
અબ્દુલ ગફૂર નૂરાની
અબ્દુલ ગફૂર નૂરાની. ૨૯મી ઓગસ્ટે ૯૪ વરસની ઉંમરે મુંબઈમાં જેમનું અવસાન થયું એ નૂરાનીનું નામ સંભવતઃ તમે નહીં સાંભળ્યું હોય. તેઓ વકીલોના વકીલ હતા, પરંતુ નાની પાલખીવાલા, સોલી સોરાબજી કે ફલી નરીમાન જેટલા જાણીતા નહોતા. તેઓ બંધારણવિદોના બંધારણવિદ હતા, પરંતુ ગ્રેન્વીલે ઓસ્ટીન, બી. શિવારાવ કે એચ.એમ. સિરવાઈ જેટલા જાણીતા નહોતા. તેઓ રાજકીય સમીક્ષકોના સમીક્ષક હતા, પરંતુ ગિરિલાલ જૈન, શામ લાલ કે ફ્રેંક મોરાઇસ, યોગેન્દ્ર યાદવ કે શેખર ગુપ્તા જેટલા જાણીતા નહોતા. તેઓ ઇતિહાસકારોના ઇતિહાસકાર હતા, પરંતુ તેઓ રોમીલા થાપર, રામચન્દ્ર ગુહા, ઈરફાન હબીબ કે બીપીન ચન્દ્ર જેટલા જાણીતા નહોતા.
આનું મુખ્ય કારણ એ છે કે તેઓ ઊહાપોહ કરનારા વિદ્વાન હતા. અસ્વીકૃતિ મેં ઊઠા હાથ જેવું. ‘નો મી લોર્ડ’ કહીને ઊભા થાય અને પછી મુદ્દાની એવી જડબેસલાક માંડણી કરે કે પ્રતિષ્ઠિત અને સન્માનનીય વિદ્વાન પણ ચૂપ થઈ જાય. હું ૧૯૭૭થી એ.જી. નૂરાનીને વાંચતો આવ્યો છું અને આજ સુધી એવો એક પણ પ્રસંગ યાદ નથી કે કોઈએ નૂરાની સામે પ્રતિવાદ કર્યો હોય કે ભૂલ તરફ આંગળી ચીંધી હોય. અભિપ્રાય તેમનો હોય, પણ હકીકતો (ફેક્ટ્સ) અકાટ્ય હોય. કોઈ હાથ ન ઝાલી શકે. ખોટું થઈ રહ્યું છે તો સાચી અને નૈતિક બાજુ કહેવી જ રહી. એટલે તેમણે જવાહરલાલ નેહરુને પણ છોડ્યા નહોતા. જમ્મુ અને કાશ્મીરના પ્રશ્ને તેઓ કાશ્મીરીઓના પક્ષે હંમેશાં ઊભા રહ્યા અને જવાહરલાલ નેહરુની જ્યારે ટીકા કરવી જરૂરી લાગી ત્યારે ટીકા કરતા રહ્યા. જે કોઈ બંધારણમાં છીંડાં પાડે, જે કોઈ સામાન્ય માણસનાં અહિતની પ્રવૃત્તિ કરે, જે કોઈ ન્યાયાધીશ બંધારણને અતિક્રમીને ચુકાદા આપે તો તેને નૂરાનીનો સામનો કરવો પડે. ૨૦૧૯માં સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જીદ વિષે કુકૂટ આસન કરતો ચુકાદો આપ્યો એ નૂરાની ખમી નહોતા શક્યા. તેઓ તેનાં વિષે આખું એક પુસ્તક લખી રહ્યા હતા. મૃત્યુ પૂર્વે તેમણે પુસ્તક પૂરું કર્યું છે કે અધૂરું છે એની જાણ નથી. જો એ પુસ્તક આવશે તો હું ખાતરીથી કહી શકું કે ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ એક શબ્દ પ્રતિવાદમાં નહીં કહી શકે. ગેરંટી. નહીં, સાહેબ તમે ખોટા છો એમ કહીને બોલવું અને પ્રતિવાદ કરવો એ તેમની અંતરની જરૂરિયાત હતી, કારકિર્દી નહોતી.
