મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે….
કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.
ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.
ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.
માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.
આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’
ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.
નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે.
એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’
+++++++
27 એપ્રિલ 2017
[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017]
![]()


અભિયાનને આધારે ટ્રિલીઝે ‘ધ રીડ-અલાઉડ હૅન્ડબુક’ (1982) નામનું સવાબસો પાનાંનું પુસ્તક લખ્યું જે બેસ્ટસેલર બન્યું, અનેક ભાષાઓમાં પણ પહોંચ્યું. તે અત્યારે પણ સુલભ છે અને ટ્રિલીઝ બ્લૉગ પણ લખે છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર લખ્યું છે : ‘અ બુક ફૉર એવરિ પેરેન્ટ, ડિસ્કવર ધ જૉઇઝ ઑફ રીડિંગ અલાઉડ ટુ ચિલ્ડ્રન’, એટલે કે આ એવું પુસ્તક છે કે જેમાંથી દરેક મા-બાપને તેમનાં બાળકોને પુસ્તકો વાંચી સંભળાવવાનો આનંદ હાથ લાગે. વળી આ પુસ્તકમાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવાં જેવાં ત્રણસોથી વધુ અંગ્રેજી પુસ્તકોની સૂચિ પણ સમાવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવનમાં ટ્રિલીઝ કહે છે કે ‘ધિસ ઇઝ નૉટ બુક ઑન ટીચિંગ યૉર ચાઇલ્ડ હાઉ ટુ રીડ. ઇનસ્ટેડ ઇટ ઇઝ અ બુક ઑન ટીચીંગ યૉર ચાઇલ્ડ ટુ વૉન્ટ ટુ રીડ’. એટલે કે ‘તમારા બાળકને કેવી રીતે વાંચવું એ શીખવવા માટેનું આ પુસ્તક નથી, આ પુસ્તક બાળકને પુસ્તક વાંચવાની ઇચ્છા રાખતાં શીખવવા માટેનું પુસ્તક છે.’
ખૈરમોડે (1904-1971) બાબાસાહેબના અંતેવાસી હતા અને મુંબઈમાં બ્રિટિશ સરકારના સચિવાલયના વહીવટી કર્મચારી હતા. ચાળીસ વર્ષની મહેનતથી લખાયેલા આકરગ્રંથના ફક્ત પહેલા પાંચ ભાગનું પ્રકાશન અને આર્થિક નુકસાન જ તે જીવન દરમિયાન જોઈ શક્યા હતા. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેનાં થોડાંક વર્ષ પછી બાકીના સાત ભાગના સંપાદન-પ્રકાશનની કપરી કામગીરી તેમનાં પત્ની દ્વારકાતાઈએ પાર પાડી. પતિએ એકઠી કરેલી સામગ્રીનું સંકલન કરી તેમણે ઉચિત નિવેદનો તથા અભ્યાપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે ગ્રંથોનું પ્રકાશન, અને સતત માગ મુજબ પુનર્મુદ્રણ કરાવ્યું. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય આણિ સંસ્કૃિત મંડળની તેમ જ કેટલાક અભ્યાસીઓની બહુમૂલ્ય મદદ મળી.
જો કે 1952માં બહાર પડેલો પહેલો ભાગ તો ખુદ બાબાસાહેબે વાંચ્યો હતો. એ અંગે બીજા ભાગની પ્રસ્તાવનામાં ખૈરમોડેએ નોંધ્યું છે કે કેટલાક યુવાનોએ એ પુસ્તક વિશે બાબાસાહેબનો અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું હતું : ‘આના કરતા તો વધારે હું શું લખી શક્યો હોત ? લેખકે મારા જીવનની પંચોતેર ટકા મહિતી આ ગ્રંથમાં આપી છે. જે જાણકારી બાકી રહી છે તે મારા અંગત જીવનની છે. એ માહિતી એ બિચારાને શી રીતે આપી શકાય ? એ તો હું જ લખીશ.’ લેખક એ પણ જણાવે છે કે ‘બાબાસાહેબ પોતાનું જીવનચરિત્ર પોતે અંગ્રેજીમાં લખવા માગે છે. એમાં અત્યાર સુધીની અજાણી વિગતો આવશે. ત્યાં સુધી મારી જાણકારીનો સ્વીકાર કરવા વાચકોને વિનંતી.’ ખૈરમોડે અભ્યાસીઓને ડૉ. આંબેડકરનાં અનેક રૂપ તપાસવાનું જણાવે છે. તે રૂપ છે : ‘પોતાનાં પરિવાર અને સુખદુ:ખ પર તુલસીપત્ર મૂકીને સતત વિદ્યાભ્યાસ-સંશોધન-મનન-લેખન કરનાર વિશાળ બુદ્ધિના પ્રબુદ્ધ વ્યક્તિ’, ‘સામાજિક ક્રાન્તિના તત્વવેત્તા અને ઉદ્ગાતા’, ‘પદદલિતોનાં અંત:કરણામાં માણસાઈનો ધગધગતો લાવારસ પેદા કરનાર કિમિયાગર નેતા’ અને ‘સામાજિક ક્રાન્તિ દ્વારા રાષ્ટ્રવ્યાપી શાંતિનું નિર્માણ કરનાર ધાર્મિક દ્રષ્ટા’.