પુસ્તક પરિચય
 ‘બાલ પરિમલ’ વાર્તા સંગ્રહમાં રાજુલાની પ્રાથમિક શાળાના શિક્ષક જાગૃતિ રાજ્યગુરુએ બાળકોને મજા પડે તેવી અવનવી કલ્પનાઓ કરી છે. પાંચુ સસલો પ્રાણીઓનાં સરસ ચિત્રો દોરે છે એટલે જંગલમાં વાઘ-સિંહ સહિત કોઈ પ્રાણી એને કશું કરતાં નથી, બધાં એના લાડ કરે છે.
‘બાલ પરિમલ’ વાર્તા સંગ્રહમાં રાજુલાની પ્રાથમિક શાળાના શિક્ષક જાગૃતિ રાજ્યગુરુએ બાળકોને મજા પડે તેવી અવનવી કલ્પનાઓ કરી છે. પાંચુ સસલો પ્રાણીઓનાં સરસ ચિત્રો દોરે છે એટલે જંગલમાં વાઘ-સિંહ સહિત કોઈ પ્રાણી એને કશું કરતાં નથી, બધાં એના લાડ કરે છે.
એક બગીચામાં મરઘી સુગંધી ફૂલોની માળા બનાવીને એના પીલાને પહેરાવે છે, અને પોતે પણ ગુલાબનું ફૂલ માથા પર લગાવે છે. ચીબરી ખેતરની રખેવાળ છે અને તે રાત્રે કૂણાં ટામેટાં ખાવા કરતાં વધારે બગાડનારા ચામચીડિયાને પકડી પાડે છે.
કાંચિડાને ઘર વગર ખુલ્લામાં રહેવાનો કંટાળો આવે છે, તે સુગરીના માળા જેવા ઘર માટે ઝંખે છે એટલે બધા પક્ષીઓ તેને ઘર બનાવી આપે છે.
ટેક્નોલૉજિના જમાનાની કલ્પનાઓ તો વળી ઑર નોખી છે. સ્વીટુ ખિસકોલી કમ્પ્યૂટર શીખે છે, અને તેની નિશાળમાં આવતાં બધાં પશુ-પંખીઓને શીખવે છે.
દલાભાઈ રબારી મંકુ માકડાને મોબાઇલ આપે છે અને તેના બદલામાં ઘેંટાં-બકરાં ચરાવવાના કામમાં તેની મદદ લે છે. હોશિયાર વાંદરો બહેરા સિંહના પગમાં સિસોટીવાળા બૂટ પહેરાવીને તેનો ભોગ બનતાં પ્રાણીઓને બચાવી લે છે. પંખીઓનાં ઇંડાં ચોરી લઈને ફોડી નાખતી ઇર્ષાળુ ટિટોડીને શકરો બાજ સી.સી.ટી.વી. કૅમેરા લગાવડાવીને પકડી પાડે છે.
સહુથી આશયપૂર્ણ કલ્પના બે વાર્તાઓમાં છે. ‘હું કોણ’માં અનુપમ લાવણ્યવતી એક દૈવી કન્યા પોતાની પાસેનો લખલૂટ ખજાનો ભારતના બધા લોકોને આપી દેવા આવી હોય છે.
બધા રાજ્યોના લોકો તેના માટે ઝગડવા લાગે છે. એટલે એ કન્યા શરત મૂકે છે કે તે કયા રાજ્યની છે. તેને જે રાજ્યના લોકો ઓળખશે તેમને ખજાનો મળશે.
કન્યા તો દેશની બધી ભાષાઓ જાણતી હોય છે, બધા જ પ્રદેશોના નૃત્યોમાં પાવરધી હોય છે, બધા રાજ્યોની વાનગી તેને બનાવતા આવડે છે, અને કોઈ પણ રાજ્યના પરંપરાગત વસ્ત્રોમાં એ એકસરખી સુંદર લાગે છે.
કોઈ રાજ્ય એને પોતાના રાજયની હોવાનો હકદાવો કરી શકતું નથી, બધાં હારે છે. આખરે એ કન્યા આપણા દેશના નકશામાંથી ભારતમાતા તરીકે પ્રગટે છે.
‘છેલ્લું ચિત્ર’માં ભગવાન એક ભલા અને દયાળુ ચિત્રકારને જાદુઈ પીંછી, અને એવું વરદાન આપે છે કે એ જે ચિત્રો દોરે તે સાચું થઈ જાય. ચિતારો હળ-બળદથી ખેતી કરી રહેલાં ગરીબ-અશક્ત ખેડૂતને જોઈને તેને ટ્રૅક્ટરનું ચિત્ર દોરીને ટ્રૅક્ટર આપે છે અને આગળ વધે છે.
એ જ રીતે ચિતારો ગરમી અને ધુમાડાભર્યા શહેરમાં વૃક્ષો અને રણમાં પાણી આપીને આગળ વધે છે. થોડા દિવસો બાદ પાછો આવે છે ટ્રૅક્ટરવાળો ખેડૂત મજૂરોનું શોષણ કરતો હોય છે, વૃક્ષો કપાઈને ઇમારતો બની ગઈ છે, પાણી ગટરોમાં જઈ રહ્યું છે.
ચિતારાની વાર્તાની માણસજાત લોભી અને વિનાશક છે. ‘ખેડૂતકાકાનું ખેતર’ વાર્તામાં એક માણસ મધપૂડા બાળી નાખે છે. ફુવારાને ઘમંડ છે કે બગીચામાં આવનાર સહુને એ ગમે છે. કાગડો ઘૂવડ પર રોફ જમાવે છે, અને જિરાફને ઊંચાઈનું અભિમાન છે.
ખીમાભાઈની વાડીમાં કાગડો કુસંપ કરાવે છે. રાહુલના જન્મદિવસે તેના દાદાએ વાવેલા આંબાની કેરીઓ શેરીના લોકો તોડી તોડીને લઈ જાય છે.
સામે પક્ષે શેરીના યુવાનો યુક્તિ કરીને આંબાને સાચવે છે. જંગલના વાંદરા તળાવમાંની માછલીઓને માટે બહારથી ખાવાનું પહોંચાડે છે. નાનકડો દેડકો અને વાંદરો દેડકા, કીડી-મકોડાને અને પંખીઓના ઇંડાંને ખાઈ જતા સાપથી છૂટકારો મેળવે છે.
રિસાઈ ગયેલા બુલબુલને બધાં પશુપંખી મનાવી લે છે. સેવાભાવી હાથી ઉનાળાના દિવસોમાં તળાવમાંથી પોતાની સૂંઢમાં પાણી લઈ આવીને કુંડીમાં ઠાલવીને પક્ષીઓને મદદ કરે છે.
તેમાં એક વખત એક માછલીનું બચ્ચું આવી જાય છે. પક્ષીઓ તેને સાચવી લે છે – તે તરી શકે એટલું પાણી કુંડીમાં રહેવા દે છે, અને માછલીને ખોરાક પણ લાવી આપે છે. ચોમાસે તળાવમાં પાછાં ગયા પછી માછલી સમયસર ચેતવણી આપીને હાથીને મગરથી બચાવે છે.
બાળકોને પ્રિય ફૂલજી ફુગ્ગાવાળો અકસ્માતમાં થયેલી ઇજા પછી ફરીને ફુગ્ગા વેચી શકતો નથી. મોન્ટુ પોતાની વર્ષગાંઠે મમ્મી-પપ્પા પાસેથી ફૂલજીને સાયકલ ભેટ અપાવે છે.
લેખિકાએ સમજદાર શિક્ષકો બતાવ્યાં છે. બીજાં બાળકોનો અવનવાં ટીફિનના ડબ્બાની વચ્ચે ગરીબ ધનુના પિત્તળના ડબ્બાનું કે સાવલીના બાજરીના રોટલાનું મહત્ત્વ ઉપસાવીને વિદ્યાર્થીઓને નાનમમાંથી બચાવે છે. હૃષ્ટપુષ્ટ પણ તોફાની બટુકની શારિરીક તાકાતને શિક્ષક યોગ્ય દિશાએ વાળે છે.