નૂરાની જાણીતા નહોતા એનું બીજું કારણ એ કે તેઓ સભા-સમારંભોમાં જતા નહોતા કે ટી.વી. પરની ડિબેટોમાં ભાગ નહોતા લેતા. તેમને વાત ઝીણામાં ઝીણી વિગત સાથે કરવી હોય અને એવો મોકો તેમાં મળે નહીં. હું જ્યારે ‘સમકાલીન’માં હતો ત્યારે સંસદમાં બોફોર્સ પ્રકરણની ચર્ચામાં સ્પીકરની બંધારણીય ભૂમિકા વિષે તેમનો અભિપ્રાય માગવા મેં ફોન કર્યો ત્યારે તેમણે આવી ગંભીર ચર્ચા હું ફોન ઉપર કરતો નથી એમ કહીને ફોન મૂકી દીધો હતો. અખબારવાળાઓને તો તેઓ મુલાકાત જ આપતા નહોતા. પત્રકારો વિષે તેમનો અભિપ્રાય પણ બહુ ઊંચો નહોતો. આ સિવાય થોડા અતડા પણ હતા. જો કે તેમના મિત્રો કહે છે કે તેઓ જેવી તેમની ઈમેજ હતી એવા નહોતા. અત્યંત લાગણીશીલ, ગમતા માણસો માટે ભાવ ધરાવનારા અને માંસાહારી ભોજનના શોખીન.
હું જ્યારે નૂરાનીને વાંચતો થયો ત્યારથી મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થતો કે આ માણસ આટલા બધા સંદર્ભો કેવી રીતે એકઠા કરતો હશે અને લખતી વખતે એક માળામાં પરોવતો હશે. દાખલા તરીકે જમ્મુ અને કાશ્મીર માટેનો આર્ટીકલ ૩૭૦ કેવી રીતે બંધારણમાં આમેજ થયો એ કહેવું મુશ્કેલ નથી, પરંતુ પછી લાગુ કરવામાં આવેલા એ આર્ટીકલ વિષે ૧૯૫૦થી આજ સુધી કોણે ક્યારે શું કહ્યું અને કર્યું એની સિલસિલાબંધ વિગતો નૂરાનીના લેખમાં જોવા મળે. એમાં સંસદમાં થયેલી ચર્ચાનો તારીખ સાથે હવાલો હોય, એમાં અખબારમાં છપાયેલ જાહેર વક્તવ્યનો તારીખ અને અખબારના નામ સાથે હવાલો હોય, એમાં પાર્ટીના અધિવેશનો અને ઠરાવોનો હવાલો હોય, એમાં સંબંધીત લોકો વચ્ચે થયેલા પત્રવ્યવહારનો હવાલો હોય, જે તે સંગઠનનાં મુખપત્રનો હવાલો હોય, અદાલતે આપેલા સુસંગત કે પરસ્પર વિસંગત ચુકાદાઓનો હવાલો હોય. નિરાંતે પુસ્તક લખવા માટે આ બધું સહેલું છે, પણ છાપા સામયિકો માટે લેખ લખવામાં કોઈ આટલાં અનેક પ્રકારનાં પ્રમાણો ટાંકે એ મેં પહેલીવાર જોયું.
