નૅશનલ ડિફેન્સ ઍકેડેમીની પદવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.) આપે છે. આમ કરવાનું જે વ્યક્તિને સૂઝ્યું તેનામાં વિધિની વક્રતાને પહેલેથી જ પામી જવાની દૂરદૃષ્ટિ હોવી જોઈએ. લશ્કર અને જે.એન.યુ. વચ્ચે ચૉક ઍન્ડ ચીઝ જેટલો અર્થાત્ જમીન આસમાનનો તફાવત છે. યુનિવર્સિટી મિલિટરી સાયન્સનું શિક્ષણ આપતી નથી કે લશ્કરી તાલીમ પણ આપતી નથી, છતાં તે આ વિષયોમાં સ્નાતકની પદવી આપે છે.
એટલે કોઈ વિષયનું શિક્ષણ આપ્યા વિના તેની પદવી આપવાના આ વિરોધાભાસને દૂર કરવાના હેતુથી જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર એમ. જગદેશકુમાર એક સરસ પ્રસ્તાવ લાવ્યા છે. યુનિવર્સિટીના પરિસરમાં કોઈક જગ્યાએ એક સેના-દ્વિચક્રી અર્થાત્ આર્મી ટૅન્ક ગોઠવવાનું તેમણે સૂચવ્યું છે. તેનાથી વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી દળો વચ્ચે એક મજબૂત જોડાણ સંધાશે.
આ વિચાર બળવાન છે, પણ માણસે આટલેથી જ અટકી ન જવું જોઈએ. જે.એન.યુ.માં ઉચિત જગ્યાએ ફાઇટર એરક્રાફ્ટ અર્થાત્ યુદ્ધ વિમાન પણ ગોઠવવું જોઈએ. આમ કરવાથી વાયુ દળને યથોચિત સ્થાન મળશે. આપણા સંરક્ષણ દળની ત્રીજી પાંખને પણ ઉપેક્ષાભાવ ન લાગવો જોઈએ એટલે નૌકાદળનું એક જહાજ પણ કૅમ્પસમાં ક્યાંક મુકાવું જોઈએ. ખરેખર તો લશ્કરમાં ઉપયોગમાં ન લેવાતું હોય તેવું એક એરક્રાફ્ટ કૅરિયર જો ફાળવી શકાય તો એનો ઉપયોગ રમતના મેદાન તરીકે પણ થઈ શકે. જો કે, આટલાં કામ યુનિવર્સિટીને લશ્કરી શિક્ષણ માટેનાં કેન્દ્ર તરીકેનું સ્થાન અપાવવા માટે પૂરતાં નથી. આ યુનિવર્સિટીમાં ઝાડપાન, વૃક્ષવનસ્પતિનો મોટો વિસ્તાર છે, જે જંગલમાં ખેલાતા યુદ્ધની તાલીમ માટેની ઉત્તમ જગ્યા બની શકે. વર્ગમાં દેશભક્તિનું સિંચન થતું હોય અને પરિસરના ગાઢ હરિત વિસ્તારમાંથી શસ્ત્રનાદનો પ્રતિધ્વનિ થતો હોય તો પ્રેરણાદાયી વાતાવરણ સર્જાય.
રાષ્ટ્રવાદની ચેતનાનું વધુ સિંચન કરવા માટે પ્રોફેસરોને સૈન્યનાં પદ આપી શકાય. તેમણે અધ્યાપનના કર્તવ્ય દરમિયાન સૈન્યનો યુદ્ધ ગણવેશ પહેરવો જોઈએ. તેમની પાસે જાતભાતની પિસ્તોલ હોવી જોઈએ. પણ તેમને એ આપતાં પહેલાં એની કઈ બાજુથી ગોળી ચલાવવી એ અંગે વાકેફ કરવા જોઈએ. અધ્યાપક માટે ‘ઇન્સ્ટ્રક્ટર’ અને વિદ્યાર્થી માટે ‘કૅડેટ’ એવા શબ્દો વાપરવા જોઈએ. કાળી ટોપી, સફેદ ખમીસ અને બ્રાઉન કહેતાં તપખિરિયા રંગનું પાટલૂન સહુથી યોગ્ય ગણાય. વિદ્યાર્થીઓનો દિવસ સૂર્ય-નમસ્કારથી શરૂ થવો જોઈએ અને તેમણે તેમના વરિષ્ઠોને સલામ કરવાની થાય, પણ પાશ્ચાત્ય ઢબે નહીં. પ્રણામ અથવા દંડવત્ જેવું કંઈક કરવામાં આવે તો આપણી પ્રાચીન સંસ્કૃિતના ગૌરવનો ખ્યાલ જળવાય.
આમ આંતર્બાહ્ય નવો વેશ ધારણ કરેલા યુનિવર્સિટી કૅડેટ્સે એક સરખું વિચારવાનું હોય. કોઈ પણ પ્રકારની અસંમતિ એ ગેરશિસ્ત ગણાશે. ઉપનિષદની પ્રશ્નપરંપરાને સાંપ્રતમાં અપનાવવામાં આવશે તો આપણે મુસીબતમાં મુકાઈશું.
વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને મૌલિક રીતે વિચાર કરતા થાય તે જોવાનું કામ યુનિવર્સિટીઓનું નથી. વળી, જે.એન.યુ.ના કૅમ્પસમાં જ લશ્કરી ટેન્ક ગોઠવાયેલી હોવાથી દેશને હવે થિન્ક ટૅન્ક્સની જરૂર નહીં પડે. એટલે હવે દેશની બધી થિન્ક ટૅન્ક્સનો નિકાલ કરી દેવો જોઈએ. એનાથી બિગ બ્રધર બહુ ખુશ થશે. જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર પાસે એક મહાન વિચારબીજ છે. એ બીજને જો જે.એન.યુ. ઉપરાંત બીજાં વિદ્યાકેન્દ્રોમાં પણ રોપવામાં આવે તો ભારતના શિક્ષણની કાયાપલટ થશે.
સ્પષ્ટતા : આ લેખ તમને મલકાવવા માટે છે. વાસ્તવિક જિંદગીના બનાવો અને પાત્રો સાથેનો એનો સંબંધ માત્ર અકસ્માત ગણવો.
(‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને ૨૯ જુલાઈ ૨૦૧૭ના રોજ આવેલા લલિત મોહનના લેખનો અનુવાદ)
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 13-14