ભગતસિંહ પર અભ્યાસ માટેનું એક આધારભૂત પુસ્તક
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને યાદ કરવાનું પ્રમાણ દેશભરમાં વધતું જાય તે આવકાર્ય ગણાય. સોશ્યલ મીડિયા સહિતનાં માધ્યમોમાં અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં આ હુતાત્માઓને અંજલિ અપાય છે. પણ એમાંથી કેટલાંકમાં ક્યારેક તો એવું લાગવા માંડે કે ભગતસિંહ એક હાથમાં ભગવો, નીલો, લીલો કે તિરંગો ઝંડો અને બીજા હાથમાં પિસ્તોલ લઈને ‘વંદે માતરમ્’ કે ‘ભારત માતા કી જય’ નારા બોલાવતા શેરીઓમાં કે સરહદ પર દેકારો મચાવતા દેશભક્ત હતા. કાર્લ માર્ક્સના ઊંડા અભ્યાસી ભગતસિંહને કટ્ટર સામ્યવાદી, પ્રખર હિન્દુત્વવાદી કે લડાયક અતિરાષ્ટ્રવાદી તરીકે ચીતરવાના પ્રયાસો થતા રહે છે. ગાંધી એટલે સફાઈ અને ખાદી એમ ગોઠવી દેવામાં અત્યારની સરકાર ભલે ઠીક સફળ રહી; પણ ડૉ. આંબેડકરની જેમ વીર ભગતસિંહને ય સંકુચિત રીતે ખતવવા સહેલા નથી. તેનું એક કારણ એ છે કે આ બંનેએ પોતાના વિચારો મક્કમ અને સાફ રીતે લખી રાખ્યા છે. તેમનાં લખાણોને દેશભરનાં સંગઠનો અને પ્રકાશકો પત્રિકાઓથી લઈને ગ્રંથમાળા સુધીના વિવિધ સ્વરૂપોમાં બહાર પાડીને તેમનો વ્યાપારીક કે વૈચારિક હેતુ સાધતા રહે છે.
આવા સંજોગોમાં ‘ભગતસિંહ કે સમ્પૂર્ણ દસ્તાવેજ’ નામનું હિન્દી પુસ્તક બહુ મહત્ત્વનું બને છે. તેમાં એવા ભગતસિંહ છે કે જે દેશભક્ત હોવા ઉપરાંત પ્રગતિશીલ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા મજદૂરપરસ્ત માનવતાવાદી કર્મશીલ ચિંતક હોય. પુસ્તકમાંથી પસાર થતા એ પણ અચૂક ધ્યાનમાં આવે છે કે માંડ ચોવીસ વર્ષના જીવનમાં ભગતસિંહ દેશ અને દુનિયાના વિચારસાહિત્યનું અસાધારણ વાચન અને મૌલિક ચિંતન ધરાવતા હતા. ‘સમ્પૂર્ણ દસ્તાવેજ’ના સંપાદક ચમનલાલ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના હિન્દીના પૂર્વ અધ્યાપક છે. સિત્તેર વર્ષના ચમન લાલ ભગતસિંહ, તેમના સમય, સાથીઓ અને આંદોલનનો સતત અભ્યાસ કરતા રહ્યા છે. ભગતસિંહ પરનો તેમનો બ્લૉગમાં પણ વાચનીય છે.
