તાજેતરમાં ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં જિલ્લા-મુખ્યાલય રોબટ્ર્સગંજથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ઉંભ્ભા (Ubbha) ગામના ગોંડ આદિવાસીઓ પર ગામ અને ગામની આજુબાજુનાં અન્ય ગામોના પ્રભુત્વશાળી ગુજ્જરો દ્વારા જમીનની બાબતે હિંસક હુમલો કરવામાં આવ્યો. આ હુમલો મુખ્યત્વે ૧૪૪ વીઘા જમીન છે, જેના પર દસકાઓથી આદિવાસીઓ ખેતી કરતા આવ્યા છે. આ જમીન આદર્શ કૃષિ સહકારી સમિતિની હતી અને તેણે આદિવાસીઓને ખેડવા આપી હતી. પણ ગ્રામપ્રધાન યજ્ઞદત્ત ભૂરિયાએ આ જમીન IAS ઑફિસર પ્રભાતકુમાર મિશ્રાની દીકરી વિનિતા શર્મા પાસેથી ખરીદી લીધી. આદિવાસીઓએ તેનો સખત વિરોધ કર્યો અને ગેરકાયદેસર રીતે જમીનનો સોદો થયો છે અને તેઓ કોર્ટમાં ગયા. પણ યજ્ઞદત્ત કોર્ટ કાર્યવાહીની રાહ જોવાના બદલે આ હિંસક હુમલા પૂર્વે બેથી-ત્રણ વાર જમીન પડાવી લેવા પોતાના મળતિયાઓ સાથે આવ્યો હતો. તેમાં સફળતા ન મળતાં તેણે આ વખત ભયાનક હિંસક હુમલો કર્યો જેમાં માંડ-માંડ પેટિયું રળતા આદિવાસીઓએ પોતાનો જાન ગુમાવવો પડ્યો.
આ ભયાનક હુમલામાં ૧૦ આદિવાસીઓનાં મૃત્યુ થયાં જેમાં ૩ સ્ત્રીઓ હતી અને ૩૦ જેટલા આદિવાસીઓ ગંભીરપણે ઘાયલ થયા. આ ઘટના ૧૭ જુલાઈ, ૨૦૧૯ના રોજ ઘટી, જે સમયે ગોંડ આદિવાસીઓ જમીન ખેડવા અને રોપણી કરવામાં વ્યસ્ત હતા, જે જમીન તેઓ સ્વતંત્રતા મળી તે પહેલાંથી ખેડતા આવ્યા છે. બપોરના સમયે ૩૦૦ જેટલા પ્રભુત્વશાળી વર્ગના ગુજ્જરો ગામના સરપંચ યજ્ઞદત્તની નેતાગીરી હેઠળ ૩૨ ટ્રેક્ટરોમાં આવી ચડ્યાં. જાણે કે દેશમાંથી વિદેશીઓને ભગાડવાના ન હોય? નિહથ્થા આદિવાસી સ્ત્રીઓ, પુરુષો પર તૂટી પડ્યાં. કોઈ જ જાતની ઉશ્કેરણી ન હોવા છતાં તેમણે હવામાં ગોળીબાર કર્યો અને તેમનાં ખેતરોમાં ટ્રેક્ટરો દોડાવ્યાં. આ પ્રકારના શોરબકોરથી નજીકમાં કામ કરતાં ખેડૂતો સ્થળ પર આવી પહોંચ્યા. રામલાલ નામના ૭૫ વર્ષના બુઝુર્ગ કહે છે કે “અમે તો એમ સમજેલા કે જમીન અંગે જે વિવાદ ચાલે છે, તે માટે યજ્ઞદત્ત વાત કરવા માટે આવ્યા છે અને અમે જાંબુનાં વૃક્ષ નીચે ભેગા બેસી વિવાદનો ઉકેલ લાવીશું.” પણ સ્થિતિ તો બીજું જ બયાન કરી રહી હતી. યજ્ઞદત્તની સાથે આવેલા ગુજ્જરોએ કશી જ વાત કર્યા વિના ગોળીબાર અને લાકડીઓ દ્વારા હિંસક હુમલો કરી દીધો. ગામડાંના લોકો કહે છે કે પોલીસને આ પ્રકારના હુમલાની જાણ પહેલાંથી હતી, આમ છતાં ઘટનાના એકાદ કલાક પછી તેમને અને સ્થાનિક વહીવટી તંત્રને કેટલાય ફોન કર્યા બાદ તેઓ ત્યાં આવ્યા. “‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની મુલાકાત દરમિયાન ગામવાળા અને પ્રત્યક્ષદર્શીઓ કહ્યું કે પ્રધાન યજ્ઞદત્તનો જોરજુલમથી જમીન પચાવી પાડવાનો આ ત્રીજી વારનો પ્રયત્ન છે, જેને તેણે બે વર્ષ અગાઉ સોસાયટી પાસેથી ખરીદી લીધી હતી”. સ્થાનિક તંત્રની ભૂ-માફિયાઓ સાથેની મિલિભગતથી આ પ્રકારના જોરજુલમ અને અત્યાચાર કરવામાં આવતા હોય છે. કાયદાનો અમલ કરવાની જવાબદારી જેના શિરે છે, તેઓ જ કાયદાનું ઉલ્લંઘન કરી આવાં અસામાજિક અને દબંગ તત્ત્વોને છાવરે છે. સોનભદ્રની ઘટના આદિવાસીઓ અને નિમ્ન વર્ગોને મળેલા જમીન-અધિકારોનું રક્ષણ કરવામાં સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
આ હુમલામાં રામલાલને માથા પર અને હાથ પર ગંભીર વાગ્યું છે. રોબટ્ર્સગંજ હૉસ્પિટલના બેડ પર પડેલા રામલાલ કહે છે કે આ તો ચમત્કાર કહેવાય કે હું આ પ્રકારના હુમલામાં બચી ગયો. બાજુના બેડ પર રામધીન પડેલા છે, જેમને આખા શરીર પર છરા અને ગોળી વાગવાના જખમ જોવા મળે છે. એક વ્યક્તિને જમણા સાથળ પર એટલી બધી ગોળીઓ વાગી કે જેઓને બનારસ હિન્દુ યુનિવર્સિટી ટ્રૉમા સેન્ટર પર લઈ જતાં રસ્તામાં જ મૃત્યુ પામ્યા. હિંસામાં ૧૨-બોર લાઇસન્સ-ગનનો ઉપયોગ થયો છે, તેવું સોનભદ્ર ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલના ચીફ મેડિકલ સુપરિટેન્ડેન્ટ પ્રેમબહાદુર ગૌતમ કહે છે. પોતાની જમીનો પર માંડમાંડ પેટિયું રળતા આદિવાસીઓ પર આ પ્રકારના ઘાતકી હુમલાથી કઈ સિદ્ધિ ગુજ્જરોને મળી? શા માટે ગુજ્જરોએ આવી હિંસક ઘટનાને અંજામ આપ્યો? તેમને કોનું પીઠબળ છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ગુનેગારોને કડક સજા થવી જોઈએ. એક તરફ સ્વતંત્રતા પર્વ દેશ ઊજવવા જઈ રહ્યો છે, તેના બરોબર ૨૯ દિવસ પહેલાં દેશના જ મૂળનિવાસી આદિવાસીઓ પર દેશના જ ગુજ્જરો દ્વારા હિંસક હુમલો કરવામાં આવે છે. આ બતાવે છે કે આજે પણ દેશના કરોડો દલિતો અને આદિવાસીઓને ખરી સ્વતંત્રતા, સાચી આઝાદી નથી મળી. આઝાદીનો ઉપભોગ તો સમાજના દબંગ પ્રભુત્વશાળી વર્ગો જ કરી રહ્યા છે. આજે દેશને ચારેબાજુએથી લૂંટવામાં આવી રહ્યો છે તથા નિમ્ન વર્ગોના શોષણની પરંપરા એમ ને એમ યથાવત્ ચાલી રહી છે.
