બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે ને કળ નહીં વળે ત્યાં સુધી અૅલ્વિન ટોફલર ભુલાવાના નથી
દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે અોળખાય છે અને એના જનક અૅલ્વિન ટોફલર હતા
આવતી કાલે મારા જીવનમાં શું બનશે એની ચિંતા માણસ ખબર નહીં આદોકદમીથી કરતો આવ્યો છે, પરંતુ સમાજમાં અને દુનિયામાં આવતી કાલે શું બનશે એની માણસ ભાગ્યે જ ચિંતા કરતો હતો. આનું કારણ એ છે દુનિયા બહુ ઓછી ઝડપે બદલાતી હતી. ભારતીય સમાજશાસ્ત્રીઓ કહે છે કે પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજપાટ બદલાતાં હતાં એની અસર સમાજજીવન પર ભાગ્યે જ પડતી હતી. બધું જ યથાવત્ રહેતું હતું, રાજા ગમે તે હોય. ભારતીય ગ્રામીણ વ્યવસ્થા આર્થિક રીતે સ્વાયત્ત હતી. સમાજજીવન પર પરિવર્તનની અસર ઔદ્યોગિક ક્રાન્તિ પછી થવા લાગી હતી. બે ઔધોગિક ક્રાન્તિ થઈ હતી જેમાંથી બીજી ક્રાન્તિએ સમાજવ્યવસ્થાને બેહદ પ્રભાવિત કરી હતી.
માણસ પરિવર્તનથી ડરે છે અને પરિવર્તન જીવનની વાસ્તવિકતા છે. માણસ ઇચ્છે છે કે પરિવર્તન ન થાય અને તે તેના પરિચિત અને સુરક્ષિત વાતાવરણમાં આયખું વિતાવી દે. બીજી ઔદ્યોગિક ક્રાન્તિ પછીથી આ પરિચિતતા અને સુરક્ષા હાથમાંથી સરકી જવા લાગી હતી. પરિવર્તન સાર્વત્રિક અની વ્યાપક હતું. આર્થિક, ટેક્નૉલૉજીકીય, પર્યાવરણીય અની ભૌગોલિક પરિવર્તનોએ સમાજજીવનને અસ્થિર બનાવવા માંડ્યું હતું. માણસ પરિવર્તનની રફતાર સાથે તાલ મિલાવી શકતો નથી જેને કારણે કેટલાક નવા માનસશાસ્ત્રીય પ્રશ્નો પેદા થવા લાગ્યા હતા.
પશ્ચિમમાં પરંપરાગત ક્લાસિકલ ફિલોસૉફી સામે કૉન્ટિનેન્ટલ ફિલોસૉફીની નવી શાખા અસ્તિત્વમાં આવી હતી જેના કેન્દ્રમાં તર્ક નહીં, માનવી હતો. એક્ઝિસ્ટેન્શિયલિઝમ, ફિનૉમીનૉલૉજી, સર્રિયાલિઝમ વગેરે જ્ઞાનશાખાઓ 19મી સદીના અંતમાં અને 20મી સદીમાં અસ્તિત્વમાં આવી હતી. એ તાત્કાલિક માનવીય સંકટ સાથે કામ પાડે છે એટલે વધારે ફૅશનમાં આવી હતી. સામાજિક મનોવિજ્ઞાન (સોશ્યલ સાયકોલૉજી) અને મનોવિશ્લેષણ (સાયકો ઍનૅલિસિસ)ની શાખાઓ પણ એ જ યુગમાં અસ્તિત્વમાં આવી હતી અને એનું કારણ પણ ઝડપથી થઈ રહેલું પરિવર્તન હતું. દાયકાઓથી ઘડાયેલા અને એકંદરે સ્થિર રહેલા માનસપિંડ સામે નવા પડકાર પેદા થયા હતા. માણસ એની સાથે પોતાને એડ્જસ્ટ નહોતો કરી શકતો અને ભયનો અનુભવ કરવા લાગ્યો હતો.
અહીં 27 જૂને, અમેરિકાના લૉસ ઍન્જલસમાં, 87 વર્ષની વયે અવસાન પામેલા ઍલ્વિન ટોફલર આવે છે જેમણે પરિવર્તનની રફતાર અને દિશા સમજવા-સમજાવવાનું કામ કર્યું હતું. પરિવર્તને માનવી અને માનવસમાજ પર કેવી અસર કરી છે એ સમજાવવાનું અને એની ચિકિત્સા કરવાનું કામ ઉપર કહે એવી નવી વિકસેલી જ્ઞાનશાખાઓએ કર્યું છે; પરંતુ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે ઓળખાય છે અને એના જનક ઍલ્વિન ટોફલર હતા.
