આધુનિક રાજ્ય (જેને આપણે બંધારણનિર્દિષ્ટ કાયદાનું રાજ કહીએ છીએ) એ નવા વિચાર પર આધારિત સંસ્થા છે, પણ રાજકારણીઓને રાજકારણ કરવા માટે જૂની સંસ્થાઓ તેમ જ એ સંસ્થાઓજન્ય સંસ્કાર માફક આવે છે અને પ્રજાને એમાં કેફનો અનુભવ થાય છે. પાંચ રાજ્યોમાં રાજકારણનું તાંડવનૃત્ય જોયા પછી આ વાતની ખાતરી થઈ ગઈ હશે
પાંચ રાજ્યોમાં પક્ષીય વિજય ઊજવાઈ રહ્યો છે ત્યારે રાજ્યના સતત થઈ રહેલા પરાજય વિશે ઊહાપોહ કરવો વધારે જરૂરી છે. આવા પ્રસંગે તો ખાસ કરવો જોઈએ કારણ કે રાજ્ય શાશ્વત છે, પક્ષ નથી. પક્ષો તો આવે અને જાય, રાજ્ય કાયમ રહેવાનું છે અને માત્ર અને માત્ર જવાબદેહ રાજ્ય જ પ્રજાને સુખ આપી શકે. જો કાયદાનું રાજ હોય અને કાયદાના ઉપયોગ કે દુરુપયોગ પર નજર રાખનારું ન્યાયતંત્ર હોય તો શાસકો પ્રજાના સુખમાં વધારો કરી શકે કે ન કરી શકે, પ્રજાને દુખથી તો એ બચાવી શકે. એટલે તો ન્યાયતંત્ર જવાબદાર રાજ્યની ગુરુચાવી છે. મૂલ્ય પક્ષનું અને શાસકોનું નથી, જવાબદાર રાજ્યનું અને એના પર નજર રાખનારા ન્યાયતંત્રનું છે. બની એવું રહ્યું છે કે આપણે જેટલો રસ પક્ષીય રાજકારણમાં લઈએ છીએ એટલો રાજ્યતંત્રમાં નથી લેતા. આમાં પણ ન્યાયતંત્ર રાજ્યતંત્રની કરોડરજ્જુ છે.
ઘણા વાચકોને લાગતું હશે કે મને ન્યાયતંત્રનું વળગણ છે. અવારનવાર હું ન્યાયતંત્રની અવસ્થા વિશે લખતો રહું છું. શાળામાં ભણતો હતો ત્યારે નાગરિકશાસ્ત્રમાં રસ નહોતો પડતો. નાગરિક બન્યા પછી સમજાયું કે બેવકૂફ બન્યા વિના અને બીજાને બેવકૂફ બનાવ્યા વિના માનવીય જવાબદારી સાથે જિંદગી જીવવી હોય તો નાગરિકશાસ્ત્ર સમજવું જરૂરી છે. માણસ સમાજની વચ્ચે જીવે છે અને એ તેની નિયતિ છે. માણસ જ્યારે સમાજની વચ્ચે જીવે છે તો સમાજે સહઅસ્તિત્વની કેટલીક સંહિતા ઘડી છે જેને આધુનિક પરિભાષામાં આપણે રાજ્ય કહીએ છીએ. આધુનિક રાજ્યસંસ્થાએ જૂની સામાજિક સંસ્થાઓને ખતમ તો નથી કરી, પરંતુ એને રાજ્યે માન્ય કરેલા કાયદાની એરણ હેઠળ મૂકી દીધી છે. સદીઓ જૂની, પરિચિત અને પોતીકી સંસ્થા હજી તો તાજી ઊગેલી રાજ્યસંસ્થાની એરણ હેઠળ આવી જાય એ કેટલાક લોકોને ગમતું નથી. આને કારણે બને છે એવું કે આપણે જૂની સંસ્થાઓને ટકાવી રાખવામાં જેટલો રસ લઈએ છીએ એટલો નવી રાજ્યસંસ્થાને મજબૂત કરવામાં નથી લેતા.
