રંગો અને ઝળહળાટનો ઉત્સવ બહુ દૂર નથી ત્યારે યાદ આવે છે સર્જકતા અને પ્રેમની અંદર-બહારનાં વિશ્વોની સફર કરાવતું એક કથાનક, એક ફિલ્મ અને એક કલાકાર. ટૂંકમાં ૧૯મી સદીમાં થઈ ગયેલા ચિત્રકારના જીવન ઉપર પ્રકાશ પાડતી રણજીત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ને આધારે બનેલી કેતન મહેતા દિગ્દર્શિત ‘રંગરસિયા’ ફિલ્મ. વાત કરવી છે ફિલ્મમાં નિરુપાયેલા સનાતન દ્વંદ્વોની, શાશ્વત યુગ્મોની અને એના વડે બનેલી જિંદગીની.
શરૂઆત રાજા રવિ વર્મા પર અદાલતમાં ચાલતા કેસથી થાય છે. જજ પૂછે છે, ‘તમારા પર મુકાયેલા અશ્લીલતા, અનૈતિકતા અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપનો તમે સ્વીકાર કરો છો?’ ‘નહીં.’ તે શાંત સ્વરે કહે છે. ‘કાયદો જાણો છો?’ ‘આપ જેટલી કલાને જાણો છો તેટલો જાણું છું.’
અદાલતનાં દૃશ્યો અને ફ્લેશબેકનું સમાંતરે ચાલવું આપણને બતાવે છે કે બાળક રવિની કલા જોઈ રાજા તેને આશ્રય આપે છે, રંગો અને રેખાઓ વચ્ચે તે યુવાન થાય છે ને રાજકુટુંબની કન્યાને પરણે છે. અછૂત દાસીની ભંગિમા જોઈ બનાવેલા એક ચિત્રને આંતરરાષ્ટ્રીય ઈનામ મળે છે. ‘રાજા’નું બિરુદ અને આશ્રય આપનાર રાજાનું અવસાન થતાં દીવાન તેને મુંબઈ લઈ આવે છે, ‘આ સ્વપ્નનગરી છે. અહીં પ્રતિભાની કદર છે. તું બસ કામે લાગી જા.’ એક મંદિરમાં તેને એક સુંદર, નિષ્પાપ યુવતી દેખાય છે. રાતભર જાગીને બનાવેલા સ્કેચ લઈ બીજે દિવસે રવિ એ યુવતી સુગંધાને આપે છે. બીજે દિવસે એ સ્કેચ લઈ સુગંધા રવિ પાસે જાય છે. જાણે મુલાકાત નક્કી હોય તેમ રવિ ચિત્ર બનાવવા તૈયાર છે, એને બેસાડીને કહે છે, ‘સરસ્વતીથી શરૂ કરીશું. જ્ઞાન અને કલાની દેવી.’ ‘મને શું ખબર દેવી કેવી હોય?’ ‘હું બતાવું.’ કહી એ દીવો કરે છે, સુગંધાની આરતી ઉતારે છે, એના ચરણે ફૂલો ધરે છે, વંદન કરે છે, તેના પગનો પંજો કોમળતાથી-આદરથી પોતાની હથેળી પર લઈ બીજા પગ પર ગોઠવી આપે છે અને સર્જાય છે વર્ષોથી આપણે મા સરસ્વતી તરીકે જેની પૂજા કરીએ છીએ એ સરસ્વતી દેવીનું ચિત્ર : લાલ ચોળી, સફેદ સાડી, છૂટા વાળ, માથે મુકુટ, હાથમાં વીણા. સુગંધા વેશ્યા છે, એક શ્રીમંતની રખાત છે. કહે છે, ‘તું મારા વિશે કશું જાણતો નથી,’ રવિ ચિત્ર પરથી આંખ હટાવ્યા વિના કહે છે, ‘જેટલું જાણું છું, મારા માટે પૂરતું છે.’