સોનભદ્ર નરસંહારનો માસ્ટરમાઇન્ડ યજ્ઞદત્ત ત્રણ ગામડાંઓ – સાપાહી, મૂર્તિયા અને ઉંભ્ભાનો સરપંચ-મુખી છે. સાપાહી અને મૂર્તિયામાં ગુજ્જરોની બહુમતી છે, જ્યારે ઉંભ્ભામાં આદિવાસીઓની બહુમતી છે. યજ્ઞદત્ત સંપન્નપરિવારમાંથી આવે છે અને કેટલા ય એકર જમીનોનો આસામી-માલિક છે. દરેક ગુજ્જર વ્યક્તિની પાસે ૧૦૦ વીઘા જમીન છે. જિલ્લા સ્તરીય તંત્ર અને યજ્ઞદત્તની મિલી ભગતથી ગુજ્જરો પોતાની મનમાની કરે છે. તહેવારો અને લગ્નો સમયે તેઓ તેમની તાકાતનું પ્રદર્શન હવામાં ગોળીબાર કરીને કરે છે અને માફિયાની માફક રોફ જમાવી ફરતા રહે છે. તેઓ આદિવાસીઓને એટલા ડરાવે છે કે જો તેઓ તેમની દીકરીઓને સ્કૂલમાં મોકલશે, તો તેમની હત્યા કરી દેવામાં આવશે. “જમીન પચાવી પાડવી તેમના જીવનનો એક ભાગ બન્યું છે. મૂર્તિયામાં ૧૯૮૦થી જમીન સંબંધી ચાર ગંભીર હિંસક ઘટનાઓ ઘટી ચૂકી છે. કોલ, ધારકર અને કુમ્હાર જેવી નિમ્ન જાતિઓની જમીનો ‘વિવાદિત’ ઘોષિત કરવામાં આવે છે અને ગુજ્જરો દ્વારા બંદૂકની અણીએ ધીરેધીરે ઝૂંટવી લેવામાં આવે છે. ભૂતકાળમાં યજ્ઞદત્તે સાપાહીમાં આ રીતે બે વાર જમીનો હડપ કરી લીધી છે, જ્યાં તે રહે છે. આ ‘માફિયા લોકો’ કોઈ એક રાજકીય પક્ષને વફાદાર નથી જે પક્ષ સત્તા પર હોય તેની શરણે જઈ પોતાની સત્તા કાયમ રાખે છે.” રાજકીય પીઠબળ અને વહીવટી તંત્રની સાંઠગાંઠથી સરકારની તમામ સુવિધાઓ ગુજ્જરોની બહુમતીવાળા મૂર્તિયા અને સાપાહી ગામડાંઓ સુધી જ પહોંચે છે. ઉંભ્ભામાં નરસંહાર પછી અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત પૂર્વે ડામર લગાવવામાં આવ્યો. વીજળીનો થાંભલો ઊભો કરવામાં આવ્યો છે, તે મૂર્તિયા ગામ માટે. ઉંભ્ભામાં તો અંધારપટ જ છવાયેલો છે. આ વિસ્તારમાં ફોન-કનેક્ટિવિટી પણ નથી. આદિવાસીઓને ક્યાં જરૂર છે વીજળી કે ફોન-કનેક્ટિવિટીની? મંગળ કે ચંદ્ર સુધી પહોંચવાની વાતો કરનારા આપણે આપણા જ ભાઈઓને મૂળભૂત અધિકારોથી વંચિત રાખીએ છીએ અને બીજી બાજુ સ્વાતંત્ર્ય-પર્વ ઊજવીએ છીએ. આપણે ખરેખર કઈ સ્વતંત્રતા ઊજવી રહ્યા છીએ, દેશ અંગ્રેજોની સત્તામાંથી આઝાદ થયો તે માટે કે પછી સત્તાસામંતી જોહુકમી કરતા ભદ્ર વર્ગની પાસે આવી તે અર્થે.
