· રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી.
· માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે.
· ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે.
— લિ ક્વાંગ યુ
નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણું અમુક રીતે વિચારવા ટેવાયેલું મન આવી રહેલા સમયમાં જેને સિદ્ધ કરવાના છે એવાં સ્વપ્નો અને ધ્યેયો તરફ વળે છે – આવતા વર્ષમાં મારે આટલું તો સિદ્ધ કરવું જ છે – પછી વાત કસરતની હોય કે કારકિર્દીની. સાકાર ન થઈ શકે એ સ્વપ્નનો કોઈ અર્થ નથી; અને સ્વપ્ન સાકાર કરવા માટે દૃષ્ટિ, પરિશ્રમ અને શિસ્તની જરૂર પડે છે. વાત કરીએ સિંગાપોર નામના નાનકડા રાષ્ટ્રની. તેની કાયાપલટને ‘આધુનિક ચમત્કાર’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ચમત્કાર કરનાર છે તેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિ ક્વાંગ યુ. શું કર્યું તેમણે, શું કર્યું સિંગાપોરે કે એક વખતનું ગરીબ અને ગુલામ રાષ્ટ્ર આજે પર્યટન અને વ્યાપારનું ગ્લૉબલ સેન્ટર બન્યું છે?
સિંગાપોર, દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ 1,500 કિલોમીટર દૂર એક નાનો, સુંદર ટાપુ છે. આધુનિક સિંગાપુરની સ્થાપના 1819માં સર સ્ટેમફોર્ડ રેફલ્સે કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તરીકે તત્કાલીન વાઈસરૉયે તેમને કંપનીનો વેપાર વધારવા સિંગાપુર મોકલ્યા હતા. પછી સિંગાપોર પર બ્રિટિશ અને એ પછી મલયેશિયન શાસન આવ્યું. 1965માં સિંગાપોર મલયેશિયાથી સ્વતંત્ર થયું.
સિંગાપોરમાં પ્રાકૃતિક સ્રોતોની અતિશય તંગી છે. પાણી મલેશિયાથી; દૂધ, ફળ તેમ જ શાકભાજી ન્યૂઝિલૅન્ડ-ઑસ્ટ્રેલિયાથી અને દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની ચીજો થાઈલૅન્ડ, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે. કદમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં 2019ના આંકડા મુજબ લગભગ 57 લાખની વસતિ છે જેમાં ચીની, મલય તથા 8 ટકા ભારતીય લોકો છે. બે સમુદ્રધુનીઓ સિંગાપોરને મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી અલગ કરે છે. સિંગાપોરને મુખ્ય આવક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં ઉત્પાદન-નિકાસ અને પ્રવાસન દ્વારા થાય છે.
સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન અને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા હતા લિ ક્વાંગ યુ. તેઓ 1959થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા. 1990માં તેમણે વડા પ્રધાન પદનો ત્યાગ કર્યો અને ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે 2004 સુધી રહ્યા. એમના પુત્ર લી હેઈન્સ લૂંગ ત્રીજા વડા પ્રધાન બન્યા ત્યારે લિ સલાહકાર મંત્રી હતા. મૃત્યુ પર્યંત તેમણે તાંજોગપગાર વિસ્તારમાંથી સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
સિંગાપોરને ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં લઈ આવનાર લિ ક્વાંગ યુ અને તેમના નેતૃત્વ વિશે જાણવા જેવું છે. વકીલ બનવા માટે તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ફિટ્ઝવિલિયમ કૉલેજ ઑફ લૉમાં અભ્યાસ કર્યો, પછી રાજકારણ તરફ વળ્યા. તેઓ આરોગ્ય, કસરત અને ધ્યાન બાબત ખૂબ ચોક્ક્સ હતા. 1990થી 2013 દરમ્યાન તેમના છ સ્મૃતિગ્રંથો પ્રગટ થયા છે.
અમેરિકાને વટાવી ગયેલી સિંગાપોરની ગજબનાક પ્રગતિ કોઈ ચમત્કાર કે અકસ્માત નથી, એની પાછળ અત્યંત પ્રતિભાશાળી અને દેશપ્રેમી દીર્ઘકાલીન વડા પ્રધાન લિ ક્વાન યુની દૂરંદેશી છે. જબરા અને મોટા દેશોથી ઘેરાયેલું અને સંસાધનોના સદંતર અભાવવાળું નાનકડું સિંગાપોર નિષ્ફળ અને દબાયેલું રહેવા જ સર્જાયું છે એવું સૌને લાગતું હતું. પણ લિ ક્વાન યુએ તેને ટકાવ્યું, ઊભું કર્યું અને સફળ બનાવ્યું. સુપિરિયર ઈન્ટેલિજન્સ, શિસ્ત અને સંગઠિત પુરુષાર્થની કમાલ સંસાધનોના અભાવને ઓળંગી ગઈ. લિ વડા પ્રધાન થયા ત્યારે સિંગાપોરની માથાદીઠ આવક 400 ડૉલર હતી. બે પેઢી પછી તે 50,000 ડૉલરનો આંકડો વટાવી ગઈ છે.
