પુસ્તક પરિચય :
  નવસારીની બે યુવતીઓ અને ત્યાંના બે યુવકોએ ‘જિંદગીની પહેલી કમાણી આ પુસ્તકાલયને દાન  સ્વરૂપે અર્પણ કરી’, કેમ કે આ જ્ઞાનકેન્દ્રનો તેમના ઘડતરમાં મોટો ફાળો છે.
 નવસારીની બે યુવતીઓ અને ત્યાંના બે યુવકોએ ‘જિંદગીની પહેલી કમાણી આ પુસ્તકાલયને દાન  સ્વરૂપે અર્પણ કરી’, કેમ કે આ જ્ઞાનકેન્દ્રનો તેમના ઘડતરમાં મોટો ફાળો છે.  
 શિંગચણાની ફેરી કરતા અને વર્ષોથી આ પુસ્તકાલયના સભ્ય સીતારામ જાવરે કહે છે : ‘પુસ્તકોએ મને ખૂબ શીખવ્યું છે.’
 આ પુસ્તકાલય ‘વાચકો પાસેથી કોઈ પણ ફી કે લવાજમ લેતું નથી’, તે ‘ક્યારે ય બંધ રહેતું નથી, સાપ્તાહિક રજા પાડતું નથી, જાહેર રજાઓ પર તો ખુલ્લું જ હોય. વિદ્યાર્થી વાચકો માટે રાત્રે દસ વાગ્યા સુધી વાચનકક્ષ ખુલ્લો રહે છે.’
 ‘હેલ્લો લાઇબ્રેરી : પુસ્તક આપના આંગણે’ નામની વ્યવસ્થા હેઠળ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને દર પંદર દિવસે ઘરે પુસ્તકો પહોંચાડવામાં આવે છે, જેના માટે એક ઇ-બાઇક દાનમાં મળ્યું છે.
 પુસ્તકાલયના કર્મચારીઓ માટે સંચાલકોની કાયમી સૂચના છે : ‘લાઇબ્રેરીમાં આવતા બાળક સાથે ક્યારે ય ઊંચા અવાજે પણ ન બોલશો. આપના એવા વર્તનથી બાળક હંમેશ માટે લાઇબ્રેરીથી અને પુસ્તકથી વિમુખ થઈ જશે.’
 જેમાં મહિલા જ વક્તા હોય તેવું ‘મારું પ્રિય પુસ્તક’ નામનું માસિક વ્યાખ્યાન આ પુસ્તકાલયમાં ચાલે છે, અને ગઈ પા સદીમાં બસો કરતાં વધુ વક્તા આવી ચૂક્યાં છે.
 આ પુસ્તકાલયનું પોતાનું ગીત છે, જે યુ-ટ્યૂબ પર છે. તેની પહેલી પંક્તિ છે :
‘ એક બગીચો જ્ઞાનનો એવો, પુસ્તકનો જ્યાં ગુંજે કલરવ
બાળવાચકો જેનો વૈભવ, ગમે મને આ સયાજી વૈભવ.’
 નવસારીના શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલયને લગતી ઉપરોક્ત હકીકતો જેવી કેટલી ય હૃદયસ્પર્શી માહિતી સંસ્થાની સવાશતાબ્દી વર્ષના અવસરે પ્રગટ થયેલા ‘જ્ઞાનપીઠ વૈભવી’ પુસ્તકમાં વાંચવા મળે છે.
નવસારીના શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલયને લગતી ઉપરોક્ત હકીકતો જેવી કેટલી ય હૃદયસ્પર્શી માહિતી સંસ્થાની સવાશતાબ્દી વર્ષના અવસરે પ્રગટ થયેલા ‘જ્ઞાનપીઠ વૈભવી’ પુસ્તકમાં વાંચવા મળે છે.
વળી, બિસમાર પુસ્તકાલયનો કાયાકલ્પ કરી તેને અત્યારના ઉત્તમ સ્થાને પહોંચાડનારા શિલ્પી મહાદેવભાઈ દેસાઈ(1954 -2022)ના ચાર દાયકાના ‘સમર્પણ અને નિષ્ઠા’નું પ્રભાવક ચિત્ર પણ ઘણાં લેખોમાંથી ઉપસે છે.
