સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું રે લોલ …..
કેટલા જમાનાથી વેઠી છે વેદના, આવડો જુલમ નહીં સહીશું રે લાલ …..
ઘરખૂણે કેદ કર્યાં ઘરકૂકડી નામ દીધાં,
નીકળ્યાં જો બહાર ત્યારે પળપળ બદનામ કીધાં,
એવા અપમાન નહીં પીશું રે લોલ ……
સરખી સાહેલી અમે …..
કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં,
રૂઢિરિવાજ ને ઘરની જંજાળમાં,
કેટલા દિવસ હવે રહીશું રે લોલ ….
સરખી સાહેલી અમે ……..
આપણાં દુ:ખોને હવે આપણે જ ફેડવાં,
ટક્કર ઝીલવી છે હવે આંસુ ન રેડવાં,
વજ્જર હૈયાનાં અમે થઈશું રે લોલ …..
સરખી સાહેલી અમે ………
સાથે મળીને અમે શમણાં ઉછેરશું,
સદીઓ પુરાણાં આ બંધનને તોડશું,
ખળખળતી નદીઓ થઈ વહીશું રે લોલ ……
સરખી સાહેલી અમે …….
![]()


મને સૌપ્રથમ તો એ કહેવા દો કે સર્જકમાત્ર સ્વતંત્ર છે અને પ્રતિબદ્ધ પણ છે, અને પક્ષધર પણ છે જ! કારણ કે એ અન્ય જીવનવ્યાપારો કરવા ઉપરાંત ‘સર્જન’ કરે છે …. શબ્દના માધ્યમથી અને અન્ય માધ્યમો દ્વારા પણ કંઈક સર્જે છે, બનાવે છે, નિર્માણ કરી શકે છે અને એટલે જ તો આપણે એને કંઈક ‘લોકોત્તર’, ‘મુઠ્ઠી ઊંચેરો’, ‘આર્ષદૃષ્ટા’, ‘સ્વપ્નદૃષ્ટા’ વગેરે કહીને નવાજીએ છીએ. સમયે સમયે, કહો કે પ્રત્યેક સમયે … યુગસંદર્ભે એની પાસેથી આપણને શું મળે છે, તે માટે મીટ માંડીને બેસીએ છીએ. યાદ છે, આજથી બરોબ્બર નવ્વાણું (૯૯) વર્ષ પહેલાં, આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં અધ્યક્ષ આચાર્ય આનંદશંકર ધ્રુવે સર્જકની વ્યાખ્યા બાંધતાં, સર્જક પાસે પોતાના સમયબોધની અપરંપાર અપેક્ષા વ્યક્ત કરતાં શું કહ્યું હતું ? …