હમણાં જોવામાં આવેલાં કેટલાંક નવાં અંગ્રેજી પુસ્તકોની ઝલકની શરૂઆત ઘરદીવડાથી કરવાની થાય. બાર વર્ષના રેહાન મેઘાણીએ Richie Harrer and the Map of Zends નામની રસપ્રદ સાહસકથા લખી છે. ચુંવાળીસ પાનાંની વાર્તામાં જોવા મળતી આ કિશોરની લેખનકળા અચંબો પમાડે તેવી છે. ખજાનાની શોધની આસપાસ ગૂંથાયેલી મૂળ વાર્તા રેહાનની સમૃદ્ધ કલ્પનાશીલતાની ફળશ્રુતિ છે. તેણે સ્થળો અને પાત્રો પણ મજાનાં ઊભાં કર્યાં છે. પછી તેમાં ઉમેરાય છે આખર સુધી ઉત્કંઠા જગાડે તે રીતે વાર્તા કહેવાનો કસબ. સહુથી વધારે નોંધપાત્ર છે તે રેહાનની ભાષાની ફેલિસિટી. તેની લેખનશૈલી સાદી, ભારે શબ્દો કે અલંકારો વિનાની અને છતાં કેવળ બોલચાલની ન બને એવાં ધોરણની છે. વાર્તાનાં પાત્રો, સ્થળો, તેમાં ઊભો કરવામાં આવેલો પરિવેશ અને ખાસ તો એની ભાષાને જોતાં એમ કહેવાનું મન થાય કે લેખકનું નામ છાપવામાં ન આવ્યું હોય તો માનવામાં ન આવે કે અંગ્રેજી જેની પ્રથમ ભાષા નથી એવી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.
ભાવનગરની સિલ્વર બેલ પબ્લિક સ્કૂલમાં ભણતો રેહાન લેખક તરીકેની નોંધમાં કહે છે : ‘આ પુસ્તક લખવા માટેની પ્રેરણા હૅરિ પૉટર સિરિઝ પરથી મળી ….. [તે વાંચ્યાં બાદ] એક વખત હું એકલો બેઠો હતો ત્યારે મને એકદમ વિચાર આવ્યો, મેં કાગળ-પેન લીધાં અને બાર વર્ષના બહાદુર, સાહસિક અને ચતુર છોકરા વિશે લખવાનું શરૂ કર્યું. હું એના વિશે વધારે વિચારતો ગયો એમ એમ આ વાર્તાને રહસ્યમય કેવી રીતે બનાવી શકાય તેનાં માટેનાં ચિત્રો મારા વિહરતાં થયાં.’
રેહાનનો સાહિત્યવિહાર ચાલતો રહે એવી એને શુભેચ્છા. અલબત્ત, કિશોર ઉંમરે નવલકથા લખવામાં રેહાનની પુરોગામી બે સગી બહેનો છે. અમદાવાદની પંખી અને પરી બ્રહ્મભટ્ટે બે તરુણીઓએ અનુક્રમે Exalated અને The War of Darakoff નામની ફેન્ટસી વર્ગમાં મૂકી શકાય તેવી નવલકથાઓ લખી છે.
