‘અગ્નિપથ’ આમ તો હરિવંશરાય બચ્ચનની કવિતા છે. એમાં કાંટાળો માર્ગ પસંદ કરી આગળ વધવાની ને કોઈ અપેક્ષા ન રાખવાની વાત છે. આ નામની જ બે ફિલ્મો પણ આવી ગઈ છે. એનાથી પ્રેરિત થઈને કે સાવ સ્વતંત્ર રીતે સરકારે ‘અગ્નિપથ’ નામની યોજના જાહેર કરી, જેમાં 17.5થી 26ની વયમર્યાદા ધરાવતા 10 કે 12 પાસ યુવાનો અને યુવતીઓને સૈન્યમાં નોકરી આપવાની વાત છે. પસંદગી પામેલા યુવાનોની 6 મહિનાની તાલીમ પછી, 4 વર્ષ સુધી ‘અગ્નિવીર’ તરીકે સેવા લેવાનો અને 30થી 40 હજારનો માસિક વેતનનો લાભ આપવાનો હેતુ સરકારનો છે. એ ઉપરાંત 4 વર્ષ પછી નિવૃત્ત થનારને 11.71 લાખનો નિવૃત્તિ લાભ આપવાની યોજના પણ છે, પણ 14 જૂને બહાર પડેલી યોજનાનો, એક જ દિવસમાં યોજના પરત ખેંચવાની માંગ સાથે બિહાર અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો ને તેની ઝાળ તેલંગાણા, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ જેવાં 19 રાજ્યો સુધી ફેલાઈ અને 369 ટ્રેન સેવાઓ રદ્દ કરવી પડી. આ વિરોધમાં સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવામાં આવી તો ક્યાંક બસ સળગાવવાના પ્રયત્નો પણ થયા. પથ્થરમારો ને આગજનીની ઘટનાઓ વધતાં પોલીસે હિંસાને કાબૂ કરવા લાઠીચાર્જનો, ગોળીબારનો આશરો લેવો પડ્યો છે. આ બબાલમાં બે મોત થયાં છે. જેમાં એક ગોળીબારથી તો બીજું આત્મહત્યાથી થયું છે.
જે ઝડપથી હિંસા વકરી છે તે પરથી વિપક્ષો દૂધે ધોયેલા નથી તેની પ્રતીતિ થાય છે. એ જે હોય તે, પણ કોઈ પણ સંજોગોમાં હિંસાનું સમર્થન ન થાય. ન જ થાય. ટ્રેન ફૂંકવાથી નોકરી મળે એવી કોઈ યોજના ક્યાં ય નથી એટલે હિંસા તમામ સ્તરે વખોડવાની જ હોય, એ સાથે જ આપણી સરકારો શાંત વિરોધને કાને ભાગ્યે જ ધરે છે તે પણ હકીકત છે. આવું વલણ પણ વખોડને પાત્ર છે. ખાસ કરીને આ યોજના પૂરતું એટલું છે કે યોજનામાં લૂપ હોલ્સ હોય તો પણ, સરકારનો ઇરાદો યુવાનોને નોકરી આપવાનો છે એ વાત જમા પક્ષે નોંધવી જ પડે. ભલે ચાર વર્ષ માટે પણ સરકાર 30 હજારનો પગાર પહેલે વર્ષે આપવા માંગે છે ને ચાર વર્ષને અંતે તે 40 હજાર સુધી પહોંચે તેમ છે. આ કોઈ રીતે એવું પગલું નથી કે સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવાને કોઈ કારણ મળે. નોકરીના ચાર વર્ષ પછી 11.71 લાખ નિવૃત્તિ ફંડ મળે તે પણ એવી વાત નથી કે તેનો હિંસક વિરોધ કરવો જ પડે. આમાં કોઈ બદઇરાદો સરકારનો જણાતો નથી, તો આટલો ભયંકર હિંસક વિરોધ આ યોજનાનો કેમ? એમ લાગે છે કે સરકાર યુવાનોને યોજના સમજાવવામાં નિષ્ફળ ગઈ છે અથવા તો યુવાનોએ યોજના સમજવામાં ઉતાવળ કરી છે. એવો વહેમ પડે છે કે યોજના બહાર પડે કે ન પડે, પણ હિંસક વિરોધ કરવાનું અગાઉથી જાણે નક્કી જ હતું. એવું હોય તો તે નિંદનીય ને શરમજનક છે. સાદી વાત તો એટલી જ છે કે આ યોજના ફરજિયાત નથી, જેને ન ફાવે તે એનાથી દૂર રહે, પછી આટલા વિરોધને અવકાશ જ ક્યાં રહે છે?