‘ભગતસિંહ: સમ્પૂર્ણ દસ્તાવેજ’ પુસ્તકની રચના ગોઠવણ વિચારપૂર્વકની છે. તેનાં ૪૮૦ પાનાંમાં ક્રાન્તિવીરનાં લખાણોને ‘વિષયાનુસાર કાળક્રમ’ મુજબ મૂકવામાં આવ્યાં છે. તેમાં આઠ વિભાગ, બે પરિશિષ્ટ અને બે પૂરવણીઓ છે. ‘ચેતના કે બીજોં સે વિચારોં કા પ્રસ્ફુટન’ નામના પહેલા વિભાગનો આરંભ આગિયાર વર્ષના ભગતે દાદા અર્જુનસિંહને ઊર્દૂમાં અને શહીદ થયેલા કાકા સ્વર્ણસિંહની પત્નીને પંજાબીમાં લખેલા પત્રોથી થાય છે. તે પછી, માત્ર સત્તર વર્ષનાં ભગતસિંહે ‘હિન્દી સંદેશ’ નામના સામયિકમાં લખેલો ‘પંજાબી કી ભાષા ઔર લિપિ કી સમસ્યા’ લેખ છે. તેમાં લેખક પંજાબવાસીઓને ‘માધુર્ય, સૌંદર્ય ઔર ભવુકતા’ ધરાવતી પોતાની ભાષા જાળવવાની હાકલ કરે છે. ભાષા અને ધર્મ, ભાષા અને લિપિ જેવા મુદ્દા પણ તે સ્પર્શે છે. વળી તે નાનક ગુરુ, સ્વામી રામતીર્થ તો ખરા પણ રવીન્દ્રનાથને પણ ટાંકે છે ! આ જ ઉંમરે લખાયેલો ‘વિશ્વપ્રેમ’ લેખ યુનિવર્સલ બ્રદરહૂડ અને કૉસ્મોપોલિટનિઝમની વાત કરે છે. તેમાં લોકમાન્ય ટિળક અને સ્વાતંત્ર્યવીર સાવરકરના ઉલ્લેખો છે. ‘યુવવસ્થા માનવજીવન કા વસંતકાલ હૈ’ એમ શરૂ થતો ‘યુવક’ લેખ યુવા વર્ગને જાગૃતિ માટેની હાકલ કરે છે. ભગતસિંહના લેખો ‘બલવન્તસિંહ’ અને ‘વિદ્રોહી’ એવાં છદ્મનામે મુખ્યત્વે ‘કિરતી’ સામયિકમાં પ્રસિદ્ધ થયા છે.
‘ભારતીય ક્રાન્તિકારી આંદોલન કા પરિચય’ નામના બીજા વિભાગનો પહેલો લેખ પંજબના બબ્બર ખાલસા આંદોલન પર અને બીજો કાકોરી ષડયંત્રના દેશવીરો વિશેનો છે. ભગતસિંહ પહેલી વાર જેલમાં ગયા તે આ લેખોને કારણે. કાકોરી વિશેના લેખમાં શચીન્દ્રનાથ સન્યાલ નામના ક્રાન્તિકારીએ લખેલા ‘બંદી જીવન’ નામના બંગાળી પુસ્તકના પંજાબી અને ગુજરાતીમાં થયેલા અનુવાદનો ઉલ્લેખ છે. કૂકા નામના શીખોના એક પેટા સંપ્રદાયના વિદ્રોહ વિશે ભગતસિંહે બે લાંબા લેખો કર્યા છે. ‘કિરતી’માં ‘આઝાદી કી શહાદતેં’ લેખમાળા હેઠળ અને ‘ચાન્દ’ નામની પત્રિકાના ‘ફાંસી અંક’માં ભગતસિંહે જે શહીદો વિશે લખ્યું છે તેમાં મદનલાલ ઢીંગરા, સૂફી અમ્બાપ્રસાદ, બલવન્તસિંહ, ડૉ. મથૂરાસિંહ અને ‘ગુરુ, સાથી વ ભાઈ’ કર્તારસિંહ સરાભાનો સમાવેશ થાય છે. છેલ્લો દીર્ઘ લેખ છે ‘સ્વાધીનતા કે આંદોલનમેં પંજાબ કા પહલા ઊભાર’. પ્રદેશ-દેશ ઉપરાંત આંતરરષ્ટ્રીય ક્રન્તિકારી ચિંતનનો ભગતસિંહનો વિશાળ વ્યાપ ત્રીજા વિભાગમાં જોવા મળે છે. અહીં ‘અરાજકતાવાદ’ પરના ત્રણ લાંબા લેખો છે, જેમાં રશિયા ઉપરાંત યુરોપ અને અમેરિકાની ગતિવિધિઓની પણ અનેક સંદર્ભો સાથેની છણાવટ છે. ‘સામાજિક ઔર રાજનીતિક વિષયો પર ચિંતન’ નામના ચોથા વિભાગના તમામ લેખો અત્યંત પ્રસ્તુત છે. ‘ધર્મ ઔર હમારા સ્વાતંત્ર્ય સંગ્રામ’માં ઑર્ગનાઇઝ્ડ રિલિજિયનની અને ટૉલ્સ્ટૉયની ધર્મચર્ચા વણાયેલી છે. ‘સાંપ્રદાયિક દંગે ઔરા ઉનકા ઇલાજ’માં ખેડૂતો, મજૂરો અને નેતાઓ સાથે ભગતસિંહ પત્રકારોને પણ વાતમાં સમાવે છે. ‘અછૂત સમસ્યા’ મૌલિક કરતાં હૃદયસ્પર્શી વધુ છે. ‘સત્યાગ્રહ ઔર હડતલેં’માં બારડોલી, કાનપુર, મેરઠમાં થયેલી ચળવળોની વાત છે. ‘વિદ્યાર્થી ઔર રાજનીતિ’ અત્યારની આપણી નબળી માન્યતાથી વિપરિત લેખ છે – તે વિદ્યાર્થીઓએ રાજકારણમાં શા માટે જોડાવું જોઈએ તે સમજાવે છે !