પ્રશિષ્ટ સંસ્કૃત નાટ્યકાર ભાસ વિશે વડોદરાના પીઢ નાટ્યવિદ મહેશ ચંપકલાલનો ગ્રંથ Bhasa’s Ramayana Plays From Page to Stage શિમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝે બહાર પાડ્યો છે. લેખકે આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટની જ ફેલોશીપ પ્રોજેક્ટ હેઠળ કર્યો હતો. તેમણે ડિ.લિટ. માટે પણ ભાસ પસંદ કર્યો હતો. અહીં તેમણે નાટ્યકારની કલમે પાનાં પર લખાયેલાં / છપાયેલાં નાટકનો પાઠ અને દિગ્દર્શક એ જ નાટક તખ્તા પર મૂકે ત્યારે એના નિર્માણ માટે એણે તૈયાર કરેલો વિગતવાર આલેખ એ બંનેનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. નાટકના લેખિત/મુદ્રિત પાઠના અભ્યાસ માટે તેમણે ભાસનાં તેર નાટકોમાંથી રામાયણ પર આધારિત બે નાટકો ‘અભિષેકનાટકમ્’ અને ‘પ્રતીમાનાટકમ્’ લીધાં છે. વળી તેના મંચનનાં અભ્યાસ માટે સંશોધકે ત્રણ ભજવણીઓ પસંદ કરી છે : ‘અભિષેકનાટક’ના ‘બલિવધમ્’ નામના પહેલા અને ‘તોરમયુદ્ધ’ નામના બીજા અંકની કેરળની પરંપરાગત કુડિયાટ્ટમ્ શૈલીમાં ભજવણી; અને ‘પ્રતીમાનાટક’નું પ્રસિદ્ધ દિગ્દર્શક કે.એન. પનિક્કરે 2002માં કરેલું મંચન. નાટ્યપ્રયોગોની અનેક શ્વેત-શ્યામ તસવીરો ધરાવતો સવા છસો જેટલાં પાનાંનો આ ગ્રંથ આમ તો નાટ્યવિદ્યામાં આગળ વધેલા અભ્યાસીઓ માટે છે. પણ તે પહેલાંના તબક્કાના વિદ્યાર્થીઓને ‘પરફૉર્મન્સ ટેક્સ્ટ’ કેવી હોય તેનો એક વિસ્તૃત નમૂનો અહીં મળી શકે. એક ગુજરાતી સંશોધકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝની અભ્યાસવૃત્તિ (ફેલિશીપ) હેઠળ કરેલાં સામાજિક પ્રસ્તુતતા ધરાવતાં સંશોધનનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. વર્ષાબહેન ભગત-ગાંગુલીએ કરેલાં લોકઆંદોલનોનાં સંભવત: એકમાત્ર વિસ્તૃત અભ્યાસને ઇન્સ્ટિટ્યૂટે Protest Movements and Citizens’ Rights in Gujarat 1970-2010 પુસ્તક તરીકે 2015માં બહાર પાડ્યો છે.
મહારાષ્ટ્રમાં ગયાં બે દાયકામાં હજ્જારો ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓ રાજ્યની અને કેન્દ્રની સરકારો માટે કલંક છે. આપઘાત કરનાર ખેડૂતના પરિવારની અને તેમાં ય તેના પત્નીની હાલત અત્યંત કફોડી થતી હોય છે. પણ દુર્દશાનો સામનો કરીને પોતાનાં અને પરિવારને ફરીથી સુખી બનાવનાર સેંકડો ખેડૂત-પત્નીઓ છે. તેમાંથી કેટલીક મહિલાઓનાં બળ અને ધૈર્ય વિશેની પ્રેરક અને હૃદયસ્પર્શી સમાચારકથાઓ (ન્યૂઝ સ્ટોરિઝ) Harvesting Hope in the Suicide Zone છે. અંગ્રેજી પત્રકાર રાધેશ્યામ જાધવે તેમના આ પુસ્તકને બિલકુલ બંધબેસતું પેટાશીર્ષક આપ્યું છે ‘Women Who Challenged Drought, Death and Destiny’. દુકાળ, મોત અને કિસ્મતને પડકારનારી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની ચાળીસ વીરાંગનાઓ અહીં છે. દેવાદાર પતિએ ઘર સળગાવી દીધેલાં ઘરમાંથી વિદ્યા મોરે બાળકો સાથે દાઝતાં-દાઝતાં પણ નીકળી ગયાં. તેમણે દેવું ચૂકવ્યું, ખેતર સંભાળ્યું, બાળકોને ભણાવ્યાં. અનિતા ગાયકવાડે પતિના આપઘાત બાદ હતાશ છતાં લોભી કુંટુંબની સામે લડત આપીને પોતાના પતિના નામની જમીન પોતાના નામે કરાવીને ખેડી, બાળકોને સારો ઉછેર આપ્યો.
ઓસ્માનાબાદ જિલ્લાના હિંગળજવાડીનાં કમલબહેન કુંભારનો ફુવડ વર તેને છોડીને જતો રહ્યો, માથે દેવાં અને દુકાળ. પછીનાં વર્ષોમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવનાર કમલબહેન આજે આ વિસ્તારનાં રોલ મૉડેલ છે. ત્રણ હજારની વસ્તી ધરાવતાં તેમનાં ગામની બહેનો પતિના મોત કે તેમની હતાશા વચ્ચે સક્રિય થઈ. નજીવાં પાણી છતાં પરંપરાગત ઢબે ખેતી, કુદરતી ખાતરનો ઉપયોગ, શાકભાજીની વાડી તેમ જ મરઘાં-ઉછેર, બચતજૂથ જેવાં માર્ગે ‘આપઘાતનાં મોજાંને ગામની સીમમાં અટકાવ્યું’. મંગલ વાઘરમારેએ પતિની મોટી જમીન વેચી, દેવું ઊતાર્યું, વધેલા પૈસામાંથી જમીનનનો નાનો ટુકડો ખરીદ્યો, સજીવ ખેતી અપનાવી, ‘આજે તેઓ લાખો રૂપિયા કમાય છે’.