અને સફર શરૂ થાય છે – કલાકાર અને પ્રેરણામૂર્તિ વચ્ચેના અનુબંધની. સુગંધાને ખબર છે કે પોતે કલાકારની પ્રેરણા હોઈ શકે, પ્રિયતમા કદાચ નથી, પણ તેનું મન એ સ્વીકારવા તૈયાર નથી. આ બાજુ વડોદરાના મહારાજાનું તેડું આવે છે ને રવિની જિંદગીનો નવો અધ્યાય શરૂ થાય છે. ભારતનું સંસ્કૃતિધન આલેખવા આતુર રવિને મહારાજા દેશાટન પર મોકલે છે અને રવિ ચિત્રોનો ફાલ ઉતારે છે – રામાયણ-મહાભારતની વાર્તાઓ, દેવીદેવતાઓ. વિશાળ ચિત્રખંડની દીવાલો ઢંકાતી આવે છે.
કલાપ્રદર્શન આમજનતા માટે ખુલ્લું મુકાય છે. લોકો ઊમટે છે, મંદિરમાં પ્રવેશી ન શકતા દલિતો ભાવવિભોર થઈ રવિનાં ચિત્રોમાં સાક્ષાત ભગવાન જોઈ આળોટી પડે છે. રવિને એક પ્રતિભાશાળી સાથી પણ મળ્યો છે, ધુંડીરામ ફાળકે. લોકપ્રિયતા, ધન, પ્રતિષ્ઠા ને સફળતાની ટોચે પહોંચેલો રવિ જર્મન પ્રિન્ટર ફિશ લાઈઝર સાથે પ્રેસ શરૂ કરે છે અને તેનાં ચિત્રોનાં હજારો લિથોગ્રાફ ભારતના ઘરેઘરમાં ને વિદેશમાં પણ પહોંચવા લાગે છે.
પણ ક્યારેક તે ઉદાસીમાં ડૂબી જાય છે. સુગંધા કારણ પૂછે છે ત્યારે તે કહે છે, ‘આકાશમાં ઊડી જતી ઉર્વશી અને તેનું સરી જતું વસ્ત્ર પકડતો પુરુરવા – સુગંધા, આ પળનું ચિત્ર મારે બનાવવું છે. આવાં ઘણાં ચિત્રો મનમાં છે, પણ કદી નહીં બનાવી શકું. મોડેલ કોણ બનશે? આપણે, પોતાના સત્યને ઓળખતાં ડરીએ છીએ. ખરેખર તો આઝાદ થતાં ડરીએ છીએ. આપણી કલ્પના પણ ડરના કિલ્લામાં કેદ છે …’ વાક્ય પૂરું થાય એ પહેલા સુગંધા ખુલ્લા ખભા પરથી સાડી સરકાવી દઈ જવાની મુદ્રામાં ઊભી રહે છે. અત્યંત આતુરતા અને અધીરાઈથી કલાકાર ઈઝલ પર કાગળ મૂકે છે અને અર્ધ-અનાવૃત્ત ઉર્વશીનાં ત્રણ ચિત્ર તૈયાર થાય છે. ચિત્રો પૂરાં થતાં પ્રસન્નતૃપ્ત કલાકારમાં રહેલો પુરુષ હણહણે છે અને અદમ્ય તલસાટભરી સુગંધાને પોતાનામાં સમાવી લે છે.
પછીના દૃશ્યમાં સુગંધાનું વાસ્તવ છે. શરીર પર અને સાડી પર રંગરંગના ધાબાં લઈ સુગંધા ઘરમાં પ્રવેશે છે. એનો શેઠ ધમકીભરી આંખો બતાવતો ચાલ્યો જાય છે. અર્થાત, ગરીબીની શરૂઆત. વાસ્તવ રવિનું પણ છે. એના પ્રેસમાં આગ લાગે છે. એ જીવના જોખમે થોડાં ચિત્રો બચાવી લે છે, પણ ખૂબ નુકસાન થયું છે. વાસ્તવ દેશનું પણ છે. પ્લેગની મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. બ્રિટિશ શાસકો સ્વાતંત્ર્યવીરોને કચડી રહ્યા છે. ધર્માચાર્ય ગણાતા શાસ્ત્રીજી પ્લેગને રવિ વર્માના વેશ્યાને દેવી વનાવી તેનાં નગ્ન ચિત્રો બનાવવાના પાપનું પરિણામ સાબિત કરવા કટિબદ્ધ છે. ઉશ્કેરાયેલા લોકો રવિને માર મારે છે. રવિની આંખોમાં સ્વપ્નનો ધુમાડો ઊડે છે પણ તેની છાતી સાબૂત છે.
