રાજનાથ સિંહના વિધાનો સંદર્ભે ‘વાયર’ના કરણ થાપરે 19 ઑક્ટોબરે લીધેલી ગાંધીજીના પૌત્ર અને ગાંધીજીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની દીર્ઘ મુલાકાત સાવરકર, ગાંધી, દયાની અરજી અને સાવરકર-ગાંધી સંબંધો પર સારો એવો પ્રકાશ પાડે છે. પ્રસ્તુત છે આ મુલાકાતનો અંશ …
ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી શબ્દ પ્રાચીન ગ્રીક ‘હિસ્ટોરિયા’ પરથી બન્યો છે. તેનો અર્થ તપાસ, પ્રશ્નો દ્વારા મેળવેલું જ્ઞાન કે અવલોકન એવો થાય છે. એટલે ઇતિહાસકારો શાની અને કેવી તપાસ કરે છે, તેમને કેવા જ્ઞાનની શોધ છે અને તેઓ તેમની પાસે આવેલી હકીકતો કે પુરાવાઓનું કેવું અર્થઘટન કરે છે એ સવાલ પાસે બધું અટકે છે અથવા શરૂ થાય છે.
ઇતિહાસ સાક્ષી છે કે સંઘપરિવારના આરાધ્ય વી.ડી. સાવરકરે આંદામાન જેલમાંથી છૂટવા દયાની અનેક અરજીઓ કરી હતી. તાજેતરમાં સાવરકર પરના એક પુસ્તકના વિમોચન નિમિત્તે રાજનાથ સિંહે કહ્યું કે આ અરજીઓ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી કરી હતી. આ વિધાને વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. એક પક્ષ કહે છે કે રાજનાથ સિંહે એવી ઘટના સામે લાવીને મૂકી છે જે ગણતરીપૂર્વક ભૂલી જવાયેલી હતી. બીજો પક્ષ ઇતિહાસ સાથે થઈ રહેલી રમતથી દુ:ખી છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ધ્યાન દોર્યું છે કે સાવરકરે 1911માં અરજી કરી ત્યારે ગાંધીજી ભારતમાં ન હતા, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરી રહ્યા હતા અને ભારતની સ્થિતિ પરત્વે સક્રિય પણ ન હતા. તેઓ આક્રોશ સાથે કહે છે, ‘આ કોઈ નિર્દોષ ગોટાળો નથી. આ ઇતિહાસ સાથે જાણીજોઈને થયેલું ચેડું છે.’
‘વાયર’ના કરણ થાપરે 19 ઑક્ટોબરે લીધેલી ગાંધીજીના પૌત્ર અને ગાંધીજીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની દીર્ઘ મુલાકાત આ આખી ઘટના અને તેના પૂર્વાપર સંબંધો પર સારો એવો પ્રકાશ પાડે છે. પ્રસ્તુત છે આ મુલાકાતનો અંશ.
‘રાજમોહન ગાંધી, રાજનાથ સિંહે કરેલાં ત્રણ વિધાનો ‘સાવરકરે કુલ સાત અરજીઓ (1911, 1913 અને 1914 દરમ્યાન) કરેલી’, ‘આ અરજીઓ છૂટવા માટે નહીં પણ રાહત મેળવવા કરી હતી’ અને ‘આ અરજીઓ કરવાનું સૂચન મહાત્મા ગાંધીએ કર્યું હતું’ સંદર્ભે તમારે શું કહેવાનું છે ?’
પહેલી વાત તો એ કે સાવરકરે સાત નહીં પણ અનેક અરજીઓ કરી હતી. બીજી વાત, એમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ‘હું ભલા, ઉદાર અને દયાળુ બ્રિટિશ શાસકોને મને છોડવાની વિનંતી કરું છું’ અને ત્રીજી વાત, જરા વિગતે કરું – 1920માં સાવરકરના ભાઈ નારાયણરાવના પત્રના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું કે, ‘તમને ચોક્કસ સલાહ આપવી મુશ્કેલ છે, પણ મારું એવું સૂચન છે કે તમે, રાજકીય કેદી છો એ હકીકત પર ભાર મૂકીને રાહતની માગણી જરૂર કરી શકો.’ આ સમયે ગાંધીજી પંજાબમાં હતા અને જલિયાંવાલા હત્યાકાંડ તેમ જ અન્ય અત્યાચારોની વિગતો મેળવી રહ્યા હતા. નારાયણરાવ પોતાના કેદ પકડાયેલા બન્ને ભાઈ – વિનાયક અને ગણેશ – માટે કંઈક કરવા માગતા હતા. વારંવાર વિનંતી કર્યા પછી ગાંધીજીએ ઉપર પ્રમાણે સલાહ આપી હતી. નારાયણરાવ અને ગાંધીજી વચ્ચે થયેલો પત્રવ્યવહાર ‘અક્ષરદેહ’માં સચવાયો છે.
