એક સાંધો ને તેર તૂટે જેવા સંજોગોમાં આપણે નવા ઉકેલો શોધવાને બદલે જરા પોરો ખાઇએ તો જ કદાચ બહેતર રહેશે
આપત્તિઓ અટકવાનું નામ નથી લઇ રહી. વાઇરસ ક્યારે કેડો મૂકશે એ આપણને ખબર નથી અને હવે તેને કારણે ટપોટપ મરનારાઓનાં આંકડા ગણવાનું પણ આપણે બંધ કરી દીધું છે. વેક્સિનના વધામણાં આવ્યા એટલે વાઇરસ ગયો જ સમજો એવું માનીને આપણે થોડું ઘણું જીવી પણ લઇએ છીએ અને પછી ફરી સતર્ક થઇ જઇએ છીએ. આ માઠા સમાચારની આદત પડી હોવા છતાં ય ઉત્તરાખંડમાં ગ્લેશિયરનું તૂટી પડવું બહુ આઘાતજનક રહ્યું. આ હોનારતમાં મૃત્યુ આંક ૩૨થી વધુ અને ખોવાયેલાઓનો આંકડો ૧૭૫ની આસપાસ છે. ચમોલી ગામ નજીક બનેલી આ ઘટનામાં આસપાસના પ્રદેશોમાં પણ બહુ જ નુકસાન થયું છે. રેસ્ક્યુ કામગીરી પણ મોટે પાયે કરાઇ અને ટનલમાં ફસાયેલાઓને બહાર કાઢી લેવાયા.
હા, હવે તો નાનું છોકરું ય કહી દેશે કે આ બધું ગ્લોબલ વોર્મિંગને કારણે થાય છે પણ એનાથી ફેર શું પડે છે? આપણને આ બધું જ ખબર હોવા છતાં પણ આપણે ગ્લોબલ વોર્મિંગ અટકાવવાની વાતને ખરેખર કેટલી ગંભીરતાથી લઇએ છીએ? પરંતુ આ ગ્લેસિયર આ રીતે તૂટવું બહુ સામાન્ય ઘટના નથી. અહીં જે વિસ્તારોમાં તારાજી થઇ છે ત્યાં કોઇ ગ્લેશિયર નજીકમાં નથી પણ ગ્લેશિયરની અંદર રહેલા વૉટર પૉકેટ્સના ઉભરાવાને કારણે આ થયું હોવાની પણ શક્યતાઓ છે.
જે પ્રદેશ ભૌગોલિક દ્રષ્ટિએ નાજુક હોય તેને જરા ય હળવાશથી લેવો ન જોઇએ. ગ્લેશિયર તો તૂટ્યું જ પણ સાથે ભેખડો પણ ધસી પડી અને પછી જે થયું તે આપણે જાણીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ તો તેની જગ્યાએ છે જ અને થઇ રહ્યું છે પણ આપણે ઉત્તરાખંડના સંજોગો પર જ ધ્યાન આપીએ તો એક સમયે ચિપકો આંદોલન માટે પ્રખ્યાત એવા આ પ્રદેશના ભૌગોલિક સંજોગોને કારણે અહીં અનેક બંધ બાંધવામાં આવ્યા છે અને ઘણા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પણ કરાયા છે. આ બધું ય ભૂકંપની શક્યતાઓની પરવા કર્યા વિના. આ પહેલાં પણ ૧૯૯૧માં તેહરી બંધ છે એ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે અને ૨૦૧૩માં કેદારનાથમાં તે તારાજી ફેલાઇ તેની પાછળ પણ ભૂકંપની તલવાર તોળાતી હતી તો બંધ, ભેખડોનું ધસવું અને જાતભાતનાં કારણોને કારણે આવતાં નાના મોટા પૂર તો ખરાં જ!
ભારતમાં આમ પણ બંધ અને હાઇડ્રોપાવર પર મોટે પાયે રોકાણ થયેલું છે અને તે પણ ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં. આ બંધ બાંધવા પાછળનું એક કારણ છે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું. રાષ્ટ્રીય યોજનાઓની વાત કરીએ તો ૨૮ એવા નદી ખીણના પ્રદેશો છે આ ડુંગરાળ પ્રદેશોમાં જ્યાં બંધ બાંધવાના છે. જો આ યોજના પાર પડે તો હિમાલય જ્યાં પણ પથરાયેલો છે ત્યાં દર ૩૨ કિલોમીટરે એક બંધ હશે અને તે વિશ્વમાં સૌથી ગીચ રીતે બંધાયેલા બંધ હશે. સંશોધકોનું માનવું છે કે આ અનેક કારણોસર એક ખોટી ગણતરી સાબિત થઇ શકે છે કારણ કે આ તમામ પર ભૂકંપ આવે ત્યારે પસ્તાળ પડશે અને વરસાદને કારણે ખડાં થનારા વિક્ષેપો તો હજી છે જ અને આવું કંઇ પણ થશે તો કેદારનાથ જેવી તારાજી ફરી થઇ જ શકે છે. જો એ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તો આસપાસ રહેતા લોકોના સમુદાયો અને પ્રાણીજીવનને બહુ નુકસાન થશે જે એક તબક્કા પછી પુનઃ સ્થાપિત કરી શકાય તેવું નહીં રહે. વળી બંધના ટકી જવાને મામલે પણ જે વાતો થાય છે તે હંમેશાં સાચી નથી હોતી અને આસપાસ થનારા કાદવને કારણે પણ બંધની મજબુતાઇ ઘટે છે. જેમ કે ભાખરા નાંગલ બંધમાં સિલ્ટેશન એટલે કે કાદવની જેટલી ગણતરી રાખી હતી તે કરતાં તે ૧૪૦ ગણું વધારે થયું.
