ચૂંટણીની તારીખોની જાહેરાતથી લઈને સી-પ્લેન શો સુધી અનેક મુદ્દે વિચારવું પડે તેમ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે સી-પ્લેનનો શો કર્યો. સત્તાના વરવાં પ્રદર્શન સમાં આ શોને કેવળ ‘સમરથ કો નહીં દોષ ગુસાંઈ’ એ ન્યાયે વ્યાજબી ઠેરવી શકાય. તેની પાછળ ઉદ્દંડ માનસ હતું. તે કહેતું હતું કે ‘અમારી પાસે સત્તા છે અને સંસાધનો છે તે અમે મતો લણવા માટે ગમે તે રીતે વાપરી શકીએ.’ આ શોને ખાસ ભારતીય જનતા પક્ષની ઢબે બે રંગ આપવામાં આવ્યા : મા અંબાના દર્શનના નામે ધર્મિકતાનો અને પ્રવાસનના નામે વિકાસનો. સી-પ્લેન થકી વિકાસની વાત આ ચૂંટણી ટાણે જ યાદ આવી અને અમલમાં પણ મૂકાઈ. એનો મતલબ નહીં સમજવા જેટલા બધા અબૂધ નથી. રસ્તા પરની રેલીને મંજૂરી નહીં આપનારા તંત્રનો હુકમ મૂંગેમોઢે માથે ચડાવે એટલા નમ્ર નાગરિક મોદી નથી. તેમને જે કંઈ કરવું હોય છે તે બેફામ રીતે કરી જ શકે છે. જે માણસ લોકશાહીનાં ધોરણો બાજુ પર મૂકીને શબ્દશ: રાતોરાત નોટબંધી કરાવે એ વળી અમદાવાદ શહેરના અધિકારીઓને ગાંઠે ? એટલે ‘વિકાસ અને મંજૂરી આ બંને નુસખાઓને તમારે હાસ્યાસ્પદ કે જૂઠ જે ગણવા હોય તે ગણો, પણ હું તો ઊડીને છાકો પાડવાનો’ એવા નિર્ધાર સાથે મોદીએ સી-પ્લેનનો ઉપયોગ કર્યો.

સી-પ્લેન શો માટે સલામતીના ધોરણોને પણ ગણકારવામાં આવ્યાં ન હતાં. મોદીએ જે કોડિએક ૧૦૦ પ્રકારનું સી-પ્લેન વાપર્યું તે વિદેશી પાયલટ દ્વારા ચલાવવામાં આવતું અમેરિકામાં નોંધણી પામેલ વિમાન હતું. તે અમેરિકાના ઊટાહ સ્થિત ક્વેસ્ટ એરક્રાફ્ટ કંપનીનું હતું અને તેને જાપાનની પ્લેન મેકર કંપની દ્વારા ઑપરેટ કરવામાં આવતું હતું. અત્યારે બૅન્ક ઑફ ઉટા આ પ્લેનની માલિક છે. આ સિંગલ એન્જિન એરક્રાફ્ટ હતું જે સલામતીની દૃષ્ટિએ જોખમકરક ગણાય છે. એટલા માટે કે તેમાંનું એન્જિન ખરાબ થાય કે વિમાનને પક્ષી અથડાય તો બીજું એન્જિન નહીં હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ શકે. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન્સના નિયમ મુજબ દેશના વી.આઈ.પી. વર્ગના તમામે રાજકીય તેમ જ બિન રાજકીય એમ બંને હેતુની હવાઈ મુસાફરીઓ માટે બે એન્જિનવાળા વિમાનનો ઉપયોગ કરવો ફરજિયાત છે. મોદીએ આ નિયમનો ભંગ કર્યો હોવાનું અનેક જ્ગ્યાએ લખાયું છે. તે જ પ્રમાણે મોદી સીપ્લેનનો ઉપયોગ કરનાર પહેલા વ્યક્તિ છે એવી સત્તાવાર જાહેરાત પણ કેવળ ડિંગ હોવાની વિગતો પણ બહાર આવી છે. તેમના પહેલાં આ સાધનનો ઉપયોગ કરનાર વ્યક્તિઓની યાદી વાંચવા મળે છે. વળી એક હળવાશભરી પણ રસપ્રદ વિગત એ પણ નોંધાઈ છે કે કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પર પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ સાથે છૂપી બેઠક યોજવાનો આરોપ લગાવનાર મોદીનું સીપ્લેન ભારત આવતાં પહેલાં કરાચી નજીક રાખવામાં આવ્યું હતું !