ગ્રંથાલયના ઇતિહાસને લગતા લેખો પણ છે. રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ((1863-1939) અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંની જાહેર ગ્રંથાલય પદ્ધતિ – Public Library Systemથી બહુ પ્રભાવિત થયા.
દેશના વિકાસમાં જાહેર ગ્રંથાલય નામની સંસ્થાનું મહત્ત્વ બરાબર સમજીને તેમણે વડોદરા રાજ્યમાં ગ્રંથાલય પ્રવૃત્તિ શરૂ કરવામાં પહેલ કરી. તેમણે પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથપાલ વિલિયમ બોર્ડનને વડોદરા નિમંત્રણ આપ્યું. તેમના માર્ગદર્શન અને મોતીભાઈ અમીનની દૃષ્ટિભરી સક્રિયતાથી વડોદરા રાજ્યના તમામ આઠસો ગામોમાં પુસ્તકાલયોની સ્થાપના થઈ.
નવસારીમાં પણ 1898માં પુસ્તકાલય સ્થપાયું તે અત્યારનું સયાજી વૈભવ. સંસ્થાને જમીન તેમ જ ધન મળતાં ગયાં અને કામ વધતું ગયું. ભરતી-ઓટ આવતી ગઈ. નવસારીના વ્યાવસાયિક સ્થપતિ મહાદેવભાઈ દેસાઈ નાગરિક કર્તવ્ય તરીકે પચીસ વર્ષની ઉંમરે મંત્રી તરીકે જોડાયા તે પછી લાઇબ્રેરી સતત વિકસતી જ રહી.

મહાદેવ દેસાઈ
મહાદેવભાઈના ઉદ્યમ, નિસબત અને સૂઝથી ગ્રંથાલય માત્ર પુસ્તકોથી નહીં પણ નિરંતર વ્યક્તિવિકાસ પ્રેરક પ્રવૃત્તિઓથી પ્રવૃત્તિઓથી સમૃદ્ધ બન્યું. તેમના પ્રદાનને પ્રસ્તુત પુસ્તકમાં ભારતીય ચૂંટણી પંચના કાર્યમાં ટી.એન. સેશનના કે હરિત ક્રાન્તિ ક્ષેત્રે એમ.એસ. સ્વામિનાથન્ના પ્રદાન જેટલું સીમાચિહ્નરૂપ ગણવામાં આવ્યું છે.
રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલય માટેનો પુરસ્કાર મોતીભાઈ અમીનના નામે ન હોત તો તે મહાદેવભાઈ દેસાઈના નામે હોત એમ પણ એક લેખમાં વાંચવા મળે છે.
સંખ્યાબંધ પ્રાસંગિક તસવીરો સાથેની આ દળદાર સ્મરણિકામાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલક મંડળના સભ્યો ઉપરાંત ગ્રંથપાલ તેમ જ મદદનીશોએ લખ્યું છે.
પુસ્તકાલયને માતૃસંસ્થા માનનારા એક વેળાના બાળસભ્યો, પુસ્તકાલયની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શાળાઓના શિક્ષકો-આચાર્યોના અને કેટલાંક સાહિત્યકારોના અનુભવો-સંસ્મરણો પણ પુસ્તકમાં વર્ણવ્યાં છે.
મોટા કદના અને ડબલ કૉલમનું પેઇજ લે આઉટ ધરાવતા પુસ્તકના 265 પાનાંમાંથી સમજાય છે કે સરકારમાં રજિસ્ટર થયેલાં ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને સંખ્યાબંધ પુસ્તકપ્રેમી દાતાઓથી સંવર્ધિત સાર્વજનિક પુસ્તકાલય એકસો પચીસ વર્ષથી ચાલે એટલું જ નહીં, પણ ગયા ચારેક દાયકામાં તો વાચકોના જીવનનો હિસ્સો બની ગયું છે.
‘સ્વજનસમું ગ્રંથાલય’, ‘ચેતનાનું ઘર’ ‘બાળકોના વિકાસની જનની’, ‘આત્મવિશ્વાસનો પાયો’, ’મુકામ પોસ્ટ લાઇબ્રેરી’, ‘મારું બીજું ઘર’ જેવા શબ્દોમાં ગ્રંથાલય માટેનો હૃદયભાવ વ્યક્ત થયો છે.