સરકારી યોજનાઓનો લાભ દેશના કરોડો આદિવાસીઓ, દલિતો, શોષિતોને નથી મળી રહ્યો તે હકીકત છે. “કેન્દ્રમાં મોદી – સરકારના આવ્યા બાદ મનરેગા (Mahatma Gandhi National Rural Employment Guarantee Act – MGNREGA) અંતર્ગત રોજગારી અદૃશ્ય થઈ ગઈ છે, જેથી ગ્રામવાસીઓ માટે જીવનધોરણ ચલાવવાના વિકલ્પો ઘટી રહ્યા છે. ભ્રષ્ટ વહીવટીતંત્રના લીધે પ્રદેશમાં સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચતી નથી. તેઓ કહે છે કે ‘સ્વચ્છ ભારત-અભિયાન’ અંતર્ગત ન તો કોઈ ટૉઇલેટ બંધાયું છે અને ન તો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત કોઈ મકાન અને બૅંક પાસે લોન લેવા જાય છે, ત્યારે તેઓ મોં ફેરવી લે છે …. ગોંડ આદિવાસીઓની તો ત્યાં સુધી ફરિયાદ છે કે તેમને કાસ્ટ સર્ટિફિકેટ સુધ્ધાં નથી મળતાં. કુટુંબ-રજિસ્ટર, ગામડાનાં કુટુંબોનો રેકૉર્ડ પણ ગૂમ કરવામાં આવેલ છે. તેમને તો તેમાં ગુજ્જરો પર શંકા છે …. મુખ્ય વિકાસ-અધિકારી અજય દ્વિવેદી કહે છે કે જમીન પડાવી લેવી શક્ય છે, પ્રદેશમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ બને છે, પણ સરકારી યોજનાઓની ધોળાદિવસે લૂંટ થતી નથી.”
આજે સામાજિક ન્યાય અને સમાનતાના પુરસ્કર્તા બાબાસાહેબ આંબેડકરનાં કથનો યથાર્થ લાગી રહ્યાં છે. બંધારણ દેશને સમર્પિત કરતાં પહેલાં કહ્યું હતું કે “આજે દેશ વિરોધાભાસી જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રાજકીય ક્ષેત્રે એક વૉટ એક વ્યક્તિનું મૂલ્ય સ્વીકારવામાં આવ્યું છે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે આપણે વિરોધાભાસી જીવન જીવી રહ્યા છીએ. સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમાનતા સ્થાપી શક્યા નથી.” દેશના લોકતંત્ર માટે તેમણે કહ્યું કે “અવ્યવસ્થાના વ્યાકરણસમી ગેરબંધારણીય પદ્ધતિઓ જેટલી વહેલી આપણે ત્યાગીશું, તેટલું આપણા બધા માટે સારું થશે. ક્યાં સુધી આપણે સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતાને નકારતા રહીશું? જો આપણે તેને લાંબા સમય સુધી નકારતા રહીશું, ચોક્કસથી આપણે આપણી રાજકીય લોકશાહીને ભયમાં મૂકીશું. આપણે આ વિરોધાભાસ વહેલામાં વહેલી તકે દૂર કરવો પડશે જ, અન્યથા જેઓ અન્યાય-અસમાનતાથી પીડિત છે, તેઓ રાજકીય લોકતંત્રના માળખાને ધ્વસ્ત કરી નાંખશે, જેને આ બંધારણસભાએ ખૂબ પરિશ્રમથી ઘડ્યું છે.” (નાનકચંદ રત્તું, પે. ૧૩૫)
બાબાસાહેબનાં આ કથનો માત્ર વિચાર કરવા જ નહીં, બલકે અમલ કરવા માટે છે. શોષિતો-પીડિતોને તેમના જમીની અધિકારોથી વંચિત કરતાં રહેશો તથા તેમને મળેલ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરતાં રહેશો, તો સરવાળે દેશમાં દેશના જ લોકો દ્વારા અરાજકતા ઊભી થતી રહેશે. બંધારણનું સન્માન અને તેની સર્વોપરિતા સ્વીકારવી દેશના તમામ લોકોની ફરજ છે.
