આપણી સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જાય છે, તો આપણે દોડીને અદાલતમાં જઇએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા
અતિશય કંટાળાજનક રાજકારણમાં હું અવારનવાર ક્રિકેટની ભાષામાં વાત કરતો હોઉં, તો ન્યાયતંત્ર વિશેની વાતમાં હું ફિલ્મસંગીત પણ લાવી શકું છું. ગીતકાર આનંદ બક્ષીની પુણ્યતિથિના થોડા દિવસ પછી આ લખી રહ્યો હોઉં ત્યારે તો ખાસ. એમનો યુગ યાદ કરતાં કરતાં ન્યાયતંત્ર વિશે વિચારવાના કારણે મને 1969ની ફિલ્મ ‘દો ભાઈ’ યાદ આવી ગઈ. તેમાં અશોકકુમાર અને જિતેન્દ્ર ભાઈ છેઃ એક જજ અને બીજો પોલીસ અધિકારી. જજ શું કરવું તેની અવઢવમાં પડે છે. સજા આપવી કે માફી? તેના માટે આનંદ બક્ષીએ લખ્યું હતું, ‘ઇસ દુનિયામેં ઓ દુનિયાવાલો, બડા મુશ્કિલ હૈ ઇન્સાફ કરના / બડા આસાન હૈ દેના સજાએં, બડા મુશ્કિલ હૈ પર માફ કરના.’
વાત 1998ના શિયાળાના દિવસોની છે. એ વાતનાં વીસેક વર્ષ પછી હું વિશ્વાસ તોડીને કેટલાક આદરપાત્ર લોકોનાં નામ અહીં લઉં છું. તેઓ મને માફ કરે. કારણ કે તેઓ આમ કરવા પાછળનાં કારણ તે સમજી શકશે. એ વખતે દેશના મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ એ.એસ. આનંદના ભૂતકાળની અમારા લીગલ એડિટર અત્યંત બારીકાઈથી તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં ઉપસતી છબિ એક એવા ન્યાયાધીશની હતી, જે કામની ગુણવત્તા સાથે સમાધાન કરતા હોય, હિતોના ટકરાવ સામે આંખ આડા કાન કરતા હોય, ભેટ અંગે પારદર્શકતા ન રાખે અને પોતાની જમીનના ભાગિયાઓને ઓછી ચૂકવણી કરતા હોય.
આ વાત એટલી સ્ફોટક હતી કે મેં એ સમયના ટોચના 12માંથી 10 ધારાશાસ્ત્રીઓની સલાહ લીધી. આ સમાચાર છાપવાની તરફેણમાં બે અને ન છાપવાની તરફેણમાં આઠ ધારાશાસ્ત્રી હતા. સમાચાર ન છાપવા જોઇએ, એમ કહેનારાનાં કારણ કેવળ કાનૂની કે હકીકતલક્ષી ન હતાં. તેમનું કહેવું હતું કે આવા મામલામાં સાવચેતી રાખવી, કોઈ નિર્દોષને હાનિ ન પહોંચાડવી, આપણી મહાનત્તમ સંસ્થાને ઘસરકો ન પાડવો. જે બે લોકોએ સમાચાર છાપવાની તરફેણ કરી, તેમાંથી એકે કહ્યું કે હકીકત એટલે હકીકત. તેમાં કશી દલીલબાજીને અવકાશ નથી. બીજા સજ્જન અતિશય ઉત્સાહી હતા. મેં તેમને પૂછ્યું, ‘જજ શું કરશે? અદાલતના અપમાન બદલ આપણને ઠેકાણે પાડી દેશે?’ તેમણે કહ્યું, ‘તેઓ આવું કશું નહીં કરે. તેમને તો માત્ર આપઘાત કરવાનો જ બાકી રહેશે.’
આ જવાબે તો અમને હચમચાવી નાખ્યા. ભારતીય કાનૂની વિશ્વના આ મહાનુભાવે અજાણતાં અમે જે કરવા માગતા હતા, તેનો અસલી આશય અમારી સામે ખુલ્લો પાડી દીધો. અમે દરેક વાક્યને ફરી વખત બારીકાઈથી વાંચ્યું. માત્ર એક જ વાત ગેરહાજર હતી: જસ્ટિસ આનંદ તરફથી જવાબ. તમામ પૂછપરછમાં તેમની ઑફિસમાંથી અમને એક જ જવાબ મળ્યો કે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓ મીડિયાની સાથે સીધી વાત ન કરી શકે.
એ વખતે જાહેર ક્ષેત્રની એવી બે હસ્તીઓએ મારો સંપર્ક કર્યો, જેમનાં માટે મારા મનમાં ખૂબ આદર હતોઃ સુષમા સ્વરાજ અને અરુણ શૌરી. બંને વાજપેયી મંત્રીમંડળમાં મંત્રી હતાં. બંને ખાસ્સા સમયથી જસ્ટિસ આનંદ અને તેમના પરિવારને ઓળખતા હતાં. તેમણે કહ્યું કે જસ્ટિસ આનંદે ક્યારે ય કોઈ અપ્રામાણિકતા દાખવતું કામ હોય, એવો તેમનો વિશ્વાસ પડતો નથી. મેં તેમને કહ્યું કે અમારી સ્ટોરી તમને એની ખાતરી કરાવી દેશે અને તેને અટકાવવી શક્ય નથી. અમે મેળવેલી વિગતો ખોટી હોય તો સાચી હકીકત જાણવા માટે અમારે જસ્ટિસ આનંદની જરૂર છે.
