उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)
‘ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદ કહે છે, ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે
ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદની આ ઉક્તિનો અર્થ એવો છે કે ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે યાદ કરીએ ગુરુશિષ્યની આવી શ્રેષ્ઠ જોડી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને.

રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર. નરેન્દ્રનો એક કુટુંબી રામ રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો. નરેન્દ્રને સત્ય શોધવા આમતેમ ભટકતો જોઈને તેણે કહ્યું, ‘એકવાર દક્ષિણેશ્વર જા.’ નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયો. પરમહંસ એકલા બેઠા હતા. નરેન્દ્રએ પ્રણામ કરી એકદમ પૂછી નાખ્યું, ‘તમે ઈશ્વરને જોયો છે ?’
‘હા, જોયો છે. આ તને જોઉં છું ને, એવી જ રીતે જોયો છે.’ નરેન્દ્ર સ્તબ્ધ થઈ ગયો. રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, ‘કેટલાં વર્ષથી તારી રાહ જોઉં છું. આખરે તું આવ્યો. આટલી વાર કેમ કરી? સંસારી માણસો સાથે વાતો કરી કરીને મારું ગળું સુકાઈ ગયું!’ પછીથી સ્વામી વિવેકાનંદ શિષ્યોને કહેતા, ‘તે વખતે મને થયું આ માણસ કેવો છે! મારી બુદ્ધિ કહેતી હતી કે તે ગાંડો છે, પણ મારું અંતઃકરણ તેના તરફ ખેંચાતું હતું …’
રામકૃષ્ણે કહ્યું, ‘આ છોકરો ધ્યાનસિદ્ધ છે. જે પણ બાબતમાં તે પોતાનું ચિત્ત પરોવે તેમાં તે તલ્લીન બની જાય છે. તેની ઊંઘ પણ એક જાતનું ધ્યાન જ છે.’ નરેન્દ્ર ફરીથી સ્તબ્ધ બની ગયો. વિચાર કરવા લાગ્યો કે મહર્ષિ દેવેન્દ્રનાથે પણ કહ્યું હતું કે છોકરા તારી આંખો યોગીના જેવી છે. મારા વિષે આ બંનેનું કહેવું ખરું હશે? ઘેર ગયા પછી તેણે રામદાદાને રામકૃષ્ણ પરમહંસ વિષે પૂછ્યું. તેણે કહ્યું, ‘શ્રીરામકૃષ્ણ અલૌકિક પુરુષ છે. પરમહંસ છે. અત્યંત ધર્મિષ્ઠ છે. તેમનામાં સંસારની વાસના તલમાત્ર પણ નથી. તે દ્રવ્યને ધિક્કારે છે. દરેક સ્ત્રીને માતા ગણે છે, તે ખરેખરા યોગી છે. તેમણે ઈશ્વરનાં દર્શન કર્યા છે.’
ત્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં દેવીના વિશાળ મંદિરની એક ઓરડીમાં રહેતા. તેમણે નરેન્દ્રને કેટલાક આધ્યાત્મિક અનુભવ કરાવ્યા. નરેન્દ્રને સમજાયું કે નિયમો અને કૃત્રિમ રીતભાતો ઈશ્વરના ભક્તોની આડે આવતાં નથી. સહજ અને સાચા ભક્તોનાં પ્રેમ અને ભક્તિ સ્વતંત્રપણે ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળમાં અને ગમે તે વખતે વહેવા માંડે છે. જગતના નિયમો તેને બાધ્ય કરતા નથી.

સ્વામી વિવેકાનંદ
એ સમયે નરેન્દ્રની ઉમ્મર વીસ વર્ષની હતી. તે એલ.એલ.બી.નો અભ્યાસ કરતો હતો. પિતા ગુજરી ગયા હતા. કુટુંબને સખ્ત હાડમારી વેઠવી પડતી હતી. હાડમારીના આ અનુભવથી તેનું હૃદય દયાર્દ્ર અને સ્વદેશાભિમાની બની રહ્યું હતું. તેની બે બહેનોને પણ આ જગતનો કડવો અનુભવ થયો હતો અને તે અકાળ મૃત્યુને વશ થઈ હતી, તેથી ભારતની સ્ત્રીઓની દુર્દશાનું પણ તેને બહુ ઊંડું ભાન થયેલું હતું.
