અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્જોગ્પા અને બોમન ઈરાની એમ ચાર મિત્રોના પ્રેમ અને સાહસની વાર્તા લઈને આવેલી ફિલ્મ ‘ઊંચાઈ’ આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યા છે અને તેમની ફિલ્મ નિર્માણ કંપની રાજેશ્રી પ્રોડકશન આ વર્ષે તેની સ્થાપનાનાં 75 વર્ષ પણ પૂરાં કરે છે. રાજેશ્રી પ્રોડકશન પારિવારિક મનોરંજન અને મૂલ્યો માટે જાણીતી છે. જીવન મૃત્યુ, પિયા કા ઘર, ચિત્તચોર, દુલ્હન વહી જો પિયા મન ભાવે, અખિયોં કે ઝરોખો સે, સારાંશ, મૈને પ્યાર કિયા, હમ આપ કે હૈ કૌન જેવી ફિલ્મો દ્વારા રાજેશ્રીએ ભારતીય ફિલ્મ દર્શકોમાં એક ઈજ્જતભર્યું સ્થાન ઊભું કર્યું છે.
રાજેશ્રીની ફિલ્મોમાં લગ્નો, તહેવારો, રીત-રિવાજો, પારિવારિક પ્રસંગોનું એક અનોખું સ્થાન છે અને એ ફિલ્મો જોઇને મોટા થયેલાં ચાહકોને ‘ઊંચાઈ’ રાજેશ્રીની ‘લિક સે હટકે’ ફિલ્મ લાગે, પરંતુ આગલી પેઢીના દર્શકોને યાદ હશે કે રાજેશ્રીની બીજી જ ફિલ્મ (1962માં આવેલી પહેલી ફિલ્મ ‘આરતી’ વિશે આપણે તાજેતરમાં જ અહીં વાંચી ગયા છીએ) ‘દોસ્તી’માં પણ બે મિત્રોના પ્રેમ અને હમદર્દીની વાર્તા હતી. એટલે એવું કહી શકાય કે રાજેશ્રી પ્રોડકશને તેના 75માં વર્ષમાં ફરીથી એ જ વિષયને છેડ્યો છે જે તેણે 1964માં ‘દોસ્તી’ ફિલ્મમાં છેડ્યો હતો.
અને કેવો છેડ્યો હતો! 1965ના છ ફિલ્મફેર પુરષ્કાર ‘દોસ્તી’ લઇ ગઈ હતી; શ્રેષ્ઠ ફિલ્મ- તારાચંદ બડજાત્યા (સૂરજના દાદા), શ્રેષ્ઠ સંગીત – લક્ષ્મીકાંત-પ્યારેલાલ, શ્રેષ્ઠ વાર્તા – ગોવિંદ મૂનિસ, શ્રેષ્ઠ ગાયક કલાકાર – મહોમ્મદ રફી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે) અને શ્રેષ્ઠ ગીતકાર – મજરૂહ સુલતાનપૂરી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે). શ્રેષ્ઠ નિર્દેશકની કેટેગરીમાં ‘દોસ્તી’ના નિર્દેશક સત્યન બોઝનું નોમીનેશન પણ હતું, પરંતુ ‘સંગમ’ માટે રાજ કપૂર એમાં મેદાન મારી ગયા હતા.
1964માં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનારી ટોપ ટેન ફિલ્મોમાં ‘દોસ્તી’ ત્રીજા નંબરે હતી. તેની આગળ અનુક્રમે ‘સંગમ’ અને ‘આયી મિલન કી બેલા’ હતી. બે બાળ કલાકારો, સુશીલ કુમાર અને સુધીર કુમાર અભિનીત આ ફિલ્મને દર્શકોએ અનહદ પ્રેમ કર્યો હતો. પાછળથી આ બંને કલાકરો ખોવાઈ ગયા હતા. બંનેને લઈને તેમની હત્યા, અકસ્માત, અન્ડરવર્લ્ડ કનેક્શન વગેરે જેવી અનેક અફવાઓ ફેલાઈ હતી, પણ એ એવા ખોવાઈ ગયા કે કોઈની પાસે તેમની સાચી માહિતી નહોતી. તેમની સાથેનો બીજો એક કલાકાર આગળ જઈને મોટો સ્ટાર બન્યો; એ ફિરોઝ ખાનનો ભાઈ સંજય ખાન હતો.

કોઈ જ મોટા સ્ટાર વગર, બે સાવ નવા નિશાળિયા એક્ટરને લઈને માત્ર મર્મસ્પર્શી વાર્તા અને મધુર સંગીતના દમ પર એક સુપરહીટ ફિલ્મ કેવી રીતે બને એ જો કોઈએ શીખવું હોય તો ‘દોસ્તી’ને જોવી-જાણવી જોઈએ.
