ઑગસ્ટ મહિનાની શરૂઆત થાય અને કરેંગે યા મરેંગેની લડત યાદ આવે – એવી વિરાટ ઘટના કે તેને વિષે વાંચવા, લખવા કે વિચારવાથી તેનો અંદાજ ન આવે.
કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ? નારાયણ દેસાઈના શબ્દોમાં કહીએ તો ભારતના કુરુક્ષેત્રમાં બે સૈન્ય સાબદાં થઈ સામસામે ઊભાં રહી ગયાં હતાં. એક બાજુ બ્રિટિશ સરકાર હતી બીજી બાજુ સત્યાગ્રહી સેના. બ્રિટિશ સરકારની લગામ વિન્સ્ટન ચર્ચિલના હાથમાં હતી. એમણે ક્યારનું જાહેર કરી દીધું હતું કે સત્તાને આટોપી લેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હાડોહાડ સામ્રાજ્યવાદી ચર્ચિલને ખ્રિસ્તી ધર્મ કે કોઈ રાજકીય વિચારધારાની પરવા નહોતી. તેઓ માનતા હતા કે બ્રિટનનો ભારત પર અધિકાર છે અને એ પકડ તેમણે મજૂબત રાખવી હતી. એમ કરવામાં ગાંધી જેવાનો ભોગ લેવો પડે તો તેમ કરતાં ય ખચકાય નહીં એવી તેમની મક્કમતા હતી. ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની ઝીણામાં ઝીણી હિલચાલ પર ચાંપતી નજર રાખી સામ્રાજ્યને મજબૂત કરે એવા માર્ગે લઈ જાય એવી શકુનિ બુદ્ધિવાળા વજીર લિઓપોલ્ડ એમરી બધો કારભાર સંભાળતા હતા અને ભારતમાં એમના વતી વહીવટનું સુકાન સંભાળતા હતા વાઈસરૉય લોર્ડ લિનલિથગો. ભારતની અને ભારતના રાજકીય પક્ષોની નાડ પારખતાં તેમને આવડતું હતું. ગોરા અને કાળા અમલદારોની ફોજ અને એક આખું વહીવટી તંત્ર તેમના હાથ મજબૂત કરતું હતું.

બા – બાપુ
બીજી બાજુ હતી સત્યાગ્રહી સેના. એનું માર્ગદર્શન એક એવા માણસના હાથમાં હતું જેણે સંઘર્ષ કરવાનું અવનવું સાધન શોધ્યું હતું. એ સાધન તેણે વિશ્વના બે ખંડોમાં સફળતાપૂર્વક વાપર્યું હતું. દરેક સંઘર્ષ વખતે એની રણનીતિ કોઈ નવું તત્ત્વ લઈને આવતી. આ સેનાપતિની અસલી તાકાત તેનું આત્મબળ હતું. એની મક્કમતા સામેના સેનાપતિ કરતાં જરાયે ઊતરે એવી ન હતી. એને સાથ હતો બત્રીસલક્ષણા સાથીઓનો, જેમણે જાતે તપી તપીને પોતાને કંચન સમા વિશુદ્ધ કર્યા હતા. એમની તાકાત એમની દેશભક્તિ અને ગાંધીજીમાં એમની શ્રદ્ધાની હતી. આ સેનાનો મુખ્ય આધાર ભારતની કરોડોની જનતા પર હતો. આ જનતા સત્યાગ્રહના શસ્ત્રને ભલે આછુંપાતળું સમજતી હતી, પણ તેની રગોમાં સત્પથ પર ચાલવાની પ્રેરણા વહેતી હતી.
બ્રિટિશ સરકારને આ સેના અને તેની લડતનો બે દાયકાનો અનુભવ હતો. આ વખતે જૂની ભૂલો ન કરવાનો સંકલ્પ હતો. ગાંધી ઉપવાસની રમત રમે કે બીજું કોઈ અણધાર્યું પગલું ભરે એ પહેલાં જ એમને ઝડપી લેવા એ નક્કી હતું. વિશ્વયુદ્ધ ચાલુ હતું. થોડા લોકો મરશે તો ય બહુ હોબાળો થવાનો સંભવ ન હતો, એ સરકારને ખબર હતી.
