વંચિતોની વીતકની વાત અને સામાજિક ન્યાય માટે ગયાં ચારેક દાયકાથી કાર્યરત પત્રકાર ઇન્દુકુમાર જાનીને શનિવારે ‘સદ્દભાવના સન્માન 2015’થી નવાજવામાં આવ્યા.
ગુજરાતના સદ્દભાવના ફોરમ નામના મંચનો આ પુરસ્કાર રામકથાકાર મોરારિબાપુને હસ્તે મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે આપવામાં આવ્યો. ઇન્દુકુમારની સાથે આ સન્માન સમસ્યાપ્રધાન દસ્તાવેજી ફિલ્મો બનાવનાર માધ્યમકર્મી આનંદ પટવર્ધનને પણ આપવામાં આવ્યું. ‘સન્નિષ્ઠ અને નિષ્કામ સેવા દ્વારા સામાજિક સંવાદિતાના નિર્માણ-કાર્યમાં મૂલ્યવાન યોગદાન’ માટેના આ પુરસ્કારની એકાવન હજાર રૂપિયાની રકમ ઇન્દુકુમારે ‘નયા માર્ગ’ પખવાડિકને અર્પણ કરી છે.
‘નયા માર્ગ’ને ઇન્દુભાઈ ચોંત્રીસ વર્ષથી એક મિશન તરીકે ચલાવી રહ્યા છે. ‘વંચિતલક્ષી વિકાસપ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહિન સમાજરચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક’ એવો ‘નયા માર્ગ’ મુદ્રાલેખ ઇન્દુભાઈએ અસ્ખલિત અને ઉત્તમ રીતે ચરિતાર્થ કર્યો છે. તેમણે ‘નયા માર્ગ’ને સમાજના દરેક કચડાયેલા વર્ગની વાત મૂકવા માગતા લખનારનું ભરોસાપાત્ર માધ્યમ બનાવ્યું છે. લગભગ કોઈ ભૂલ વિના નીકળતા એકેએક અંકમાં ઇન્દુભાઈની નિસબત, જહેમત અને માવજત જ નહીં પણ લગભગ ફનાગીરી દેખાતી રહી છે. ગુજરાત ખૂંદીને ઇન્દુભાઈએ કચડાતાં માણસોની જિંદગી અને તે સારી બને તે માટે મથનારા લોકો વિશે સતત લખ્યું છે.
દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોના શોષણ અંગેની તેમની લખેલી લેખમાળાને આધારે લોકાધિકાર સંઘે અદાલતમાં કરેલી જાહેર હિતની અરજીને કારણે એ શ્રમજીવીઓનું લઘુતમ વેતન નિયત થયું અને કામદારોને પોણા આઠ કરોડ રૂપિયા જેટલો વેતન તફાવત મળ્યો. ડાંગમાં નક્ષલવાદને નામે મચાવાતો હોબાળો, ખેતમજૂરો પર સીમરખાના અત્યાચારો, આદિવાસીઓ અને દલિતોને જમીન અપાવવી, ટીમરુના પાનના દરોમાં વધારો કરાવવો, માથે મેલું ઉપાડવાની બદીની નાબૂદી જેવી અનેક બાબતોમાં ઇન્દુભાઈનાં લેખન અને પ્રત્યક્ષ સામેલગીરી બહુ મહત્ત્વનાં રહ્યાં છે. ગોલાણા અને સાંબરડામાં દલિતો પરનાં તેમ જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસીઓ પરના અત્યાચારો વિરુદ્ધ તેમણે નક્કર અહેવાલો લખ્યા છે. અનામતવિરોધી આંદોલન કે કોમી તોફાનોના અસરગ્રસ્તોની વ્યથાકથા તેમણે વર્ણવી છે. અછતનાં વર્ષો અને ભૂકંપમાં ‘નયા માર્ગે’ નોંધપાત્ર કામ કર્યું છે. ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં રાહત-પુનર્વસન અને શાંતિયાત્રાઓ જેવી કામગીરીમાં તો ઇન્દુભાઈ જોડાયા જ હતા. વળી, તેમણે બે કર્મશીલો સાથે જોડાઈને કાયદો, વ્યવસ્થા અને કોમવાદના સંદર્ભે રાજ્યની સામે જાહેર હિતની અરજી પણ દાખલ કરી હતી. જો કે તે પહેલાં 1993-94નો રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો પુરસ્કાર તેમને મળ્યો હતો. ઇકોતેર વર્ષના ઇન્દુભાઈ અને તેમના પાંચ સાથી કર્મશીલોને પોલીસે હમણાં અગિયારમી જાન્યુઆરીએ આખો દિવસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખ્યા હતા – તેઓ વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી દરમિયાન સરકારની જમીનવિરોધી નીતિ સામે વિરોધ કરવા જવાના છે એવા સગડ પોલીસને મળ્યા હતા ! અદના વાચકને તરત સમજાય એવી સાદી છતાં ય અસરકારક ભાષામાં હંમેશા લખનાર ઇન્દુભાઈએ ‘અસ્પૃશ્યતા અને અત્યાચારના બે પડ વચ્ચે પીસાતા દલિતો’, ‘માનવ અધિકાર : સાબાર ઉપરે મનુષ્ય સત્ય’, ‘રેશનાલિઝમ : નવલાં મુક્તિનાં ગાન’ પુસ્તકો લખ્યાં છે. આદિવાસીઓના પ્રશ્નો વિશેનાં પુસ્તકો છે : ‘તમે કહો છો એ આઝાદી ક્યાં છે?’ ‘બે દાયકાનો સફળ સંઘર્ષ : જંગલ-જમીન નામે કરો …’ અને ‘આદિપર્વ’. બાબા આમટે, નારાયણભાઈ રાઠોડ, પાનાચંદ પરમાર અને મુનિ સંતબાલ પરની પુસ્તિકાઓ તેમની પાસેથી મળી છે. ઊંડી નિસબત અને અભ્યાસ સાથેના તેમનાં વ્યાખ્યાનો તેમ જ ‘રચના અને સંઘર્ષ’ તેમ જ ‘જિંદગી : એક સફર’ નામે વર્ષો સુધી લખેલાં કંઈક સો અખબારી લેખોનાં સંચયો થાય તે જરૂરી છે.