ભારતને આઝાદી મળી તે જ દિવસે, 15મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈમાં “રાજશ્રી” નામની ફિલ્મ ડિસ્ટ્રબ્યૂશન કંપની શરૂ કરનારા મારવાડી બિઝનેસમેન તારાચંદ બડજાત્યાએ 1962માં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું, ત્યારે ‘આરતી’ માટે તેઓ નવોદિત કલાકારોની તલાશમાં હતા, પણ નવા ધંધામાં પૈસે-ટકે ભરવાઈ ન જવાય તેવી બીકમાં તેમણે મીના કુમારી, પ્રદીપ કુમાર અને અશોક કુમાર જેવા ધરખમ સ્ટાર સાથે ફિલ્મ બનાવી. ફિલ્મ ઠીકઠાક ચાલી અને તેનાં ગીતો પણ (“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંજિલ, રાહી …” અને “અબ ક્યા મિશાલ દૂં મૈં તેરે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી”) પણ મશહૂર થયાં એટલે તારાચંદને હિમ્મત આવી અને બે વર્ષ પછી અજાણ્યા કલાકારોવાળી ‘દોસ્તી’ લઈને આવ્યા. એ બે ફિલ્મોથી, રાજેશ્રી પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે તેનું સંગીત ઉત્કૃષ્ઠ જ હોય એવો શિરસ્તો બેસી ગયો, જે ‘ઊંચાઈ’માં જળવાઈ રહ્યો છે.
‘દોસ્તી’માં કુલ છ ગીતો હતાં; પાંચ મહોમ્મદ રફીના અવાજમાં અને એક લતા મંગેશકરના અવાજમાં. એમાં ચાર ગીતો અત્યંત લોકોપ્રિય થયાં; ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે, રાહી મનવા દુઃખ કી ચિંતા કયું સતાતી હૈ … દુઃખ તો અપના સાથી હૈ અને જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે. એ ચારમાં ‘ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે’ તો આજે પણ મહોમ્મદ રફીનાં ટોપ ટેન સર્વશ્રેષ્ઠ ગીતોમાં શાનથી બેઠું છે.
1964માં, ક્રિકેટની ભાષામાં કહીએ તો, એક એક મોટો અપસેટ સર્જાયો હતો કે જે તેમના ગીત-સંગીત માટે જાણીતા હતા તે રાજ કપૂરની ઇસ્ટમેન કલર ફિલ્મ ‘સંગમ’નાં એટલાં જ સમૃદ્ધ ગીતોને પછાડીને, એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ‘દોસ્તી’નું એ ગીત ફિલ્મફેર એવોર્ડ લઇ ગયું. ત્યાં સુધી કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને પણ સુખદ આશ્ચર્ય થયું હતું કે ‘સંગમ’ને સંગીતનો એવોર્ડ ન મળ્યો.
રસપ્રદ વાત એ છે કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને ‘ચાહૂંગા મૈં તુજે’ને લઈને બહુ વિશ્વાસ નહોતો અને તેઓ એ ગીતને કાઢી નાખવાના મતના હતા, પણ તેમણે રફી સાહેબનો મત જાણવાનું નક્કી કર્યું હતું. રફીએ જ્યારે એ ધૂન સાંભળી ત્યારે તેમણે કહ્યું કે તમે રેકોર્ડીંગની તૈયારી કરો, આપણે આ ગીત રાખીશું.
ફિલ્મની વાર્તા અત્યંત હૃદયસ્પર્શી હતી; બે ગરીબ મિત્રો, રામૂ અને મોહન, ઘર-પરિવારથી અનાથ થઈને મુંબઈની સડકો પર એક બીજાને ભટકાય છે. રામૂ લંગડો છે અને મોહન આંધળો. બંને તેમની ગાવા-વગાડવાની પ્રતિભાના જોરે નિર્દયી મુંબઈ શહેરમાં કેવી રીતે જીવનનિર્વાહ કરે છે અને એકબીજા માટે બલિદાન આપે છે તેની આ વાર્તા એક રીતે નહેરુના ભારતની ગરીબી, બેરોજગારી અને અનીતિની પણ વાર્તા હતી. નોંધપાત્ર એ છે કે બંનેને તેમની પીડા માટે દુનિયા સામે ફરિયાદ નથી. બલકે તેઓ તેમની સ્થિતિમાં સકારાત્મક રહેવાનો પ્રયાસ કરે છે;
રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યોં સતાતી હૈ
દુઃખ તો અપના સાથી હૈ
સુખ હૈ એક છાંવ, ઢલતી આતી હૈ, જાતી હૈ
ભારતમાં ગરીબ હોવું એ એક શ્રાપ છે, તે એ વખતે જેટલું સાચું હતું એટલું જ આજે પણ સાચું છે. જેમ કે અભ્યાસમાં હોંશિયાર રામૂ તેના પરિવાર અને એક પગને ગુમાવી દે છે તે સાથે ઉત્તમ ભવિષ્યનું તેનું સ્વપ્ન પણ લંગડું થઇ જાય છે. એક રીતે એ આઝાદીના એક દાયકા પછીની પેઢીનું સ્વપ્ન તુટવાનો વાત હતી. મોહન સાથે પણ એવું જ થાય છે. તેની બહેનની શોધમાં આવેલા મોહનને મોટા શહેરના મતલબી લોકોની ઉદાસીનતાનો અનુભવ થાય છે, જેમની પાસે વંચિત અને હાંસિયામાં ધક્લાઈ ગયેલ લોકો માટે ન તો સમય છે કે ન તો સંવેદના.
