ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:
૧. પહેલો પદાર્થ હતો, માત્ર અને માત્ર સત્ત્વનું ગ્રહણ અને સત્ત્વ ન હોય તેનો ત્યાગ પછી ભલે એ ગમે ત્યાંથી મળ્યું હોય અને ગમે તેનું હોય. આની થોડી વાત આગળ કહેવાઈ ગઈ છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ઈશ્વર, કોઈ મસીહા, કોઈ પેગંબર, કોઈ અવતારપુરુષ, કોઈ ગ્રંથ, કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ વંશ, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ રાષ્ટ્ર, કોઈ વિચારક, કોઈ વિચારધારા અને બીજું જે કાંઈ. ફલાણાનું છે માટે અનિવાર્યપણે શ્રેષ્ઠ છે કે સંપૂર્ણ છે અથવા ફલાણાનું છે એટલે એમાં સત્ત્વ હોય જ નહીં એમ માનવાનું નહીં. કોઈને લાગશે કે આ માણસ તો જબરો નકારનારો હતો, પણ તેમના વ્યક્તિત્વનું રહસ્ય એ હતું કે એ નકારનારો નહોતો સ્વીકારનારો હતો.
ગાંધીજી લોકોને નથી સમજાતા અથવા ગાંધીજી વિશે અંદાજે એક લાખ પુસ્તક લખાયાં છે અને લગભગ દરેક કલાસ્વરૂપમાં આવિષ્કાર પામ્યા છે એનું કારણ આ કોયડો છે. ઘણાને લાગે છે કે એ સ્વીકારનારો હતો અને ઘણાને લાગે છે કે એ નકારનારો હતો. ગાંધીમાં એક જ સમયે અને એક સાથે બન્ને વસ્તુ હતી એ લોકોને ધ્યાનમાં આવતી નથી અથવા ધ્યાનમાં લેવી પરવડતી નથી. મળે ત્યાંથી સત્ત્વને સારવી લેવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી અને પુરુષાર્થ એટલો પ્રચંડ હતો કે તપશ્ચર્યામાં કોઈ મુમુક્ષુનો ગજ પણ ટૂંકો પડે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં સાથી મિલી પોલાકે લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં પણ ગાંધીજી તમારી સામે એવી રીતે જુએ અને એવી રીતે સાંભળે કે જાણે આ ધરતી ઉપર તમારા કરતાં વધારે મહત્ત્વની કોઈ વ્યક્તિ નથી અને તમે જે કહો છો એનાથી અગત્યની કોઈ વાત નથી. કારેલાંમાંથી બિયાં કેમ કાઢવાં અને ત્રણ પાઉન્ડનો દંડ કેમ દૂર કરવો એ બંને વાત તેમને માટે એક સરખી મહત્ત્વ ધરાવતી હોય. આવો અનુભવ બીજા સેંકડો લોકોને થયો છે અને અનેકે એ નોંધ્યો પણ છે.
સત્ત્વ હાથમાંથી સરકી ન જવું જોઈએ અને જેમાં સત્ત્વ નથી એ અનાવધાને અંદર પ્રવેશવું ન જોઈએ. નિરંતર ખબરદારી. સત્ત્વ પરાયું હોય તો પણ ગ્રાહ્ય અને સત્વહીન આપણું પોતાનું હોય તો પણ અગ્રાહ્ય. એક બાજુએ જ્યાંથી જે ખપનું મળે એ મેળવી લેવાની બાળસહજ તત્પરતા પણ જોવા મળે અને ગમતાંનો ગુલાલ કરીને તેને વહેંચવાની આસક્તિમાં માતાનું વાત્સલ્ય પણ જોવા મળે તો બીજી બાજુએ જે ખપનું નથી એનું ગ્રહણ ન થઈ જાય અને તે લોકો સુધી તેમના હાથે ન પહોંચે એ માટે યોગીની દક્ષતા અને રુક્ષતા પણ જોવા મળે.
સ્વીકાર અને અસ્વીકારના ગાંધીજીનાં આવાં વસ્તુનિષ્ઠ વલણને કારણે અનેક લોકો ગાંધીજીનો જ સ્વીકાર કરવામાં અને અસ્વીકાર કરવામાં થાપ ખાઈ જાય છે. ગાંધીજીએ અમારું સ્વીકાર્યું એ જોઇને રાજીના રેડ થઈ જનારાઓ ગાંધીજીએ અમારું નકાર્યું એ જોઇને દુઃખી થઈ જાય છે. પણ આ તો એવો માણસ છે જે કોઈનું ય પૂરું સ્વીકારતો નથી અને કોઈનું ય પૂરું નકારતો નથી. તો પછી આ છે કોણ સ્વીકારનારો કે નકારનારો? લોકો પોતપોતાની સગવડ મુજબ ગાંધીજીના સ્વીકાર-નકારને જોઇને ગાંધીજીનો સ્વીકાર-નકાર કરે છે. ગાંધીજી ભારત આવશે ત્યારે ભારતની કહેવાતી જાગૃત પ્રજા માટે અને તેના નેતાઓ માટે આ મોટો કોયડો બનવાનો છે. આ માણસનું કરવું શું? સ્વીકારવો કે નકારવો?