રંગભૂમિના વિખ્યાત કલાકાર અમૃત જાનીના પુત્ર ઇન્દુભાઈએ ખેતી બૅન્કની બારેક વર્ષની નોકરી બાદ 1978માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને બે વર્ષ વકીલાત અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં કમગીરી કરી. ત્યારબાદ પૂરા સમયના સામાજિક કાર્યકર્તા તરીકે તે ગુજરાત ખેત વિકાસ પરિષદમાં જોડાયા. વૉશિંગ્ટન ડી.સી.ની એડવોકસી ઇન્સ્ટિટ્યૂટ ખાતે છ અઠવાડિયાં રહીને એડવોકસી ફેલો થયા છે. ઇન્દુભાઈ એમના ઘડતરમાં ઝીણાભાઈ દરજીના બહુ મોટા પ્રદાનને અનેક વખત યાદ કરે છે. ગાંધીજી, બાબા આમટે, ભાનુભાઈ અધ્વર્યુ, જોસેફ મેકવાન વિશે પણ તે ઊંડો આદર ધરાવે છે. તેઓ અનેક જાહેર સંસ્થાઓ સાથે સ્પષ્ટ વક્તા તરીકે સંકળાયેલા છે. સેન્ટર ફૉર સોશ્યલ જસ્ટિસ અને નવસર્જનનો હ્યૂમન રાઇટસ્ પુરસ્કાર, સાવલિયા રિસર્ચ સેન્ટર દ્વારા કીર્તિ સુવર્ણ ચન્દ્રક મેળવનાર ઇન્દુકુમાર ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનનું વરિષ્ઠ પત્રકાર તરીકેનું સન્માન પણ પામ્યા છે.
કિશોરવયે પિતાજી સાથે અવારનવાર નાટકો માણનારા, ક્યારેક તખ્તા પર પાઠ ભજવનારા, સરસ રીતે ભજન ગાનારા ઇન્દુભાઈએ વાયોલિન પર પણ હાથ અજમાવ્યો હતો. તેમની સાહિત્યરુચિ ‘નયા માર્ગ’માં ‘નવું વાચન’ વિભાગની સંખ્યાબંધ પુસ્તક નોંધોમાં અને તેના છેલ્લા પાને આવતી પદ્યરચનાઓની પસંદગીમાં જોવા મળે છે. આ પાનાએ દલિત કવિતાને મંચ પૂરું પાડવાનું મોટું કામ કર્યું છે.
ભેખધારી પત્રકાર ઇન્દુભાઈ પોતાના કામ વિશે એ ભાગ્યે જ કંઈ કહે છે,અને જે કહે છે તે લગભગ નજીવું કામ કરતા હોય તેવી રીતે અલ્પોક્તિમાં કહે છે. આ નીડર કલમનવીસ બહુ લાગણીશીલ છે. એમની સાથે અદના આદમીની કોઈ પણ પ્રકારની હાડમારીની વાત કરીએ ત્યારે તેમના ચહેરા પર સાચકલી પીડા દેખાય છે.જો કે તેમની વ્યક્તિગત તકલીફ વિશે તો બહુ મોડેથી, ફરતી-ફરતી વાત થકી જ જાણવા મળે છે.
ઇન્દુકુમાર ઘણી વખત દુષ્યંતકુમારનો એક શેર ટાંકે છે :
‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ’.
9 જૂન 2015
+++
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 10 જૂન 2015
e.mail : sanjaysbhave@yahoo.com
![]()


નદીને કાંઠે સેલ્ફી. વર્ષો પછી મળેલા જૂના પાડોશી રાકેશઅંકલ સાથે સેલ્ફી. ઊભી બજારે સેલ્ફી. લાંબી શેરીમાં સેલ્ફી. લોકલ ટ્રેનમાં દોસ્તો સાથે સેલ્ફી. સીટી બસમાં ગર્લફ્રેન્ડ સાથે સેલ્ફી. કોલેજના વાર્ષિક ફંક્શનમાં ગ્રૂપ સેલ્ફી. ટૂંકમાં, સેલ્ફી … સેલ્ફી … સેલ્ફી. હજી ગઈ કાલે આવેલો સેલ્ફી શબ્દ આજે એટલો પ્રચલિત થઈ ગયો છે કે જાણે બાપદાદાના વખતથી એ આપણી વચ્ચે હતો. સેલ્ફી સાવ નવો શબ્દો છે અને જો સર્વે કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ બોલાતો શબ્દ પણ કદાચ એ જ હશે. વડાપ્રધાનથી લઈને વડાપાંવ વેચનારાને જોડતું કોમન ફેક્ટર આ શબ્દ છે.