"પુસ્તકો વિનાની જિંદગી અને દુનિયા હું કલ્પી શકતો નથી. જેમ પ્રાણવાયુ વિના જીવન થંભી જાય, તેમ પુસ્તકોના રસ અને આસ્વાદ વગર સંસ્કાર-જીવન અટકી જાય. પુસ્તકોનો સાથ હોવો તથા એ વાંચવાનો શોખ હોવો એનો આધાર વાતાવરણ અને ઉછેર પર ઘણો રહે છે. પરંતુ, કેવળ ઘર-આંગણે અને બહારની ચોતરફની આબોહવામાં પુસ્તકોની સુવાસ મઘમઘે અને પુસ્તકો વંચાતાં રહે એ પૂરતું નથી. વાતાવરણ અને વિદ્યાકીય પર્યાવરણ ઉપરાંત સુગ્રથિત ઘડતર અને સુયોજિત શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. સારાં પુસ્તકો વાંચવાનો રસ એ સભાનતાથી અને સતત પ્રયત્નપૂર્વક કેળવવાનો વિષય છે. ઘરમાંનાં મોટેરાંઓ સાંસ્કૃિતક સાહિત્ય વાંચતાં હોય, અને નિશાળમાંના શિક્ષકો સારા વાચનની ટેવ પાડતા હોય, તો જ પુસ્તકપ્રેમની માત્રા બરાબર વધતી રહે. પુસ્તકો જેવા મિત્રો અને માર્ગદર્શકો માણસની જિંદગીમાં અન્ય ભાગ્યે મળી શકે. પુસ્તકોની મિત્રતા ચાહીને કેળવવાની હોય છે. એમનું માર્ગદર્શન સજાગપણે અને સમજીને પ્રાપ્ત કરવાનું રહે છે. સાચાં અને સત્ત્વશીલ પુસ્તકો, સારા અને સંવેદનશીલ મિત્રોની જેમ, આપણી મદદે હરહંમેશ ઊભાં જ હોય છે. એમના પર રાખેલો ભરોસો ક્યારેય નિષ્ફળ કે નકામો નીવડતો નથી. તેથી જ, મિત્રોની માફક પુસ્તકોની પસંદગીમાં પણ કાળજી અને વિવેક રાખવાં રહ્યાં."
− દાદાસાહેબ માવળંકર
સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014
![]()


પણ થોડા દિવસ પહેલાં અંગ્રેજી છાપામાં ય ખૂણેખાંચરે એક સમાચાર છપાયા હતા. મેંગલોર ખાતે વર્લ્ડ કોંકણી સેન્ટરની એક બેઠક મળી હતી. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોંકણી ભાષામાં પ્રગટ થયેલાં બધાં પુસ્તકો એકઠાં કરવાં અને તેમને સ્કેન કરીને ડીજિટલ ફોર્મમાં મૂકવાં, જેથી હવે પછીની પેઢીઓ માટે આ ગ્રંથભંડાર સચવાઈ રહે. કર્ણાટક, ગોઆ, અને કેરળમાંથી આવેલા કોંકણી ભાષાના લેખકો, વિદ્વાનો અને સંશોધકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
સવ્યસાચી: સ્મરણદીપના પ્રકાશમાં / સંપાદન મણિલાલ હ. પટેલ, સહ સંપાદન નલિની દેસાઈ. ગુજરાત વિશ્વકોશ ટ્સ્ટ, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૪. ૧૬ + ૨૪૦ પાનાં, સચિત્ર. રૂ. ૨૫૦