દોઢેક લાખ જેટલાં પુસ્તકો ધરાવતાં ગ્રંથાલયમાં સાઠેક ટકા ગુજરાતી પુસ્તકો ઉપરાંત અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ મોટી સંખ્યામાં છે. પૂનાથી નવસારી આવેલાં માધવીતાઈ કર્વેને નવા ગામે પુસ્તકોની ખોટ સાલી નહીં, મરાઠી ભાષાના દોઢેક હજાર પુસ્તકોએ તેમને સાથ આપ્યો. વયોવૃદ્ધ મર્ઝબાન ગ્યારા ક્યારે ય ન વંચાતા પુસ્તકો ખંખોળીને’ વાંચતા.
સયાજી વૈભવના વાચકોને સવાસો જેટલાં સામયિકો અને સોળ દૈનિકો મળે છે. પોણા બે લાખ જેટલી લોકસંખ્યા ધરાવતા નવસારીના તેર હજાર જેટલા એટલે કે સાતેક ટકા નગરિકો આ નિ:શુલ્ક ગ્રંથાલયનો લાભ લે છે. સંસ્થાનાં સ્વપ્નો છે : ‘નવસારીના દરેક વાચક પુસ્તકાલયના સભ્ય બને’ અને ‘નવસારી આવતી સદીમાં વિશ્વને ચરણે 100 મહાન સ્ત્રી-પુરુષોની ભેટ ધરે’.
લાઇબ્રેરીના સભ્યોમાં અઢી હજાર સ્ત્રીઓ,ચાર હજાર પુરુષો અને સહુથી વધુ તો છ હજારથી વધુ બાળકો છે. શાળામાં જતાં કે શાળા છૂટ્યા બાદ પુસ્તકો લેવા માટે બાળકોની હરોળ લાગી હોય એવું સાંભરણ પુસ્તકમાં નોંધાયું છે. અક્ષરઓળખ થાય તે પહેલાં જ વાચનની શરૂઆત અહીંના ચિત્રપુસ્તકોથી થઈ હોય એવા, અને દેશાવરની સફળતાનો યશ વતનની આ લાઇબ્રેરીમાંથી થયેલાં વાચનને આપનારા વાચકો અહીં છે.
રાજવી ગાયકવાડ પરિવારના આશ્રય પછીના ક્રમે ‘મોટામાં મોટું દાન’ પારેખ પરિવાર તરફથી મળ્યું હોવાથી લાઇબ્રેરીનું સમાંતર નામ નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ છે. લાઇબ્રેરીના ઉપક્રમે જે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ બહોળા પ્રમાણમાં થાય છે તેની માહિતી/સંદર્ભો અનેક લેખોમાં મળે છે.
તેમાંથી કેટલીક છે : શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેકટ, વેકેશન વાચનોત્સવ, સર્જકો સાથે સંવાદ, પુસ્તક-સેતુ, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી સાર્ધ શતાબ્દી, ‘મારું ગમતું પુસ્તક’ નામે માસિક વ્યાખ્યાન, ગ્રંથયાત્રા, પુસ્તક પ્રદર્શન – આ યાદી ઘણી લાંબી થઈ શકે. આ બધામાં ભાગ લેવાથી સંખ્યાબંધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાચન પ્રેમી નાગરિકોનું ઘડતર થતું રહ્યું છે તે પણ પુસ્તકમાં જોવા મળે છે. સયાજી વૈભવ ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત અભિયાનની ગંગોત્રી’ ગણાયું હતું.
રાજ્યના ઉત્તમ પુસ્તકાલય તરીકેનું પાંચ વખત સન્માન મેળવનારા આ પુસ્તકાલયના પ્રદાનની કદર રૂપે સંસ્થાને સરકારી અનુદાન અને વિવિધ પ્રકારની પ્રોત્સાહક સહાય પણ મળતી રહી છે.
કર્મચારીઓ ગ્રંથાલય સાથે ખૂબ લગાવ છે. આ જ પુસ્તકાલયમાં લાઇબ્રેરિયન બનનારાનું બાળપણ લાઇબ્રેરીની બહાર સાયકલ ફેરવવામાં અને અંદર બેસીને બકોર પટેલ વાંચવામાં વીત્યું હોય. અહીંની નોકરીની સમાંતરે ભણીને ગ્રંથાલય વિજ્ઞાનની પદવી મેળવી હોય, શાળા-કૉલેજમાં નોકરી મેળવી હોય એમ પણ આ પુસ્તકમાં નોંધાયું છે.
