અહીં તો ન્યાય ન્યાયાધીશોનો તોળાવાનો છે
ઘટનાક્રમ રસપ્રદ છે. ૧૯૧૭ના એપ્રિલ મહિનાની ૧૮મી તારીખના એ ઐતિહાસિક દિવસની આજે યાદ આવે છે. બિહારના ચંપારણ જિલ્લાના વડામથક મોતીહારીમાં ગાંધીજી સામે મુકદ્દમો ચાલવાનો હતો. તેમની સામે આરોપ હતા શાંતિભંગ કરવાના ઈરાદાથી ચંપારણમાં પ્રવેશવાનો અને ગળીનું વાવેતર કરતા ખેડૂતોને ઉશ્કેરવાનો. ટૂંકમાં ઉશ્કેરાટ અને હિંસા ફેલાવવાના ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. અદાલતના જજસાહેબે એમ માન્યું હતું કે ગાંધીજી બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં લાંબી લાંબી દલીલોનો મારો ચલાવશે. સરકારની ધારણા પણ એવી જ હતી એટલે રાંચીથી (ત્યારે અવિભક્ત બિહારની રાજધાની રાંચી હતી) મોટા અંગ્રેજ વકીલો કાયદાના મોટા થોથાં લઈને અદાલતમાં હાજર થયા હતા.
બરાબર અગિયારના ટકોરે અદાલતમાં સુનાવણી શરૂ થઈ. ગાંધીજી સામેનું આરોપનામું વાંચી સંભળાવવામાં આવ્યું. એ પછી ગાંધીજીએ પોતાનું નિવેદન વાંચવાની રજા માગી જે તેમને આપવામાં આવી. ગાંધીજીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ‘હું ગળી ઉગાડનારા ખેડૂતોની સાચી હાલત જાણવા માટે ચંપારણ આવ્યો છું. સત્ય જાણવું અને સત્ય દુનિયાને કહેવું એ દરેક વ્યક્તિનો માનવીય અધિકાર છે અને તે જો ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું. હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. તમે મને બળજબરી ચંપારણની બહાર મોકલશો તો હું પાછો આવીશ. ત્યાં સુધી આવીશ જ્યાં સુધી મારી અંદર પ્રાણ છે. હા, સત્ય જાણવા માટે ચંપારણમાં પ્રવેશવું અને લોકોને મળવું એ જો અદાલતની દૃષ્ટિએ ગુનો બનતો હોય તો તમે મને સજા કરીને જેલમાં મોકલી શકો છો. આનાથી વધારે મારે મારા બચાવમાં કાંઈ કહેવું નથી એટલે અદાલતે દલીલો દ્વારા તેનો કિંમતી સમય બગાડવાની જરૂર નથી. હું અત્યારે જ જેલ જવા તૈયાર છું.’ — ગાંધીજીની પાસે એક બેગ પડી હતી જેમાં જેલમાં લઈ જવા માટેનાં કપડાં અને પુસ્તકો હતાં.
જજ શું બોલે! ગણીને ૧૫ મિનિટમાં ખટલો પૂરો. હવે? જજે અસમંજસની સ્થિતિમાં અત્યંત વિનય સાથે કહ્યું : મિ. ગાંધી, ચુકાદો પછી આપું તો ચાલે? બપોર પછી વળી જજસાહેબે ગાંધીજીને પૂછ્યું કે ચુકાદો બે દિવસ પછી આપું તો ચાલે?
અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અદાલતના તિરસ્કારના કેસમાં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની બેન્ચે પ્રશાંત ભૂષણને ગુનેગાર ઠરાવ્યા, પણ પછી કહ્યું હતું કે ચુકાદો હમણાં નહીં ૨૦મી ઑગસ્ટે આપવામાં આવશે. મેં મારી ગુરુવારની કૉલમમાં લખ્યું હતું એમ ૨૦મી તારીખે જજોએ અને અદાલતે પોતે જ પોતાના વિષે ચુકાદો આપવાનો હતો અને એ સાથે આખું જગત ભારતનાં ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત વિષે ચુકાદો આપવાનું હતું. આમ તો ભારતનાં ન્યાયતંત્રનો ન્યાય થઈ જ ગયો છે, હવે સજા સંભળાવીને કેટલી હદે તે નીચે જાય છે એ જ દુનિયાને બતાવવાનું હતું. આખી સભ્ય દુનિયાની નજર ગુરુવારે જગતના સૌથી મોટા લોકશાહી દેશની સર્વોચ્ચ અદાલત પર હતી.