ગાંધીજીએ એ વર્ષના મે મહિનામાં ‘યંગ ઈંડિયા’માં સરકારે સાવરકર બંધુઓને છોડવા જોઈએ એ મતલબનો એક લેખ લખ્યો હતો. આ લેખ પણ પ્રાપ્ય છે. સાવરકર બંધુઓ બ્રિટિશ શાસનના વફાદાર છતાં પોતાની રીતે દેશની સ્વતંત્રતા માટે પ્રયત્ન પણ કરતા હતા. ગાંધીજીને આનો ખ્યાલ હતો. તેથી જ સૈદ્ધાંતિક મતભેદ છતાં તેઓ ઇચ્છતા હતા કે સાવરકર બંધુઓ જેલમાંથી છૂટે.
સાવરકરનું જીવનચરિત્ર લખનાર વૈભવ પુરંદરે કહે છે કે ‘મારા મતે આ અરજીઓથી સાવરકર વિદ્રોહી તરીકે ઊણા નથી ઊતરતા અને અંગ્રેજોના ટેકેદાર પણ સાબિત નથી થતા.’ ઇતિહાસકાર તરીકે, જીવનચરિત્રકાર તરીકે આપ શું કહો છો ?
માત્ર અરજીઓથી સાવરકર અંગ્રેજોના ટેકેદાર સાબિત નથી થતા એ બરાબર છે. પણ આ અરજીઓ કર્યા પહેલા, 1939માં યુદ્ધ શરૂ થયું ત્યારે કે પછી 1942ના હિંદ છોડો આંદોલનમાં સાવરકર અંગ્રેજોની પડખે રહ્યા તો છે તેના દસ્તાવેજી પુરાવા છે. એક તરફ સાવરકર-હિંદુ મહાસભાએ અને બીજી તરફ ઝીણા-મુસ્લિમ લીગે સ્વાતંત્ર્ય સંગ્રામથી અળગા રહેવાનું પસંદ કર્યું કારણ કે ઝીણા એ નિશ્ચય પર આવ્યા હતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ હિંદુઓ છે અને સાવરકર પણ માનતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ મુસ્લિમો છે. આ બાજુ ગાંધી, નહેરુ, પટેલ, સુભાષચંદ્ર, મૌલાના આઝાદ અને અસંખ્ય ભારતીયો અંગ્રેજોને પોતાના અસલી દુશ્મન ગણતા અને માનતા કે બ્રિટિશરો એક દિવસ જશે અને હિંદુ-મુસ્લિમો મતભેદો છતાં એક થશે. આ ભેદ પાયાનો હતો. જો કે એનાથી પણ સાવરકર અંગ્રેજોના ટેકેદાર સાબિત નથી થતા, પણ એનાથી સાવરકરની કેદ થયા પહેલાની સ્વાતંત્ર્યપ્રાપ્તિની જે જ્વલંત ઝંખના હતી તે ધૂંધળી તો પડે છે.
ગાંધીજી અને સાવરકર 1909માં લંડનમાં મળ્યા હતા ત્યારે, સાવરકરે માર્સિલ્સમાં સ્ટીમરની બારીમાંથી કૂદી પડી નાસી જવાની જે હિંમત બતાવી હતી તેના ગાંધીજીએ વખાણ કર્યા હતા. 1944માં કસ્તૂરબા મૃત્યુ પામ્યાં ત્યારે સાવરકરે એમના નામે એકઠા થઈ રહેલા ફંડમાં ફાળો આપવાની ના કહી હતી. ગાંધી-સાવરકર સંબંધોને આપ કઈ રીતે વર્ણવો ?
સાવરકરની સ્ટીમરમાંથી નાસી જવાની પ્રસિદ્ધ ઘટના, ગાંધીજી અને સાવરકર લંડનમાં મળ્યા એ પછી બની હતી. પહેલા બની હોત તો ગાંધીજી એને જરૂર વખાણત. અને ગ્રામીણ-અભણ સ્ત્રીઓના ઉત્કર્ષ માટે એકઠા થઈ રહેલા કસ્તૂરબા-ફંડમાં ફાળો ન આપવા બદલ હું સાવરકરને બિલકુલ વખોડું નહીં. એ તેમની ઇચ્છાની વાત છે.
હિંદુમુસ્લિમ સમસ્યા સંદર્ભે ગાંધીજી અને સાવરકરના દૃષ્ટિકોણમાં જે જબરજસ્ત તફાવત હતો, તેને આંબેડકરે એમના 1940માં પ્રગટ થયેલા ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પુસ્તકમાં બરાબર વર્ણવ્યો છે : ‘વિચિત્ર લાગે, પણ સત્ય એ છે કે સાવરકર અને ઝીણા સામસામે પક્ષે ઊભા હોવા છતાં એક છે. બંને માત્ર સંમત જ નથી; ખાતરીપૂર્વક, આગ્રહપૂર્વક માને છે કે ભારતમાં બે રાષ્ટ્ર વસે છે – હિંદુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્ર.’ ગાંધીજી આ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ હતા. ભાગલા પહેલા પણ, ભાગલા પછી પણ. મુખ્ય મતભેદ ત્યાં હતો.