આ લાંબા ગાળાના અભ્યાસ છે પણ તાજેતરમાં જ ગ્લેશિયર તૂટ્યું તેના થોડા વખત પહેલાથી જ એ વિસ્તારમાં માછલાં ઝરણાંની વચ્ચે નહીં પણ કોરે તરતાં હતાં અને મધ્યે રહેવાને બદલે કિનારા પાસે તરી રહ્યાં હતાં. પાણીનાં વહેણમાં આવતા બદલાવને માછલીઓની સેન્સર સિસ્ટમ તત્કાલ જાણી લે છે. બે વર્ષ પહેલાં ઉત્તરાખંડ હાઇકોર્ટમાં કેટલાંક ગામડાંઓના લોકોએ પી.આઇ.એલ. કરીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અટકાવવા અપીલ કરી હતી. ગ્લેસિયલ સરોવરો બહુ જોખમી હોય છે. ઇતિહાસમાં આવા ફાટી નિકળ્યા હોય તેવા પૂર પહેલાં ય આવ્યાં છે. ૧૯૨૯માં સિંધુ નદીના ૫૦૦ માઇલમાં પહાડોમાં આવેલા પૂરને કારણે બધું રફેદફે થઇ ગયું હતું.
વિદેશમાં પેરુના એન્ડિઝમાં ગ્લેસિયરને કારણે આવલા અનેક પૂરમાં ૧૯૪૦થી માંડી અત્યાર સુધીમાં ૩૦ હજાર લોકોનો જાન ગયો છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં એન્જિનિયર્સે ઉભરાતા તળાવોનું પાણી વહી જાય તે માટે નિક બનાવી છે. પણ આવી અગમચેતી ગણ્યાગાંઠ્યા કેસિઝમાં જ છે. દુનિયા આખીમાં ઠેર ઠેર પહાડો, ખડકો અને પથ્થરોની સ્થિરતા હચમચી ગઇ છે. હિમાચ્છાદિત પહાડોના બરફમાં જામેલા પથ્થરો ઝડપથી તેનાથી છૂટા પડવા માંડ્યા છે અને તે કારણે થતી તારાજી નાનીસૂની નથી હોતી.
માણસની જાતને બચાવવાની અને પોતાની માંગ પૂરી કરવાની નવી તકનીકો સામે કુદરતનો પ્રકોપ બમણા જોરથી પ્રગટ થઇ રહ્યો છે. એક સાંધોને તેર તૂટે જેવા સંજોગોમાં આપણે નવા ઉકેલો શોધવાને બદલે જરા પોરો ખાઇએ તો જ કદાચ બહેતર રહેશે તેવું લાગે છે.
બાય ધી વેઃ
આટલાં બધાં પિષ્ટપેષણ પછી સમજવાનું એ કે આપણી જરૂરિયાતો અટકી નથી રહી. આપણે સતત કંઇક નવું કર્યા કરીએ છીએ, પર્યાવરણની પરવા કર્યા વિના અને જો પરવા કરીએ તો એક સમસ્યા માટે તૈયાર થઇએ ત્યાં નવા પ્રકારની આફત સામે આવીને ખડી થઇ જાય છે. દુનિયા આખી શરદીને જીવલેણ સાબિત કરનારા આ વાઇરસ સામે બાથ ભિડવા માટે અક્ષમ હતી. એ બાયોલૉજિકલ વૉર ફેર હોય, ચામાચીડિયું હોય કે જે પણ હોય વાસ્તવિક્તા એ છે કે જિંદગીઓ દફન થઇ ગઇ, રાખ થઇ ગઇ અને આપણને માસ્ક નોર્મલ લાગવા માંડ્યા છે. આપણે નક્કી કરવું પડશે કે આપણે ક્યાં અટકવું છે. પ્રશ્નો અને સમસ્યાઓ પણ કોળીભાઇના કૂબાની જેમ ખડાં થાય છે, એક નહીંને બીજો ઊભો!
અને હા, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, કુદરતને પણ એટલું જ ચાહો જેટલું તમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તસવીરોમાં પ્રકૃતિના ફોટોઝમાં દેખાડો છો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ફેબ્રુઆરી 2021