આ વખતે જનતાએ પણ કમર કસવા માંડી હતી. ‘ભારત છોડો’ શબ્દ ગાંધીજીએ પોતાના લેખોમાં કદી વાપર્યો ન હતો. એમને તો, અંગ્રેજો પોતાના ભલા ખાતર સ્વેચ્છાએ ભારત છોડે એ જ અભિપ્રેત હતું. જનતાના હૃદયમાંથી એનું સૂત્ર ઊઠ્યું હતું. ‘ભારત છોડો’ અને એ સૂત્રોચ્ચાર સાથે વિદ્યુતપ્રવાહ વહી નીકળ્યો હતો. ૧૯૨૦માં અસહકાર આંદોલન વખતે દેશનો શિષ્ટ સમાજ જેલમાં જવા તૈયાર થયો હતો, ૧૯૩૦-૩૨માં ભારતની નારીઓ વીરાંગના બની બહાર નીકળી હતી અને આ વખતે, ૧૯૪૨માં આબાલવૃદ્ધ સૌ હાથમાં માથું લઈને ઝંપલાવવા તૈયાર હતાં.
સંગ્રામ શરૂ કરવા માટે મુંબઈ સૌથી વધારે અનુકૂળ મહાનગર હતું. અહિંસક આંદોલન શરૂ થયું ત્યારથી મુંબઈનો એને મક્કમ ટેકો હતો – પછી તે વિદેશી કપડાંની હોળી હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે તિલક સ્વરાજ નિધિ હોય. ૧૯૪૨નો ઑગસ્ટ મહિનો બેઠો અને મુંબઈમાં નવા ઉત્સાહનો સંચાર થયો. ૭ અને ૮ ઑગસ્ટે મહાસમિતિની બેઠક ગોવાલિયા ટેન્ક પર ભરાવાની હતી. આગેવાનો આવે તે પહેલાં જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સામસામા તાર થઈ ચૂક્યા હતા અને ક્યારે કોની ધરપકડ કરવી અને કોને કઈ જેલમાં રાખવા તેનો વ્યૂહ રચાઈ ચૂક્યો હતો.
૮ ઑગસ્ટે ગોવાલિયા ટેન્ક મેદાન પર માનવમહેરામણ સમાતો નહોતો. આગેવાનો પ્રવેશતા અને ‘વંદે માતરમ્’, ‘જય હિન્દ’ જેવાં ગગનભેદી સૂત્રો ગાજી ઊઠતાં. સરદાર પટેલે કહ્યું, ‘સરકાર પ્રચાર કરે છે કે કૉંગ્રેસ તો મૂઠીભર ચળવળિયાઓની ધાંધલ છે. નવ કરોડ મુસ્લિમો, સાત કરોડ હરિજનો, લાખો બુદ્ધિજીવીઓ કૉંગ્રેસ સાથે નથી. રેડિકલો, કોમ્યુનિસ્ટો, ડેમોક્રેટો પણ કૉંગ્રેસ સાથે નથી. હું કહું છું કે જો અમારી સાથે કોઈ નથી, તો પછી સરકારને અમારો આટલો ભય કેમ છે ? વિશ્વયુદ્ધ પૂરું થાય એ પછી આઝાદી આપવાના વચન આપવામાં આવે છે પણ લડાઈને અંતે આઝાદી આપવા સારુ અંગ્રેજો અહીં હશે કે કેમ એ પ્રશ્ન છે. દરેક ભારતીયના મનમાં એક જ વાત છે કે અંગ્રેજો ભારત છોડો અને અમને અમારું ફોડી લેવા દો.’