બાબાસાહેબે સાચું જ કહ્યું હતું કે દેશ લોકતાંત્રિક પદ્ધતિથી જ ચાલી શકે. જ્યાં સુધી બંધુત્વભાવ અને સમાનતા ન કેળવાય, ત્યાં સુધી સ્વતંત્રતા ક્યાંથી સંભવી શકે? એક બાજુ દેશ આઝાદીપર્વ ઊજવી રહ્યું છે અને બીજી બાજુ દેશના જ મૂળનિવાસી દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોની દિનદહાડે હત્યાઓ થઈ રહી છે. શોષિતો, પીડિતો માટે આજે પણ આઝાદી સમણું જ રહેવા પામ્યું છે. ૭૩મા સ્વતંત્રતાપર્વ નીમિત્તે ઓછામાં ઓછું આપણે સૌ ભારતવાસીઓ માત્ર ભાતૃત્વ-બંધુત્વભાવ કેળવવા સંકલ્પબદ્ધ બનીએ તો ય દેશની મોટી સેવા થઈ ગણાશે. ‘માનસિક સ્વચ્છતા-અભિયાન’ આપણે ક્યારે ચલાવીશું?
સંદર્ભઃ
1. NEWS Click, 30 May 2019
2. Indian Express, 19 July 2019
3. Frontline, 16 August 2019
4. Nanak Chand Rattu, Dr. Ambedkar : Important Messages, Sayings, Wit and Wisdom
[ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 10 − 12
![]()


મજબૂત, હિમ્મતવાન પાયલ તડવીની જાતિના મહા-ભોરિંગ સામે હાર થઈ અને જાતિવાદના ઝેરે તેની હત્યા જ કરી નાંખી. આજના ‘New India’માં જાતિવાદ, ઊંચ-નીચ તેની ચરમસીમા પર છે. મુથ્થુકૃષ્ણન્, રોહિત વેમુલાને પણ આ જ જાતિવાદી, વર્ચસ્વવાદી સંસ્કૃતિએ જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. કૃષ્ણન્ JNUનો સ્કૉલર હતો અને કહેવું પડ્યું કે અસમાનતા, અન્યાયે તેના સ્વપ્નોને તોડી નાંખ્યા છે. સમાનતા જેવુ કશું જ નથી તેવું તેણે અનુભવ્યું અને અન્યાયી વ્યવસ્થા સામે મોતને વહાલું કર્યું હતું. હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીના Ph.D. (UGC JRF પાસ) સ્કૉલર રોહિત વેમુલાએ પણ કહ્યું કે વ્યક્તિની કિંમત માત્ર વોટ, વસ્તુ બની ચૂકી છે. સામાજિક ન્યાય અને સમતાના સમર્થક આ દીવડાઓ જાતિવાદ, જાતિભેદ, અન્યાયી વયવસ્થાની લડાઈમાં અકાળે બુઝાઇ ગયા. આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ ? કેવા પ્રકારની માનસિકતામાં સબડી રહ્યા છીએ ? શું આ દેશ દલિતો, આદિવાસીઓ અને પછાત સમાજનો નથી ? શું આમ જ એકલવ્યો, શંબૂકોના વધ થતાં જ રહેશે ? શું આમ જ મુથ્થુકૃષ્ણન્, રોહિત, પાયલ જેવા બહુજનસમાજનાં હોનહાર વિદ્યાર્થીઓનો બલિ લેવાતો જ રહેશે ?