1928માં અમેરિકામાં જન્મેલા ટોફલરે ખેતમજૂર તરીકે અને પછી ફૅક્ટરી-વર્કર તરીકે કામ કર્યું હતું. એ પછી તેઓ પત્રકારત્વમાં પ્રવેશ્યા હતા. તેમણે એવા સમાજને જોયો હતો જેની સુરક્ષિત જગ્યા પરિવર્તનને કારણે સરકી રહી હતી. તેમણે એવા સમાજને પણ જોયો હતો જે હજી વધુ મેળવવાની આકાંક્ષા ધરાવતો હતો. પત્રકાર તરીકે તેમણે એવા સમીક્ષકોને પણ જોયા હતા જેઓ પરિવર્તનના સૂચિતાર્થો સમજાવવાના નિરર્થક પ્રયાસ કરતા હતા (જે રીતે આ લેખક કરતો રહે છે). બધું તાલમેલ વિનાના સર્કસ જેવું ભાસતું હતું. ઍલ્વિન ટોફલરે સર્કસમાં સમજણ વિકસાવવાનો અને એ દ્વારા ભાવિ દિશા પકડવાનો પ્રયાસ કર્યો હતો.
1970માં પ્રકાશિત થયેલું ‘ફ્યુચર શૉક’ તેમનું પહેલું પુસ્તક હતું જેણે જગતને અક્ષરશ: શૉક આપવાનું કામ કર્યું હતું. આ પુસ્તકની અત્યાર સુધીમાં દોઢ કરોડ નકલ વેચાઈ ગઈ છે. એ પુસ્તકમાં ટોફલરે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે અને એનું જવું કઈ રીતે અનિવાર્ય છે એની વાત કરી હતી. ફ્યુચર શૉક કલ્ચરલ શૉક હશે એમ ત્યારે ટોફલરે કહ્યું હતું. સૅમ્યુઅલ હન્ટિંગટનની કલૅશ ઑફ સિવિલાઇઝીશનની થીસિસ તો એ પછી 23 વર્ષે આવી હતી. હન્ટિંગટને કહ્યું હતું કે હવે પછી જગતમાં ટેક્નૉલૉજીને કારણે નજીક આવી ગયેલી, પરંતુ મૂળભૂત રીતે એકબીજાથી અપરિચિત સભ્યતાઓ વચ્ચે સંઘર્ષ થશે.
1980માં ‘ધ થર્ડ વેવ’ નામનું તેમનું બીજું પુસ્તક આવ્યું હતું. એ પુસ્તકમાં તેમણે કહ્યું હતું કે પરિવર્તનનું ત્રીજું મોજું ઈન્ફર્મેશન ટેક્નૉલૉજીનું હશે. પહેલું મોજું કૃષિવ્યવસાયનું હતું જેમાં માનવી ઠરીઠામ થયો હતો અને સભ્યતાઓ વિકસી હતી. બીજું મોજું ઔદ્યોગિક ક્રાન્તિનું હતું જેમાં સમાજ આર્થિક રીતે પ્રભાવિત થયો હતો. ત્રીજું મોજું ઇન્ફર્મેશન ઓવરલોડનું હશે. શબ્દપ્રયોગ પર ફરી વાર નજર કરો. ઇન્ફર્મેશન ઓવરલોડ. ઇન્ટરનેટ જેવી ટેક્નૉલૉજી વિકસશે એટલું જ માત્ર જો તેમણે કહ્યું હોત તો તેઓ મહાન ફ્યુચરોલૉજિસ્ટ ન ગણાત. તેઓ મહાન ફ્યુચરોલોજિસ્ટ એટલા માટે છે કે તેમણે ઓવરલોડની કલ્પના કરી હતી. લોડ એટલો પ્રચંડ હશે કે માનવી અને તેનો માનસપિંડ એને સહન નહીં કરી શકે. અથડામણો, હિંસા, પોતાની જગ્યા બચાવવાનો અને બીજાની જગ્યા આંચકી લેવાનો સંઘર્ષ આજે સર્વત્ર નજરે પડે છે. આજે જૂઠાણાંનો ઉદ્યોગ અબજો ડૉલરનો થઈ ગયો છે એ, ત્રીજા મોજાનું પરિણામ છે. પાછા જૂઠાણાં ફેલાવનારાઓના સગડ પણ મળતા નથી (ટોફલરના ‘થર્ડ વેવ’નો ગુજરાતીમાં અનુવાદ જાણીતા સર્વોદયી વિચારક કાંતિભાઈ શાહે ‘ત્રીજા મોજા’ના નામે કર્યો છે જે વાંચવાની હું ભલામણ કરું છું. આ પુસ્તક યજ્ઞ પ્રકાશન, વડોદરાએ પ્રકાશિત કર્યું છે). એ ઉપરાંત ‘પાવર શિફ્ટ’ અને બીજાં કેટલાંક પુસ્તકો ટોફલરે આપ્યાં છે જે આ જ દિશામાં હજી બીજી કેટલીક વાત કરે છે.
ટોફલરે વિકસાવેલી ફ્યુચરોલૉજીની જ્ઞાનશાખાને પાંચ દાયકા થવા આવ્યા છે, પણ તેને બીજા ટોફલર નથી મળ્યા. એબ્સર્ડ ભાસતા સર્કસમાં રિધમ પકડવી એ અઘરું કામ છે અને એ એક ફેક્ટરી-વર્કરે કરી બતાવ્યું છે. બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે અને કળ નહીં વળે ત્યાં સુધી ઍલ્વિન ટોફલર ભુલાવાના નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2016