દલિત મહિલા સુનિતા કાંબળેએ વાડા તોડીને મહિલાઓને સમૂહખેતીમાં સામેલ કરી. તેમનાં જેવાં જ સુભદ્રા વાટેકરે પતિની જમીન પર સખત મહેનતથી પેદાશ લીધી, આભડછેટ અને ઇર્ષ્યાથી પીડાતા પુરુષોના હુમલાનો પણ સામનો કર્યો. વનમાળાબહેન શિંદેનાં પતિ અને પુત્ર, બીજા અનેક નબળા પુરુષોની જેમ હતાશાને કારણે દારૂ પીને મરી ગયા. બહેને એમનાં વિસ્તારમાં પોલીસ અને રાજકારણીઓની સાંઠગાંઠથી ચાલતી લિકર લૉબીની સામે લગભગ એકલા હાથે લડત આપી. આવી અનેક સમાચારકથાઓ લેખકે અંતરિયાળ આપઘાતગ્રસ્ત વિસ્તારોની અને બહાદુર મહિલાઓનીરૂબરૂ મુલાકાતોના આધારે પુષ્કળ વિગતો સાથે લખી છે. ખેડૂત આત્મહત્યાઓ પર પી. સાઈનાથે કરેલું વિરલ અને પ્રભાવક પત્રકારત્વ જાણીતું છે. રાધેશ્યામનું પુસ્તક તેને આગળ લઈ જનાર એક માઇક્રો-પ્રોજેક્ટ જેવું ગણી શકાય.
અમેરિકાથી ભારતમાં આવીને વસેલા, શેક્સપિયર ઉપરાંત નાટક-સિનેમાના અભ્યાસી અને અશોકા યુનિવર્સિટીના અધ્યાપક જોનાથન ગિલ હૅરિસનું Masala Shakespeare : How a Firangi Writer Became Indian પુસ્તક ભારતીય સિનેમા પરના શેક્સપિયરના પ્રભાવનો એકંદરે હળવી અને રસાળ શૈલીમાં અભ્યાસ કરે છે. પુસ્તકનો વિશાળ વ્યાપ બૉલિવૂડ ઉપરાંત દેશની પ્રાદેશિક નાટ્ય-ચિત્રપટ સૃષ્ટિ ઉપરાંત દેશના ઇતિહાસ, રાજકારણ, સામાજિક પરિસ્થિતિ જેવાં ક્ષેત્રોને આવરી લે છે. ‘ઓથેલ્લો’ને તે ઑનર કિલિન્ગના, ‘મકબુલ’ના એક નૃત્યને તે સહિયારા સંસ્કૃતિક વારસાના, અને અલબત્ત ‘હૈદર’ને તે કાશ્મીરના સંદર્ભોમાં જુએ છે. ભારતમાં શેક્સપિયરનાં નાટકનો પહેલો પ્રયોગ એક વહાણ પર થયો હતો, ઉત્પલ દત્તે શેક્સપિયરને ભારતની ભૂમિમાં રોપવા ખૂબ રસ લીધો હતો, પારસી અને મરાઠી રંગભૂમિ પર પણ શેક્સપિયર પ્રવેશ્યો હતો જેવી અનેક રસપ્રદ માહિતી લેખક આપે છે. શેક્સપિયરના ત્રણ-ત્રણ સુખાન્ત અને દુખાન્ત નાટકોના ઉલ્લેખો વિશેષ મળે છે. ભારતનાં ભાતીગળ જીવનના આશિક હૅરિસ એ મતલબનું પણ લખે છે કે આ પુસ્તક ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને લખેલો પ્રેમપત્ર છે.



