
રમેશ ઓઝા
મંગળવારે સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને યોજેલા એક કાર્યક્રમમાં બોલતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદના નાગરિકને ન્યાય મળે એ માટે ન્યાયમંદિરો ઉપલબ્ધ હોવાં જોઈએ, ખુલ્લાં હોવાં જોઈએ અને સહજપ્રાપ્ત હોવાં જોઈએ. અત્યારે દેશના ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર ન્યાય મેળવવામાં વચ્ચે આવતાં અવરોધ છે અને એ અવરોધોની દીવાલોને તોડવી પડશે.
ઘણીવાર નિરાશા અને ગ્લાનિની સ્થિતિમાં કોઈક સાંભળવી ગમે એવી ડાહી વાત કરે તો સારું લાગે. કાનને સુખ મળે અને સાંત્વના મળે. આ દેશમાં કાયદો, કાયદાનું રાજ અને ન્યાય સહજસાધ્ય નથી અને નાના માણસ માટે તો તે બિલકુલ નથી. દાયકાઓ સુધી ન્યાય મળતો નથી, ન્યાય નાના માણસને પરવડે નહીં એટલો મોંઘો છે અને હવે તો જજો પણ વેચાયેલા અને કરોડરજ્જુ વિનાના આવી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધીની ગુજરાતની વડી અદાલતમાં અપીલ સાંભળનારા જજને સર્વોચ્ચ અદાલતમાં પ્રમોશન મળ્યું છે. હજુ અઠવાડિયા પહેલા સ્વયં સર્વોચ્ચ અદાલતે એ જજની કારણ આપ્યા વિના રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વરસની પૂરેપૂરી સજા બહાલ રાખવા માટે ટીકા કરી હતી. જે ટીકાને પાત્ર છે અને એ બઢતીને પાત્ર પણ છે.
તો આવી નિરાશાજનક સ્થિતિમાં દેશના વિદ્વાન મુખ્ય ન્યાયમૂર્તિ ઊહાપોહ કરે તો થોડી સુવાણનો અનુભવ થાય, પણ એનાથી આગળ? અલગ અલગ ભાષામાં, અલગ અલગ ન્યાયમૂર્તિઓના મોઢે આની આ જ વાત હું દાયકાઓથી સાંભળતો આવ્યો છું. જો દેશના અદના નાગરિકને હેરાનગતી વિના સહેજે, ઝડપી અને તેનાં ખિસ્સાને પરવડે એ રીતે ન્યાય મળે એની સાચી ખેવના હોત અને તેમાં રહેલા અવોરોધોને દૂર કરવાની બાબતે ગંભીર હોત તો આ સમસ્યા દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગઈ હોત અને મુખ્ય ન્યાયમૂર્તિએ સંભવતઃ તેમના મુખ્ય ન્યાયમૂર્તિ પિતાએ સુદ્ધાં ચાલીસ વરસ પહેલાં કહેલી વાત દોહરાવવી ન પડી હોત. જો પડકારને પહોંચી વળતા જેટલી તાકાત ન હોય તો કમ સે કમ મહાન વાત તો કરો. લોકોને એ સાંભળીને પણ સારું લાગશે. પહેલાં મને પણ સારું લાગતું હતું, પણ હવે ગુસ્સો આવે છે.
સભ્ય સમાજમાં અદના નાગરિકને ન્યાય હેરાનગતી વિના, સહેજે, ઝડપી અને સસ્તામાં મળવો જોઈએ એ તો શાળાઓમાં નાગરિકશાસ્ત્રમાં ભણાવાય છે. ખરું પૂછો તો આ જ સભ્ય હોવાની પ્રાથમિક જરૂરિયાત છે. આમાં નવું શું છે? પણ આપણા દેશમાં સભ્ય સમાજ માટેની પ્રાથમિક જરૂરિયાત ઉપલબ્ધ નથી અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને બીજા કાયદાવિદો દાયકાઓથી એની જરૂરિયાત સમજાવે છે.
કોઈ પણ ચીજ જો આસાનીથી અને સોંઘી ન મળે તો સમજી લેવું કે કાં તો તેની અછત છે અથવા તે ન મળે એમાં કોઈનો સ્વાર્થ છે. ભારતમાં આ બન્ને છે. અછત હોય તો ન્યાય મોંઘો પડે, મેળવવો અઘરો પડે અને ન્યાય મોંઘો અને મેળવવો અઘરો પડે તો સામાન્ય આદમી અન્યાયને અને ગેરરીતિને પડકારી ન શકે. શાસકવર્ગનું આમાં સ્થાપિત હિત છે. માટે જેની દાયકાઓથી જરૂરિયાત બતાવવામાં આવે છે તેના પર અમલ કરવામાં આવતો નથી. ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યામૂર્તિ હતા ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રડતા રડતા, અક્ષરસ: ડુસકા ભરતા કહ્યું હતું કે સાહેબ દેશમાં અદાલતોની સંખ્યા વધારો, જજોની સંખ્યા વધારો, ન્યાય પ્રક્રીયા સરળ કરો અને જો એમ કરવામાં નહીં આવે તો આ દેશમાં સામાન્ય માણસનું જીવવું દુષ્કર થઈ જશે. એને અદાલત સિવાય સહારો કોનો છે? વડા પ્રધાને તેમના ભાષણમાં ન્યાયમૂર્તિ ઠાકુરની આજીજીનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. જેમાં શાસકોએ જવાબ આપવો પડે એવું જવાબદાર રાજ્ય કોઇને જોઈતું નથી. વખત છે ને જેલમાં જવું પડે.