‘ધમાકોં કી ગુંજ’ વિભાગમાં ભગતસિંહ અને સાથીદારોના સંગઠન હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતાંત્રિક સેના(હિસપ્રસ)એ બહાર પાડેલી ત્રણ પત્રિકા છે. લાલા લજપતરાયનાં મોતનું કારણ બનનાર અંગ્રેજ પોલીસ જે.પી. સૉન્ડર્સની હત્યાની જવાબદારી સ્વીકારીને કારણો આપતી આ પત્રિકા લાહોરમાં બધે ચોંટાડવામાં આવી હતી. ‘બહરોં કો સુનાને કે લિએ બહુત ઊંચી આવાજ કી આવશ્યકતા હોતી હૈ’ કહીને શરૂ થતી મૂળ અંગ્રેજીમાં લખાયેલી પત્રિકા વાંચવા મળે છે, જે આઠમી એપ્રિલ 1929ના રોજ એસેમ્બ્લીમાં બૉમ્બ સાથે ફેંકવામાં આવી હતી. ‘વ્યક્તિઓં કી હત્યા કરના તો સરલ હૈ, કિન્તુ વિચારોં કી હત્યા નહીં કી જા સકતી’ અને ‘હમ મનુષ્ય કે જીવન કો પવિત્ર સમઝતે હૈ …’ એ જાણીતા ઉચ્ચરણો અહીં વાંચવા મળે છે. ‘જેલ મેં અધ્યયન ચિંતન ઔર પ્રતિરોધ’ વિભાગમાં અનેક લખાણો છે : બૉમ્બકાંડને પગલે અદાલતોમાં આપેલાં તેજસ્વી નિવેદનો, અંગ્રેજ સરકારની જેલોમાં કેદીઓની દુર્દશા સામે ભૂખહડતાળ અંગે અનેક સ્તરે કરેલી જિંદાદીલ રજૂઆતો, સામ્યવાદી પક્ષના ‘થર્ડ ઇન્ટરનૅશનલ’ સંમેલન માટે લેનિનને અંજલિ સાથે કરેલો તાર, ઇન્કિલાબ જિન્દાબાદ’ ઘોષણાની સમજ આપતો પત્ર, ફાંસીને બદલે ગોળીથી મૃત્યુ માગતો પત્ર, બાવીસ માર્ચ 1931ના દિવસે સાથીઓને લખેલો અંતિમ પત્ર. ‘કુછ ચિઠ્ઠીયાં જજબાત ભરી’માં મિત્રો, સાથીઓ અને નાના ભાઈઓને લખેલા કુલ આઠ લાગણીશીલ પત્રો છે.
ભગતસિંહે લાહોરની હાઇકોર્ટમાં આપેલા નિવેદનમાં એક બહુ અર્થપૂર્ણ વાક્ય છે : ‘.. ઇન્કલાબ કી તલવાર વિચારોં કી સાન પર તેજ હોતી હૈ.’ આ શબ્દોને લઈને કરવામાં આવેલા આઠમા વિભાગમાં અત્યંત મહત્ત્વનાં લખાણો છે :‘બમ કા દર્શન’, ‘ભારતીય ક્રાન્તિ કા આદર્શ’, ‘મૈં નાસ્તિક ક્યોં હૂં’, લાલા રામસરણ દાસના પુસ્તક ‘ડ્રીમલૅન્ડ’ની પ્રસ્તાવના અને ‘ક્રાન્તિકારી કાર્યક્રમ કા મસૌદા’. પરિશિષ્ટ તરીકે હિસપ્રસ અને નૌજવાન ભારત સભાનાં ઘોષણાપત્રો મળે છે. ચમન લાલના પુસ્તકને અંતે બે વિશિષ્ટ લખાણો મળે છે. તેમાં એક છે આયર્લૅન્ડના ક્રાન્તિકારી ડૉન બ્રિનની આત્મકથા ‘માય ફાઇટ ફૉર આયરિશ ફ્રીડમ’નો ભગતસિંહે કરેલો અનુવાદ. બીજું પુસ્તક તે ‘એક શહીદ કી જેલ નોટબુક’. તે એક તેજસ્વી ક્રાન્તિકારીની કર્મશીલતાના વૈચારિક પાયા સમાં પ્રકાંડ વાચનનો આલેખ આપે છે.
22 માર્ચ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 23 માર્ચ 2018