બીજી કેટલીક મજાની કિતાબો : શહેરોમાં જોવાં મળતાં વૃક્ષો પર લાગણીથી લખાયેલું પુસ્તક Cities and Canopies : Trees in Indian Cities (લેખક – હરિણી નાગેન્દ્ર અને સીમા મુન્ડોલી) ડૉ. બાબાસાહેબ આંબેડકર પરનાં કાર્ટૂન્સ વિશેનું પુસ્તક No Laughing Matter : The Ambedkar Cartoons, 1932-1956 (ઉન્નમતિ સ્યામ સુન્દર), આકર્ષક શૈલી ઉપરાંત ભ્રમણ-સંશોધન-પરિપ્રેક્ષ્ય માટે પણ વાંચવા જેવું અત્યારના સમય વિશેનું મહત્ત્વનું પુસ્તક Dreamers : How Young Indians are Changing Their World (સ્નિગ્ધા પૂનમ).
એક બહુ વિશિષ્ટ પુસ્તક પર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(2 ઑગસ્ટ)માં નોંધ આવી હતી. પુસ્તકનું નામ Semicolon : The Past, Present and Future of a Misunderstood Mark, લેખક સેસિલિયા વૉટસન. ‘એક્સપ્રેસ’ લખે છે :
અંગ્રેજી લેખનનાં બધાં વિરામચિહ્નોમાં સેમીકોલન (અર્ધવિરામ) કદાચ સહુથી વધુ વિવાદાસ્પદ છે. તેની જરૂરિયાત અને અસરકારકતા વિશે લેખકોમાં મતભેદ છે. સ્ટીફન કિન્ગને એ ગમતું નથી, અર્નેસ્ટ હેમિન્ગ્વે અને જ્યૉર્જ ઑરવેલનું પણ એમ જ હતું. પણ હર્મન મેલ્વિલ અને હેંન્રિ જેમ્સને સેમિકોલન પ્રિય હતું. આવાં આ ખાસ વિરામ ચિહ્ન વિશેનાં એમનાં પુસ્તકમાં ઇતિહાસકાર અને શિક્ષક સેસિલિયા વૉટસને સેમિકોલનના આરંભથી અત્યાર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે, અને તેની સાથે સંકળાયેલા વિવિધ વિવાદો વિશે પણ લખ્યું છે.
સેમિકોલનનાં બે મુખ્ય કાર્યો છે. એક કાર્ય એટલે, જે શબ્દો પછી અલ્પવિરામ મૂકવામાં આવ્યું હોય એવા શબ્દોને એક જૂથમાં મૂકીને અલગ તારવવા. જેમ કે, ‘ઉત્તરપ્રદેશનાં ગોરખપુર, અમેઠી, અને આઝમગઢ; બિહારનાં પટના, વૈશાલી અને નાલંદા; આસામનાં ધુબ્રી, બારપેટા અને ગુવાહાતી …’ સેમિકોલનનું બીજું કાર્ય એકંદરે વિવાદાસ્પદ છે. વિરામચિહ્નોના કોટિક્રમ (હાયરાર્કિ)માં અલ્પવિરામ અને પૂર્ણવિરામ વચ્ચે આવતું અર્ધવિરામ એવું ચિહ્ન છે કે જે, સ્વતંત્ર વાક્યો તરીકેનાં અસ્તિત્વની ક્ષમતા ધરાવતાં હોય તેવાં બે ઉપવાક્યોને છૂટાં પાડીને એક જ વાક્યમાં રાખે. સેમિકોલન કેટલાંક વાક્યોમાં ગોઠવાઇ જાય છે, જ્યારે કેટલાંક વાક્યો તેનાથી અટપટાં બની જાય છે.
