સુકવણીનાં પોટલાં માથે મૂકીને પ્રવાસે જાય છે. રસ્તામાં કૂતરો પોતે ‘નાડાછોડ’ (આ શબ્દ લઘુશંકા માટે વપરાયો છે. કાઠિયાવાડમાં ગ્રામ્યવિસ્તારોમાં એની એક બિભત્સ અર્થચ્છાયા પણ છે.) માટે ચિત્તાથી અળગો થાય છે…
‘જીવાતોનું મિષ્ટાન્ન’ બનાવવા જેવી જુગુપ્સાપ્રેરક ઘટનાં ગિજુભાઈની વાર્તામાં હોય ખરી? મને શંકા છે. કોઈ જાણકાર આનો ખુલાસો કરશે તેવી અપેક્ષા છે.
બાળવાર્તાઓનું બીજું એક પુસ્તક ‘નર્મદા પબ્લિકેશન્સ’નું છે. નામ છે ‘પંચતંત્ર’. એનું પેટા લખાણ છે – ‘બુદ્ધિ,ડહાપણ અને સદ્ગુણોની પ્રાચીન ભારતીય વાર્તાઓ.’
તેમાં પહેલી જ વાર્તા છે : ‘કબૂતર, કબૂતરી અને ક્રૂર શિકારી’ અગાઉના અનુભવે બાળકીને એ વાંચી સંભળાવતાં પહેલાં હું વાંચી ગયો. એક ક્રૂર શિકારીની ઠંડી દૂર કરવા એના સળગાવેલા તાપણામાં કબૂતરી અને કબૂતરી સ્વયં એ તાપણામાં કૂદી પડીને ભૂંજાઈ મરે છે. બસ, વાર્તા પૂરી!
આમાં કઈ બુદ્ધિ? કયું ડહાપણ? કયો સદ્ગુણ? બલિદાનની વાત હોય તો ય તે આવી બેહૂદી અને સુગાળવી રીતે?
અરે, ઉપર ઉલ્લેખ્યાં તે બન્ને પુસ્તકોમાં ક્યાં ય સંપાદકોનાં નામો સુધ્ધાં નથી. શંકા પડે છે કે ‘પંચતંત્ર’ના નામે કે ગિજુભાઈ બધેકાના નામે કોઈ ભાડૂતી લખી આપનારા પાસે આ ‘કામો’ કરાવ્યાં છે.
આની સામે બીજી એક વાત મૂકું. મેં મારી કિશોરાવસ્થામાં જયમલ્લ પરમાર અને નિરંજન વર્મા દ્વારા સંપાદિત ‘દેશદેશની લોકકથાઓ’ના ચાર ભાગ વાંચી નાખ્યા હતા, એમાં ‘ગૌડ બંગાળની વાર્તાઓ’ ના ખંડમાં એક જગ્યાએ એક યુવાન પરિણીતા પોતાના આંગણદ્વારે ઊભી હોય છે. તેટલામાં એનો એક યાર એની સામે આંખનો ઇશારો કરતાં કરતાં પસાર થાય છે, તેવો એક પ્રસંગ નિરૂપાયો હતો. મારા કિશોર માનસમાં એ ‘યાર’ શબ્દની અને એ પ્રસંગની બહુ બૂરી અસરો પડી હતી. એ પછી ત્રીસેક વરસે હું રાજકોટમાં હતો, ત્યારે જયમલ્લ પરમાર મારી ‘ઝબકાર’ કટારના વડીલ વાચક બન્યા અને મને મળવાની ઇચ્છા હસમુખ રાવળ દ્વારા મને પહોંચાડી. લેખક રાજુ દવે મારફત અને હસમુખ રાવળ સાથે હું રાજકોટમાં એમના જકાત નાકા, કાલાવડ રોડ પરના નિવાસસ્થાને મળવા ગયો, સરસ-સરસ વાતો થતી હતી, ત્યાં અચાનક મને પેલી, ‘યાર’ અને ‘ઇશારા’વાળી વાત યાદ આવી ગઈ, મારાથી ના રહેવાયું. એમને ગમે કે ના ગમે તેની ચિંતા કર્યા વગર મેં અતિ નમ્રપણે એમને એ વાત કરી. એમને આંચકો તો લાગ્યો પણ યાદ નહોતું આવતું, પણ તરત ઊભા થયા. કબાટમાંથી એ પુસ્તક કાઢ્યું, જોયું. વિચારમાં પડી ગયા પછી ભાઈ રાજુ પાસેથી પેન્સિલ માગી અને એ પાના પર ચોક્કસ જગ્યાએ નિશાની કરી અને એ પાનું કોરાણેથી વાળીને પુસ્તકને ટેબલ પર રાખ્યું, કહ્યું, ‘તમારો આભાર ભાઈ, બીજી આવૃત્તિ વખતે જરૂર સુધારી લઈશ.’
આ હતી એમની ખેલદિલી અને વ્યાવસાયિક પ્રામાણિકતા!
સરકારી યોજનાઓનો લાભ લેવા અને પુસ્તકમેળાઓ અને બીજી રીતે વિસ્ફોટ પામેલી ઘરાકીનો લાભ લેવા આજે બાળસાહિત્યનાં પુસ્તકો (અને અન્ય સામગ્રી) ઢગલામોઢે બહાર પડે છે. આધુનિક ઝાકઝમાળ અને રંગારંગ ટેકનોલૉજીને કારણે એનાં ઉત્પાદનો પણ ભારે રઢિયાળાં અને રૂપકડાં હોય છે. પણ એના દાબડામાં ઝવેરાત છે કે ઝેર એ જોવાની – અગાઉથી તપાસી જોવાની-કોઈ જોગવાઈ નથી.
ના હોવી જોઈએ ?
યશવંત મહેતા જેવા ભેખધારીઓ બાલસાહિત્ય અકાદમી સુપેરે ચલાવે છે, એ સંસ્થાને એક સ્વયં શિસ્ત તરીકે પ્રકાશકો આગોતરા પરામર્શનનું આ કામ સોંપવા તૈયાર થશે? કે કોઈ કાનૂની પગલાંનો વાજબી ઇંતેજાર છે?
E-mail : rajnikumarp@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10
![]()


‘હિન્દવી સ્વરાજ’ના અસલી વારસ ગણાવાની લડાઈ અદાલતો કે પરિવારમાં નહીં, પણ હવે તો રાજકીય સત્તાની સાઠમારીમાં જોવા મળે છે. ‘હિન્દવી સ્વરાજ’નું નામાંતર ‘હિંદુ સ્વરાજ’માં કરી નાખીને હિંદુહૃદયસમ્રાટો રાજકીય સત્તાના જંગ જીતવા નીકળી પડ્યા છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજનો આત્મા કેવો કણસતો હશે એની સત્તાકાંક્ષીઓને પરવા જ ક્યાં છે?
ડૉ. બીજુ (બીજુકુમાર દામોદરણ) એ ભારતીય સિનેમામાં મલયાલમ ભાષાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. વર્ષ ૨૦૧૪માં તેમની ફિલ્મ Names Unknownને કુલ બે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, જેમાં Best Film on Environment Conservation / Preservation અને Best Actorની શ્રેણીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫માં આવેલી તેમની ફિલ્મ Birds With Large Wingsને પણ Best Film on Environment Conservation / Preservationની શ્રેણીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.