હાલ ગુજરાતી સાહિત્યમાં કોઇ INTJ છે?
ટૂંકમાં, એને મેધાવી યોજક, સર્જક કહેવાય – માસ્ટરમાઈન્ડ.
મનોવિજ્ઞાનીઓએ માણસોની વ્યક્તિમત્તાના ૧૬ પ્રકાર સૂચવ્યા છે. એમાં આ પ્રકાર વિરલ છે. ૨-૩ ટકા જ મળે.
I એટલે Introversion. એ વ્યક્તિ અન્તર્મુખી હોય છે.
N એટલે Intuition. સહજસ્ફુરણાને વરેલી હોય છે – અન્તર્જ્ઞાની.
T એટલે Thinking વિચારશીલ હોય છે.
J એટલે Judgement. સારાસારનો વિવેક કરી શકે છે.
જો કે એ ટોચે બેસેલો એકાકી હોય છે. એને સમાનરુચિ ધરાવનાર કોઇ ભાગ્યે જ મળે છે. છતાં, એવું કોઇ મળી જાય તો એના પર વરસી પડે છે કેમ કે મૂળે ખૂબ પ્રેમાળ બલકે વળકુળા સ્વભાવનો હોય છે.
જ્ઞાનનો પિપાસુ હોય છે. નાનપણથી પુસ્તકો ખૂબ વાંચે, મિત્રો ‘ગ્રન્થકીટ’ કહીને ચીડવે પણ કદી ચીડાય નહીં બલકે એ વાતનો ગર્વ કરે.
પ્રવાસમાં એકલો હોય ત્યારે વિચારે ઘણું.
કદી પણ ગેરસમજોનો સહભાગી ન થાય.
પોતાના ક્ષેત્રે પોતાની સમજ અનુસારનાં આયોજનો કરે.
પોતાનાં શક્તિ-સામર્થ્ય કદી પણ ગાંડાની જેમ ન ખરચે.
ધાર્યું નિશાન પાર પાડે જ પાડે.
એનો બુદ્ધિવાદ ક્રૂર ભાસે. એ વાર્યો વળે નહીં.
સિદ્ધાન્તને વિશે અવિચળ હોય છે.
સામાજિક રીતરસમો એને સદંતરની મૂરખામીભરી લાગે, ગણકારે નહીં, અમસ્તી ઝાકઝમાળથી છેટો રહે.
પોતાના દેશકાળે નવસર્જન કાજે ઘણુંક ઘણું ભાંગે, તોડે-ફોડે.
પોતાની વાતને સમ્પન્ન કરીને જંપે, હંમેશાં પૂર્ણતાએ પ્હૉંચાડે
એની વ્યક્તિતા વિરોધાભાસી હોય છે :
– આમ ભોળિયો આદર્શવાદી પણ એટલો જ સખત ટીકાકાર.
– કશું અશક્ય છે એમ ન માને – માને કે બુદ્ધિ અને પરિશ્રમથી દુનિયાની કોઇ પણ ચીજ હાંસલ કરી શકાય છે. પણ એમ પણ સમજીને ચાલે કે લોક મૂર્ખ હોય છે, કશું પણ સિદ્ધ કરવાને વિશે આળસુ ને બાઘ્ઘા હોય છે.
– કલ્પનાશીલ, પણ એટલો જ નિશ્ચલ – તરત નિર્ણય લઇ શકે.
— મહત્ત્વાકાંક્ષી, પણ એટલો જ મનસ્વી અને બધી બાબતે આતુર.
– પોતાની સૂઝબૂઝ પર એનું પ્રભુત્વ ઘણું. છતાં, પોતાને લાધેલા જ્ઞાનમાં બીજાઓને સહભાગી કરવા ઝંખે.
છેલ્લી મજાની વાત. જીવન એને ચેસની રમત લાગે. પ્યાદાં અહીંથી તહીં ખસતાં રહે કેમ કે બુદ્ધિ એની સતત એમને ખસેડ્યા કરે. સામાવાળો કે સામાવાળી જીતે તો દુ:ખી ન થાય, હારને પ્રેમથી પચાવી જાણે કેમ કે એને ફરીથી ને સતત રમવાના અભરખા હોય.
કોઇ છે આટલાતેટલામાં? હોય તો કહેજો. બાકી સમજી લેજો કે હું બેચૅન કેમ છું.
![]()


સોની દાગીનો ઘડતો હોય ત્યારે કેટલીક બારીક કરચો અહીં તહીં પડી જતી હોય છે. એને 'ખેરો' કે 'ગેરો' કહેવાય છે. હાથ નવરો પડે ત્યારે એ સાવચેતીથી પહેલી આંગળીનો દાબ આપીને કે નાની ચીપૂડી વડે કરચોને અંકે કરી લેતો હોય છે. કોઇ કોઇ સાહિત્યકારો એમ કરે છે અને હું પણ એમ કરતો હોઉં છું. લખવા દરમ્યાન કોઇ વિચાર કે વિચારને રજૂ કરતું વાક્ય સરકી ગયું હોય કે કાચુંપાકું લાગ્યું હોય તો એને ત્યાં ને ત્યાં પડી રહેવા દઉં છું. ક્યારેક તો આખા ને આખા ફકરા પણ એમ જ પડી રહેતા હોય છે. ન વપરાતી રેલવે લાઈનના કટાઈને વરવા દીસતા પાટા જેવી એ લીટીઓને અવારનવાર દયાળુ નજરે જોતો હોઉં છું. કાગળ પર લખતો'તો ત્યારે તો ફટ કરતોક ને ડૂચો કરી ફગાવી દેતો. પણ કમ્પ્યૂટર પર જન્મેલા એ સુન્દર અક્ષરોનાં રૂપરૂપાળાં વાક્યોને ડીલીટ કરવાનો જીવ નથી ચાલતો. એટલે, 'ખેરો' નામના એક આર્કાઇવ્ઝ-બૉક્સમાં કાળજીપૂર્વક સંઘરી રાખું છે.
માણસના જીવનમાં એક અને અનેક-ની નિત્ય સહજ રમણા છે.
કેવીક છે એ નિજી નિરાળી સૃષ્ટિ ? શી છે કમલની વિલક્ષણતા ? સમજવાનો મારો યત્ન કંઇક આવો છે :
કમલ આપણા સમયના એક ક્યુટ માધ્યમસભાન કવિ છે. પણ અહીં હવે, આ સૃષ્ટિમાં, માધ્યમથી એઓ સાવ જ નિર્ભ્રાન્ત થયા દીસે છે. સભાનતા જાણે એમને નિષ્ઠુર સત્યો લગી દોરી ગઇ. નિર્ભ્રાન્તિ અને તેથી થયેલાં દર્શનોનો આ સંગ્રહ મને વિરાટ શબ્દાકાર લાગ્યો છે.