પુસ્તક આપ-લે વિભાગના કર્મચારીઓ માટે કેટલાક વાચકો સ્વજન સમા હોય, તેઓ ન દેખાય તો ફોન કરે. સયાજીમાં ન હોય તેવું પુસ્તક શોધવા લાઇબ્રેરિયન વાચકને પોતાના વાહન પર બેસાડીને બીજા ગ્રંથાલયમાં, અને અંતે એક લેખિકાને ઘરે જઈને ય પુસ્તક અપાવીને જ જંપ્યા હોય, એવો મજાનો કિસ્સો પણ વાંચવા મળે છે.
દુનિયામાં જે-તે કાળે શક્તિશાળી કે કલાસંસ્કૃતિ સમૃદ્ધ દેશોનું દૈવત તેની પ્રયોગશાળાઓ અને તેનાં પુસ્તકાલયો હોય છે. જાહેર ગ્રંથાલય – the Public Library – વિભાવના અને સંસ્થા તેનું કાર્યરત રૂપ આપણા દેશમાં ઓછાં પ્રચલિત છે. આ વિશે લખાયેલી સામગ્રી વાંચતા જાહેર ગ્રંથાલયની જે મહત્તા સમજાય છે તેની ઝલક ‘જ્ઞાનપીઠ વૈભવી’ સ્મરણ-પુસ્તકમાં મળે છે.
આજે પ્રકાશના પર્વે ग्रंथदीपो भव.
* આભાર : સંધ્યાબહેન ભટ્ટ
______________________________
જ્ઞાનપીઠ વૈભવી : શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી, 125 વર્ષનાં સંભારણાં, જુલાઈ 2023
પ્રકાશક : શ્રી પ્રશાન્તભાઈ પારેખ, પ્રમુખ, શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, ચીમનાબાઈ રોડ, નવસારી 396 445, ફોન 02637-259523/43 મો. 7435080760,
પૃ. 265, પ્રાપ્તિસ્થાન અને કિંમત : જણાવેલાં નથી
12 નવેમ્બર 2023
[980 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
 


 ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ પુસ્તક દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયો પરનો 1901માં પ્રસિદ્ધ થયેલો અ-પૂર્વ સંશોધનગ્રંથ છે, જે ગુજરાત ખેતવિકાસ પરિષદે તાજેતરમાં ફરીથી પ્રસિદ્ધ કર્યો છે.
‘નવસારી પ્રાંતની કાળીપરજ’ પુસ્તક દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયો પરનો 1901માં પ્રસિદ્ધ થયેલો અ-પૂર્વ સંશોધનગ્રંથ છે, જે ગુજરાત ખેતવિકાસ પરિષદે તાજેતરમાં ફરીથી પ્રસિદ્ધ કર્યો છે. A Plain Blunt Man : The Essential Sardar Patel એ ઉર્વીશ કોઠારીનું મહત્ત્વનું સંપાદન છે, અને સંશોધક-સંપાદક તરીકેની તેમની નોંધપાત્ર સિદ્ધિ છે. દિલ્હીના સુપ્રતિષ્ઠિત Aleph Book Company-એ ઑગસ્ટમાં પ્રસિદ્ધ કરેલાં આ પુસ્તકમાં સરદાર પટેલનાં ચૂંટેલાં પત્રો, ભાષણો અને લેખો છે, જેની સંખ્યા 190 છે.
A Plain Blunt Man : The Essential Sardar Patel એ ઉર્વીશ કોઠારીનું મહત્ત્વનું સંપાદન છે, અને સંશોધક-સંપાદક તરીકેની તેમની નોંધપાત્ર સિદ્ધિ છે. દિલ્હીના સુપ્રતિષ્ઠિત Aleph Book Company-એ ઑગસ્ટમાં પ્રસિદ્ધ કરેલાં આ પુસ્તકમાં સરદાર પટેલનાં ચૂંટેલાં પત્રો, ભાષણો અને લેખો છે, જેની સંખ્યા 190 છે.