ભારતનાં ન્યાયતંત્રને ચૂસ્ત દુરસ્ત કરવા માટે શું કરવું જોઈએ એની ભલામણ કરતાં અનેક અહેવાલો છેલ્લા પાંચ દાયકા દરમ્યાન બહાર પડ્યા છે અને એમાંથી એક પણ ભલામણને સ્વીકારવામાં નથી આવી. એવો ઈરાદો જ નથી. હા, વખતોવખત કાયદાના રાજાની વાત કરતા રહેવું જોઈએ, અભ્યાસ પંચો રચતા રહેવું જોઈએ કે લોકોને એમ ન લાગે કે શાસકો અસંવેદનશીલ છે.
આ વખતે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સર્વોચ્ચ અદાલતનું નવું મકાન બાંધવાની, અદાલતોની અને જજોની સંખ્યા વધારવાની વાત કરી છે. એવું બને તો પણ નીચલા સ્તરે ન્યાયદાનનું શું? અદનો નાગરિક સર્વોચ્ચ અદાલતમાં તો ત્યારે જશે ને જ્યારે નીચલી અદાલતમાં તેને સાચો કે ખોટો ન્યાય મળે. નીચે જ જો ન્યાય ન મળવાનો હોય તો સર્વોચ્ચ અદાલતમાં ગમે તેટલા જજો હોય તેને માટે તેનો કોઈ ખપ નથી. હા, કોર્પોરેટ કંપનીઓની તેમ જ પૈસાદારોની સ્પેશિયલ લીવ પિટિશન સાંભળવા માટે નવું મકાન, વધુ અદાલતો તેમ જ જજોને તજવીજ કરવામાં આવી રહી હોય તો જુદી વાત છે. આમ પણ સર્વોચ્ચ અદાલત આજકાલ તેનો ૯૦ ટકા સમય એસ.એલ.પી. સાંભળવા પાછલ ખર્ચી રહી છે.
લગે હાથ મુખ્ય ન્યાયમૂર્તિએ આજના શાસકોની મનમાની અને બુલડોઝર કલ્ચરની પણ ટીકા કરી છે. આનાથી તમને અહેસાસ થશે કે દેશમાં ન્યાયતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર છે. બાકી ઇલેક્શન બોન્ડ સામેની પિટિશન સર્વોચ્ચ અદાલત છ વરસથી હાથ ધરતી નથી. આ જોગવાઈ દ્વારા નરેન્દ્ર મોદીની સરકારે વિરોધ પક્ષોને બી.જે.પી. સામે પ્રચંડ માત્રામાં આસમાન સ્તરે મૂકી ધકેલી દીધા છે. ભારતનાં લોકતંત્રને સુરંગ ચાંપનારી આ જોગવાઈને પ્રાથમિકતા આપવી જોઈએ એ મુખ્ય ન્યાયમૂર્તિ નથી જાણતા?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑગસ્ટ 2023
![]()


પણ આ વખતે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપ છે, બે ઇમ્પીચમેન્ટ થયા છે અને ત્રણ આરોપમાં પ્રથમદર્શની કેસ છે એમ સ્વીકારીને અદાલતે આરોપનામાં દાખલ કર્યાં છે. હજુ એક કેસ ઊભો છે અને તેમાં પણ તેની સામેના આરોપ અદાલત સ્વીકારે એવી શક્યતા છે. એમાં સૌથી મોટો ગુનો તો ૨૦૨૧ની ઘટના છે. પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાયડન સામે ટ્રમ્પ હારી ગયા ત્યારે તેમણે પરિણામ સ્વીકારવાની જ ના પાડી દીધી હતી અને સમર્થકોને ઉશ્કેર્યા હતા કે ચૂંટણીમાં ઘાલમેલ કરવામાં આવી છે અને તેઓનો ઈરાદો શ્વેત ખ્રિસ્તી અમેરિકનો પાસેથી સત્તા છીનવી લેવાનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શ્વેત ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે સત્તાબહાર કરવામાં આવ્યા છે. ટ્રમ્પની ઉશ્કેરણીથી કેટલાક લોકો જ્યાં અમેરિકન સચિવાલય આવેલું છે એ કેપિટલ હિલના મકાન પર ચડી ગયા હતા અને ભાંગફોડ કરી હતી. છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૧નો એ દિવસ અમેરિકન ઇતિહાસમાં એ કાળો દિવસ હતો.