સેમિકોલનની શોધ Aldus Manutius નામનાં મુદ્રકે 1494માં વેનિસમાં કરી. ત્યાર બાદ ઘણાં સમય સુધી આ વિરામચિહ્નનું ખાસ કોઈ સુનિશ્ચિત કાર્ય ન હતું. ઓગણીસમી સદીમાં ભાષાવિમર્ષમાં નવા-નવા નિયમો પ્રવેશ્યા, એટલે સેમિકોલનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ વિશે વારંવાર વિવાદ થવા લાગ્યા. સેમિકોલનનાં આ જીવનચરિત્રમાં વૉટસન, મિલ્ટનથી લઈને નાગરિક અધિકારની ચળવળના અગ્રણી માર્ટીન લ્યૂથર કિન્ગ સુધીના બહોળા સમયપટમાંથી, દાખલા ટાંકે છે. તેનો મુદ્દો એ છે કે વ્યાકરણ-ઝનૂનીઓ(gramamar fanatics)એ નિયમપોથીઓને મહત્ત્વ આપવાને બદલે વાત વધુ સારી રીતે કમ્યુનિકેટ કેવી રીતે કરી શકાય તેની પર ધ્યાન આપવું જોઈએ. તો પછી એનો અર્થ એવો થાય કે ગમે તે ચાલે ? ‘ના, બિલકુલ નહીં’, એમ કહીને, આ પુસ્તકનાં અવલોકનમાં ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’ લખે છે : ‘લેખન-પ્રણાલીઓ જ્યારે આપણને વિચાર કરતાં અટકાવે ત્યારે જ તેમનો વિરોધ કરવો જોઈએ એમ વૉટસન માને છે. એમનું હોશિયારીભર્યું, કુતૂહલપ્રેરક પુસ્તક આપણને પ્રેરે છે, એ કહે છે કે પૂછતાં શીખો કે નિયમો કોના (અને એ પૂછતાં પૂછતાં જ સેમિકોલનની કદર કરો).’
આવાં બધાં મજાનાં પુસ્તકોનો માત્ર ઉલ્લેખ કરીને અર્ધવિરામ લઈએ, કેમ કે પુસ્તકોની વાતમાં ક્યારે ય પૂર્ણવિરામ નહીં આવવાનો !
****
e.mail : sanjaysbhave@yahoo.com
[શુક્રવાર, 30 ઑગસ્ટ 2019ના, દૈનિક “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખકની સાપ્તાહિક કટાર, ‘ક્ષિતિજ’ની આ વિસ્તૃત આવૃત્તિ છે.]
![]()


‘ગુજરાતી વિશ્વકોશ’ના ઘડવૈયા ધીરુભાઈ ઠાકરનું ખૂબ વાચનીય જીવનચરિત્ર ‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ નામે ગયા મહિને પ્રસિદ્ધ થયું. તેનાં થકી ચરિત્રકાર મણિલાલ હ. પટેલે ગુરુઋણ તો જાણે અદા કર્યું જ છે, સાથે ધોરણસરનાં સુરેખ જીવનચરિત્રનો નમૂનો પણ પૂરો પાડ્યો છે.
અનોખા કર્મશીલ દિનકર દવે(1939-2018)ને અકૃત્રિમ અંજલિ આપતાં લખાણોનું ‘રચના-સંઘર્ષ અને સમન્વયનો સૈનિક દિનકર’ નામનું નાનું પુસ્તક બેએક મહિના પહેલાં ‘નયા માર્ગ’ના સંપાદક ઇન્દુકુમાર જાની પાસેથી મળ્યું. નિર્મળ, હસમુખા, હળવાશભર્યા, ‘વહેતાં ઝરણાં જેવાં’ અદના લોકસેવક દિનકરભાઈ પ્રમાણમાં ઓછા જાણીતા હતા. પણ સમાજકાર્યમાં પડેલા લોકો માટે તેમના વિશે જાણવા જેવું ઘણું છે. વ્યક્તિગત રીતે તેઓ અનેક કામ હાથ પર લેતાં રહ્યા અને સંસ્થાઓને પણ સેવા આપતા રહ્યા : સજીવ ખેતી સહિત કૃષિના પ્રયોગો, વૈકલ્પિક ઊર્જા, પાણી બચત, સાબરમતી નદી પ્રદૂષણ નિવારણ, ગરીબો માટે સ્થાનિક સામગ્રી અને શ્રમથી સસ્તાં ઘરોની રચના, ગુજરાતમાં વિરલ એવી ઝગડિયાની આરોગ્ય સેવા સંસ્થા ‘સેવા રૂરલ’ની સ્થાપના, ભૂકંપ પછીનાં કચ્છમાં સુરક્ષિત બાંધકામ, નર્મદા યોજનાનાં વિસ્થાપિતોના પ્રશ્નો, આ યાદી ઘણી લાંબી થાય.