એવું પણ નથી કે સરકાર ભોળા ભાવે બધું કરે છે. ચાર વર્ષની નોકરીનો વિચાર અમેરિકાથી પ્રેરિત હોય તો નવાઈ નહીં. અમેરિકામાં આમ જ ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર યુવાનોને નોકરી અપાય છે. ફ્રાંસ, ચીન, બ્રિટન, રશિયા જેવા દેશોમાં પણ આવી યોજનાઓ છે જ. એટલે સરકારનો આ વિચાર મૌલિક છે એવું નથી, પણ વિદેશના આવાં આયોજનનાં કારણો ને ભારતનાં કારણો જુદાં હોય એ શક્ય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને બે વર્ષનાં કોન્ટ્રાક્ટ પર જ એરફોર્સમાં ભરતી કરેલી. દેખીતું છે કે પછી એવી ભરતી ચાલુ રાખવાનું કોઈ કારણ ન રહે. એવું કામચલાઉ કારણ ભારતમાં ન હોય એટલે ખરેખર તો યોજનાને એ રીતે વિચારીને અમલમાં મૂકવાની રહે.
આ સરકારની સૌથી મોટી મર્યાદા એ છે કે એ પ્રજાને વિશ્વાસમાં લીધા વગર જ યોજનાઓ ઠોકી બેસાડે છે. એક રાત્રે હજારની નોટ રદ્દ કરવાની જાહેરાત થોડાં વર્ષો પર થઈ. તેનો હેતુ કાળું નાણું બહાર કઢાવવાનો હતો. તે તો ખાસ ન થયું, પણ ઘણાંએ કાળું નાણું વાઇટમાં ફેરવી લીધું. હજારની નોટની સંગ્રહખોરી રોકવા એ નોટ રદ્દ થઈ અને ગમ્મત એ થઈ કે સરકારે 2 હજારની નવી નોટ બહાર પાડી. એનાથી સંગ્રહખોરી કઇ રીતે ઘટે એ આજ સુધી સમજાયું નથી. એમ જ ખેડૂતોને લગતા ત્રણ કાયદા લાગુ કરી દેવાયા ને જે ખેડૂતોને એ લાગુ કરાયા હતા, એમને જ વિશ્વાસમાં લેવાયા ન હતા, પરિણામે લાંબું આંદોલન છેડાયું. પછી તો ચૂંટણી આવતી હતી ને ખેડૂતો નારાજ રહે તો જીતવાનું અઘરું હતું એટલે ત્રણે કૃષિ કાનૂનો પાછા ખેંચાયા. અત્યારે પણ જે રીતનો વિરોધ અગ્નિપથનો થઈ રહ્યો છે, એ જોતાં લાગે છે કે આ યોજના સરકારે પાછી ખેંચવી પડશે અથવા તો તેમાં યુવાનોને રીઝવવા જરૂરી ફેરફારો કરવા પડશે.
અહીં સવાલ એ થાય કે એવું વાંધાજનક શું છે અગ્નિપથમાં કે યુવાનોએ આટલો જલદ વિરોધ કર્યો? જોઈએ. યોજના પહેલાં તો 17.5થી 21ની વયના યુવાનોને જ લાગુ પડે એવું હતું. આ એટલે વિરોધ કરવા યોગ્ય બન્યું કે બે વર્ષથી યુવાનો કોરોનાને કારણે લગભગ નિષ્ક્રિય રહ્યાં. એમાં બીજું તો કૈં ન વધ્યું, પણ ઉંમર વધી ગઈ. આ યોજના બે વર્ષ પહેલાં અમલમાં આવી હોત તો 21ની ઉંમરનો આટલો વાંધો ન પડ્યો હોત, પણ કોઈ વાંક વગર યુવાનોને બે વર્ષ મોટા થવાનું જ આવ્યું ને ઉંમર 23 થઈ. એટલે જે 23ના થઈ ચૂક્યા હતા એમને 21ની લિમિટ હોય તો તક મળે એમ ન હતું. એટલે ઉંમરનો વિરોધ હતો તે યોગ્ય જ હતો. સરકારને પણ એ વાત ધ્યાનમાં આવી ને તરત જ તેણે જાહેર કર્યું કે 17.5થી 21 નહીં, પણ 23ની ને હવે 23 પણ નહીં, 26ની ઉંમરના યુવાનો પણ આ યોજનાને માટે પાત્રતા ધરાવે છે.
