યુ.એ.ઇ.માં ક્રિકેટના ખેલનો ઇતિહાસ રસપ્રદ છે, તેમને પોતાની ટીમ ખડી કરી તેને ઓળખ મળે તે સ્ટેજ પર પહોંચતા પણ ખાસ્સો સમય લાગ્યો
આઇ.સી.સી. ટ્વેન્ટી 20 વર્લ્ડ કપ ભારતમાં યોજવું શક્ય નથી તેવું બી.સી.સી.આઇ.એ તારણ કાઢ્યું. રોગચાળાને કારણે સંજોગો વિપરીત છે. આખરે ભારતને બદલે આ વર્લ્ડ કપ યુનાઇટે આરબ એમિરાટ્સ – યુ.એ.ઇ.માં યોજાશે તેવો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. આ નિર્ણય જાહેર થયો તે પહેલાં ઘણી ચર્ચાઓ થઇ, બી.સી.સી.આઇ.ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પહેલાં તો એવા જ વિધાન કર્યા કે ભારત આ ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં હોસ્ટ કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી કે 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ થશે તે સાથે ઓમાનની જાહેરાત થઇ કે ક્વૉલિફાયર્સ માટે ઓમાન કો-હોસ્ટ બનશે.
યુ.એ.ઇ.માં દુબઇ, અબુધાબી અને શારજાહના ત્રણેય મોટા ગ્રાઉન્ડ નજીક છે એટલે ટ્રાવેલિંગ ટાઇમ બચી જાય તે સ્વાભાવિક છે, વળી હોટેલમાં ખેલાડીઓ બાયો બબલમાં રહી શકે અને બીજી બધી સવલતો પણ સચવાઇ જાય. ભારતે આ વર્ષે શરૂઆતમાં ઇંગ્લેન્ડને હોસ્ટ કર્યો અને આઇ.પી.એલ. પણ આ ઊનાળે શરૂ તો થઇ પણ વાઇરસના ફેલાવાને કારણે આખરે આઇ.પી.એલ. સસ્પેન્ડ કરવી પડી અને બાકી રહી ગયેલી મેચિઝ યુ.એ.ઇ.માં સપ્ટેમ્બરમાં યોજાશે તેવી જાહેરાત થઇ.
ભારતે એક વર્ષ માટે તો બધી જ ડોમેસ્ટિક ક્રિકેટ મેચ કે ટુર્નામેન્ટ સ્થગિત કરી દીધી. આંતરારાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે હોસ્ટ તરીકે ભારતનું જે સ્ટેટસ હતું તે જરા નબળું પડ્યું. જોવાનું એ છે કે યુ.એ.ઇ. અચાનક જ એક તટસ્થ ડેસ્ટિનેશન તરીકે મોખરેની પસંદ બની ગયો. યુ.એ.ઇ. અને ક્રિકેટના સંબંધની વાત કરીએ તો એંશી અને નેવુંના દાયકામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તે મોકાનું સ્થાન ગણાતું. ક્રિકેટ સાથે યુ.એ.ઇ.નો સંબંધ ઘણો જૂનો છે. 1892માં ત્યાં મિલીટરી બેઝ પર ક્રિકેટ રમાતું જ્યાં ટ્રુશિયલ સ્ટેટ્સ સાથે કરાર થયા પછી અંગ્રેજ સૈન્યને પોસ્ટિંગ મળ્યું હતું. 1969માં યુ.એ.ઇ. બન્યું તેના બે વર્ષ પહેલાં ત્યાં જે વિદેશીઓ હતા તેમણે દાર્જીલિંગ સી.સી.ની સ્થાપના કરી હતી અને દુબઇ એક્ઝાઇલ્સ રગબી ક્લબની બાજુમાં સિમેન્ટના વિકેટ સ્ટેન્ડ વાળુ ગ્રાઉન્ડ હતું જેની પર તેઓ ક્રિકેટ રમતા. મેદાન (Meydan) પ્રોજેક્ટ માટે 2008માં આ ગ્રાઉન્ડ પર બુલ ડોઝર ફેરવી દેવાયું પણ ક્લબ તો આજે પણ અસ્તિત્વમાં છે. 1974માં એમિરાટના કન્સ્ટ્રક્સન ટાયકૂન અબ્દુલ રહેમાન બખ્તિયારે શારજાહમાં સ્થાનિક ક્રિકેટ લીગ શરૂ કરી હતી અને બખ્તિયાર લીગને કારણે ઉપખંડના ક્રિકેટ પ્રેમીઓને સારી એવી સ્પર્ધા પૂરી પાડી હતી. 1977માં શેખ સુલતાન બિન મોહમંદ અલ કસિમી સહિતના 3,000 દર્શકોની હાજરીમાં સ્થાનિક ક્રિકેટર્સ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનની ટુરિંગ ટીમ વચ્ચે શારજાહમાં મેચ રમાડાઇ હતી. આ મેચ પછી જ શારજાહમાં સ્ટેડિયમ બનશે તેવી જાહેરાત બખ્તાયારે કરી હતી. 1891માં સુનિલ ગાવસ્કર ઇલેવને, જાવેદ મિયાંદાદ ઇલેવન સાથે 8,000 ફેન્સની હાજરીમાં નવા નક્કોર શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ ખેલી હતી અને પછી તો સ્ટાર ક્રિકેટર્સનો ત્યાં ખેલ રમવાનો શિરસ્તો શરૂ થઇ ગયો. 1984માં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી પહેલી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ ખેલાઇ જે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ખેલાઇ હતી. આજે 35 વર્ષે આ સ્ટેડિયમ પર સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ મેચિઝ રમાઇ છે અને શારજાહ કપનું મહત્ત્વ અનેરું જ રહ્યું. એમિરાટ્સ ક્રિકેટ બોર્ડની રચના 1989માં થઇ અને તે આઇ.સી.સી.નો એફિલિયેટ મેમ્બર પણ બન્યું.