મોદીના સી-પ્લેન શો અંગે ભારતના કર્મશીલ નિવૃત્ત કેન્દ્રીય સચીવ ઈ.એ.એસ. સર્માએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ વિમાન પ્રવાસ મોદીના ચૂંટણી પ્રચારનો અવિભાજ્ય હિસ્સો હતો એ સહજ સાબિત થઈ શકે તેમ છે. એટલા માટે ચૂંટણી પંચે રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ એક્ટ હેઠળ તે વિમાની મુસાફરીનું તમામ ખર્ચ ભા.જ.પ.ના ચૂંટણી ખર્ચનો હિસ્સો ગણવો જોઈએ. રકમ ચાલીસ લાખ રૂપિયા જેટલી મૂકવામાં આવી છે. વળી આ વિમાન વિદેશી કંપનીનું છે. એટલે આ કિસ્સામાં ફૉરિન કરન્સી રેગ્યુલેશન અૅક્ટ(ફેરા)નો ભંગ થાય છે, કારણ કે કાનૂન મુજબ રાજકીય પક્ષો વિદેશી સ્રોતમાંથી સીધું કે આડકતરું દાન સ્વીકારી શકતા નથી. તદુપરાંત, ‘ફેરા’નો ભંગ દેશની સલામતી માટે જોખમકારક છે. વળી જો રાજ્ય કે કેન્દ્ર સરકારે આ ઉડ્ડ્યન માટેનું ખાર્ચ કર્યું હોવાનું માલુમ પડે તો એક પક્ષના પ્રચાર માટે જાહેર જનતાની સંપત્તિ વાપરનાર અધિકારીઓ સામે ચૂંટણી પંચે પગલાં લેવાં જોઈએ.
ચૂંટણી પંચની ભૂમિકા આ વખતના ગુજરાત નિર્વાચનની બાબતે પહેલેથી જ ટીકાસ્પદ રહી છે. કૉન્ગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશની અને ભા.જ.પ. શાસિત ગુજરાતની ચૂંટણીઓની તારીખો એક સાથે જાહેર થાય એ ઉચિત સમયગાળા અને શિરસ્તા મુજબ જરૂરી હતું.પણ પંચે પહાડી રાજ્યની તારીખો પહેલાં જાહેર કરી. ગુજરાતમાં પૂર રાહત કાર્ય ચાલતું હોવાનું કારણ પંચે આપ્યું. જો કે કાશ્મિરમાં 2014 ના સપ્ટેમ્બરમાં આવેલ ભયંકર પૂર છતાં તેણે ત્યાં ડિસેમ્બરની ચૂંટણીની તારીખોમાં વિલંબ કર્યો ન હતો. ગુજરાતમાં ચૂંટણીની તારીખો હિમાચલ પ્રદેશ પછી જાહેર થવાને કારણે ગુજરાતના સત્તાધારી પક્ષને મતદારોને લોભાવનારી યોજનાઓની જાહેરાતો કરવાની તક મળી જેનો તેણે પૂરેપૂરો લાભ લીધો. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ચૂંટણી પંચની વિશ્વસનીયતાને ધક્કો લાગ્યો.
ચૂંટણી પંચની સામે વધુ એક વાંધો ઊઠ્યો કે મતદાનના બીજા તબક્કા પહેલાંના અડતાળીસ કલાકના પ્રચાર સામેના પ્રતિબંધિત ગાળામાં રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ બતાવનારી કેટલીક ચૅનલો સામે તેણે એફ.આઈ.આર. નોંધવાનો આદેશ આપ્યો. કૉન્ગ્રેસે ભા.જ.પ. દ્વારા આચારસંહિતાના ભંગના ચાર દાખલા આપીને ચૂંટણી પંચ સામે ભેદભાવભરી નીતિનો આરોપ લગાવ્યો. ચૂંટણી પંચને ભીંસમાં લેવાની આવી તકો તાજેતરનાં વર્ષોમાં પક્ષોને મળી નથી. રેલી અને સભા, રેડિયો અને ટેલિવિઝન જેવા પ્રચાર માટેના પરંપરાગત માર્ગો છે. તેના પર તો અડતાલીસ કલાક પૂર્વે પ્રચાર અટકાવવાનો કાયદો લાગુ પાડી શકાય. પણ ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનાં સોશ્યલ મીડિયાના જમાનામાં અડતાલીસ કલાક પહેલાં પ્રચાર બંધ કરવાના કાનૂન અંગે ચૂંટણી પંચે નવેસરથી વિચારવાનું રહે છે.