વર્ષોથી શિક્ષક તરીકે કાર્યરત જગૃતિબહેન જણાવે છે : ભાષા શિક્ષક તરીકે વર્ગમાં આઠથી તેર વર્ષની ઉંમરના બાળકોને એકમને અનુરૂપ નવી વાર્તા સંભળાવીને પછી વર્ગકાર્ય શરૂ કરવાથી એમની તાર્કિક શક્તિ અને એકાગ્ર શક્તિને વેગ આપવો, એ મારી શિક્ષક તરીકેની ફરજોને ધ્યાનમાં લઈને આ વાર્તાઓ લખવા પ્રયત્ન કર્યો છે.’
એકાદ-બે ફકરામાં જ સાદી ભાષામાં કરેલાં અનેક સુંદર વર્ણનો લેખિકાની સિદ્ધિ છે. ખીમાભાઈની અને રિસાયેલા બુલબુલની વાડીઓનાં પશુપંખીઓમાં ગજબનાં વૈવિધ્ય, નિર્દોષતા અને સંપ સરસ રીતે વર્ણવાયાં છે.
પિકનિક પર જતાં બાળકોનાં સંખ્યાબંધ ડબ્બા પણ લેખિકાએ બરાબર નીરખ્યા છે. સાબરની જિંદગી કે પ્રાણીઓએ હાથીની કરેલી સારવારનાં વર્ણનો પણ આકર્ષક છે.
કરણ અને શરણ નામનાં ઝરણાંની વાત પણ સરસ રીતે કહેવાઈ છે. ‘હું કોણ?’ વાર્તામાં ભારતની ભાતીગળતા બાળકોની સામે સહજ રીતે રજૂ થઈ છે.
લેખિકાએ આપેલાં ચોટડુક, રમતિયાળ અને પ્રાસયુક્ત નામોની યાદી બને : ચેતુ ચકલી, મીઠી મેના, શાણી સુગરી, દાદુ દરજીડો, કાબરું કબૂતર, કિટ્ટી કોયલ, પિન્ટુ પોપટ, બબલુ બુલબુલ, ચંગુ ઉંદર, ટેટુ રીંછ.
વાર્તાઓમાં ‘સૂકાય ગયા’, ‘સમજાય ગયું’ જેવા પ્રયોગો કે ‘ટેટું’, ‘ભોલું’, ’પાંચું’ ‘રોનું’ જેવા વ્યક્તિવાચક નામોમાં છે બીજા અક્ષર પરનો અનુસ્વાર બંધબેસતા નથી.
એકંદરે ભાષાની માવજતથી લખાયેલી વાર્તાઓમાં ક્વચિત ‘હેલ્પ કરીને’ કે ‘બર્થ ડે ગિફ્ટ’, ‘ક્લાસિકલ નૃત્ય’ જેવા શબ્દપ્રયોગો ખટકે છે. ‘સાવલી રંગે શ્યામ પણ ભણવામાં બહુ હોશિયાર’ જેવા વાક્યમાં, વાર્તામાં ભાગ્યે જ આવતાં conditioning અને stereotype ડોકાય છે.
જો કે આવા અપવાદ બાદ કરતાં, જાગૃતિબહેને આ મનોહર વાર્તાઓમાં કથારસ અને સારપની સુંગંધનો આનંદદાયક સુમેળ સાધ્યો છે.
-—-———————-
બાલ પરિમલ : બાલવાર્તા સંગ્રહ (2021), પ્રકાશક ZCAD Publication, પાનાં 120, રૂ.160/- • મો. 6358852437
[820 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
 


 અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.
અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે. ‘રેતશિલ્પના રૂપસાધક : નથુ ગરચર’ પુસ્તકમાં પોરબંદરના અલગારી કલાકારના બસો સાઠ શિલ્પોના શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ છે, જે તેમની અસાધારણ પ્રતિભાની ઝલક માત્ર આપે છે.
‘રેતશિલ્પના રૂપસાધક : નથુ ગરચર’ પુસ્તકમાં પોરબંદરના અલગારી કલાકારના બસો સાઠ શિલ્પોના શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ છે, જે તેમની અસાધારણ પ્રતિભાની ઝલક માત્ર આપે છે.