એક વાત સમજી લેવી જોઈએ કે જૂની કુટુંબસંસ્થા, જ્ઞાતિસંસ્થા, ધર્મસંસ્થા ટકાવી રાખવાનો પ્રચાર કરનારાઓ અને એના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે એમ કહીને ભાવનાત્મક રાજકારણ કરનારાઓનો એમાં નર્યો સ્વાર્થ હોય છે. બાકી રાજ્યસંસ્થાએ એને ખતમ કરી જ નથી, બલકે કાયદાકીય માન્યતા પણ આપી છે. હા, એને કાયદાની એરણ હેઠળ મૂકી દીધી છે કે જેથી કોઈ એનો બીજા સાથે અન્યાય કરવા માટે દુરુપયોગ ન કરી શકે. જેઓ દુરુપયોગ કરવા માગે છે એવા લોકો પ્રાચીનતાના નામે અને પોતીકાપણાના નામે એને ટકાવી રાખવાનું ભાવનાત્મક રાજકારણ કરે છે. એટલે તો ઇસ્લામ, હિન્દુ ધર્મ, બીજા તમામ ધર્મો, જે તે સંસ્કૃિત, ભાષાઓ, જ્ઞાતિઓ વગેરે હંમેશાં ખતરે મેં હોય છે. ભોળી પ્રજા સ્વાર્થી લોકોના સ્વાર્થી રાજકારણનો શિકાર બને છે અને તેમને એ નથી સમજાતું કે જે સંસ્થા સોગંદપૂર્વક અન્યાય નહીં કરવાની ખાતરી આપે છે એ રાજ્યસંસ્થાને ટકાવી રાખવામાં અને મજબૂત બનાવવામાં તેનો સ્વાર્થ છે. જે પથ્ય છે એના તરફ પ્રજા ઉદાસીન છે અને જે બીમારી છે એને ટકાવી રાખવા માટે સ્વાર્થી લોકોને સાથ આપે છે.
આ જ તો વિડંબના છે. પ્રજા અમૃતની જગ્યાએ વિષનું પ્રાશન કરવા તત્પર હોય છે એટલે પ્રજા વચ્ચે વાડાઓ રચતું રાજકારણ ચાલે છે અને રાજકારણીઓ રાજ્યને પરાસ્ત કરે છે. રાજ્યને પરાસ્ત કરવું હોય અને પોતાને પરાસ્ત કરવાના ગુનાથી બચાવવા હોય તો પહેલા ન્યાયતંત્રને પરાસ્ત કરવું જોઈએ. હવે રમત સમજાઈ? શા માટે આપણે ત્યાં ન્યાયતંત્રને મજબૂત કરવામાં નથી આવતું? શા માટે ન્યાયતંત્ર પર બોજો વધારીને એની કમર તોડવામાં આવી રહી છે? આમાંની કોઈ વાત નહીં સમજાઈ હોય તો મને આશ્ચર્ય નહીં થાય. જૂનો કેફ જલદીથી ઊતરતો નથી અને આ તો પાછો સદીઓ જૂનો કેફ છે. વળી રાજકારણીઓ અને ધર્મકારણીઓ એ કેફ ઊતરવા નથી દેતા. જરાક ઊતરતો નજરે પડે કે ‘ધર્મ કે સંસ્કૃિત ખતરે મેં’ના નારા ગુંજવા લાગે છે.

વિનોબા ભાવેએ કહ્યું હતું કે આપણે બે કામ કરવાનાં છે. આપણે એટલે કે મારે અને તમારે, સમાજે નહીં. સમાજ કેટલાંક બુનિયાદી કામ કે પરિવર્તન નથી કરી શકતો, કારણ કે સ્થાપિત હિતોનું સમાજ પર વર્ચસ્વ હોય છે. આ જગતમાં જેટલાં ઊર્ધ્વગામી પરિવર્તનો થયાં છે એ બધાં વ્યક્તિ થકી થયાં છે, સમાજસંસ્થાએ નથી કર્યા; પછી એ વ્યક્તિ સૉક્રેટિસ હોય, બુદ્ધ હોય કે ગાંધી હોય. વ્યક્તિગત રીતે આપણે એ કરી શકીએ, કારણ કે આપણા પર આપણું શાસન હોય છે. તો વિનોબા કહે છે એમ આપણે બે કામ કરવાનાં છે. રાજ્યને રાજકારણથી મુક્ત કરવાનું છે અને અધ્યાત્મને ધર્મથી મુક્ત કરવાનું છે. રાજકારણ અને ધર્મ માણસને માણસથી દૂર લઈ જનારાં પરિબળો છે. આ આસાન નથી એ હું જાણું છું. સેંકડો વર્ષ જૂના સંસ્કાર એક વિચારથી જતા નથી એ વાત સાચી છે, તો એનાથી મોટું સત્ય એ છે કે પથ્યકારી વિચાર એક વાર સ્ફુરે એ પછી એ ક્યારે્ ય મરતો નથી. અમરત્વ વિચારનું છે, સંસ્કારનું નથી.
અત્યારે જૂના સંસ્કાર અને નવા વિચાર વચ્ચે હોડ ચાલી રહી છે. આધુનિક રાજ્ય (જેને આપણે બંધારણનિર્દિષ્ટ કાયદાનું રાજ કહીએ છીએ) એ નવા વિચાર પર આધારિત સંસ્થા છે, પણ રાજકારણીઓને રાજકારણ કરવા માટે જૂની સંસ્થાઓ તેમ જ એ સંસ્થાઓજન્ય સંસ્કાર માફક આવે છે અને પ્રજાને એમાં કેફનો અનુભવ થાય છે. પાંચ રાજ્યોમાં રાજકારણનું તાંડવનૃત્ય જોયા પછી આ વાતની ખાતરી થઈ ગઈ હશે. તો આગળ કહ્યું એમ વિચાર મરતો નથી એટલે એક દિવસ રાજ્ય વિભાજનકારી રાજકારણથી મુક્ત થવાનું જ છે, પણ એ જેટલું વહેલું મુક્ત થાય એમાં આપણો સ્વાર્થ છે. અચ્છે દિન જો વહેલા લાવવા હોય તો આપણે જ્ઞાતિ, ધર્મ વગેરેના વિભાજનકારી સંસ્કારોથી મુક્ત થવું પડે. એટલે તો આપણે, મારે અને તમારે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 14 માર્ચ 2017
![]()


પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, લેખક અને રાજકીય સમીક્ષક ગુરચરણ દાસે ગયા વરસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયા કુમાર સાથેની ઘટના પછી લખ્યું હતું કે એકંદરે ઉદારમતવાદીઓ હિન્દુત્વવાદીઓ કે રૂઢિચુસ્ત સનાતનીઓ સાથે તોછડાઈથી વર્તે છે એ બરાબર નથી. ઍરગન્ટ લિબરલ્સ આર ડુઇંગ અ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ ર્શીષકવાળો તેમનો લેખ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રકાશિત થયો એ પછી મેં એ લેખનું કાતરણ સાચવી રાખ્યું હતું અને ખબર નહીં કંઈકેટલીયે વાર એ લેખ વાંચ્યો છે. તેમણે લખ્યું હતું કે કોઈને હસી કાઢવા કે ધુતકારી કાઢવા એ ઉદારમતવાદ નથી. ઉદારમતવાદી ઉદાર હોવો જોઈએ. એ પણ જો અનુદાર વલણ અપનાવે તો જીવન જીવવાની શરતો મૂકનારા હિન્દુત્વવાદીમાં અને તેમનામાં ફરક શું કહેવાય?
આ પૃષ્ઠભૂમિમાં દિલ્હીમાં રામજસ કૉલેજમાં જે ઘટના બની એનું આકલન કરવું જોઈએ. ગયા બુધવારે [22 ફેબ્રુઆરીએ] રામજસ કૉલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન વચ્ચે સંઘર્ષ થયો હતો. એ ઘટના પછી દિલ્હી યુનિવર્સિટીની બીજી એક કૉલેજ લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહર કૌરે પોતાના ફેસબુકની વૉલ પર બે પોસ્ટર હાથમાં રાખીને પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે હું ABVPની ગુંડાગીરીથી ડરતી નથી અને યુનિવર્સિટીના બીજા અનેક વિદ્યાર્થીઓ મારી સાથે છે. બીજા પોસ્ટરમાં લખ્યું હતું કે પાકિસ્તાને મારા પિતાનો જીવ નહોતો લીધો, યુદ્ધે લીધો હતો. ગુરમેહરના પિતા લશ્કરમાં હતા અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થયા હતા. એ પછી ગુરમેહર પર કટક ઊતર્યું હતું એ ત્યાં સુધી કે કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ પણ હંમેશ મુજબ એમાં જોડાઈ ગયા હતા. વીરેન્દર સેહવાગ નામના ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું હતું કે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મેં નહોતી કરી, મારા બૅટે કરી હતી.