
આપણાં ગુજરાતી અખબારો કદાચ આ સમાચાર ચૂકી ગયાં છે. અવની સેઠી નામની યુવા કથક કલાકારે શહેરમાં જાહેર જગ્યાએ અનેક દિવાલો પર લખાયેલ ‘હિન્દુ દીકરીઓ લવ જિહાદથી સાવધાન’ એવાં લખાણ, અને અલબત્ત તેની પાછળના કટ્ટરતાવાદી માનસ સામે જાહેરમાં કલાના માધ્યમથી એમનો વિરોધ નોંધ્યાવ્યો. તેમણે જે દીવાલો પર આ લખાયું હતું તે દીવાલોની બિલકુલ નજીક ઊભાં રહીને સાડા ચાર મિનિટની કથક રજૂઆત કરી. તેમણે ‘મુગલે આઝમ’ ફિલ્મના ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીતના તાલે આ નૃત્ય કર્યું. કાળા અક્ષરેથી સૂત્ર લખેલી દીવાલ પછીતે હોય અને તેની આગળ પ્રતીકાત્મક કથક વેશભૂષામાં અવની સેઠી નૃત્ય કરતાં હોય, મધુબાલાએ ફિલ્મમાં ઓઢ્યું છે તેવું પાતળા બુરખા જેવું આવરણ, તેમનાં ચહેરા પર હોય – આવી છબિ સાથેના સમાચાર ત્રીજી ઑગસ્ટે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને તેના પછીના દિવસે ‘અમદાવાદ મિરર’માં આવ્યા હતા. અવનીએ આ નૃત્ય નિદર્શન લૉ ગાર્ડન, આશ્રમ રોડ પરની રિફૉર્મ ક્લબ તેમ જ એચ.કે. કૉલેજ, લૉ ગાર્ડન પાસેના નેતાજી માર્ગ અને પંચવટી સ્થળોએ જે દીવાલો પર લખાણ હતું તેની આગળ કર્યું હતું. અવની અત્યારે મિરઝાપુર વિસ્તારમાં આવેલા સંગ્રહસ્થાન અને કલાકેન્દ્ર ‘કૉન્ફ્લિક્ટોરિયમ : મ્યુિઝયમ ઓફ કૉન્ફ્લિક્ટ’નાં સર્જક અને નિયામક છે. આ એક અનોખું મ્યુિઝયમ છે.
અખબારો સાથે વાત કરતાં અવનીએ એ મતલબનું કહ્યું કે ઑફિસ જતાં-આવતાં તેમની નજરે લવ જિહાદનાં લખાણો પડતાં હતાં. તેમાં પ્રેમમાં પડેલા લોકો માટે ચેતવણી હતી. એનાથી તેઓ ઘણાં વ્યથિત થયાં અને તેમને એમ થવા લાગ્યું કે આપણે કેવા સમયમાં જીવી રહ્યા છીએ ! પહેલાં તો શું ખાવું, શું નહીં ખાવું એ માટે આપણને કહેવામાં આવ્યું. પછી કઈ ફિલ્મો જોવી એ પણ કહેવામાં આવ્યું. અને હવે કોને પ્રેમ કરવો એ બાબતે આપણને ધાકધમકી કરવામાં આવી રહી છે. વળી આ લખાણો જ્યાં થયાં છે તે કંઈ શાંત ગલીકૂચીઓ નથી, પણ ધમધમતી જ્ગ્યાઓ છે. આવી ખુલ્લી જગ્યાએ ધમકીઓ મળે એ વાત બતાવે છે કે આપણે ડરના રાજકારણના રસ્તે આગળ વધી રહ્યા છીએ. શહેર માટે ભવિષ્યમાં શું આવવાનું છે તેનાં આ એંધાણ છે. અવની કહે છે, ‘હું માનું છું કે પ્રેમમાં નિર્ભયતા હોવી જોઈએ.’
નૃત્યનિદર્શન અંગે અવનીએ કહ્યું, કે પ્રતિક્રિયા શું આવશે તે અંગે એમણે ખાસ કંઈ વિચાર્યું ન હતું. રસ્તા પર નૃત્ય કરતી એક છોકરીને લીધે કોને શું નુકસાન થવાનું ? જાહેરમાં કાર્યક્રમ એમના માટે નવી વાત ન હતી. વળી આ ઉપક્રમમાં ‘જોનારાને સમજાશે કે નહીં એ અંગે પણ ખાસ કંઈ વિચાર્યું ન હતું. પણ એમ હતું કે જેમને આ સમજાવાનું છે તે આ સમજશે’. અવનીએ કહ્યું, ‘જો કે રસ્તા પરનાં પહેલાં નિદર્શન વખતે મને સ્વસ્થ થતાં શરૂઆતની એકાદ મિનિટ લાગી, પણ પછી દર્શકો મારી રજૂઆતનો જાણે ભાગ બન્યા. તેમણે મારા નૃત્યની કદર કરી. અલબત્ત મેં માત્ર નૃત્ય ન કર્યું. તે પછી લોકો સાથે વાતચીત પણ કરી.’
