જેમના હાથમાં સુકાન હતું!
એમને ક્યાં દિશાનું ભાન હતું?
પાણીમૂલે ગયું જે વેચાઈ,
મારું ગઈ કાલનું ઈમાન હતું.
આ જગત માણસોનું હોવાં છતાં
માણસાઈનું કોને સાન હતું!
એ જ વાતે વધી પરેશાની,
અમને જે વાતનું ગુમાન હતું.
બેઉ છેડે કશું હતું જ નહીં,
જે હતું દોસ્ત! દરમિયાન હતું
બાગને જેમણે કર્યો ઉજ્જડ
નામ એનું જ બાગવાન હતું.
કોઈ પણ રીતે જીવવું ‘સાહિલ’
જંગનું એ જ સંવિધાન હતું.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07
![]()


રાણા અયુબના પુસ્તક ‘ગુજરાત ફાઈલ્સ-એનાટોમી ઑફ અ કવરઅપ’નું વિમોચન ૨૬મી જૂનના રોજ અમદાવાદમાં આવેલા કૉન્ફલિક્ટૉરિયમમાં યોજાયું. પુસ્તકનું વિમોચન બાબા મુકુલ સિન્હાને યાદ કરી નિર્ઝરી સિન્હાને હસ્તે થયું. પુસ્તક જે વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યું છે, તેમાંના એક મુકુલ સિન્હા છે. અમદાવાદમાં આ પુસ્તકના વેચાણ પર જ્યારે અઘોષિત પ્રતિબંધ હોય ત્યારે તેનું વિમોચન યોજાય તે મહત્ત્વની ઘટના છે. પુસ્તકની વિગતો અને ચર્ચાયેલા મુદ્દાઓની વાત કરીએ તે પહેલાં ગગન શેઠીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ ધન્યવાદ આપવા ઘટે.