રામકૃષ્ણ અને નરેન્દ્રનો મેળાપ એ હિંદના પ્રાચીન અને અર્વાચીન જીવનના મેળાપરૂપ હતો. આ મેળાપથી એ બંને જીવનપ્રવાહો સાથે સાથે વહેવા લાગ્યા. નરેન્દ્ર પર રામકૃષ્ણની બહુ જ કૃપા ઊભરાયા કરતી. પવિત્ર આત્માઓને પરસ્પર બાંધનાર બંધનો પણ આશ્ચર્યકારક જ હોય છે. રામકૃષ્ણ અને નરેન્દ્ર વચ્ચેનો પ્રેમ એટલો અગાધ, અલૌકિક હતો કે આખરે ગુરુ અને શિષ્ય બંનેનું બોલવું, વિચારવું, બેસવું, ઊઠવું – આખું જીવન એક જ થઈ રહ્યું હતું. રામકૃષ્ણ નરેન્દ્રથી વધુ દિવસ જુદા રહી ન શકતા. નરેન્દ્ર ઘણા દિવસથી આવ્યો ન હોય ત્યારે તેઓ એકાંતમાં બેસીને અશ્રુપાત કરતા અને મા કાલીને પ્રાર્થના કરતા કે તું નરેન્દ્રને મોકલ.
આવા ગુરુના ચરણે બેસીને નરેન્દ્રએ વેદાન્તનાં ગુહ્ય તત્ત્વોનો અભ્યાસ કર્યો. તે પ્રશ્ન પૂછતો, વાદવિવાદ કરતો અને રામકૃષ્ણ જે બોધ આપતા તે પ્રમાણે તેમનું પોતાનું આચરણ છે કે નહીં તે બારીકીથી તપાસતો. મહિનાના મહિનાઓ સુધી તેણે આ પ્રમાણે કર્યા કર્યું; આખરે તેની સધળી શંકાઓ એની મેળે જ શાંત થઈ ગઈ અને તેનામાં આધ્યાત્મ ચેતન વ્યાપી રહ્યું. મનમાં તર્કબળને સ્થાને શ્રદ્ધાનું અગાધ સામર્થ્ય મુકાયું. પરમહંસ તેના વિષે ભવિષ્ય ભાખવા લાગ્યા, ‘નરેન્દ્રમાં ઈશ્વરી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પડેલો છે. પોતાની બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ વડે તે જગતને હલાવી મૂકશે.’
નરેન્દ્ર એકલો જ રામકૃષ્ણનો મહિમા ઊંડાણથી સમજી શકતો. તે એકલો જ તેમના શબ્દો ઉપર ગહન વિચાર કરતો. તે એકલો જ વિવિધ પ્રકારની શંકાઓ કરતો. રામકૃષ્ણ તેનું એ વિચારસ્વાતંત્ર્ય અને જાહેર હિંમતનો ગુણ પસંદ કરતા. તેમણે ‘મારા જાતઅનુભવમાં પણ શંકા કરે એવો શિષ્ય મને આપજે’ એમ માતા પાસે યાચના કરી હતી અને તેવો જ શિષ્ય તેમની પાસે આવ્યો હતો, તેથી નરેન્દ્રની શંકાઓથી રામકૃષ્ણ ઊલટા ઘણા પ્રસન્ન થતા.