અવનીએ બીજી પણ એક નિખાલસ અને આત્મવિશ્વાસપૂર્ણ વાત કરી : ‘હું ઍક્ટિવિસ્ટ નથી, હું પરફૉર્મર છું અને મારા વિચારો કલાપૂર્ણ રીતે મૂકવા માગું છું. મને મારી કળામાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને એક સર્જક તરીકે મારી અસંમતિ મેં આ નૃત્ય દ્વારા પ્રકટ કરી.’ અવનીએ કલાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો તે પૂર્વે લવ જિહાદના પેલાં લખાણો આપણે બધાં જોતાં હતાં. પણ આખા ય શહેરમાં કોઈ અવાજ ઊઠેલો જાણ્યો નથી. અવનીએ તે ઉઠાવ્યો, હજુ સુધી તો એ એકમાત્ર અવાજ છે. અવનીએ ‘મિરર’ને કહ્યું હતું, ‘જે બાબતો સાથે હું સંમત નથી તે બાબતો સામે હું ભૂમિકા લેતી રહીશ – એ નૃત્ય હોય કે બીજું કોઈ સ્વરૂપ પણ હોય.’
સલામ અવની!
૨૬ ઑગસ્ટ ૨૦૧૭
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 14
![]()



યુરોપ અને ભારતીય નવજાગરણને જાણનારા મેઘાણીના દર્શનનાં રૅડિકલ, રૅશનલ અને સેક્યુલર પાસાં બતાવતી આ જોરદાર કવિતા છે. સાહિત્ય માટેના માપદંડોથી મૂલવતાં ય તે એક ઉત્તમ કૃતિ બને છે. શબ્દપસંદગી, રૂપકો, કલ્પનો, લય, વ્યંજના, ધ્વનિ અને જોશ જેવા અનેક કાવ્યગુણોમાં આ રચના મેઘાણીની સર્જનક્ષમતા બતાવે છે. આમ છતાં તે બહુ જ ઓછી જાણીતી છે, આપણા મોટા ભાગના વિવેચકોને તેના વિશે વિગતે લખવાની સૂઝ પડી નથી. તેનું કારણ કદાચ એ છે કે સામાજિક નિસબત ધરાવતી કલા અભિવ્યક્તિ આપણા સાંસ્કૃિતક વિમર્શને ભાગ્યે જ માફક આવે છે. એટલા માટે લોકસાહિત્યના સંશોધક કે કસુંબીના રંગના કવિ, દુહા અને ડાયરાના મેઘાણી જ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે છે. મેઘાણીના ગદ્યમાંથી પરંપરાગત કોમી સંવાદિતાનાં ચાળીસ લખાણોનાં વિનોદ મેઘાણીએ કરેલાં વિશિષ્ટ સંપાદન ‘લોહીનાં આલિંગન’ની ખબર જ હોતી નથી. ‘ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના બાળ મરે’ એવી દુર્દશા હોય ત્યારે ‘હાય રે હાય કવિ, તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?’ એમ પૂછીને સાક્ષરોના શહામૃગી માનસને ખુલ્લા પાડતા મેઘાણીને વિવેચકો વાચકો સુધી પહોંચવા દેતા નથી. અંગ્રેજ શાસકો વિરુદ્ધ ૧૯૪૧માં ‘ફુલછાબ’માં ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ નામનું ઠઠ્ઠાચિત્ર દોરીને મુકદ્દમાનો સામનો કરનાર કે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર મેઘાણી આપણી સામે મૂકવામાં આવતા નથી. કોરિયા, હંગેરી અને મિસરનાં મુક્તિસંગ્રામો વિશે તવારીખ-કિતાબો લખનાર મેઘાણી આપણા સમીક્ષકોને દેખાતા નથી.
અલબત્ત, મેઘાણી દુરાચારી સાધુજમાત વિરુદ્ધ ‘અમે’ જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત રવિશંકર મહારાજ ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક ‘માણસાઈના દીવા’. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ‘અમે’માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે.