મંગળવારે [27 ફેબ્રુઆરી 2018] ગુજરાત વિધાનસભામાં, ગોકુલ એજ્યુકેશન ટ્રસ્ટને ગ્લોબલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાના રાજ્યસરકારના નિર્ણય અંગે હોબાળો થયો. તેમાં પાયાની વાત શિક્ષણકારણનો ભ્રષ્ટાચારના રાજકારણ માટે ઉપયોગ કરવાની છે. આ બદી એટલી બધી વ્યાપક છે કે તેમાં સરકારો તો ખરી જ પણ ગરિમાપૂર્ણ ગણાતું રાષ્ટ્રપ્રમુખ પદ પણ અપવાદ નથી. તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે ઉચ્ચ શિક્ષણમાં કરેલો હસ્તક્ષેપ ટીકાને પાત્ર બન્યો છે. તેમણે પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલરની પોતે જ કરેલી પસંદગીને ફેરવી તોળી છે. માનવામાં ન આવે તેવી આ બેહૂદી હરકત પહેલાનો ઘટનાક્રમ જોવા જેવો છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપ્રમુખે કૃષિવિજ્ઞાની સ્વપન કુમાર દત્તની યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર તરીકેની નિમણૂકને મંજૂરી આપી. પણ રાષ્ટ્રપતિભવન નિમણૂકનો આદેશ બહાર પાડે એ પહેલાં માનવસંસાધન વિકાસ મંત્રાલયે એક પત્ર દ્વારા રાષ્ટ્રપ્રમુખશ્રીને દત્તની નિમણૂક અંગે ફેરવિચારણા કરવાની વિનંતી કરી. આ વિનંતી માન્ય રાખીને તેઓશ્રીએ પોતે આપેલી માન્યતા પોતે જ રદ કરી. મૂંઝવનારી વાત એ પણ છે કે રાષ્ટ્રપ્રમુખે દત્તની પસંદગી માનવસંસાધન મંત્રાલયે મોકલેલાં ત્રણ નામોની યાદીમાંથી જ કરી હતી. હવે મંત્રાલય રાષ્ટ્રપતિને કૃષિવિજ્ઞાનીની નિમણૂક રદ કરવાનું કહેતું હતું, લટકામાં આખી યાદી અને તેના માટેની પસંદગી સમિતિને પણ ખારીજ કરવાનું કહેતું હતું. રાષ્ટ્રપ્રમુખ દેખિતી રીતે તો કોઈ સવાલ ઊઠાવ્યા વિના, કેન્દ્ર સરકારના એક ખાતાએ જણાવ્યા મુજબની ગુલાંટ મારે એ ચિંતાજનક બાબત ગણાઈ છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણ માટેના આદર્શવાદી દર્શનથી સ્થાપેલી વિશ્વભારતી યુનિવર્સિટી અડતાળીસ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંની એકમાત્ર યુનિવર્સિટી છે જેના ચાન્સલર વડા પ્રધાન હોય. રાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રુએ તેના ‘વિઝિટર’ હોય છે. આ સંસ્થામાં વારંવાર કપરા તબક્કા આવ્યા કરતા હોય છે. ફેબ્રુઆરી 2016માં તેના વાઇસ ચાન્સલર સુશાન્ત દાસગુપ્તાને વહીવટી ગેરરીતીઓ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. તે પછી વિજ્ઞાની સ્વપન કુમાર દત્તને કાર્યકારી વાઇસ-ચાન્સલર તરીકે નીમવામાં આવ્યા. તેમને કાયમી બનાવવાનો નિર્ણય વિવાદાસ્પદ બન્યો અને વિવાદનો અંત આવે તે પહેલાં તાજેતરમાં તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. તેમના કાર્યકાળ દરમિયાન અધ્યાપક આંદોલનો થયાં. એક આંદોલન તો એવું હતું કે જેમાં દત્તની બાબતે અધ્યાપકો સામસામાં જૂથોમાં વહેંચાયા. એક જૂથ વાઇસ-ચાન્સલર તરીકે તેમની નિમણૂકની માગણી કરતું હતું, જ્યારે બીજું જૂથ તેમની બરતરફીની. યુનિવર્સિટીના આ માહોલ પાછળ દત્તની નેતૃત્વશક્તિનો અભાવ છે એવું તારણ કાઢીને તેમને વાઇસ-ચાન્સલર બનવા દેવામાં ન આવ્યા એમ માનવામાં આવે છે. પણ એ સંજોગોમાં મંત્રાલયે તેમના નામનો સમાવેશ ત્રણ નામોમાં શા માટે થવા દેવામાં કાચું કાપ્યું. રાષ્ટ્રપ્રમુખે તેમના નામની પસંદગી પર છેલ્લી મહોર મારીને મામલાને વધુ ખરાબ કર્યો. તેમણે બધી ન્યાયિક પ્રક્રિયાને કોરાણે મૂકીને આમ કર્યું છે. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ ઍક્ટ 2009 જણાવે છે કે ધ વિઝિટરનું સ્થાન ધરાવનાર રાષ્ટ્રપ્રમુખ સમયના જુદા જુદા તબક્કે એક કે વધુ વ્યક્તિઓની નિમણૂક કરીને યુનિવર્સિટીના કામ અને તેની પ્રગતિઓનું પુનરાવલોકન કરી શકે છે. આવી કોઈ કાર્યપ્રક્રિયા વિશ્વભારતીના આ કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખે અનુસરી નથી. આ રાષ્ટ્રપ્રમુખે ગણતંત્રદિવસ પરના ભાષણમાં સંસ્થાઓનાં ગૌરવ અંગે ઘણું કહ્યું હતું. જેમ કે, ‘એવી સંસ્થાઓ કે જે ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના તેમની નિષ્ઠા અને શિસ્ત જાળવી રાખે’, ‘સંસ્થાઓ તેમની સાથે જોડાયેલ વ્યક્તિઓ કરતાં વધુ મહત્ત્વની હોય છે’, ‘સંસ્થાના સભ્યોએ લોકોની ટ્રસ્ટી બની રહેવા બનતો પ્રયત્ન કરવો જોઈએ’.
સરકારને કારણે વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સલર પરેશાન થયા છે, તો વળી મુંબઈની વિશ્વવિખ્યાત ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સેસ’(ટિસ)માં વિદ્યાર્થીઓ ભણતરના આર્થિક બોજ હેઠળ કચડાઈ જાય એવી નોબત આવી છે. સામજિક રીતે પછાત મનાતા વર્ગો તેમ જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ અને રાહતો બંધ કરવાની જાહેરાત સત્તાવાળાઓએ કરી છે. તેના વિરોધમાં ટિસમાં એકવીસમી ફેબ્રુઆરીથી જોરદાર વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓએ વર્ગો, ફીલ્ડ વર્ક, સબમિશન જેવી શિક્ષણપ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો છે. તેઓ સંસ્થાના ઝાંપે રાતદિવસ ધરણાં ધરીને બેઠાં છે. મોટાં ભાગનાંએ સંસ્થાના ભોજનકક્ષ અર્થાત્ ડાઇનિંગ હૉલમાં જમવાનું બંધ કર્યું છે. સભાઓ, શેરી નાટકો, ગીતો, સૂત્રોચ્ચાર, મોબિલાઇઝેશન થતું રહે છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સહિત દેશભરની કેટલી ય યુનિવર્સિટીઓનાં સંગઠનો અને મંચોનો ટેકો આ આંદોલનને સાંપડી રહ્યો છે. સંસ્થાના અધ્યાપકોનો એક વર્ગ પણ ચળવળની સાથે છે. મુંબઈ ઉપરાંત ટિસની હૈદરાબાદ, ગુવાહાતી અને તુળજાપુરની કૉલેજોના વિદ્યાર્થીઓ પણ ચળવળમાં જોડાયા છે. જો કે તેમાં મુંબઈની ટિસ સહુથી જાણીતી છે .. જે.એન.યુ.ની જેમ ટિસ પણ સમાનતાવાદી રૅડિકલ વિચારસરણી તરફ દોરી જાય છે અને કર્મશીલતા પ્રેરે છે. મૌલિક સંશોધન કરનાર અધ્યાપકો, બાવીસ કલાક ખુલ્લું રહેતું ત્રણ માળનું ગ્રંથાલય, વૃક્ષ-વનસ્પતિ-માટીથી સમૃદ્ધ કૅમ્પસ, વિદ્યાર્થીઓ માટે એકંદર નિસબત, તકોની સમાનતા, વિશિષ્ટતા-વિમર્શ-વિવાદને પોષક વાતાવરણ એ જે.આર.ડી. ટાટાએ 1936માં સ્થાપેલી ટિસની કેટલીક વિશેષતાઓ છે.