એક પછી એક એમ અનેક સવાલ નરેન્દ્ર પૂછવા લાગ્યો. તેણે અનેક તર્ક-વિતર્ક કર્યા. વિવાદ કરવામાં તે સિંહ જેવી ગર્જના કરવા લાગ્યો અને સર્વને પોતાના જ્ઞાનથી હરાવવા લાગ્યો. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાંથી અને અર્થશાસ્ત્રોમાંથી સૂક્ષ્મ પ્રશ્નો પૂછીને સૌને ગભરાવવા લાગ્યો. તેનું જ્ઞાન જોઈને શ્રી રામકૃષ્ણ વિસ્મય પામતા અને સમાધિમાં આવી જતા. કેવળ પાંડિત્ય ઉપરાંત નરેન્દ્રમાં સત્યનિષ્ઠા જણાતી. રામકૃષ્ણ કહેતા કે ‘નરેન્દ્રમાં દૈવી શક્તિ છે. કિનારા વગરના તેજના મહાસાગર જેવી તે અપાર છે!’ આ શક્તિનું પરિણામ શું આવશે તે પણ તેઓ જોઈ શક્યા.
એક વાર નરેન્દ્રએ કહ્યું, ‘મને ફાજલ સમય મળતો નથી. જીવન એકદમ ભાગદોડવાળું થઈ ગયું છે.’
રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, ‘પ્રવૃત્તિઓ તને વ્યસ્ત રાખે છે. સર્જનાત્મકતા તને મુક્તિનો અનુભવ આપશે.’
‘પણ જીવન આટલું જટિલ કેમ છે?’
‘જીવનનું પૃથક્કરણ ન કરીશ. જીવવાનું શરૂ કરી દે.’
‘મને આટલો અજંપો શાનો છે?’
‘તને ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે.’
‘સારા માણસોએ સહન શા માટે કરવું પડે છે?’
‘અગ્નિમાં તપાવ્યા વિના સોનું શુદ્ધ થતું નથી. વિપત્તિઓ માણસને બહેતર બનાવે છે.’
‘તો વિપત્તિઓ ઉપયોગી છે?’
‘હા. અનુભવ કડક શિક્ષક છે. પરીક્ષા પહેલા લે છે, પાઠ પછી શીખવે છે.’
‘હું એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છું કે કઈ દિશામાં જઈ રહ્યો છું એ જ ખબર પડતી નથી.’
‘બહાર જોવાનું બંધ કર. ભીતર દૃષ્ટિ કર. આંખો દૃષ્યો બતાવે છે, આત્મા માર્ગ બતાવે છે.’
‘કઠિન સમયમાં પણ સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો?’
‘તું ક્યાં આવી પહોંચ્યો છે એ ન જો. ત્યારે ક્યાં જવાનું છે એ જો. જે મળ્યું છે તેને માટે કૃતજ્ઞ બન. ન મળ્યું તેનો અફસોસ છોડ.
‘લોકોનું શું તમને આશ્ચર્ય આપે છે?’
‘દુ:ખ આવે ત્યારે સૌ કહે છે, ‘આવું મને જ કેમ’ સુખ આવે ત્યારે કોઈ આમ પૂછતું નથી.’
‘હું જીવનનું શ્રેષ્ઠ કેવી રીતે પામી શકું?’
‘ભૂતકાળનો શોક છોડી ડે. ભવિષ્યની ચિંતા ન કર. સામે ઊભેલી વર્તમાન ક્ષણનો નિર્ભય વિશ્વાસ સાથે સામનો કર.’
‘મારી પ્રાર્થનાઓનો કોઈ જવાબ કેમ નથી મળતો?’
‘પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. ભય છોડ, શ્રદ્ધા રાખ. જીવન એક રહસ્ય છે, સમસ્યા નથી. જીવતા આવડે તો જીવન અદ્દભુત છે.’
રામકૃષ્ણ પરમહંસ 50 વર્ષ જીવ્યા, સ્વામી વિવેકાનંદ 39 વર્ષ. આયુષ્યની આટલી અલ્પ અવધિમાં પણ તેમણે અસ્તિત્વની મહત્તા સિદ્ધ કરી એક આદર્શ દુનિયાની સામે મૂક્યો. ગુરુપૂર્ણિમાના શુભ અવસરે આ વિભૂતિઓને વંદન.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જુલાઈ 2024