સુષમા સ્વરાજે સૂચન કર્યું કે હું જસ્ટિસ આનંદને ફોન કરું. મેં તેમને ફોન કર્યો. જસ્ટિસ આનંદ તમામ હકીકતો સાથે ઑફ ધ રેકોર્ડ મને મળવા માટે તૈયાર થઈ ગયા. ટૂંકમાં કહું તો કંઈક આવું બન્યું. અમે દરેક આરોપ વિશે ચર્ચા કરવામાં કલાકો ગાળ્યા. તેમની પાસે લેધરની બ્રીફકેસ હતી, જેમાં દસ્તાવેજ, ટૅક્સ રિટર્ન, હાથેથી લખેલી ચિઠ્ઠીઓ, અનાજવેચાણની પહોંચ, બાળકોનાં લગ્નનાં કાર્ડ અને લગ્નની ‘ભેટ’ની રકમ પર કોર્ટ અને ટૅક્સ અધિકારીઓને અપાયેલા પત્રકો ભરેલાં હતાં. હું તેમનાં ‘તથ્યો’ સાથે પરત ફર્યો. પછીથી પણ અનેક વખત આવવા-જવાનું થયું.
એવું લાગતું હતું કે તેમની પાસે દરેક બાબતનો ભરોસાપાત્ર જવાબ છે. માત્ર એક વાતની જવાબદારી નક્કી નહોતી. અનેક વર્ષ પહેલાં અનાજની છ અડધી ગુણ, જેમની કિંમત ભાગીદારોને કદાચ નહોતી અપાઈ. એ વખતે તેની રકમ કદાચ ત્રણ-ચાર હજાર રૂપિયાથી વધારે નહોતી થતી અને ગણતરીમાં ભૂલ પણ બની શકી હોત. હું હતોત્સાહિત થઈને પરત ફર્યો. અમે એવું વિચારી રહ્યા હતા કે અમારા હાથમાં જિંદગીના સૌથી મોટા સમાચાર આવ્યા અને હવે તથ્યોના આધારે તેના પર પાણી ફરી વળ્યું. એ અનેક કલાકોના દ્વિધાજનક સમયમાંથી એકેએક પળની છાપ આજે પણ મારા મન પર છે. આશા છે કે જસ્ટિસ આનંદ આ વાતનો ઉલ્લેખ કરવા માટે મને માફ કરશે. ‘હું ભારતનો ચીફ જસ્ટિસ છું અને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપી ચૂક્યો છું. શું હજી પણ તમે માત્ર મને, બલકે આ મહાન સંસ્થાને હાનિ પહોંચાડશો?’ ફરીથી માફી ચાહું છું જસ્ટિસ આનંદ 20 વર્ષ પછી ભરોસો તોડવા માટે. પરંતુ મેં તેમની આંખ ભીની જોઈ ત્યારે સંકોચ અનુભવ્યો હતો અને ડર પણ.
સ્ટોરી અટકાવી દેવામાં આવી. મેં અનેક વખત વિચાર્યું કે જો કોઈ નેતા અથવા અધિકારીની બાબતમાં અમે આટલી ધીરજથી વિચાર્યું હોત? અને છેવટે અમારી જ વાતને નકારી દીધી હોત? અમે મુખ્ય ન્યાયાધીશનો પક્ષ જાણવા માટે આટલી રાહ જોઈ. કારણ કે તેનો સંબંધ એવી સંસ્થા સાથે હતો, જેનું આપણે એટલું સન્માન કરીએ છીએ. જ્યારે પણ આપણી સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જાય છે, તો દોડીને ત્યાં જઈએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા.
‘જોલી એલએલબી-2’માં જજ કહે છે કે ન્યાયતંત્રમાં ઘણું ખોટું છે, પરંતુ જ્યારે બે લોકો ઝઘડે છે, ત્યારે કહે છે કે ‘હું તને કોર્ટમાં જોઈ લઈશ.’ કારણ કે લોકોને લાગે છે કે અદાલત તેમને ન્યાય અપાવશે. આ તમામ કારણોસર આપણી સર્વોચ્ચ અદાલતે ઊંડો વિચાર કરવો જોઈએ કે લોકપ્રિયતાની આ અસામાન્ય મૂડીને સુરક્ષિત રાખીને કેવી રીતે વધારી શકાય. નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિઓ રચીને સરકારી બાબતો પર રાજ ચલાવવું એ અદાલતી સક્રિયતાના ખ્યાલથી કેટલું દૂર છે? શું ગુસ્સામાં બોલવાથી કે એવી રીતે કામ કરવાથી આ મૂડી વધશે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થતા ન્યાયાધીશોમાંથી 70 ટકા સરકારી સમિતિઓમાં જગ્યા મેળવી લે છે તેના વિશે ચર્ચા ન થવી જોઈએ? શું નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ બને તે યોગ્ય છે? ચર્ચા માટે કોઈ પણ મુદ્દો એક હદથી વધારે સંવેદનશીલ ન ગણાય.
Twitter@ShekharGupta
સૌજન્ય : ‘પ્રતિષ્ઠાની મૂડી’, “દિવ્ય ભાસ્કર”, 12 અૅપ્રિલ 2017