રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ભા.જ.પ.ના નેતા અવિનાશરાય ખન્નાની સંભવિત નિમણૂક સામે દેશની મુખ્ય સ્વૈચ્છિક તથા માનવ અધિકાર સંસ્થાઓએ ભારે વિરોધ નોંધાવીને એકી અવાજે રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે. તેઓએ ભારે વિરોધ કરીને કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જે કોઈ રાજકીય પક્ષનો (તેમાં પણ સત્તાપક્ષનો) સભ્ય હોય તો તે એન.એચ.આર.સી.નો સભ્ય ન બનવો જોઈએ. કેમ કે, આ પંચનું કામ જ સરકારના તંત્ર દ્વારા અધિકારોના ભંગ બદલ કરાયેલી ફરિયાદોને તપાસવાનું હોય છે.
બી.જે.પી.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અવિનાશ ખન્નાને એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે નીમવાની દરખાસ્તથી માનવ અધિકાર સંગઠનો અને જાગૃત નાગરિકો ગંભીરપણે ચિંતિત બન્યા છે. તેમનો વાંધો તેમની સામે અંગત ધોરણે નહીં પરંતુ એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે એન.એચ.આર.સી. જેવી અતિ મહત્ત્વની અને ઉચ્ચસ્તરીય સંસ્થા કે જે ભારતના લોકોના માનવહકના રક્ષણ અને સંવર્ધન માટે રચાયેલ છે તે કામગીરી માત્ર એવા લોકો કે જેઓ બિનપક્ષપાતી અને ભાવિ વ્યક્તિગત પદોન્નતિ તથા આશા-અપેક્ષાની લાલસાથી વિમુખ છે તે જ બજાવી શકે. ત્યારે તેમને બદલે, તેવા સ્થાન ઉપર રાજકારણીની વરણી હરગીઝ ન થવી જોઈએ. આ ઉપરાંત રાજકીય પક્ષના સદસ્ય પાસે પોતના પક્ષના હિતના સંવર્ધન માટેની અપેક્ષા હોય છે અને તેથી તેઓ પંચના સદસ્ય તરીકે તટસ્થતા અને ન્યાયસંગતપણે વર્તી શકશે ખરાં? શું તે શક્ય બનવાનું છે કે પોતાની સરકાર દ્વારા માનવ હકોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં તેઓ પ્રજાની પડખે ઊભા રહે?
જે સંસ્થાઓની જવાબદારીઓમાં સરકારી કામગીરી સંબંધેની ફરિયાદોની આલોચના સમીક્ષા નિગરાની, દેખરેખ તથા જાંચ-પડતાલનો સમાવેશ થતો હોય અને જેઓ વ્યાવસાયિક પાત્રતા અને યોગ્યતાની દૃષ્ટિએ ગેરલાયક ઠરતા હોય અને હોદ્દા માટે અયોગ્ય હોય તેવાની વરણી એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે થાય તે એક અનિષ્ટકારી પ્રયાસ છે. આને કારણે એન.એચ.આર.સી.ની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને અસરકારકતાને હાનિ પહોંચશે. માનવહક રક્ષણ અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩(૨) કે જેના અંતર્ગત એન.એચ.આર.સી.ની રચના અથવા ગઠન થયું છે તેમાં જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધિશ ઉપરાંત અન્ય બે સદસ્યોને જેમને માનવ અધિકારને લગતી બાબતોનું જ્ઞાન તથા વ્યવહારુ અનુભવ હોય તે પૈકીનાને નીમવામાં આવશે. આ કેસમાં એ સ્પષ્ટ છે કે શ્રી ખન્ના પાસે માનવ અધિકાર ક્ષેત્ર સંબંધે કોઈ જ વ્યવહારુ અનુભવ નથી. તેઓ તેમના વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સક્રિય સદસ્ય રહેલા. એટલે તેમની નિમણૂક પ્રથમ દૃષ્ટિએ જ યોગ્ય જણાતી નથી.