યુ.એ.ઇ.ની પહેલી નેશનલ ટીમ સુલતાન ઝરવાણીએ લીડ કરી હતી અને પહેલીવાર વર્લ્ડ કપમાં આ ટીમે 1994માં ભાગ લીધો હતો. 2005માં આઇ.સી.સી.એ લોર્ડ્ઝમાં ઑફિસ બંધ કરી અને દુબઇમાં ઑફિસ શરૂ કરી પણ તે પહેલાં થોડા સમય માટે તેઓ મીડિયા સિટી, અલ થુરહ્યા ટાવરમાંથી કામ કરતા હતા. અબુ ધાબીમાં જ્યારે ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું ત્યારે પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફ ત્યાં હાજર રહ્યા હતા અને ત્યાં ઓ.ડી.આઇ. સિરીઝની બે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાઇ હતી. 2009માં શ્રીલંકાની ટીમની બસ પર હુમલો થયો જ્યારે તેઓ લાહોર જઇ રહ્યા હતા અને ત્યાર પછી યુ.એ.ઇ. જાણે એક્સાઇલમાં જે પાકિસ્તાન હતું તેને માટે આગામી દાયકા સુધી ઘર બની રહ્યું. 2013માં પહેલીવાર નેશનલ ટીમે ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું અને યુ.એ.ઇ. માટે તે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટેનું સૌથી વ્યસ્ત વર્ષ રહ્યું. 2014માં ટીમનું મહત્ત્વ વધ્યું અને ખુર્રમ ખાન જેવા કેપ્ટનને લીધે 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ ટીમને સ્થાન મળ્યું. એ જ વર્ષે આપણે ત્યાં ચૂંટણી હતી અને આઇ.પી.એલ. યુ.એ.ઇ.માં યોજાઇ. 2015માં તેમણે બીજી વાર 50 ઓવરના વિશ્વકપમાં રમવાનો મોકો મેળવ્યો જો કે તેમને જીત ન મળી. 2016માં ફ્રેન્ચાઇઝી ક્રિકેટે યુ.એ.ઇ.માં તેજીનો ધડાકો કર્યો અને પોતાના વતન પાછા ફરતાં પહેલાં પાકિસ્તાન સુપર લીગે પણ અહીં સારી એવી જમાવટ કરી. માસ્ટર્સ ચેમ્પિયન લીગ લાંબુ ન ચાલી. 2017માં દેશને પોતાની ફ્રેન્ચાઇઝી લીગ મળી અને ટી10 લીગ શારજાહમાં લૉન્ચ થઇ. 2018માં ત્યાં એશિયા કપ ખેલાયો જેમાં ભારતે બાંગ્લાદેશને પછાડી જીત મેળવી. 2020માં રોગચાળાના પ્રશ્નને કારણે ક્રિકેટ માટે યુ.એ.ઇ. પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો.
આમ યુ.એ.ઇ. સમયાંતરે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગીનું સ્થળ બન્યું. ક્રિકેટના રસિયાઓને ખબર હશે કે એક સમયે શારહજાહમાં સચિન તેંડૂલકર અને જાવેદ મિયાંદાદ જેવાઓનો દબદબો હતો. ભારત એ સમયે ઘણી બાબતોથી દૂર રહ્યું કારણ કે બૂકીઓના કૌભાંડ અને ઑફ ફિલ્ડ ભ્રષ્ટાચારની વાતો બહાર આવી. આ દરમિયાન પાકિસ્તાન માટે યુ.એ.ઇ. જાણે પોતાની હોમ ફ્રંન્ટ બની ગઇ કારણ કે બીજા સ્પર્ધકોને કરાચી કે લાહોરમાં નહોતું આવવું. હવે ભારતે જીતના ટાઇટલ પર નજર રાખવી રહી કારણ કે 2007માં સાઉથ આફ્રિકામાં આઇ.સી.સી. વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી જીત્યા પછી ભારત પાસે નવું કોઇ ટાઇટલ આવ્યું નથી. આઇ.પી.એલ. યુ.એ.ઇ.માં રમાય છે તેનાથી ભારતીય ક્રિકેટ ટીમને ફાયદો એ થશે કે ત્યાંના અને ભારતની મોસમમાં બહુ મોટો ફેર નથી.
બાય ધી વેઃ
આપણે દાઉદ ઇબ્રાહિમની શારજાહ સ્ટેડિયમની તસવીરોથી પણ વાકેફ છીએ. દાઉદનું ત્યાં હોવું તેનો ક્રિકેટ શોખ હતો કે પછી મિયાદાદના વેવાઇ હોવાને કારણે આ ચાલ્યું કે પછી પૈસાની લેવડ દેવડ અને સટ્ટામાં તેનું ઇન્વોલ્વમેન્ટ હતું તેની હકીકતો ઓછે વત્તે અંશે આપણે જાણીએ જ છીએ. સમયાંતરે ભારતે યુ.એ.ઇ. તરફ મન મોકળું કર્યું અને તેને ક્રિકેટના ખેલ માટેના એક વૈકલ્પિક સ્થાન તરીકે જોવાનું સ્વીકાર્યું. આ તરફ પાકિસ્તાનના મેદાન પર રમવા માગનારાઓની સંખ્યા ઘટતી ગઇ. ભારતના હોસ્ટિંગ ક્રાઇસિસ યુ.એ.ઇ.ને કારણે ઉકેલાયા છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જુલાઈ 2021