આ બાજુ ઉર્વશીનાં ચિત્રોની પ્રિન્ટ્સ ખૂબ ઊપડે છે. હજામો ગ્રાહકોને આકર્ષવા દુકાનોમાં ઉર્વશીનાં ચિત્રો રાખવા લાગ્યા છે. સુગંધાની અશ્લીલ મશ્કરીઓ થવા લાગી છે. કલાની, પ્રેમની, સર્જનની દિવ્ય પળોનું આવું અવમૂલ્યન? આહત સુગંધા રવિ પાસે જાય છે અને કહે છે, ‘મને કૉર્ટમાં બોલાવી છે, આબરુનાં ચીંથરાં ઊડી ગયાં છે. તેં કદી વિચાર્યું છે કે મારું શું થશે?’
રવિનું પ્રેસ વેચાઈ ગયું છે, ઉંમર અકાળે વધી ગઈ છે, અદાલતમાં કેસ ચાલે છે. બધી બાજુથી ઘેરાયેલો એ સુગંધાને કહી દે છે, ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …’
‘હું છું જ નહીં?’ કલાકાર કલ્પનાના વાસ્તવમાં જેને સર્વસ્વ સમજતો હોય તેને એ વાસ્તવની બહાર ઓળખવાનો ઈનકાર કરી શકે – પણ પોતાને દેવીના આસને બેસાડનારા અને ઉત્કટ ક્ષણોમાં એકાકાર થઈ જનારા કલાકારના સર્જકઆવેગ અને પુરુષઆવેગને રોમેરોમે અનુભવી ચૂકેલી સુગંધા પોતાના કશું ન હોવાને કેવી રીતે સ્વીકારી શકે?
તે ભાંગી પડે છે, પણ અદાલતમાં કહે છે, ‘રાજા રવિ વર્મા સાચો કલાકાર છે. તમે, હું કોઈ નહીં રહીએ, પણ તેની કલા હંમેશાં જીવશે અને તેના માધ્યમથી હું પણ.’ અને ઘેર જઈ પથારીમાં તૂટી પડે છે. આ બાજુ રાજા રવિ વર્મા અદાલતમાં કહે છે, ‘કલાનું સત્ય નક્કી કરનારા તમે બધા છો કોણ? કામસૂત્ર અને ખજૂરાહોનાં શિલ્પોનો આદર કરનારી ભારતની સંસ્કૃતિ એક અર્ધખુલ્લા શરીરને જોઈ ભાંગી જાય એટલી નબળી નથી. પણ મને દેખાય છે એક છેતરાયેલી સ્ત્રી. પોતા દ્વારા, પુરુષ દ્વારા, સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા, સ્વયં દેવતાઓ દ્વારા સતત છેતરાતી રહેલી સ્ત્રીના આપણે બધા અપરાધી છીએ.’
રવિ વર્માને મુક્ત કરવામાં આવે છે. સુગંધા ગળે ફાંસો ખાઈ જીવન-મુક્ત થઈ ચૂકી છે. કલા અને પ્રેરણા, સર્જકતા અને પ્રેમ, વાસ્તવ અને સત્ય, પુરુષ અને સ્ત્રીનાં દ્વંદ્વોએ ઊઠાવેલા પ્રશ્નો અંતે અનુત્તર રહી ગયા છે.
એક પ્રશ્ન મનમાં ઊઠે છે; જેનો ઉત્તર છે પણ, નથી પણ. જો સ્ત્રી કલાકાર હોય, જો પુરુષ તેની પ્રેરણા હોય અને જો કોઈ તબક્કે એ તેને એમ કહે કે ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં…’ તો?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 નવેમ્બર 2023