કેવી રીતે બન્યું આ? વિશ્વએ, ખાસ કરીને આપણા જેવા ત્રીજા વિશ્વના દેશોએ એમની પાસેથી શું શીખવું જોઈએ? તેઓ ભારત આવ્યા હતા અને જાણકારો કહે છે કે તેઓ ભારતના વડા પ્રધાનોને જે રીતે સમજ્યા હતા એ રીતે ભાગ્યે જ કોઈ સમજ્યા હતા. પંડિત નહેરુને તેઓ ‘લોકોને ખુશ રાખનારા અને સરમુખત્યાર બનવાનું પસંદ ન કરનાર’ કહેતા. લિ ઈન્દિરા ગાંધીએ મૂકેલી કટોકટીના સમર્થક હતા – ‘ભારત જેવા દેશને ડિસીપ્લિન્ડ કરવા કડક પગલાં લેવાં જરૂરી હોય છે.’ તેઓ ભારત આવ્યા ત્યારે એમની દીર્ઘ મુલાકાતો લેનાર અને એનું પુસ્તક કરનાર સુનંદા કે. દત્તા-રૉય કહે છે કે લિ અને શ્રીમતી ગાંધી બન્ને આસપાસના વિશ્વ પર કાબૂ ધરાવતા અને સત્તા માટે કટિબદ્ધ વ્યક્તિત્વો હતાં. પછીનાં વર્ષોમાં નરસિંહરાવ, મનમોહન સિંહ અને અન્ય વડા પ્રધાનો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો હોવા છતાં તેઓ ભારતના સ્વાતંત્ર્ય બાદ થયેલા વિકાસથી ખૂબ અસંતુષ્ટ હતા અને ભારતને વધારે ‘પૂર્વાભિમુખ’ બનાવવા પર ભાર મૂકતા. ‘ભારત વાસ્તવિક અર્થમાં રાષ્ટ્ર નથી, પણ બ્રિટિશ લોકોએ નાખેલી રેલવે લાઈનની આસપાસ વિસ્તરી ગયેલા પ્રદેશોનો લોકશાહી નહીં પણ જમીનદારશાહી સમૂહ છે.’ એવા વિધાનને લીધે એમને ભારતવિરોધી ગણવામાં આવેલા, પણ તેઓ ભારતવિરોધી નહીં, પણ ભારતથી નિરાશ હતા. ભારતની વિપુલ શક્તિ ખોટા રસ્તે વેડફાય છે એવું એમને લાગતું. ‘સાધારણ રીતે ભારતના અમલદારો પોતાના વિસ્તારને કાબૂમાં રાખવા અને શ્રીમંત બનવા પર એકાગ્ર હોય છે. ઉદ્યોગમાલિકોને તેઓ લાલચુ અને તકવાદીઓ કહે છે, એમનો ભરોસો કરતા નથી અને સુવિધાઓ વધારવામાં ભાગ્યે જ ધ્યાન આપે છે.’ આ વિધાનમાં રહેલા સત્યને નકારી શકાય નહીં.
2005માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ લેક્ચર આપવા તેઓ ભારત આવેલા, ત્યારે કહેલું, ‘ભારત પ્રગતિના પંથે જરૂર છે, પણ એની ગતિ ખૂબ ધીમી અને ભૂલભરેલી છે. જે સમય ચાલ્યો ગયો છે એની ભરપાઈ કરવા ભારતે દોડવું જોઈએ અને એ પણ સાચી દિશામાં. નિયતિ સાથે નવો કરાર કરવાનો સમય આવી ગયો છે.’
એમનાં વિચારો આપણે જ નહીં, વિશ્વના દરેક જાગૃત રાષ્ટ્રએ ધ્યાનમાં રાખવા જેવા છે :
*નવી વિભાવનાઓની મુક્ત લેવડદેવડ જરૂરી છે. ચીન આવકની બાબતમાં અમેરિકાને અડકી ગયું છે, પણ સર્જનાત્મકતાની બાબતમાં તે કદી અમેરિકાને આંબી નહીં શકે કેમ કે એની સંસ્કૃતિ મુક્ત વિચારને મંજૂરી આપતી નથી.
-
- હવેનાં વર્ષોમાં ટેકનોલોજીને લીધે સરકારની શાસનપદ્ધતિ પર બહુ મોટી અસર પડશે. 2030 સુધીમાં વિશ્વની 70 ટકા વસતી શહેરોમાં રહેતી હશે અને ઈંટરનેટ વગેરેને કારણે દરેક બાબતમાં એની જાણકારી અને જાગૃતિ વધારે હશે. અત્યારની રીત પ્રમાણેનું શાસન ત્યારે કરવું શક્ય નહીં રહે.
- જે દેશો લોકશાહીથી ટેવાયેલા ન હોય એમના પર લોકશાહી લાદવી એ ભૂલ છે.
- માનવસંસાધનની ગુણવત્તા એ રાષ્ટ્ર માટે સૌથી અગત્યનું પરિબળ છે. લોકોની સર્જનાત્મકતા, ઈનોવેશન, સાહસિકતા, ટીમ વર્ક અને વેપારની નીતિઓ રાષ્ટ્રને વિકાસના શિખરે પહોંચાડે છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ત્રણ ગુણો મહત્ત્વનાં છે : 1. નવી શક્યતાઓ શોધવી અને ગણતરીપૂર્વકનાં જોખમો ખેડવા તૈયાર હોવું 2. ઈનોવેટિવ થવું. 3. વહીવટી કૌશલ્ય કેળવવું જેથી ઉત્પાદનને નવાં બજાર, નવાં વિતરણ-માળખાં મળે. અર્થકારણ નવી જાણકારીઓ અને નવાં સંશોધનોથી ધબકતું રહે. પુસ્તકોની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં ઝંપલાવી માર્કેટિંગ અને મેનેજમેન્ટ, રોકાણ અને નફા જેવી બાબતોમાં નવાં પદાર્પણ કરનાર અર્થશાસ્ત્રી આજે મહત્ત્વનો છે.
- રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી.
- હું મેકિયાવેલી સાથે સંમત છું કે જો કોઈ મારાથી ડરતું ન હોય તો હું નકામો છું. જ્યારે હું બોલું, મારા શબ્દો ખૂબ ગંભીરતાથી લેવાવા જોઈએ.
- માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે.
- ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઑક્ટોબર 2022