૨. મોહનના મસાલાનો બીજો પદાર્થ હતો; નિર્વૈર. પશ્ચિમની શ્વેત પ્રજા ભેદભાવ કરે એ સ્વીકાર્ય નથી અને એટલો અસ્વીકાર પૂરતો છે. આ સિવાય હજુ પણ શ્વેત પ્રજાનું જે કાંઈ અસ્વીકાર કરવા જેવું લાગશે એનો ધરાર અસ્વીકાર કરીશું, પણ એને માટે વેરવૃત્તિ ધરાવવાની અને એને પાળવાની શી જરૂર છે? યુરોપની ગોરી પ્રજા કેવી છે, એણે ભૂતકાળમાં કઈ પ્રજા સાથે કેવાકેવા દુરાચાર કર્યા છે, તેમનો ધર્મ તેમને શું શીખવાડે છે વગેરે ઇતિહાસ અને ધર્મની કુંડળી કાઢીને નફરતનું દ્રવ્ય એકઠું કરવાની શી જરૂર છે? ગાંધીજી કહેતા કે તેમની પાસેથી શીખવા જેવું પણ ઘણું છે. એક કથન તેઓ અનેક વાર કહેતા કે ભારત તેમણે પુરુષાર્થથી મેળવ્યું છે અને આપણે આપણી મર્યાદાઓને કારણે ગુલામી વહોરી છે. આપણે તેમની પાસેથી પુરુષાર્થ શીખવો જોઈએ પછી તમારી દૃષ્ટિએ એ ગમે તેવી ખરાબ પ્રજા હોય અને આપણે આપણી મર્યાદા છોડવી જોઈએ પછી તમારી દૃષ્ટિએ આપણે ગમે તેવી મહાન પ્રજા હોઈએ.
પ્રજાનો સ્વભાવ એવો છે કે જેની સામે લડવું હોય એની સામે નફરતનો મસાલો એકઠો ન કરીએ ત્યાં સુધી કોટો ન ચડે. આંખમાં તેલ રેડીને રાત ઉજાગરા કરીને આપણે સાચો-ખોટો નફરતનો મસાલો શોધીએ છીએ અને પછી તેને ઘૂંટીએ છીએ. આ બાજુ આપણા શ્રેષ્ઠત્વનો પણ સાચો-ખોટો મસાલો શીધીએ છીએ અને તેને પણ ઘૂંટીએ છીએ. જ્યાં સુધી આપણા માટેનો અનુરાગ અને બીજા માટેનો દ્વેષ આપણા સ્વભાવનો હિસ્સો ન બની જાય ત્યાં સુધી આપણે તેને ઘૂંટતા રહીએ છીએ.
પણ ગાંધીજી તો કહેતા કે લડવા માટે વેરભાવની જરૂર નથી, સત્યનિષ્ઠાની જરૂર છે. તમે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા સાથે ભેદભાવ કરો છો એ ખોટું છે. અન્યાય છે. અમાનવીયતા છે. અસ્વીકાર્ય છે. મને સત્ય સમજાઈ ગયું છે અને મારા સ્વમાન માટે હું લડવાનો છું. એકલો હોઈશ તો એકલો લડીશ, પણ જે અસ્વીકાર્ય છે તેનો ડરીને સ્વીકાર નહીં કરું. એકલો છે માટે સ્વીકાર નહીં કરું. તમારું રાજ છે, તમારી પાસે પોલીસ અને લશ્કર છે માટે સ્વીકાર નહીં કરું. અંતે તમે મને સત્ય ખાતર ખપી જતા રોકી નહીં શકો. એ મારો અધિકાર છે જેના ઉપર તમારું અધિપત્ય કે શાસન નથી. મારા અંતરાત્મા ઉપર મારું શાસન છે. તમારું શાસન ગમે તેવું શક્તિશાળી અને નિર્દયી હોય, તેનું આધિપત્ય મારા અંતરાત્માના દરવાજે પૂરું થઈ જાય છે. અહીંથી મારું શાસન શરૂ થાય છે. માટે તેમણે મૅરિત્ઝબર્ગ સ્ટેશનની વાત કરતાં આત્મકથામાં લખ્યું છે; 'તેનો (શ્વેત પ્રજાનો) વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ મોહનદાસ છેક ૧૮૯૩માં આમ વિચારતો હતો.
૩. સ્વાભાવિકપણે મોહનના મસાલાનો ત્રીજો પદાર્થ હતો નિર્ભયતા. ગાંધીજીને કોઈ વાતનો ભય નહોતો. તેમણે ૧૯૦૫ની સાલમાં પોતાના મોટાભાઈને લખેલા પત્રમાં કહ્યું હતું કે ભય શું કહેવાય એ હું જાણતો નથી. તેમને મોતનો ડર નહોતો. એકલા પડી જવાનો ડર નહોતો. કોણ શું કહેશે એનો ડર નહોતો. ઇતિહાસ તેમને કઈ રીતે મૂલવશે એનો ડર નહોતો. ૧૯૪૬-૧૯૪૭ના નોઆખલીની કલ્પના કરો! જ્યાં કોમી રાજકારણ ચાલતું હતું, જે પ્રદેશ પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં હિંદુઓને ભગાડવા કોમી રમખાણો થયાં હતાં, શાંતિ સ્થાપવા માટે ગયેલા ગાંધીજીને જ્યાંથી કાઢવા માટે ખટપટ કરવામાં આવતી હતી ત્યાં બીજો કોઈ માણસ બ્રહ્મચર્યનો પ્રયોગ કરે? કરે તો કમરાની કૂંડી વાસીને છાને ખૂણે કરે, દરવાજો ઉઘાડો રાખીને કરે? અને આશ્ચર્ય હવે આવશે; પોતે શું પ્રયોગ કરી રહ્યા છે એ પ્રાર્થનાસભામાં લોકોને કહે અને બંગાળીમાં તેનો તરજુમો કરાવે.
આ એ જ માણસ કરી શકે જે સત્યનિષ્ઠ હોય, જે નિર્વૈર હોય અને જે નિર્ભય હોય.
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આ ત્રણ મૂડી રળીને ૧૯૧૫માં ભારત આવ્યા હતા.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020