મોતોહારીના મેજિસ્ટ્રેટની માફક સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયમૂર્તિઓએ હજુ વધુ બે દિવસ સજા સંભળાવવાનું માંડી વાળ્યું છે. તેમણે પ્રશાંત ભૂષણને કહ્યું હતું કે, ‘તમે તમારા કથન માટે થોડો પણ ખેદ પ્રગટ ન કરો!’ સામે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ‘હું દયાની યાચના કરવા માટે અહીં ઊભો નથી. મેં કશું ખોટું કર્યું નથી, પણ અદાલતને એમ લાગે છે કે મેં ગુનો કર્યો છે તો સજા ભોગવવા હું આ ક્ષણે જ તૈયાર છું. મેં જ્યારે ખોટું કર્યું જ નથી ત્યાં ખેદની ક્યાં વાત આવી?’
અદાલતે પ્રશાંત ભૂષણને ગુનેગાર તો ઠરાવ્યા પણ હવે સજા કરતા સંકોચ અનુભવે છે, કારણ કે આખી દુનિયામાં સર્વોચ્ચ અદાલતની થૂ થૂ થઈ રહી છે. આખું જગત ભારતના ન્યાયતંત્રને ન્યાયના ત્રાજવે તોળી રહ્યું છે. અદાલતને અને જજોને અત્યારે લખાઈ રહેલા લોકતંત્રના કાળા ઇતિહાસના પ્રકરણમાં અમર થવામાં ડર લાગે છે. તેમને ખબર છે કે ઇતિહાસ તેમને બંધારણદ્રોહના ગુના માટે ગુનેગાર ઠેરવવાનો છે.
ના, પ્રશાંત ભૂષણ કોઈ ગાંધીજી નથી. વીર બે પ્રકારના હોય છે. એક વીર જે પોતે વીરતા બતાવીને જાય અને બીજા મહાવીર જે વીરત્વનો ચેપ લગાડીને જાય. ગાંધીજી આવા મહાવીર હતા. દુનિયાને તેમણે નિર્ભય થઈને અવાજ પ્રગટ કરતા શીખવ્યું. આજે દુનિયામાં કરોડો લોકો સત્યને વાચા આપી રહ્યા છે. ઘણા લોકોને એવો ભ્રમ છે કે ગોળી, ગાળ કે દંડવાથી અવાજ બંધ થઈ જતા હોય છે. જેનું કોઈ પરિણામ આવતું નથી એ વાંઝિયો માર્ગ તેઓ વારંવાર અપનાવે છે. દુનિયાના બીજા અનેક લોકોની જેમ પ્રશાંત ભૂષણ અવાજ કરવાની નિર્ભીકતા ધરાવે છે. માટે તો ૧૦૩ વરસ પછી સર્વોચ્ચ અદાલતમાં મોતીહારીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. માત્ર એક તસુ પાછીપાની ન કરો! નહીં? ઠીક, તો ચુકાદો પછી સંભળાવું તો ચાલે?
એટલું કબૂલ કરવું રહ્યું કે મોતીહારીના અંગ્રજ જજ સર્વોચ્ચ અદાલતના ત્રણ જજો કરતાં વધારે પ્રમાણિક, પારદર્શક અને બાહોશ પણ હતા. ગુનેગાર ઠેરવો તો સજા કરવી પડે અને દરેક વખતે સજા કરવી સહેલી નથી હોતી. મોતીહારીના જજે ગાંધીજીને ગુનેગાર જ નહોતા ઠેરવ્યા એટલે સજા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. કોઈ એવો ગુનેગાર પણ હોય જે ગુનેગાર નથી હોતો, એવો ગુનેગાર ગુનાનો બચાવ નથી કરતો અને એવો ગુનેગાર સજાથી બચવા યાચના નથી કરતો. આવું જ્યારે બને અને ન્યાયાધીશોને તેની જાણ હોય ત્યારે ન્યાય ન્યાયાધીશનો તોળાતો હોય છે.
આજે સર્વોચ્ચ અદાલત અને તેના જજો કઠઘરામાં ઊભા છે. કસોટી રોજ નથી થતી, પણ જ્યારે થાય છે ત્યારે પસીનો છોડાવી દેતી હોય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2020