સરકાર એવું માને છે કે સંરક્ષણ બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શનમાં ખવાઈ જાય છે. તેની ગણતરી એવી છે કે પગાર, પેન્શન ઘટે તો બચતમાંથી અતિ આધુનિક શસ્ત્રો ખરીદી શકાય ને એ ખરીદી શકાય તો ઓછાં માણસોએ તેનો વ્યાપક ને વધુ સંહારાત્મક ઉપયોગ શક્ય બને. આ ખરીદી તો જ શક્ય બને જો પગાર અને પેન્શનનો આંકડો ઘટે. એ ઘટાડવા આ આખું કમઠાણ ઊભું કરાયું છે. બ્રિટનમાં નક્કી સમય મર્યાદાવાળી કામચલાઉ યોજના ‘ટૂર ઓફ ડ્યૂટી’ બીજા વિશ્વયુદ્ધ વખતે સફળ થઈ તો બીજા દેશોએ પણ તે અપનાવી. એમાં ભારતને રસ એટલે પડ્યો કે એમાં મોટા પગાર અને પેન્શનની જવાબદારીમાંથી છટકી શકાય એમ હતું. એટલે 4 વર્ષની અગ્નિપથ યોજના સૈન્યની ત્રણે પાંખમાં જાહેર કરી. મેડિકલ અને ફિઝિકલ ફિટનેસનાં ધોરણો અન્ય લશ્કરી ભરતીના નિયમો જેવાં જ રખાયાં. ટ્રેનિંગ ઓછી, પણ છ મહિનાની તો ખરી જ. આટલી ‘કસરત’ કર્યા પછી 30 વર્ષે યુવાન નિવૃત્ત થાય, પછી નોકરીની કોઈ ગેરંટી આપવા સરકાર રાજી ન હતી. તે 25 ટકાને કાયમી રીતે સેનામાં સમાવી લેવાની વાત કરતી હતી, પણ બાકીના 75 ટકાની કોઈ ખાતરી મળતી ન હતી. હવે આટલા હિંસક વિરોધ પછી સરકાર વયમાં ત્રણથી પાંચ વર્ષની છૂટછાટની અને 10 ટકા અનામતની વાત લાવી છે. આ ઉપરાંત તે અર્ધ લશ્કરી દળોમાં ને આસામ રાઈફલ્સમાં પ્રાયોરિટી આપવાની વાત પણ કરે છે, એ સાથે જ સ્પોર્ટ્સ મંત્રાલય પણ ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ પણ નિવૃત્ત અગ્નિવીરોથી ભરવાની વાત કરે છે, કારણ 15 લાખ જગ્યાઓ ખાલી છે. આ જ્ઞાન પણ સ્પોર્ટ્સ મંત્રાલયને આટલી હિંસા પછી થયું. નાણાં મંત્રીએ પણ જીવદયાને ધોરણે કોઈ જગ્યા ઊભી કરી શકાય તો તેમ કરવાની વાત કરી છે, પણ આ બધી વાતો છે. ખરેખર તો આ વાતોને યોજનાનો ભાગ બનાવીને પછી ફૂલપ્રૂફ સ્કિમ જાહેર કરવી જોઈએ, પણ સરકાર એ બધું પછી વિચારે છે, પહેલાં તો તે યોજના ઠોકી જ બેસાડે છે. સરકાર નિવૃત્તિ પછી ‘અગ્નિવીર’ને પ્રમાણપત્ર આપવા તૈયાર છે જેથી બીજા ક્ષેત્રમાં પણ નોકરીની તકો વધે, પણ તેનું કશું ચોક્કસ નથી એટલે કે ચાર વર્ષ પછી નોકરીની ચિંતા તો રહે જ છે. ચાર વર્ષનાં પગાર ને ફંડ મળે, પણ ચાર વર્ષમાં મોંઘવારી વધે તો અત્યારે મોટી લાગતી રકમ ત્યારે નાની થઈ જાય એમ બને. વારુ, ચાર વર્ષ પછી આ નોકરી છૂટે તો ઉંમર 30થી વધી ગઈ હોય. ત્યારે ન ભણવાની તક રહે, ન નોકરીની. અનિશ્ચિતતા જ સિલકમાં રહે. આ કારણો સર દેશભરમાં અગ્નિપથનો વિરોધ થઈ રહ્યો છે.
નોકરી દરમિયાન મૃત્યુ થાય તો 44 લાખ બીજા મળે, પણ પેન્શન ના મળે. ખરેખર તો પેન્શન ના આપવું પડે એટલે સરકારે કામચલાઉ નોકરીની આવી તકો ઊભી કરી છે, પણ ચાર વર્ષ પછી પણ નોકરીની નિશ્ચિતતા ન રહે તો આટલી મહેનતે મેળવેલી નોકરીનો અર્થ જ કેટલો રહે? ચાર વર્ષ પછી યોગ્યતાને ધોરણે સરકાર 25 ટકા માટે કાયમી તક ઊભી કરે, પણ બાકીના 75 ટકા માટે એવી કોઈ ખાતરી નહીં. ચાર વર્ષ પછી બધી જ સમાન પાત્રતા હોવા છતાં એક કાયમી થાય અને બીજાએ નોકરી શોધવાની રહે, એ બરાબર નથી. ચાર વર્ષનાં કોન્ટ્રાક્ટ પર સરકાર નોકરીની તકો ઊભી કરવા એટલે તૈયાર થઈ છે જેથી મોટો પગાર ન આપવો પડે ને પેન્શનનો લાભ તો યોજનામાં પહેલેથી જ નથી એટલે પેન્શન પણ બચે. આ કંજૂસી યોગ્ય નથી.
જે સૈનિક વફાદારીથી સરહદી સુરક્ષાની ફરજ બજાવે, એમ કરતાં શહીદ થાય ને તેને પેન્શન આપવામાં દિલચોરી થાય એ ઠીક નથી. સેના જેટલી પ્રમાણિકતા બીજા કોઈ ક્ષેત્રમાં ભાગ્યે જ હશે. સૈનિકને પેન્શન આપવું પડે એની તકલીફ થતી હોય તો સરકારે પહેલાં તો સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરોનાં પેન્શન તાત્કાલિક અસરથી બંધ કરવા જોઈએ. આમાંના ઘણા તો એકથી વધુ પેન્શન મેળવે છે, એટલું જ નહીં, એમને આ બધું પાછું કરમુક્ત પણ છે. જો પેન્શન જ બચાવવું હોય તો સરકારે પહેલ સંસદથી કરવી જોઈએ. એ બંધ થાય પછી જ બીજાની વાત છેડવી જોઈએ. આ તો ડાહી સાસરે ન જાય … જેવું કરે છે તે તો કેમ ચાલે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જૂન 2022
![]()


તમને એવું લાગે છે કે કોઈ છેતરી રહ્યું છે? મને તો લાગે છે. મોટે ભાગે બે પ્રકારના માણસો જોવા મળે છે. એક છેતરે છે ને બીજા છેતરાય છે. છેતરપિંડી એ આજના યુગનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એ એક જ ક્ષેત્રમાં છે એવું નથી. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી. જે એમ માનતા હોય કે પોતાને કોઈ છેતરી ન શકે, તો એ ભીંત ભૂલે છે. કોરોનાનો જ દાખલો લઇએ. ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ફતવાઓ બહાર પડી ચૂક્યા છે. એમાં સાચું ખોટું કૈં પરખાય છે? કોરોના હોય અને તેની કાળજી રાખવાની હોય તેની ના નથી, પણ જે રીતે એની લહેર ઊઠે છે તે કૈં લીલાલહેર માટે તો નથી જ ! એ એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે. મોટે ભાગે બે મોઢાંની વાતો ચાલે છે. એક કહે છે એમાં ડરવા જેવું કૈં નથી ને બીજું કહે છે ચિંતા કરવા જેવું તો છે જ ! આ વાતો નિયમિત રીતે થોડે થોડે મહિને આપણા કાન ખોતર્યા કરે છે. જરા સ્કૂલો ચાલવા પર આવે છે કે આ ડર ફેણ પછાડીને બેઠો થાય છે. કોઈ રોગ આટલો નિયમિત જોયો નથી. આ તે રોગ છે કે પ્રીમિયમ લેવા આવતો કોઈ એજન્ટ ! કોરોના આવે છે કે કોઈ લાવે છે તે જ નથી સમજાતું.