ગરીબ, ભિખારી, રસ્તે રઝળતા અનાથ લોકો પ્રત્યે સમાજની સંવેદનશૂન્યતા કેવી હોય છે તેનાથી પરિચિત મજરૂહ સુલતાનપુરી એમાં મોહનના મોઢે ગવડાવે છે;
જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે
એક ઇન્સાન હું મૈં ભી તુમ્હારી તરાહ
પ્રગટ : ‘સુપરહીટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ભારતે 2023ના જી-20 શિખર સંમેલનનું યજમાનપદુ સ્વીકાર્યું છે. બાલી-ઇન્ડોનેશિયામાં આ અઠવાડિયે યોજાયેલા તેના 17માં સંમેલનમાં, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2023નું અધ્યક્ષપદ સુપરત કર્યું હતું. ભારતે, 2002માં જી-20ના નાણાં મંત્રીઓ અને બેંક ગવર્નરોની બેઠક યોજી હતી, પરંતુ 2008માં વૈશ્વિક નાણાંકીય અને આર્થિક કટોકટી પછી જી-20ને શિખર વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું, તે પછી ભારત પહેલીવાર 19 રાષ્ટ્રો વત્તા યુરોપિયન યુનિયનના આ આંતરરાષ્ટ્રીય ફોરમને ભારતની ઝાંખી કરાવશે. ભારત માટે આ તાજેતરનાં વર્ષોનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ છે. તેના માટે સંભવતઃ ઓકટોબર-નવેમ્બર વચ્ચે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તા જેવા મોટાં શહેરોને સમાવતા 200 જેટલાં કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.
દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને એમાં ભારતે શું કરવું જોઈએ તેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલાં પુસ્તક “ધ ઇન્ડિયા વે”માં સરસ સમજાવે છે. તેમના જ શબ્દોમાં :
“નેતાજી”ના ભત્રીજા (નાના ભાઈ શરતચંદ્ર બોઝના દીકરા) શિશિર કુમાર બોઝની પત્ની કૃષ્ણા બોઝનું સુભાષચંદ્ર બોઝનું એક જીવનચરિત્ર્ય “નેતાજી સુભાષચંદ્ર બોઝ’સ લાઈફ, પોલિટિક્સ એન્ડ સ્ટ્રગલ” પ્રગટ થયું છે, તેમાં તેમણે આ ગુજરાતી પત્રકારની જાતતપાસ વાળી વાત દોહારવી છે. હરિન શાહે 1956માં “વર્ડિક્ટ ફ્રોમ ફોર્મોસા : ગેલન્ટ એન્ડ ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ” નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે ભેગા કરેલા પુરાવાઓના આધારે કહ્યું હતું કે તેમનું પ્લેન ફોર્મોસા(આજે તાઈપેઈ)માં તૂટી પડ્યું હતું અને ગંભીર રીતે દાઝી ગયેલા બોઝે થોડીક જ મિનિટોમાં જાપાનીઝ મિલીટરી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
તાઈપેઈમાં બોઝના મૃત્યુની તપાસ કરનાર ગુજરાતી પત્રકાર હરિન શાહ કોણ હતા? એ 26 વર્ષના હતા અને મુંબઈના સૌથી જૂનાં અંગ્રેજી અખબારો પૈકીના એક “ફ્રી પ્રેસ જર્નલ”માં કામ કરતાં હતા. તે બોઝને, નહેરુને, સરદારને અને મોરારજી દેસાઈને સારી રીતે જાણતા હતા. “ફ્રી પ્રેસ જર્નલ”ના એડિટર એસ. સદાનંદે 1946માં હરિનને યુદ્ધ-સંવાદદાતા તરીકે ચીન-મોંગોલિયા મોકલ્યા હતા. એ જમાનામાં ચીનમાં પોસ્ટીંગ મેળવનાર હરિન શાહ પહેલા ભારતીય પત્રકાર હતા. તે વખતે ફોર્મોસા (તાઈપેઈ) ચીનના કબ્જામાં હતું. ફોર્મોસાને જાપાન પાસેથી છીનવી લેવાની “ઉજવણી”ના ભાગ રૂપે, ચીનના પબ્લિસિટી વિભાગે 52 વિદેશી પત્રકારોની પ્રેસ પાર્ટીની ફોર્મોસા મુલાકાત ગોઠવી હતી.