તમામ જાગૃત નાગરિકો અને માનવઅધિકાર માટે લડતાં સંગઠનોએ સતતપણે સતર્ક રહી અને વર્તમાન સરકારના લોકશાહી વિરોધી તથા માનવ હકો વિરોધી નિર્ણયો અને કાર્યરીતિનો વિરોધ કરવો જોઈએ. જેથી કરીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – એન.એચ.આર.સી. પોતાની સ્વતંત્રતા, વિશ્વસનિયતા અને અસરકારકતા જાળવી શકે. જેને કારણે સરકારને માનવહક ઉલ્લંઘન માટે જવાબદેહી બનાવી શકાય. રાજકારણીઓની નિમણૂક કરીને સ્વાભાવિકપણે તે વ્યક્તિ પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહે છે અને પક્ષનું હિત સાધવાને લીધે પ્રજાને સાચો ન્યાય આપવામાં અન્યાય કરી શકે છે. રાજકીય પક્ષનો વ્યક્તિ, ખરેખર પ્રજાના માનવ અધિકારનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ રહેશે ખરા? એન.એચ.આર.સી.ના સભ્યોની તો નાગરિકોના માનવઅધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી છે. રાજકારણીની નિમણૂકથી પંચની વિશ્વસનીયતા, એકતા અને આધારભૂતતા સામે પ્રશ્નો ઊભા થશે તેવું લાગી રહ્યું છે. આ નિમણૂકથી ભારતની પ્રજામાં ખોટો સંદેશ જશે અને પંચની સ્વતંત્રતા સામે પડકારો ઊભા થશે.
E-mail : gthaker1946@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 08
![]()


ડૉ. દક્ષા પટેલ એવાં જ એક વિલક્ષણ વિભૂતિ હતાં. દર વર્ષની જેમ ‘આર્ચ’ સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા અને તેના માટે સહાય મેળવવા ‘ફ્રૅન્ડસ ઑફ આર્ચ’ની સભા માટે અમેરિકા જવા રવાના થયા હતાં. ઑગસ્ટ મહિનાના આરંભે નીકળેલાં; બધું જ સહજ, હંમેશની જેમ. જતાં પૂર્વે કાર્યકરો સાથે બેઠકો કરી આવનાર વર્ષમાં શું નવું કરીશું અને કયા કાર્યક્રમો નિયમિત ચલાવીશું એ તમામ બાબતોની વિગતે ચર્ચા કરીને ગયાં હતાં. તેઓ પહોંચે અને ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાની પચીસમીએ વાર્ષિક બેઠક માટે અહીંથી ખૂટતી માહિતી, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમની વિગતો વગેરે પહોંચાડવા માટેનાં સૂચનો આપીને ગયાં. બધું સહજ અને સામાન્ય અને દક્ષાબહેનના ગુણભાવ મુજબ જ હતું. પણ વિધિને કઈં બીજું જ મંજૂર હતું! પચીસ સપ્ટેમ્બરની બેઠકની પહેલા અસામાન્ય થાકનો અનુભવ કર્યો હતો, પણ તે તો સતત કામ અને અમેરિકાની અને ત્યાંના વિવિધ સ્થળોની મુસાફરીનો થાક હશે એવું માનેલું. પણ પચીસમીની બેઠક માંડ પૂરી કરી શક્યા અને ખૂબ થાકી ગયા. એમનાં તબીબ બહેન જ્યોતિબહેને તબીબી નજરે તપાસતાં કમળો જણાયો. પછી શરૂ થયો તબીબી તપાસનો ઊંડો અને લાંબો દોર. દક્ષાબહેન વિવિધ આહારનાં શોખીન, બહારનું પણ આરોગે. એમને થયું કે દેશમાં દૂષિત ખોરાક-પાણી કારણભૂત હશે. પણ તબીબી તપાસે ચોંકાવનારું નિદાન કર્યું. યકૃતના કેટલાક ભાગોમાં અને તેમાં બનેલા પિત્તને ગૉલબ્લૅડરમાં લઈ જનાર નળીઓમાં કેન્સરના કોષો અતિ ઝડપથી વૄદ્ધિ પામી રહ્યા હતા. આ વ્યાધિ જીવલેણ નીવડી અને નિદાનના બે મહિનાની અંદર જ ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ દક્ષાબહેનની જીવનલીલા સંકેલાઈ ગઈ. દુનિયાના શ્રેષ્ઠ તબીબો પણ ઉપાયવિહીન થઈ રહ્યા. આમ ‘આર્ચ’નાં સંસ્થાપક ટ્રસ્ટી અને ધરમપુર પરિસરનાં સ્થાપક ૬૬ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય થયાં.