ગાંધીજીએ કહ્યું, ‘આ વખતની લડતમાં ઘણી મોટી કુરબાની કરવી પડશે. કારણ મુસ્લિમ લીગનો વિરોધ છે. અંગ્રેજોનો પણ વિરોધ છે, સર ફ્રેડરિક પકેલના પરિપત્રમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી સંસ્થાઓને એક થઈ કૉંગ્રેસ સામે મોરચો માંડવા ખુલ્લી ઉશ્કેરણી છે. આવી આ સલ્તનતનો આપણે સામનો કરવાનો છે જેના રસ્તા કુટિલ છે. આપણો રસ્તો સીધો છે. સત્યાગ્રહમાં જૂઠ કે ફરેબને સ્થાન જ નથી …. આ ઘડીથી સૌ કોઈ પોતાને આઝાદ માને અને આઝાદ નાગરિક તરીકે વર્તે. હું તમને એક ટૂંકો મંત્ર આપું છું; એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે, ‘કરેંગે યા મરેંગે.’ દેશને કાં તો આઝાદ કરીશ, નહીં તો મરી ફીટીશ. દરેક ભાઈ અને બહેન આઠે પહોર એક જ ધ્યાન ધરે કે સવાર-સાંજ ખાઉં છું તો આઝાદી માટે, જીવું છું તો આઝાદી માટે અને પ્રસંગ આવ્યે મરીશ તે પણ આઝાદીને માટે.
‘મારી હંમેશની ટેવ મુજબ મારે હજી ઘણી વિધિઓ પૂરી કરવાની છે. આ બોજો અસહ્ય છે. જે મંડળોમાં હું શાખ ગુમાવી બેઠો છું તેમની આગળ દલીલો કરવાની ચાલુ રાખવાની છે. છેલ્લા થોડા દિવસોમાં હું મારા મિત્રોમાં પણ શાખ ગુમાવી બેઠો છું. જે માણસ સત્યનો શુદ્ધ શોધક હોય, તથા ભય કે દંભ વગર પોતાની શક્તિ-મતિ અનુસાર માનવજાતિની સેવા કરવા ઇચ્છતો હોય તેના જીવનમાં આવા પ્રસંગો ઊભા થાય છે. તેને આખી દુનિયા સામે એકલા ઊભા રહેવું પડે છે પણ તે સર્વસ્વ ત્યાગીને પણ જેને ખાતર તે જીવ્યો છે અને જેના ખાતર તેને મરવાનું છે તેનો ઇન્કાર કરતો નથી ….’
માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર બિરલા હાઉસે પાછા ફરતાં ગાંધીજીને રાત પડી ગઈ હતી. આવતાંની સાથે તેમણે સાથીઓ સાથે બેસીને પ્રાર્થના કરી અને થોડી વારમાં સૂઈ ગયા. પણ બા, મહાદેવભાઈ અને સાથીઓની ઊંઘ વેરણ થઈ હતી. સવારે ચાર વાગ્યે પોલીસ આવી અને ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેનને ગિરફ્તાર કર્યાં. કસ્તૂરબાને ગાંધીજી સાથે જવું હોય તો કેદ થઈને જઈ શકે એવો વિકલ્પ હતો. એમણે ગાંધીજીને પૂછ્યું, ‘શું કરું ?’ ‘મારી સાથે આવવું હોય તો હું તને રોકીશ નહીં. પણ જો મને પૂછતી હોય તો હું એમ કહું કે કાલે શિવાજી પાર્કની સભામાં મારા વતી ભાષણ કરતાં તું પકડાય એ મને વધારે ગમે. પણ પછી સરકાર તને મારી સાથે ન પણ રાખે. એ બધું વિચારીને તું નિર્ણય લે.’ એક ક્ષણમાં કસ્તૂરબાએ નિર્ણય લઈ લીધો, ‘હું ભાષણ કરવા જઈશ અને પકડાઈશ. જે જેલમાં રાખશે ત્યાં રહીશ.’
આપણે આ દેશનાં, આ બા અને બાપુનાં સંતાનો છીએ, તે યાદ રાખીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ઑગસ્ટ 2024
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 08 તેમ જ 06