આઠ-દસ મહિના પહેલાં વસાવેલાં નવાં ગુજરાતી પુસ્તકોમાં ‘ઍન ફ્રૅન્કની ડાયરી’ એ દુનિયાભરના વાચકોના એક પ્રિય પુસ્તક – ‘ડાયરી ઑફ અ યન્ગ ગર્લ’(અથવા ‘ડાયરી ઑફ ઍન ફ્રૅન્ક’, 1947)નો કાન્તિ પટેલે કરેલો ગુજરાતી ભાવાનુવાદ છે. આ ડાયરી હિટલરે ઊભી કરેલી યાતનાછાવણીમાં મોતને ભેટેલી તેર વર્ષની યહૂદી કિશોરી ઍન ફ્રૅન્કે (1929-1945) ડચ ભાષામાં લખી છે. યહૂદીઓનું નિકંદન કાઢનાર હિટલરની નાઝી પોલીસના હાથમાં પકડાતાં પહેલાં ઍન અને તેના પરિવારને ઍમસ્ટારડામના એક અવાવરુ ઘરમાં સંતાઈને રહેવું પડ્યું હતું. એમાંથી 12 જૂન 1942 થી 01 ઑગસ્ટ 1944 સુધીના ભયાનક કાળની આપવીતી ઍને રોજનીશીમાં લખી છે. અરુણોદય પ્રકાશને બહાર પાડેલાં ગુજરાતી પુસ્તકમાં અનુવાદકે એક વિસ્તૃત ઉપયોગી ભૂમિકા પણ લખી છે. સર્જનાત્મકતાના સ્પર્શવાળી આ વેદનામય વાસરીને તેમણે ‘એક કિશોરીના આંતરમનની આપવીતી’ ગણાવી છે. એ પણ યાદ રહે કે આ ડાયરી એક વ્યક્તિ અને એક કુટુંબ વંશવાદી એકાધિકારવાદી સત્તાકારણની પાશવતાનો ભોગ કેવી રીતે બને છે તેનો પ્રાતિનિધિક એવો દસ્તાવેજ ગણાય છે.
અગ્રણી બૌદ્ધિક ભોગીલાલ ગાંધીના ચિરંજીવી અમિતાભ ગાંધીએ જાન્યુઆરીમાં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેના વિતરક ‘અક્ષરભારતી પ્રકાશન’ના રમેશ સંઘવીએ શરૂઆતની નોંધ ‘મહેકતી સ્મરણમંજૂષા’માં લખ્યું છે : ‘મહાત્મા ગાંધી સંદર્ભે કંઈ પણ દસ્તાવેજીય — ઐતિહાસિક વાત-વિગત મળે તે તો અમોલું ધન !’ પ્રસ્તાવનામાં રાજયશાસ્ત્રના પૂર્વ અધ્યાપક અને આપણા બહુ મોટા વાચક સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ લખે છે :
ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રામઅર્થશાસ્ત્ર વિભાગનાં સહાધ્યાપક મંજુલા લક્ષ્મણનો એક મહત્ત્વનો સંશોધન ગ્રંથ ‘ગૂર્જર પ્રકાશને’ માર્ચ મહિનામાં પ્રસિદ્ધ કર્યો છે : ‘જમીન સુધારો અને દલિતોની સ્થિતિ : એક મૂલ્યાંકન (ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારો 1960નાં સંદર્ભમાં)’. નિસબત અને મહેનતથી થયેલા આ પ્રસ્તુત અભ્યાસનાં અનેક ચોંકાવી દેનારા નિષ્કર્ષો છે. જેમ કે, છ જિલ્લાના 423 લાભાર્થીઓમાંથી 57% જમીન અધિકાર મેળવી શક્યા છે અને જમીનપ્રમાણ સરેરાશ બે એકર છે. મોટે ભાગે દલિતોને પોતાના હક અને રાજ્યની ફરજના સહજ ક્રમમાં જમીનો મળી નથી. એના માટે તેમને વ્યક્તિગત ધોરણે, સામુદાયિક રીતે, સંગઠનોના હસ્તક્ષેપ અને અદાલતોના આદેશ થકી સંઘર્ષ કરવો પડ્યો છે. તેમાં 58 % લાભાર્થીઓને જમીન મેળવવા માટે પાંચથી વધુ વર્ષ લાગ્યાં છે. કેટલાકે તો પચીસ વર્ષની કાનૂની લડત આપવી પડી છે. બહુ આઘાતજનક નિષ્કર્ષ એ છે સરકારી દસ્તાવેજોમાં જેમને જમીન વહેંચણી કરવામાં આવી હતી તેવા લાભાર્થીઓમાંથી 43 % જમીન અધિકાર મેળવી શક્યા નથી, ઘણાં હજુ સુધી જમીન જોઈ શક્યા નથી. આ સંઘર્ષમાં કેટલાક બરબાદ થઈ ગયા છે. કેટલાંક કહે છે : ‘જો સરકાર દ્વારા અમને જમીન આપવામાં આવી ન હોત તો અમને આટલું નુકસાન ખર્ચ ન થયું હોત !’