બીજો મતભેદ સ્વતંત્રતા કઈ રીતે મેળવવી એ બાબતે હતો. સાવરકરનો માર્ગ ગન અને બૉમ્બનો હતો. ગાંધીજી માનતા કે જે માર્ગે આજે અંગ્રેજોની હત્યા થાય છે તે માર્ગે ભવિષ્યમાં દેશબાંધવોની હત્યાઓ પણ થશે; એટલે તેમણે સત્યાગ્રહનો રસ્તો બતાવ્યો જે ભારત જેવા દેશ માટે વધારે સલામત, વધારે અનુકૂળ હતો. જેમાં ગરીબ અને નિર્બળ પણ સશક્ત બનતો હતો. સાવરકરના મોટા ભાગના અનુયાયીઓ બ્રાહ્મણ અને ઉચ્ચ વર્ણના હતા. છેવાડાના લોકોનું સશક્તીકરણ એ સાવરકરનું ધ્યેય ન હતું. હિંદુઓને એક કરવા સાવરકરે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપ્યું હતું, પણ અસ્પૃશ્યો તરફની ઉચ્ચ વર્ણોની ક્રૂરતા સાથે એમને નિસબત નહોતી. 1920માં ગાંધીજીના કહેવાથી કૉંગ્રેસે અસ્પૃશ્યતાનિવારણને પોતાનું કાયમી ધ્યેય બનાવ્યું હતું. 1921માં એક સભામાં ગાંધીજીએ કહ્યું હતું, ‘અંગ્રેજોના અત્યાચારોને આપણે વખોડીએ છીએ, પણ આપણે આપણા અસ્પૃશ્ય ભાઈઓને પેટે ચલાવીએ છીએ, નાક રગડાવીએ છીએ અને લાલ આંખ કરી ટ્રેનમાંથી ઉતારી મૂકીએ છીએ. આ અત્યાચાર નથી ?’
હિંદુમુસ્લિમ એકતા અને સમાજમાં સમાનતાના ગાંધીજીના આગ્રહે સાવરકરને ગાંધીના કટ્ટર દુશ્મન બનાવ્યા. ગાંધીના વિરોધીઓ તો અનેક હતા. પણ બે આગેવાનો એવા હતા જેઓ હંમેશા ગાંધીજીની વિરુદ્ધ રહ્યા, ઝીણા અને સાવરકર. ભાગલા પછી ઝીણા ભારતીય જ ન રહ્યા અને સાવરકર ભારતમાં રહ્યા, પણ ગાંધીજી સાથે કદી સુલેહ ન થઈ શકી.
ઇતિહાસકાર તરીકે આપ સાવરકરને કઈ રીતે મૂલવો ?
સાવરકર સારા કવિ અને લેખક હતા. તેમના સર્જનમાંથી તેમનો મહારાષ્ટ્ર અને ભારત પ્રત્યેનો પ્રેમ અને ગર્વ નીતરે છે. સ્ટીમરમાંથી ભાગી જવાની ઘટનાએ તેમને લાડકવાયા વીર બનાવ્યા હતા. તેઓ વિદ્વાન હતા, ચિંતક હતા. 1857ના વિદ્રોહને સ્વાતંત્ર્યયુદ્ધ તરીકેનો દરજ્જો સૌ પ્રથમ સાવરકરે આપ્યો હતો. હિંદુત્વના તેમના સિદ્ધાંતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને શરૂઆતથી જ દ્વિતીય કક્ષાના નાગરિક ગણ્યા હતા. આ સિદ્ધાંતમાં લોકશાહીનું તત્ત્વ કે આધુનિક અપીલ નથી, છતાં એમના અનુયાયીઓની સંખ્યા બહોળી છે. તેમણે અનેકવાર રાજકીય હિંસા થવા દીધી છે, બલકે પ્રેરી છે પણ પોતે શાંત અને અલિપ્ત રહ્યા છે. કેટલાક લોકો આને કૌશલ્ય ગણે, કેટલાક ન ગણે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઑક્ટોબર 2021
 


 દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને’ એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’ પ્રગટ કર્યો હતો. આ રિપોર્ટ આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલા સર્વે પર આધારિત હતો. તેમાં એવું જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે, 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ.
દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને’ એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’ પ્રગટ કર્યો હતો. આ રિપોર્ટ આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલા સર્વે પર આધારિત હતો. તેમાં એવું જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે, 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ.

 દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે!
દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે!