આપણે ગુજરાતી છીએ અને ઘણું ખરું ગુજરાતી બોલીએ છીએ. આપણાં સંતાનોને ભાન ન કરાવ્યું હોત તો એમણે પણ ગુજરાતી જ લખવા, વાંચવા કે બોલવાનું સ્વીકાર્યું હોત. બહુ બહુ તો એમણે અંગ્રેજી, હિન્દી ભાષાને એક વિષય તરીકે સ્વીકારી હોત ! આમ તો અંગ્રેજોના વખતમાં જ ગુજરાતી શાળાઓ શરૂ થઈ હતી. અંગ્રેજોના ગયા પછી પણ આપણી ભાષામાં થોડો વખત ગુજરાતીમાં ભણવાનું ને બીજી ભાષાઓ એક વિષય તરીકે શીખવાનું ચાલ્યું. પછી અંગ્રેજી માધ્યમનો ધંધો કરવાનું ને વધુ કમાણી કરવાનું શરૂ થયું. સરકારે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરતાં જઈને અંગ્રેજી માધ્યમનો વ્યાપાર શરૂ કર્યો. બધાં જ ઇંગ્લેન્ડ, અમેરિકા જવાના હોય તેમ, સરકારી દેખરેખ હેઠળ અહીં જ અંગ્રેજી પેઢી ઉછેરવા માંડી. આ વેપલો ન થાય તો કોઈ ગુજરાતી, અમેરિકા કે ઇંગ્લેન્ડ જઈ જ નહીં શકે એમ માનીને, અહીં “અંગ્રેજો” પેદા કર્યા ને કરી રહ્યા છીએ.
અંગ્રેજી માધ્યમ થયું તે પહેલાં કોઈ ગુજરાતી પરદેશ ગયો જ ન હતો એવું ન હતું. ઘણી વાર તો અહીં જરૂરી અંગ્રેજી થોડો વખત ખાનગી ટ્યૂશન દ્વારા શીખીને ઘણા ગુજરાતીઓ વિદેશ ગયા. કોઈ ગુજરાતી અંગ્રેજી ન આવડવાને કારણે ગુજરાત પાછો આવ્યો હોય એવું જાણમાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અંગેજી માધ્યમ હોય કે ન હોય કે ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ થયું હોય તો પણ, જેમને અંગ્રેજી કે બીજી ભાષા શીખવાની જરૂર પડી તે શીખીને જ રહ્યા છે ને જેમને ભાષા આવડવાની જ ન હતી તે તો અંગ્રેજી માધ્યમમાં ભણવા છતાં, ભાષા બાબતે નબળાં જ રહ્યાં છે.
આ તો માધ્યમની વાત થઈ, પણ ભાષા તરીકે ગુજરાતીને આપણે બહુ જ ઓછી ચાહી છે. ગુજરાતીને માન્ય ભાષાનો દરજ્જો મળેલો છે, છતાં અન્ય પ્રદેશના લોકો પોતાની ભાષાને જે માન આપે છે, એ આપણે ગુજરાતીને નથી જ આપતા. અંગ્રેજી માધ્યમની અને અંગ્રેજી ભાષાની આપણે કરીએ છીએ એવી ચાપલૂસી બીજા કોઈ રાજ્યમાં નથી. આમ થવાનું કારણ એ છે કે આપણી સરકાર અંગ્રેજીની ભાટાઈ કરવામાંથી ઊંચી નથી આવતી અને તેની માનસિકતા એવી છે કે અંગ્રેજીમાં નહીં ભણે તો ગુજરાત પાછળ રહી જશે ને કરુણતા એ છે કે અંગ્રેજી માધ્યમની આટલી દલાલી કરવા છતાં ગુજરાત શિક્ષણને મામલે પાછળ જ રહ્યું છે. બંગાળીઓ, બંગાળીને કારણે કે મરાઠાઓ, મરાઠીને કારણે પાછળ નથી પડ્યા. એમાં ગુજરાતી જ અપવાદ છે. એને જ એવો ભય છે કે વિદેશમાં ગુજરાતી ભાષાને કારણે ગુજરાતી નિષ્ફળ જશે. અહીં કોઈ પણ ભાષા કે માધ્યમનો વાંધો નથી જ, વાંધો ગુજરાતીને માતૃભાષા તરીકે માન ને પ્રેમ નથી મળતાં તેનો છે.
એક વાત સમજીએ કે ભાષા ન હતી ત્યારે પણ મનુષ્ય તો હતો જ. ભાષા ન હતી ત્યારે ઉદ્દગારો કે હાવભાવથી વ્યવહાર ચાલતો હતો. પછી વ્યવહારની સરળતા માટે ભાષા અનેક કુળ, પ્રકારો સાથે દેશ-વિદેશોમાં વિકસી. ભાષા જાણ્યા પછી ભાષા વગર કામ પાડી શકાય કે કેમ તેવા પ્રયોગો પણ થયા. ફિલ્મોમાં પહેલાં ભાષા ક્યાં હતી? વર્ષો સુધી ફિલ્મો મૂંગી રહી. ફિલ્મો બોલતી થઈ તે પછી પણ “સાઇલન્ટ મૂવી”ના પ્રયોગો થયા છે. સેમ્યુઅલ બેકેટ જેવાએ તો સંવાદ વગર પણ નાટક ખેલ્યું છે. નાટકમાં સંવાદ વગર ચાલે નહીં, પણ સંવાદનું કામ બેકેટે ક્રિયા પાસેથી લીધું. પણ, આ બધા પ્રયોગો છે. એ પછી પણ એટલું સ્વીકારવાનું થાય કે ભાષા વગર મનુષ્યને ચાલે એમ નથી.
અંગ્રેજી શાસન પહેલાં ભારત પર સંસ્કૃતનો ખાસો પ્રભાવ હતો. સંસ્કૃત દેવભાષા હતી. તે આપણી ઉદાસીનતાને કારણે દેવલોક થવાની સ્થિતિમાં આવી. સંસ્કૃતમાંથી હિન્દી, મરાઠી અવતરી એમ જ ગુજરાતી પણ જન્મી. નરસિંહ મહેતા ગુજરાતીનો આદિ કવિ ગણાયો ને નર્મદ અર્વાચીનોમાં આદ્ય ગણાયો. અનેક કવિઓ, લેખકોને હાથે ગુજરાતીનું જતન-સંવર્ધન થયું. ગુજરાતી અનેક પ્રદેશોમાં બોલાતી થઈ. તેમાં જે તે પ્રદેશની લાક્ષણિક્તાઓ ભળી ને એમ ચરોતરી, સુરતી, કાઠિયાવાડી જેવી અનેક બોલીઓ વિકસી. બાર ગાઉ એ બોલી બદલાય – એમાં બોલીનો અને એ દ્વારા ગુજરાતીનો જ મહિમા થયો. એ ભાષાને આપણે ગુજરાતીઓ ભૂંસવા બેઠા છીએ.
બાળક જન્મે છે પછી તેને સ્કૂલમાં કક્કો શીખવાય છે, પણ તે પહેલાં તેને ક, ખ, ગ, ઘ બોલતાં આવડી ગયું હોય છે. એ શીખે છે તે મા પાસેથી, કુટુંબ પાસેથી. બધી ભાષા શીખવી પડે છે, માતૃભાષા શીખવી પડતી નથી. એ માતૃભાષાની ગુજરાતમાં કોઈ કદર-કિંમત નથી. સરકાર પોતે માતૃભાષાને ભૂંસવાનું પાપ કરી રહી છે તે ઠીક નથી.
હવે એ જોઈએ કે ભાષાનો આપણે કેવોક ઉપયોગ કરીએ છીએ? ભાષા કોઈ પણ હોય, એ બોલીએ છીએ ત્યારે કેટલી આપણી હોય છે અને કેટલી આપણામાં આરોપવામાં આવે છે? જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આપણે એ તો બોલતાં જ નથી જે બોલવું છે.
ભાષા અત્યારે નફો રળવાનું ને છેતરવાનું મોટું કામ કરે છે. ટી.વી. પર કે અન્ય માધ્યમોમાં આવતી જાહેરખબર જોઈએ તો ખબર પડશે કે તે આપણને લલચાવનારી ભાષાનો ઉપયોગ કરીને છેતરે છે. હેલ્થ ઈન્સ્યોરન્સની જાહેરાતો આપણી હેલ્થ સાથેની સીધી રમત છે. બધાં જ આપણા પૈસા બચાવવાની વાતો કરે છે ને છૂપો હેતુ ગજવાં ખંખેરી લેવાનો રાખે છે. ભાષાનું એ છેતરામણું રૂપ છે. અસત્ય કે અર્ધસત્ય, ભાષા દ્વારા એ રીતે પ્રગટ થાય છે કે કોઈને કોઈ કારણે આપણે તે તરફ ખેંચાઈએ ને ખંખેરાઈએ. એની ખૂબી એ છે કે આપણે સામે તરત પ્રતિક્રિયા પહોંચાડી શકતાં નથી.
બીજી તરફ તરત પ્રતિભાવની સગવડ આપણને સોશિયલ મીડિયામાં ભરપૂર મળી છે. એમાં મોટે ભાગે ભાષાનો ઉપયોગ થતો નથી ને થાય છે તો દુરુપયોગ જ થાય છે. હવે તો આપણે ભાષાનું કામ સિમ્બોલ્સથી લેવા માંડયું છે. શબ્દો ટૂંકા કરી દીધા છે. તેટલું પણ ન કરવું પડે એટલે લાઈક્સ, ઇમોજિસથી કામ કાઢીએ છીએ. મેસેજ કે આર્ટિકલ કે ફોટો જોયા, જાણ્યા વગર જ લાઈક્સ કે થમ્સ અપના સિમ્બોલ્સથી કામ લેતાં આપણને આવડી ગયું છે. આપણે જેને માટે અંગૂઠો મારીએ છીએ તે પણ જાણે છે કે સામેવાળાએ કૈં જોયું નથી. આમાં કેટલાંક ખરેખર સાચું કહે, લખે છે, પણ મોટે ભાગના તો વેઠ જ ઉતારે છે. આમ કરવાનું કોઈ કહેતું નથી, પણ બધું દેખાદેખી ચાલે છે. કોઈના મરણનો મેસેજ પણ “લાઈક” થાય છે. મરનાર વ્યક્તિ હાજર હોતી નથી, બાકી કહી શકે કે મરવાની હજાર લાઈકસ મળી. મેસેજ મૂકાય ત્યાં તો લાઈક્સ આવવા માંડે છે. એવું થતું નથી, બાકી તો લાઈક્સ, મેસેજ પહેલાં પણ આવવા માંડે. આમાં સાચી ભાષાને અવકાશ જ ક્યાં રહે છે? એક આખી નકલી સંસ્કૃતિ બધે જ ઊભી થઈ છે, જે ખોટાંને સાચી લાઈક્સ આપીને કે વખાણીને ભાષાનો દુરુપયોગ કરે છે. અહીં સત્ય સિવાય બધું જ ખપે છે.
આપણને એ ખ્યાલ છે કે આપણે ઘેટાંની જેમ વર્તીએ છીએ? ઘેટાં એકની પાછળ એક ચાલ્યા કરે છે. આપણું પણ એવું જ છે. સાચું તો એ છે કે આપણે નરવા માણસ જ નથી. આપણે આ કે તે પક્ષના કે ધર્મના કે સમાજના છીએ. આપણને કહેવામાં આવે છે ને આપણે કોઈ સ્થળે જીવનું જોખમ હોય તો પણ ઠલવાઈએ છીએ. આપણો નેતા કે ધર્મગુરુ કૈં કહે છે તો તે આંખ મીંચીને સાંભળીએ કે કરીએ છીએ. આપણને કહેવામાં આવ્યું છે એટલે કે બીજા પાડે છે તે જોઈને તાળીઓ પાડીએ છીએ કે સૂત્રોચ્ચાર કરીએ છીએ. આપણામાં ને ઘેટાંમાં ફરક નથી. એ માલિક કહે છે તેમ કરે છે, આપણને નેતા કે કથાકાર કહે તેમ કરીએ છીએ. આપણે વ્યક્તિ નથી, ટોળું છીએ. આમ આપણી પાસે સમય નથી, પણ ટોળું કરવામાં, ક્યાંક બેસીને સાંભળ્યા કરવામાં આપણી પાસે કલાકો છે. કૈં થાય છે તો નેતા ગોળી નથી ખાતો, આપણે ખાઈએ છીએ. કોઈ કારણ ન હોય કે કોઈ વાંક ન હોય, પણ લાઠી આપણે ખાઈએ છીએ. એવું તો નથીને કે આપણી વફાદારી, કોઈ નેતા કે પક્ષ આપણાં મોતથી વટાવે છે?
કોઈનું કહ્યું કેમ કરવાનું એવા સવાલો પણ આપણને થતા નથી. સવાલો ન થવા એ સારી સ્થિતિ છે, પણ અહીં આપણે આધ્યાત્મિક ભૂમિકાએ નથી. આપણને ખરુંખોટું સમજાય નહીં ને મૂઢમારની અવસ્થામાં પ્રશ્નો જ ન થાય એ સારી સ્થિતિ નથી. આપણને જાણે “બોસ”ની ટેવ પડી ગઈ છે! એમાં કોઈ કૈં ખટાવે ને તેની ગુલામી કરીએ તે તો સમજી શકાય, પણ એમ જ કોઈ દોરે ને દોરવાયા કરીએ એમાં આપણાપણું બચે છે ખરું? આપણે કોઈનું બોલાવેલું બોલીએ છીએ. કોઈનું કહેલું કરીએ છીએ. એ ખોટું હોય કે ખરું, કરીએ છીએ. પ્રશ્ન તો એ થાય કે આપણે વિચારીએ છીએ ખરા કે કોઈનું વિચારેલું જ વિચાર્યા કરીએ છીએ? એવું તો નથીને કે આપણે બદલે બીજું જ કોઈ આપણામાં જીવે છે? આપણે જ આપણા ન હોઈએ ત્યાં ભાષા આપણી કેટલીક હોય? હકીકત એ છે કે ચાવી દીધેલ રમકડાંનું જીવન આપણે જીવીએ છીએ. એમાં આપણાપણું નથી, પારકાપણું જ છે ને આપણે કહીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ, આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આનાથી મોટી મજાક બીજી કઈ હોય?
આનો ઉપાય શો? ઉપાય એ કે બીજા વિષે વિચારીએ તેની સાથે જ પોતાને વિષે પણ વિચારીએ. જાતને પૂછીએ કે આપણામાં આપણો વિચાર છે? આપણું વિચારેલું આપણે કહી, કરી શકીએ તેમ છીએ? એવું કહેવાની જગ્યા છે કે સમજ્યા વગર આપણે બીજાનું બોલાવેલું જ બોલ્યા કરીએ છીએ? આપણે એ તો નથી કરતાં ને જે કરવું નથી? આપણે મશીન છીએ કે માણસ તે જાતને પૂછીએ ને વિચારી શકતા હોઈએ તો વિચારીએ –
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 માર્ચ 2021