મૂળ ભાવનગરના પણ કચ્છની એક કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અનિરુદ્ધસિંહ ભીખુભા ગોહિલનાં, અમદાવાદના ‘ડિવાઇન પ્રકાશ’ને હાલમાં બહાર પાડેલાં બે તદ્દન નવાં પુસ્તકો હમણાં મળ્યાં. ‘સૂરજનો સાતમો ધોડો’ પુસ્તકનું આવરણચિત્ર તો જિજ્ઞ્રેશ બહ્મભટ્ટનું છે. અગ્રણી હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતીની જાણીતી લઘુનવલ ‘સૂરજ કા સાતવાં ઘોડા’ના તેમણે કરેલા આ અનુવાદની શરૂઆતમાં લેખકના પોતાનાં નિવેદન અને ‘અજ્ઞેય’એ લખેલી ભૂમિકા વાંચવા મળે છે. તે ઉપરાંત ગુજરાતીના રસજ્ઞ અધ્યાપક-વિવેચક અજય રાવલે ભારતીની કૃતિ પરથી શ્યામ બેનેગલે બનાવેલી ફિલ્મ વિશેનો અભ્યાસલેખ પણ અહીં વાંચવા મળે છે. અનુવાદક લખે છે : ‘… આ પુરુષાર્થ માત્ર ભાષાના સ્તરે જ નહીં પરંતુ કૃતિસમગ્રના સ્તરે અનુભવાય એમ એને અનુવાદમાં ઊતાર્યો છે. ગુજરાતી વાચકને આ કૃતિ વાંચતાં જ ગુજરાતી લાગે એટલે ભયોભયો.’
અનિરુદ્ધસિંહનાં મૌલિક પુસ્તક ‘કાવ્ય પ્રતિ …’માં બાર ગુજરાતી પદ્યકૃતિઓનાં ‘કૃતિલક્ષી આસ્વાદાત્મક અવલોકનો’ વાંચવાં મળે છે. અનેક શિક્ષકો અને સાહિત્યકારો તરફ ઋણભાવ વ્યક્ત કરતી ‘આ સૌના ખભે ચઢીને હું ઊભો છું …’ એવી પ્રસ્તાવનામાં લેખક જણાવે છે : ‘સુરેશ જોશીની જેમ આ અસ્વાદોને ગ્રંથસ્થ કરવા પાછળનો હેતુ સામાન્ય વાચકને પણ કાવ્યાભિમુખ કરાવવાનો છે….’ અનિરુદ્ધસિંહના વિવેચન લેખોની ખાસિયત એ નિરુપણમાં રહેલી અરુઢતા છે. પહેલાં ભાગ્યે જ જોવા મળી હોય તેવી પ્રયુક્તિઓ અહીં જોવા મળે છે. અહીં કવિતાઓનું અનેક આકૃતિઓ, આલેખો, કોષ્ટકો અને ચિત્રો દ્વારા વિશ્લેષણ થયું છે. એક લેખમાં એક બહેનની ‘હૃદયાવસ્થાનો વૃત્તાંત (કાર્ડિઓગ્રામ) આવો થાય ને ?’ એમ પૂછીને લેખક કાર્ડિઓગ્રામ જેવો ‘આકૃતિઆલેખ’ મૂકે છે ! લેખકે જેમની કૃતિઓ લીધી છે તે કવિઓ છે: દા.ખુ. બોટાદકર, બાલમુકુન્દ દવે, મનસુખલાલ ઝવેરી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, કમલ વોરા, રમણીક અગ્રાવત, જયદેવ શુક્લ, પ્રિયકાન્ત મણિયાર, રમેશ પારેખ અને ભરત ભટ્ટ.

મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’
રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં જે લખ્યું છે તેની વાત અહીં કરવાની છે.