તેમની આવી સજ્જતા જોઇને મને ત્યારે (ઈંટરનેટ હજુ નહોતું આવ્યું ત્યારના પ્રાગ-પ્રત્યાયન યુગમાં) થતું કે આ બધું તેઓ કેવી રીતે એકઠું કરતા હશે અને એકઠું તો હજુ કોઈ કરી લે, પણ જ્યારે જે જગ્યાએ પ્રમાણ તરીકે જોઈએ ત્યારે તેઓ કઈ રીતે હાથવગું કરી લેતા હશે? આટલાં બધાં કાતરણો અને દસ્તાવેજો તેઓ કેવી રીતે સંઘરતા હશે અને તેમની ક્લાસીફિકેશનની પદ્ધતિ કેવી હશે? મેં પણ તેમની દેખાદેખી મારા ગમતા વિષયો પર કાતરણ અને બીજા દસ્તાવેજોનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું, પણ એમાંનો ભાગ્યે જ કોઈ સંદર્ભ જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવતો હતો. ધીરે ધીરે કુથો વધતો ગયો અને છેવટે હાર માનીને નૂરાની જેવા પ્રમાણસજ્જ થવાનો નાદ છોડી દીધો. એક પત્રકાર તરીકે નૂરાની મારા માટે પરમ આદરણીય હતા. તેમનાં લેખો અને પુસ્તકો બને એટલાં મેં વાંચ્યા છે.
શાસકો અને સ્થાપિત હિતો જ્યાં જાણીબૂજીને સરળીકરણ કરે અને એ સરળીકરણ ખોટું હોય, કોઈને અન્યાયકર્તા હોય તો નૂરાની તેને પડકારવા ત્યાં ઊભા જ હોય. દેશહિતના કે રાષ્ટ્રવાદના નામે માફક આવે એવું નેરેટિવ વિકસાવવામાં આવે, પણ જો એ કોઈને અન્યાય કરનારું હોય તો એ નેરેટિવને પડકારવા નૂરાની ઊભા થઈ જાય, પછી ભલે એ નેરેટિવની આસપાસ રાષ્ટ્રીય સ્તરે સર્વાનુમતિ પેદા કરવામાં આવી હોય અને નજરે પડતી હોય. નૂરાની બહુ નજરે નહોતા પડતા તેનું આ પણ એક કારણ છે. નૂરાની પરવડતા પણ નહોતા. કાશ્મીરના પ્રશ્ને અને કાશ્મીરની પ્રજાના પક્ષે જો કોઈ અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. ઇશાન ભારતના પ્રશ્ને અને ઇશાન ભારતની પ્રજાના પક્ષે જોઈ કોઈ આદમી અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. હૈદરાબાદના પ્રશ્ને અને હૈદરાબાદની મુસ્લિમ પ્રજાના પક્ષે જો કોઈ અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. હૈદરાબાદની સમસ્યા પેદા થઈ ત્યારે હૈદરાબાદ રાજ્યના સરેરાશ મુસલમાનને રઝાકાર તરીકે ઓળખાવવામાં આવતો હતો અને એ રીતે તેમની સાથે વહેવાર કરવામાં આવ્યો હતો. કાશ્મીર, ઇશાન ભારત કે હૈદરાબાદ, આજ સુધી કોઈએ નૂરાનીને પડકાર્યા નથી. દેશહિત, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સર્વસંમતિના નામે હાંસિયામાં રહેલી પ્રજાને હજુ વધુ હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે નૂરાની પ્રતિરોધ કરવા હાજર હોય. તથ્યો અને અકાટ્ય દલીલો સાથે. જ્યારે જવાબ ન હોય ત્યારે ઉપેક્ષા કરવામાં આવે. નૂરાનીની ઉપેક્ષા કરવામાં આવતી હતી એ પણ તેઓ અજાણ્યા રહ્યા એનું એક કારણ છે.
તર્કયુક્ત દલીલો અને પ્રમાણો સાથે સત્યનો પક્ષ લેવો, નૈતિકતાનો પક્ષ લેવો, જેની સાથે અન્યાય થતો હોય તેનો પક્ષ લેવો અને છેવાડાના માણસનાં હિતનો પક્ષ લેવો એ નૂરાની પાસેથી મળેલી શીખ હતી. અંગત રીતે અબ્દુલ ગફૂર નૂરાનીને મળવાનો ક્યારે ય મોકો મળ્યો નહોતો, પણ નૂરાની પ્રામાણિક વિમર્શ કરવા માગનારાઓ માટે દીવાદાંડી હતા.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2024