ગયાં શૈક્ષણિક વર્ષના આરંભે ટિસના સત્તાવાળાઓએ એવી જાહેરાત કરી કે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને સરકારની પોસ્ટ-મૅટ્રિક સ્કૉલરશીપ સ્કીમ હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય પાછી ખેંચવામાં આવશે. તેને પરિણામે એ વર્ગોના વિદ્યાર્થીઓને છાત્રાલય અને ભોજનખર્ચ પૂરાં આગોતરાં ચૂકવવાં પડશે. સ્કૉલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારમાં અરજી કરવી પડશે અને એ મંજૂર થયે ઉપર્યુક્ત ખર્ચની રકમ સીધી તેમનાં બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. સંસ્થાએ કરેલી જાહેરાત મુજબ આ નિર્ણય અત્યારના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે.
ટિસના વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ નિર્ણયમાંથી 2016-18 અને 2017-19 ની બૅચેસને મુક્તિ આપવામાં આવે. કારણ કે, પ્રવેશ માટેની માહિતીપુસ્તિકામાં આર્થિક સહાયનો ઉલ્લેખ છે, અને હવે અભ્યાસકાળની અધવચ્ચે વિદ્યાર્થીને આ ખર્ચ ઊપાડવાનું કહી ન શકાય. અનુસૂચિત જાતિ-જનજાતિના વિદ્યાર્થીઓ વિમાસણમાં છે. વિદ્યાર્થીવર્ગને ડર છે કે વંચિત જૂથોના વિદ્યાર્થીઓ આ ખર્ચ સરકાર દ્વારા પછીથી સરભર થવાનું હોય તો પણ ચૂકવી શકશે નહીં અને પરિણામે સંસ્થામાં પ્રવેશ લેતા અટકી જશે. અનુસૂચિત જાતિ-જનજાતિના 2016-18ની બૅચના વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ફીમાંથી મુક્તિ મળી છે. પણ તેમણે દર વર્ષે બાસઠ હજાર રૂપિયાનું ભોજન ખર્ચ તો ઊઠાવવું જ પડશે.
આ જ પ્રકારની મુક્તિ 2017-2019ની બૅચના વિદ્યાર્થીઓએ પણ માગી છે, જેનો સંસ્થાને ઇન્કાર કર્યો છે. તેને બદલે ભોજન ખર્ચ ઊઠાવી ન શકતા વિદ્યાર્થીઓ માટે નિધિ ઊભો કરવાની કોશિશ સંસ્થા કરશે એમ જણાવવામાં આવ્યું છે. ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓ માટે ફીમુક્તિ તો 2015થી બંધ છે. તેને કારણે સંસ્થામાં પ્રવેશ લેતા એ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા ચાર વર્ષમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું વિદ્યાર્થીઓ જણાવે છે. વિદ્યાઓની ત્રણ મુખ્ય માગણીઓ છે : 2016-18 અને 2017-19 બૅચેસને હૉસ્ટેલ અને ભોજનખર્ચની ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવે, 2018-19ની બૅચ માટેની ઉપર્યુક્ત ફીની ચૂકવણી અંગેની જાહેરાત પાછી ખેંચવામાં આવે, અને વિકલાંગ વિદ્યાર્થીઓને પણ મોટી રાહત આપવામાં આવે. પણ સરકાર રાહત આપે તો પક્ષની ઑફિસો અને નેતાઓની મૂર્તિઓ પાછળ ખર્ચ કોણ કરે ?
+++++
1 માર્ચ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 માર્ચ 2018