દડો કાચની બારી પર  પડે એમ  
મારી નજર તારા પર પડી
ને તું ચકનાચૂર થઈ હોત
પણ 
તારી નજર
પાછા ફેંકાતા દડાની જેમ મારા પર આવી
ને 
તારી ને મારી દુનિયા 
આપણી થઈ ગઈ
એ ક્ષણ પહેલાં અજાણી હતી તું
ને તું ય ક્યાં જાણતી હતી મને
પણ આખી પૃથ્વીમાંથી કોઈએ 
બધી વસ્તી ખસેડીને
આપણને એકબીજાની સામે લાવી મૂક્યા
ન તેં ઇચ્છયું હતું કે હું સામે આવું
ન મેં કદી તારું સપનું જોયું હતું
ને તને જોતાં જ થયું કે
મારું સપનું તો તું જ છે
સામે કોઈ નથી
પણ હવાએ તારો ચહેરો પહેરી લીધો છે
તું આવે છે 
તો 
આંખો ખૂલી જવાની ફાળ પડે છે
તે એટલે કે પછી તો તું
ક્યાં ય દેખાતી નથી
કેમ એવું થાય છે કે 
આંખો મારી છે 
ને વહે છે તું
નદીને કિનારો એટલે જ હોતો હશે
નથી ખબર
ધગધગતા સૂરજની જેમ રોજ ઊઠું છું
ને ચાંદની જેવી તું પથરાય તેની રાહ જોઉં છું
રાત તો આવે છે
પણ અમાસ ખસતી નથી
ને મારું રાતદિવસ 
ભડકા પર રહેવાનું અટકતું નથી
કોઈ તો કહો એકબીજાને દેખાઈ જવું છે શું?
એવું તો ઘણું દેખાઈ જાય છે
પણ બધું કૈં ઘર કરી જતું નથી
ઘર કરી ગયા પછી 
કોઈ ઘરમાં જ આવતું નથી એ શું છે
જળમાં હવા પ્રવેશે એમ કોઈ હૈયે આવે 
ને બને પરપોટો
પછી એ જોયા કરવાનું કે 
ફૂટે નહીં
જેમ જોયા કરીએ કે 
દીવામાં તેલ ખૂટે નહીં
પણ પરપોટામાં તો વધારાની હવા ય ન પુરાય
ન બહારથી વધારાય
બધી કાળજી છતાં પરપોટો ફૂટે જ છે
ને દેખાતો બંધ થાય છે
આ દેખાવું અટકે તે સાથે
બધું અટકતું કેમ નથી
તું દેખાતી બંધ થઈ
એ સાથે જ
બધે દેખાતી કેમ થઈ
મેં તો કૈં તારી ઈચ્છા કરી નહોતી
કે નહોતું ઇચ્છયું
દૃષ્ટિ સ્પર્શ બને
સ્વપ્નમાં સ્હેજ હાથ લાગી ગયો
ને સિતારની જેમ રણઝણતી તું 
અહીં સંભળાઈ
કદી ઇચ્છયું ન હતું કે
મારી ધબક તું બને
ધબકતો તો હતો જ ને 
તો કેમ થઈ તું મારો નિશ્વાસ
તારા હોઠે તું ય મરકતી જ હતીને
તો મારું હાસ્ય 
તારા ચહેરે લાવવાની શી જરૂર હતી
કોઈએ કોઈને માંગ્યા ન હતાં
પણ એકબીજાને દેવાઈ ગયાં
ને હવે રહેવાનું છે
એકબીજાની સાથે
એકબીજા વગર …
000
e.mail : ravindra21111946@gmail.com
 