ચૂંટણી પંચની સક્રિયતાના અભાવના એકથી વધુ કિસ્સા નોંધાયા છે. જેમ કે ગુજરાત ખેડૂત સમાજ નામના જાગૃત સંગઠને નરેન્દ્ર મોદીએ પાલિતાણામાં ૨૯ નવેમ્બરે યોજેલી સભામાં કરેલા ભાષણ સામે ફરિયાદ કરી હતી. તે મુજબ વડાપ્રધાને ૧૯૮૨માં થયેલા માનગડ હત્યાકાંડનો ઉલ્લેખ કરીને તેમાં સંડોવાયેલી બે કોમોમાં ઉશ્કેરણી થાય તે મતલબની વાત કરી હતી. નહીં રિલીઝ થયેલી ‘પદ્માવતી’ ફિલ્મ પર મુખ્યમંત્રીએ લાદેલા પ્રતિબંધ વિશે આચારસંહિતાના ભંગના મુદ્દે પૂછાયેલા સવાલનો પંચ પાસે જવાબ ન હોવાનું નોંધાયું છે. તે જ પ્રમાણે એન્કાઉન્ટર કેસીસમાં જામીન પર હોય તેવા પોલીસ અધિકારીઓ રાજકુમાર પાંડિયન અને અભય ચુડાસમાનું ફરજ પર હોવું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી રજૂઆતોને નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.
વડા પ્રધાનના ચૂંટણી પ્રસાર દરમિયાનનાં વક્તવ્યો પણ ચર્ચાસ્પદ રહ્યાં. મણિશંકર ઐયરના ‘નીચ’ વિશેષણે તેમને વાજબી રીતે જ ઉશ્કેર્યા. પણ રાજસ્થાનના રાજસમંદમાં અફ્રઝૂલની જે નીચ હત્યા થઈ તેનો ઉલ્લેખ પણ આખી ય પ્રચાર ઝુંબેશમાં ન હતો. શું સેક્યુલર દેશના વડા પ્રધાન માટે મુસ્લિમો હજુ ય પારકા જ છે ? દસમી તારીખના રવિવારે પાલનપુરની સભામાં તેમણે એક જ શ્વાસે વિરોધ પક્ષ, પાકિસ્તાન અને ગુજરાતમાં મુખ્યમંત્રીપદ માટેના મુસ્લિમ દાવેદારનો ત્રાગડો ગોઠવી દીધો હતો. તેમને લગભગ રાષ્ટ્રદ્રોહી ઠેરવી દેતાં ઇંગિતો આપ્યાં. વડા પ્રધાનના મનમાં ય વિરોધ તો હોય,પણ વિદ્વેષ હરગિઝ નહીં.
+++++++
૨૧ ડિસેમ્બર ૨૦૧૭
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 22 ડિસેમ્બર 2017
કાર્ટૂન સૌન્ય : કીર્તીશ ભટ્ટ, બી.બી.સી., હિન્દી
![]()


આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.
નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.
સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.
ગુજરાતનાં હજારો સરકારી અને અર્ધસરકારી સ્ત્રી-પુરુષ કર્મચારીઓની ચૂંટણી કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગનાંને આ કામ અઘરું અને કંટાળાજનક લાગે તે અસ્વાભાવિક નથી. તેમાં ય મતદાન મથકના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઑફિસરનું કાર્ય અનેક પ્રકારની વિશેષ કુનેહ અને કર્તવ્યનિષ્ઠા માગી લે છે. એ કઈ હદની હોઈ શકે એનું દૃષ્ટિપૂર્ણ નિરુપણ આગામી એકેડેમી અવૉર્ડ માટે ભારતે નૉમિનેટ કરેલી ‘ન્યૂટન’ ફિલ્મમાં જોવા મળે છે. મહત્ત્વનાં સન્માન મેળવી ચૂકેલી આ ફિલ્મના લેખક-દિગ્દર્શક અમીત મસૂરકરે મયંક તિવારીની સાથે તેનો સ્ક્રીન-પ્લે પણ લખ્યો છે. ‘શહીદ’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મોથી જાણીતા બનેલા રાજકુમાર રાવ તેમાં ન્યૂટન નામના પ્રિસાડિંગ ઑફિસરની ભૂમિકા ભજવે છે. ન્યૂટન નક્ષલગ્રસ્ત છત્તીસગઢના દંડકારણ્યમાં ૭૬ આદિવાસી મતદારો ધરાવતાં ખૂબ દૂરનાં કોડનાર ગામમાં ચૂંટણી કરાવે છે. તેને પાછા પાડવા માટેની એટલી બધી કોશિશો સુરક્ષાકર્મીઓના ઉપરી કરે છે કે આખરે તેને ફરજ બજાવવા માટે મરણિયા થવું પડે છે.